જો પુરુષ સ્ત્રીના મનના અવાજને સાંભળતો થઈ જાય તો?

06 September, 2022 10:17 AM IST  |  Mumbai | Jigisha Jain

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ માં નાયકને અચાનક એવું વરદાન મળે છે કે તે સ્ત્રીઓના મનના અવાજને સાંભળી શકે છે અને એને કારણે જે પરિસ્થિતિઓ સરજાય છે એનું વર્ણન ફિલ્મમાં છે

જો પુરુષ સ્ત્રીના મનના અવાજને સાંભળતો થઈ જાય તો?

વર્ષોથી સ્ત્રીઓની એ ફરિયાદ રહી છે કે પુરુષો તેમને સમજતા જ નથી. હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ માં નાયકને અચાનક એવું વરદાન મળે છે કે તે સ્ત્રીઓના મનના અવાજને સાંભળી શકે છે અને એને કારણે જે પરિસ્થિતિઓ સરજાય છે એનું વર્ણન ફિલ્મમાં છે. આ સંદર્ભે ચાલો આજે કાલ્પનિક દૃષ્ટિએ વિચારી જોઈએ કે જો ખરેખર દરેક પુરુષ સ્ત્રીના મનનો અવાજ સાંભળતો થઈ જાય તો શું થશે

સ્ત્રીના જીવનની સૌથી મોટી ફરિયાદ કોઈ હોય તો એ છે કે તેને કોઈ સમજતું નથી. અને પુરુષોના જીવનની મોટામાં મોટી ફરિયાદ એ હોય છે કે આ સ્ત્રીઓ સમજાતી કેમ નથી. સ્ત્રીને તો નારાયણ પણ સમજી નથી શક્યા તો આપણે તો તુચ્છ મનુષ્ય જેવા સ્ટીરિયોટાઇપ સંવાદો હજી પણ ઘણા લોકોના મોઢે રમતા હોય છે. સ્ત્રી તો વિચારે છે જુદું, સમજે છે જુદું, બોલે એનાથી પણ જુદું અને કરે તો સાવ જ જુદું. આ પ્રકારની વાતો સાથે સમાજમાં પુરુષ વર્ગમાં એ વાત જાણે કે પ્રસ્થાપિત કરી દેવામાં આવી છે કે સ્ત્રીને સમજવી અઘરી છે. જ્યારે સ્ત્રીઓની વાત કરીએ તો તેને તેની આસપાસના દરેક પુરુષ પછી એ તેનો બાપ હોય, પતિ હોય કે દીકરો, દરેક પાસેથી એ અપેક્ષા હોય જ છે કે તે તેને સમજે. આજે એક કલ્પના કરીએ કે ખરેખર કોઈ એવો ચમત્કાર થાય કે સ્ત્રીના મનની વણકહેલી વાતો પણ પુરુષ સાંભળી લે તો શું થાય? થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે આ કન્સેપ્ટ પર જ બનેલી છે, જેમાં હીરો યશ સોનીને અચાનક એવું વરદાન મળે છે કે તેને દરેક સ્ત્રીના મનની વાત ખબર પડી જાય છે. તેને એ સંભળાય છે. ફિલ્મના આગળના વળાંકો અને એનો સંદેશ અતિ રસપ્રદ છે પરંતુ આ વિચાર જ કેટલો રોમાંચક છે કે પુરુષને સ્ત્રીના મનનો અવાજ સંભળાય છે. ખરેખર સમાજમાં જો આવું થાય તો શું થાય? 

ફાયદો જરૂર થાય

 

આ પ્રશ્નનો જવાબ આપતાં મીઠીબાઈ કૉલેજના સોશ્યોલૉજી ડિપાર્ટમેન્ટનાં હેડ ખેવના દેસાઈ કહે છે, ‘પુરુષ ફક્ત સ્ત્રીના મનની વાત સાંભળે એટલું બિલકુલ પૂરતું નથી. તેણે એ વાતને સમજવી પણ એટલી જ જરૂરી છે. જો પુરુષ સ્ત્રીના મનની વાત સમજી જાય તો સ્ત્રીને અઢળક રીતે મદદરૂપ થઈ શકે. માસિક ચાલુ છે ત્યારે તેના મૂડ સ્વિંગ્સને સમજતો થઈ જાય. આવું ત્યારે જ થાય જ્યારે તે કહે કે મને ગિફ્ટ લાવી આપ તો એ શબ્દોને ન પકડીને તે સમજશે કે સ્ત્રી માટે વસ્તુઓ ક્યારેય મહત્ત્વની નથી હોતી, લાગણીઓ મહત્ત્વની હોય છે. ગિફ્ટના નામે તેને મળતું મહત્ત્વ અને પ્રેમ તેના માટે જરૂરી હોય છે. આમ ખાલી સાંભળીને તો પર્પઝ સૉલ્વ થવાનો નથી, સમજવું અત્યંત જરૂરી છે.’

ફાયદા કરતાં નુકસાન વધુ 

પુરુષો મનની વાત સાંભળી લે તો શું થાય એ વિશે વાત કરતાં મણિબહેન નાણાવટી વિમેન્સ કૉલેજનાં પ્રિન્સિપાલ ડૉ. રાજશ્રી ત્રિવેદી કહે છે, ‘પહેલી દૃષ્ટિએ ખૂબ ગમી જાય એવી વાત છે કે પુરુષોને સ્ત્રીના મનની વાત ખબર પડી જાય તો બેસ્ટ થઈ જાય. પરંતુ ફક્ત જાણવાથી ક્યાં બધું પતી જાય છે? સ્ત્રીનું મન અત્યંત ચંચળ અને ઋજુ હોય છે અને તે હંમેશાં હૃદયથી વિચારે છે. પુરુષો પર હંમેશાં તર્ક ભારી રહે છે. તે લૉજિકથી જ વિચારે છે. સ્ત્રીની વાતને સમજવા માટે પુરુષે એટલા કોમળ બનવું પડે જે તે બની શકે એમ જ નથી. આમ બન્નેનો આ જે મૂળભૂત ફરક છે એ રહેવાનો. એને લીધે જો પુરુષ વાત જાણી પણ જાય તો એને સમજી નથી શકવાનો. એને લીધે ઊલટું ફાયદો થવાનો નથી, હાનિ થશે. સ્ત્રીને લાગશે કે હવે તો વાત ખબર પણ છે તો પણ સમજતા જ નથી. મારા મતે એ અપેક્ષા જ ખોટી છે કે પુરુષ સ્ત્રીની વાતને જાણે કે સમજે. એ તેના બસમાં જ નથી. એટલે એ અપેક્ષાથી સ્ત્રીને દુઃખ જ મળશે. આમ બેટર કમ્યુનિકેશનના ચક્કરમાં બિટર કમ્યુનિકેશન થઈ જશે.’

બધું જાણે એ યોગ્ય નહીં. સ્ત્રીઓ ચોક્કસ ઇચ્છે છે કે પુરુષો તેમના મનની વાત સમજે, પરંતુ બધી નહીં. આવા સ્પષ્ટીકરણ સાથે વાત કરતાં ‘ફક્ત મહિલાઓ માટે’ ફિલ્મમાં મહત્ત્વનું કિરદાર નિભાવનાર કલ્પના ગાગડેકર છારા કહે છે, ‘સ્ત્રીઓને ઘણીબધી લાગણીઓ, તેના વિચારો કે તેમનું મંતવ્ય સુધ્ધાં પોતાના સુધી અકબંધ પણ રાખવું હોય છે. બધી બધાને ખબર પડી જાય એવું તેને ગમતું નથી. ઊલટું સ્ત્રીઓ બધું બધાને કહેતી નથી એટલે જ તેના ઘરમાં અને સમાજમાં શાંતિ બની રહે છે. નહીંતર ઘરે-ઘરે મહાભારત થઈ જાય. તે મૌન છે, તેના મનમાં એ બધું સાચવીને બેઠી છે એટલે સંસાર સારી રીતે ચાલી શકે છે. આમ સ્ત્રીના મનની દરેક વાત પુરુષ સાંભળે તો ગરબડ થઈ શકે છે.’ 

પુરુષની રૂક્ષતા 

આ બાબતે વધુ ગંભીર વાત કરતાં ડૉ. રાજશ્રી ત્રિવેદી કહે છે, ‘પુરુષોની હંમેશાં એક ફરિયાદ રહે છે કે સ્ત્રી કહેતી નથી એટલે તેઓ સમજી નથી શકતા. સીધું બોલે તો સીધું સમજાય. પણ એવું નથી, ઘણી વાર તે બરાડા પાડતી હોય છે તો પણ પુરુષ તેની વાતને કે તેના અસ્તિત્વને જ ધ્યાનમાં લેતો નથી. જ્યારે એક સ્ત્રી પર જબરદસ્તી થઈ રહી હોય છે ત્યારે તે રાડો પાડીને પ્રતિકાર કરે છે. પણ કયો પુરુષ સમજે છે? ઊલટું સ્ત્રીઓના મનની વાત સાંભળીને તે વધુ રૂક્ષ બની જતો હોય છે.’ 

સમાજનું કન્ડિશનિંગ 

સામેવાળું પાત્ર તમારા મનની વાત જાણે એ માટે જરૂરી છે કમ્યુનિકેશન. સ્ત્રીનો મૂળભૂત સ્વભાવ છે કે દરેક વસ્તુ કહેવી નથી હોતી. તેને લાગે છે કે તે જે નથી બોલતી એ પણ પુરુષ સમજી જાય જે અપેક્ષા પુરુષોને વધારે પડતી લાગે છે. એ વાત દેખીતી રીતે યોગ્ય છે પણ એની પાછળ શું જવાબદાર છે એ વિશે વાત કરતાં ખેવના દેસાઈ કહે છે, ‘એની પાછળ સ્ત્રીઓનું સમાજે કરેલું કન્ડિશનિંગ જ તો છે. તારે આટલું જ બોલવાનું, આવું જ બોલવાનું, દરેક લાગણીને વાચા આપવાની જરૂર નથી જેવું કન્ડિશનિંગ તે નાની હોય ત્યારથી જ કરવામાં આવે છે. તેના અવાજને એટલો દબાવવામાં આવે છે કે પછી જ્યારે તેને બોલવા મળે છે અને તે મોઢું ખોલે છે પછી તે ચૂપ જ નથી રહી શકતી. સ્ત્રીઓની બોલ-બોલ કરવાની આદત પણ આ કન્ડિશનિંગની જ એક સાઇડ ઇફેક્ટ છે. પુરુષોને લાગે છે કે તું ગોળ-ગોળ ન બોલ, મુદ્દાની વાત કર. પણ મુદ્દાની વાત તે હંમેશાં કરી નથી શકતી.’

પુરુષો ન જાણે તો કંઈ નહીં, પરંતુ સ્ત્રીઓ તો જાણે 

સ્ત્રીને સમજવી પુરુષ માટે અઘરી છે એમ મનાતું હોય તો પ્રશ્ન એ આવે છે કે સ્ત્રીને સમજવી એ બીજી સ્ત્રી માટે તો શક્ય છેને? આ પ્રશ્ન ઉઠાવતાં કલ્પના ગાગડેકર છારા કહે છે, ‘સ્ત્રી પણ અંતે એક માણસ છે અને દરેક માણસની એ ઇચ્છા રહે છે કે તેને કોઈ સમજે. પુરુષો જો સ્ત્રીને સમજી ન શકતા હોય કે સમજવા ન માગતા હોય તો કંઈ નહીં, એક સ્ત્રી તો બીજી સ્ત્રીને સમજી જ શકેને? એક મા તેની દીકરીને, એક વહુ તેની સાસુને કે એક બૉસ તેની એમ્પ્લૉઈને સમજી જ શકે; કારણ કે મોટા ભાગે દરેક સ્ત્રીની પરિસ્થિતિઓ, તેની લાગણીઓ, તેની તકલીફો અને તેનાં સપનાંઓ એકબીજા જેવાં જ હોય છે, સરખાં હોય છે. જો આવું થાય તો પણ સ્ત્રીને હાશ થઈ જશે કે પુરુષ સમજે કે ન સમજે, અમે એકબીજાને સમજીએ છીએ.’ 

સ્ત્રીને દરેક વસ્તુ કહેવી નથી હોતી. તેને લાગે છે કે તે જે નથી બોલતી એ પણ પુરુષ સમજી જાય અને આ જ અપેક્ષા પુરુષોને જરા વધારે પડતી લાગે છે. 

`સ્ત્રી માટે વસ્તુઓ ક્યારેય મહત્ત્વની નથી હોતી, લાગણીઓ મહત્ત્વની હોય છે. ગિફ્ટના નામે તેને મળતું મહત્ત્વ અને પ્રેમ તેના માટે જરૂરી હોય છે. આમ ખાલી સાંભળીને તો પર્પઝ સૉલ્વ થવાનો નથી, સમજવું અત્યંત જરૂરી છે.` : ખેવના દેસાઈ

columnists Jigisha Jain