ભૂલ એટલે શું, ભૂલ કોને કહેવાય અને ભૂલનો સ્વીકાર કેમ થાય?

11 February, 2020 01:32 PM IST  |  Mumbai | Manoj Joshi

ભૂલ એટલે શું, ભૂલ કોને કહેવાય અને ભૂલનો સ્વીકાર કેમ થાય?

સૌથી પહેલાં તો પહેલા પ્રશ્નને જરા સમજવો જોઈએ, ભૂલ એટલે શું?

આ પ્રશ્નનો જવાબ મળશે તો બાકીના તમામ પ્રશ્નોનો જવાબ તમને સહજ રીતે અને સરળ રીતે મળી જશે, પણ જો પહેલા પ્રશ્નના જવાબમાં જ તમે અટવાયા તો બાકીના કોઈ જવાબ તમે મેળવી શકવાના નથી અને આ જ કારણે પહેલા પ્રશ્નનો જવાબ જાણવો અત્યંત આવશ્યક અને જરૂરી છે. કારણ એ કે મોટા ભાગે કોઈ સ્વીકારવા તૈયાર નથી હોતું કે ભૂલ પોતે કરે છે અને પોતે કરે છે એ ભૂલ પણ હોઈ શકે છે. ભૂલને વાજબી રીતે સમજવાની માનસિકતા કેળવવી ખૂબ જ જરૂરી અને અન‌િવાર્ય છે. ભૂલને જો તર્ક સાથે જોડવાનું કામ કરો તો એ તમને ક્યારેય ભૂલ લાગવાની નથી અને જો એ ભૂલ લાગવાની ન હોય તો ક્યારેય કોઈ સુધારો થવાનો નથી. જો સુધારો થવાનો હોય, જો સુધારો કરવાનો અવકાશ મેળવવો હોય અને જો સુધારાની ભાવના મનમાં હોય તો ભૂલને કોઈ રીતે તર્કની સાથે અને દલીલો સાથે જોડીને જોવાનો પ્રયાસ કરશો તો તમને આગળ જતાં ક્યાંય સુધારો કરવાનો અવકાશ મળવાનો નથી અને જો એ અવકાશ તમે મેળવી નહીં શકો તો વારંવાર એ જ ભૂલનું પુનરાવર્તન થશે અને એટલે જ કહેવાય છે કે જો તમે ભૂલ ન ઇચ્છતા હો, વારંવાર પુનરાવર્તન થતી ભૂલ ન ઇચ્છતા હો તો તમારે એ ભૂલને છાવરવાનો પ્રયાસ છોડી દેવો જોઈએ. અહીં જો કોઈ મહત્વનો મુદ્દો હોય તો એ કે ભૂલ કોને કહેવાય?

જે કામ તમને સોંપવામાં નથી આવ્યું, જે તમારી જવાબદારીના પરિઘમાં નથી અને જે કામ માટે તમારી નિયુક્તિ નથી થઈ અને એ પછી પણ તમે એ કરો છો એ ભૂલ છે. પારિવારિક ચર્ચા હોય તો પણ આ જ વાત લાગુ પડે, આર્થિક જવાબદારીથી માંડીને સામાજિક ગેરવ્યવસ્થા ફેલાવે એવાં કામ સાથે પણ આ જ વાત લાગુ પડે અને એ લાગુ પડ્યા પછી જો તમે એનો બચાવ કરવાનું કામ શરૂ કરો તો એ માત્ર તર્ક અને અણીશુદ્ધ દલીલ માત્ર છે. આ બધાને રોકવા અને અટકાવવાની જવાબદારી તમારી છે. ચાણક્યની જ એક વાત અત્યારે કહેવાનું મન થાય છે. ચાણક્ય કહેતા કે ડાહ્યો માણસ ક્યારેય દોઢડાહ્યો ન હોય.

વાત ખરેખર અત્યંત જરૂરી અને સમજવા યોગ્ય છે અને દલીલો કરનારા કે પછી તર્ક સાથે પોતાની દરેક વાતનો કે પછી ભૂલનો બચાવ કરવા નીકળનારાઓ દોઢડાહ્યા જ હોય છે. જો તેનામાં ડહાપણ હોય તો તે દરેક વાતનો અર્ક સમજીને ફરીથી, નવેસરથી એ જ માર્ગ પર ચાલવાનું શરૂ કરી દે છે જે માર્ગ તેને પૂર્ણતાના આરે લઈ જાય છે. પૂર્ણતા પામવી હોય તો એક વત્તા એકનો સરવાળો જ યોગ્ય અને વાજબી કહેવાય.

એક વત્તા એક માઇનસ બે વત્તા એક વત્તા શૂન્ય વત્તા એક બરાબર બે.

આ દાખલાનો જવાબ પણ સાચો છે એટલે એવું માનવાની જરૂર નથી કે દરેક જવાબ સત્યના રસ્તે લઈ જાય, લઈ જાય, પણ એ થકવી દે એ રીતે લઈ જાય તો સરળ સત્યને પકડવાનું હોય. દલીલો કરનારા અને સ્વબચાવ માટે પોતાની દલીલોનો ઉપયોગ કરનારા પણ આવા જ દાખલા ગણાવતા હોય છે અને એવું કરીને તે વાતને ગૂંચવવાનું કામ કરે છે. આ પ્રકારે સર્જાતી ગૂંચવણો હંમેશાં જાતને છેતરવાના હેતુથી જ થઈ રહી હોય છે અને જાતને છેતરનારો ક્યારેય સુખી નથી થતો. પોતે પણ નથી થતો અને પોતાની આસપાસ જે હોય છે તેને પણ તે સુખી નથી કરી શકતો.

manoj joshi columnists