એવું તો શું થયું કે બિલ અને મેલિન્ડા છૂટા પડી ગયા?

09 May, 2021 11:50 AM IST  |  Mumbai | Aashutosh Desai

૨૭ વર્ષના સહજીવન બાદ બન્ને છૂટાં પડી રહ્યાં છે ત્યારે ચોક્કસ કંઈક મોટો ઇશ્યુ બન્ને વચ્ચે હશે એ નક્કી. છતાં ખાનદાની કે સંસ્કારિતા એ બાબતની છે કે બન્નેમાંથી એક પણ વ્યક્તિએ એકબીજાના ચરિત્ર પર લાંછન લગાડવાનું કે કાદવ ઉડાડવાનું કામ નથી કર્યું.

બિલ અને મેલિન્ડા બાળકો સાથે

૩ મેએ, આ કોરોનાકાળમાં સતત કાને અથડાતા રહેતા ડરામણા અને ડિપ્રેસિવ સમાચારોની વચ્ચે સોશ્યલ મીડિયા (ટ્વિટર પર)માં એક ચોંકાવનારું ટ્વીટ આવ્યું અને ધડાધડ ફૉર્વર્ડ, રીટ્વીટ અને કમેન્ટ્સનો મસમોટો ખડકલો થઈ ગયો. પળવાર માટે બધા જાણે કોરોનાને ભૂલી ગયા અને આ સમાચાર વિશે વાતો કરવા માંડ્યા. આઇટી ઇન્ટેલજિન્ટ, કમ્પ્યુટરના નવા યુગના પ્રણેતા, સામાજિક કાર્યકર, ધનાઢ્ય જેવી કંઈકેટલીયે ઉપમાઓથી આપણે જેમને આજ સુધી ઓળખતા રહ્યા છીએ એવા બિલ ગેટ્સ અને તેમની પત્ની મેલિન્ડા ગેટ્સે એક સહિયારા ટ્વીટ દ્વારા જાહેરાત કરી કે ‘અમે ઘણો વિચાર કર્યો, ચર્ચાઓ કરી અને ઘણું કામ પણ કર્યું, પરંતુ આખરે અમે અમારા લગ્નસંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું છે.’

જેવું આ ટ્વીટ બિલ ગેટ્સના ટ્વિટર હૅન્ડલ પર ફ્લૅશ થયું કે તરત ચર્ચાઓ ચગડોળે ચડવા માંડી. ઍમેઝૉન કંપનીના માલિક જેફ બેઝોસે પણ આ જ રીતે તેમના ડિવૉર્સની જાણ કરવા માટે ટ્વિટર હૅન્ડલનો સહારો લીધો હતો. ૯ જાન્યુઆરી, ૨૦૧૯, જ્યારે આજ સુધીના વિશ્વના સૌથી મોંઘા ડિવૉર્સની જાહેરાત થઈ હતી. બેઝોસે તેમનાથી છૂટી થઈ રહેલી પત્ની મૅકેન્ઝીને પોતાની કંપની ઍમેઝૉનની ૪% ઇક્વિટી ટ્રાન્સફર કરી આપી હતી. એની એ સમયે વૅલ્યુ લગભગ ૩૫ બિલ્યન ડૉલર થતી હતી, મતલબ કે આશરે ૨,૫૮,૨૭૫ કરોડ. હા-હા, બરાબર છે તમે જે વાંચી એ જ રકમ. તમારી કોઈ ભૂલ નથી થઈ રહી. ૨ લાખ ૫૮ હજાર ૨૭૫ કરોડ. દુનિયાના આ સૌથી મોંઘા ડિવૉર્સ થયા ૨૦૧૯માં અને હવે ૨૦૨૧માં ફરી એક માલેતુજારના ડિવૉર્સ થવા જઈ રહ્યા છે જેમાં ૨.૪ બિલ્યન ડૉલર એટલે કે આશરે ૧૭,૬૬૨ કરોડ જેટલી સંપત્તિ તો ઑલરેડી મેલિન્ડાને ટ્રાન્સફર થઈ પણ ચૂકી છે.

૬૫ વર્ષની વયની એક એવી વ્યક્તિ જે થોડાં જ વર્ષ પહેલાં વિશ્વની સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે પ્રથમ સ્થાને હતી (આજે પણ ચોથા સ્થાને તો છે જ). ૨૦૧૪ના વર્ષમાં તેમણે પોતાની આઇટી ટેક્નૉલૉજીની કંપની જેને વિશ્વપ્રસિદ્ધિના શિખર સુધી પહોંચાડી તે માઇક્રોસૉફટનું ચૅરમૅનપદ છોડી દીધું અને માત્ર કંપનીના નવા નિમાયેલા સીઈઓ સત્ય નાડેલાને મદદ કરવાના હેતુસર ટેક્નૉલૉજી ઍડ્વાઇઝર તરીકે કંપની બોર્ડમાં રહ્યા, પણ માર્ચ ૨૦૨૦માં તો તેમણે પોતાનું એ સ્થાન અને સ્ટેટસ પણ ત્યજી દીધું. સવાલ થાય કે શા માટે? તો એના જવાબમાં આપણે એમ કહેવું પડે કે માત્ર તેમના પરોપકારના કામમાં પૂર્ણ રીતે પ્રવૃત્ત થવા માટે અથવા એને પૂરતો સમય આપવા માટે. જોકે પરમાર્થના આ કામમાં તો તે અને તેમની પત્ની મેલિન્ડા આ પહેલાં પણ ઍક્ટિવ હતાં જ, પરંતુ બિલના આ નિર્ણય પછી તો બન્ને બમણા ઉત્સાહથી એમાં જોડાઈ ગયા હતા.

તો પછી અચાનક એવું તે શું થયું કે બન્નેએ આમ અલગ થઈ જવાનો નિર્ણય કર્યો અને જો તેઓ અલગ થઈ રહ્યા છે તો તેમના ફાઉન્ડેશનનું શું? એ ફાઉન્ડેશનમાં તેમના બન્નેના સ્ટેટસનું શું? એ વિશે ખુલાસો કરતાં તેમણે બન્નેએ અને તેમના ફાઉન્ડેશને પણ ઑફિશ્યલ જાહેરાત કરી હતી કે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં બન્ને પહેલાંની જેમ જ કાર્યરત રહેશે. પણ કઈ રીતે? કોઈ ફેરફાર આવશે? ગેટ્સ અને મેલિન્ડાના લગ્નવિચ્છેદની ખબર પછી વિશ્વકક્ષાએ આવા અનેક પ્રશ્નો ઊઠે એ સ્વાભાવિક છે, કારણ કે તેમનું આ ફાઉન્ડેશન માત્ર અમેરિકામાં જ કાર્યરત છે એવું નથી. એ વિશ્વકક્ષાએ ફેલાયેલું છે. આથી જ ૩ મે પછી ફાઉન્ડેશનને પણ અનેક લોકોએ અનેક પ્રશ્નો પૂછ્યા. બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનું શું? એના ભવિષ્યનું, એના ટ્રસ્ટીપદનું શું? આ વિશે ગેટ્સ ફાઉન્ડેશનની જ એક ઑફિશ્યલ ઈ-મેઇલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ફાઉન્ડેશનમાં તેમની ભૂમિકામાં કોઈ જ ફેરફાર થશે નહીં. તેઓ બન્ને આ પહેલાં જે રીતે કામ કરતાં હતાં એ જ રીતે કામ કરતાં રહેશે. એક બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે ગેટ્સના આટલા મોટા ફાઉન્ડેશનમાં ઑફિશ્યલ ચૅરપર્સન તરીકે માત્ર ત્રણ વ્યક્તિઓ છે : બિલ ગેટ્સ, મેલિન્ડા ગેટ્સ અને વૉરેન બફેટ. હવે આ બન્ને પર્સનાલિટીઝનું સામાજિક જીવન, તેમની સાથે સંકળાયેલાં બીજાં અનેક હિતો અને સંજોગોને જોતાં હાલની પરિસ્થિતિ પ્રમાણે એ શક્યતા પણ નકારી શકાય નહીં કે બન્ને વચ્ચે વહેંચણી કે સંપત્તિના સેટલમેન્ટ કે ઍલિમની બાબતે વૉરેન બફેટે મોટી ભૂમિકા ભજવવાનો વારો કદાચ આવી શકે.  

૨૦૦૦ની સાલમાં  બીએમજીએફ એટલે કે બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના થઈ, જે આજે તો લગભગ ૫૦ બિલ્યનથી પણ વધુ રકમનાં પરોપકારનાં કામોમાં પ્રવૃત્ત છે. તેમનું આ ફાઉન્ડેશન મહદંશે ગ્લોબલ હેલ્થ, ક્લાઇમેટ ચેન્જ પૉલિસી, સ્ત્રીઓ અને બાળકોના ઉત્થાન અને આ પ્રકારના બીજા અનેક સામાજિક મુદ્દાઓ પર કામ કરે છે. ગેટ્સ ફાઉન્ડેશન વિશ્વનું સૌથી મોટું એવું પ્રાઇવેટ ફાઉન્ડેશન છે જે લગભગ ૪૬ બિલ્યનથી પણ વધુની ઍસેટ્સ ધરાવે છે. વિશ્વકક્ષાએ સ્વાસ્થ્ય અને ગરીબીની પરિસ્થિતિ સુધારવા બાબતે કામ કરવાના આશય સાથે શરૂ થયેલું આ ફાઉન્ડેશન આજે તો બીજા અનેક મુદ્દાઓ પર કામ કરે છે. ત્યારે આ સંબંધવિચ્છેદને કારણે થોડી અવઢવ અને વધુ ચિંતા પેદા થાય એ સ્વાભાવિક છે, કારણ કે શક્ય છે કે લગ્નવિચ્છેદ બાદ બન્ને પોતપોતાના પ્રોજેક્ટ્સ કે લક્ષ્ય તરફ વધુ ધ્યાન આપે અને ફાઉન્ડેશનનું કામકાજ પણ એ તરફ દોરી જવાનો પ્રયત્ન કરે. જેમ કે બિલ ગેટ્સે એક બ્રેકથ્રૂ એનર્જી વેન્ચર શરૂ કર્યું છે. એક એવું ફન્ડ જે ક્લાઇમેટ ચેન્જ સામે લડવા તૈયાર હોય. તેમનું આ વેન્ચર આ પ્રકારના વિકલ્પો બનાવતા હોય એવા સ્ટાર્ટ-અપમાં રોકાણ કરે છે. બીજી તરફ મેલિન્ડાએ પિવોટલ વેન્ચર તરીકે એક નવી ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ક્યુબેશન કંપની શરૂ કરી છે જે મહદંશે અમેરિકાની સ્ત્રીઓને કે પરિવારોને જે તકલીફોનો સામનો કરવો પડે છે એમાંથી બહાર આવવા માટે મદદ કરે છે.

બિલ મેલિન્ડાનો થોડો પૂર્વાર્ધ જોઈએ તો ઍરોસ્પેસ એન્જિનિયર પિતા રિમાન્ડ ફ્રેન્ચ અને અને હોમમેકર મા એલાઇન એમરલૅન્ડને ત્યાં જન્મેલી મેલિન્ડા ચાર સંતાનોમાં બીજા નંબરની દીકરી. એક મોટી બહેન અને બે નાના ભાઈઓ સહિત તેઓ ચાર ભાઈ-બહેનો છે. ૧૯૮૨ની સાલમાં મેલિન્ડાએ કમ્પ્યુટર સાયન્સના વિષયો સાથે ગ્રૅજ્યુએટની ડિગ્રી મેળવી. ત્યાર બાદ તેણે ઇકૉનૉમિક્સ સાથે એમબીએ પણ કર્યું. કમ્પ્યુટર લૅન્ગ્વેજ અને કમ્પ્યુટર ગેમ્સ ડેવલપમેન્ટ પહેલેથી જ તેમના રસના વિષયો રહ્યા છે. બિલ ગેટ્સ વિશે તો લગભગ આપણે બધા જ જાણીએ છીએ છતાં વાત નીકળી છે તો થોડી માહિતી લઈ લઈએ. ૧૯૫૫ની સાલમાં જન્મેલા બિલ અમેરિકાના વૉશિંગટનના જાણીતા લૉયર વિલિયમ ગેટ્સના દીકરા. તેમની મા એક ફાઇનૅન્શિયલ હોલ્ડિંગ કંપનીમાં બોર્ડ-મેમ્બર હતી.   

બિલ-મેલિન્ડા મળ્યાં કઈ રીતે?

દરઅસલ વાત કંઈક એવી છે કે મેલિન્ડા ગ્રૅજ્યુએટ થઈ અને ત્યાર બાદ તેણે એમબીએની ડિગ્રી પણ લઈ લીધી હતી. હવે તે બાળકોને ગણિત અને કમ્પ્યુટર ભણાવવાનું કામ કરી રહી હતી. ત્યાં જ તેને ખબર પડી કે માઇક્રોસૉફટ નામની કંપનીમાં માર્કેટિંગ મૅનેજરની જૉબની વૅકન્સી છે. તેણે ઍપ્લાય કર્યું, ઇન્ટરવ્યુ આપ્યો અને તેને મળી ગઈ. આ સમય દરમિયાન કંપનીના કો-ફાઉન્ડર ગેટ્સ પોતાની જ કંપની માઇક્રોસૉફટમાં ઇન્ફર્મેશન પ્રોડક્ટ્સનું કામ જાતે જોતા હતા અને ટ્રેડ ફેર કે પ્રોડક્ટ પ્રેઝન્ટેશન વગેરે જેવાં કામો માટે પણ તે જાતે જવાનું પસંદ કરતા. આવા જ એક ટ્રેડ ફેર દરમિયાન ન્યુ યૉર્કમાં બિલની મેલિન્ડા સાથે મુલાકાત થઈ. ૧૯૮૭ની એ સાલ. બન્ને વચ્ચેનો પ્રથમ પરિચય દોસ્તીમાં પલટાયો અને દોસ્તી ખૂબ ઝડપથી પ્રેમમાં પરિણમી. મેલિન્ડા બિલને ડેટ કરવા માંડી. બન્નેનો પ્રણયસંબંધ લગભગ સાત વર્ષ ચાલ્યો અને ત્યાર બાદ ૧૯૯૪ની સાલમાં બન્ને પરણી ગયાં.

ત્રીજી તારીખે અચાનક બિલ ગેટ્સ લખે છે કે સત્તાવીસ વર્ષના અમારા લગ્નજીવનનો અમે અંત આણી રહ્યા હોવાનું જણાવીએ છીએ! આ વર્ષોમાં અમે ત્રણ સુંદર સંતાનોને જન્મ આપ્યો અને ઉછેર્યાં. વિશ્વકક્ષાએ લોકોનું જીવન બહેતર બની શકે, તેમના અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય અને આ વિશ્વને વધુ રમણીય અને રહેવાલાયક બનાવી શકાય એવા પ્રયત્નોમાં અમે બન્નેએ સાથે મળી વર્ષો સુધી અનેક દેશોમાં કામ કર્યું. ગેટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી. પરંતુ હવે અમે આ સંબંધ વધુ આગળ લઈ જઈ શકીએ એમ જણાતું નથી આથી એનો અંત લાવવો જ બહેતર છે એમ અમે બન્નેએ નક્કી કર્યું. 

૧૯૯૪માં લગ્ન અને લગ્નના એક વર્ષ બાદ ૧૯૯૫ની સાલમાં બિલ ગેટ્સે એક હોલ્ડિંગ કંપની શરૂ કરી હતી - કાસ્કેડ ઇન્વેસ્ટમેન્ટ. આ કંપની દ્વારા જ બિલ ગેટ્સની રોકાણલાયક સંપત્તિનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે. બૉન્ડ્સ, શૅર્સ વગેરે અનેક રોકાણના વિકલ્પોમાં આ કંપની બિલનાં નાણાંનું રોકાણ અને મૅનેજમેન્ટ કરે છે. છેલ્લા મળતા સમાચાર અનુસાર ગયા સપ્તાહમાં જ્યારે આ યુગલે એવી જાહેરાત કરી કે તેઓ પોતાના લગ્નસંબંધમાંથી છૂટા થઈ રહ્યા છે ત્યાર પછી કાસ્કેડ ઇન્વેસ્ટમેન્ટે લગભગ ૨.૪ બિલ્યન ડૉલરના શૅર્સ અને અન્ય હોલ્ડિંગ તો મેલિન્ડાને ટ્રાન્સફર કરી પણ દીધાં છે. એટલું જ નહીં, જ્યારે ત્રીજી મેએ મતલબ કે ડિવૉર્સની જાહેરાત કરતાં પહેલાં જ ૧.૮ બિલ્યન ડૉલરના શૅર્સ તો ઑલરેડી ટ્રાન્સફર થઈ જ ચૂક્યા હતા.

દેશની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની યાદીમાં આવતા ગેટ્સે જ્યારે આવી જાહેરાત કરી ત્યારે સ્વાભાવિક છે કે આખા વિશ્વના લોકોને અને મીડિયાને પણ મોટો આંચકો લાગે, કારણ કે જે વ્યક્તિ, જે યુગલને તમે વર્ષોથી એક દૃષ્ટાન્ત તરીકે જોઈ રહ્યા હો, તેમના પરમાર્થના કામને ચાર મોઢે વખાણી રહ્યા હો તે જ યુગલ જ્યારે એક સવારે આવી અચાનક જાહેરાત કરે ત્યારે અનેક પ્રશ્નો થાય અને એ પ્રશ્નોના જવાબ શોધવા માટે અનેક રીતની તપાસ થાય, વાતો થાય અને ચર્ચાઓ પણ થાય જ.

તો હમણાં સુધીની વાતોમાં શું જાણવા મળે છે?

અમેરિકાનાં કેટલાંક મૅગેઝિનો અને રિપોર્ટર્સની વાત માનીએ તો તેઓ કહે છે કે આ બિલ્યનેર યુગલના છૂટા પડવા પાછળ એક સ્ત્રી જવાબદાર છે. વાત કંઈક એવી છે કે ગેટ્સનું ૧૯૮૭ની સાલમાં મેલિન્ડા સાથે અફેર થયું એ પહેલાં તેમને ઍન વિનબ્લેડ નામની એક છોકરી સાથે પ્રેમસંબંધ હતો. હવે આ સંબંધમાં વિનબ્લેડ લગ્ન કરી લેવાની ઉતાવળમાં હતી અને એ માટે તે બિલ ગેટ્સને સમજાવતી રહેતી હતી, પણ ગેટ્સ હજી લગ્ન માટે તૈયાર નહોતા. એની પાછળનું કદાચ એક કારણ એ પણ હોઈ શકે કે વિનબ્લેડ ગેટ્સ કરતાં પાંચ વર્ષ મોટી છે. હવે વિનબ્લેડ સાથે સતત ચાલતી આ ચડભડને કારણે જ કદાચ તેમની વચ્ચેનો પ્રેમસંબંધ તૂટી ગયો. ત્યાર બાદ ગેટ્સનું મેલિન્ડા સાથે અફેર થયું જે સાત વર્ષ ચાલ્યું અને ત્યાર બાદ બન્નેએ લગ્ન કર્યાં. જોકે ગેટ્સે ઍન વિનબ્લેડ સાથે આ આખા સમય દરમિયાન કૉન્ટૅક્ટ જાળવી રાખ્યો હતો. ૧૯૯૭ની સાલમાં ગેટ્સે ‘ટાઇમ’ મૅગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું જ્યારે મેલિન્ડા સાથે લગ્ન કરવા વિશે વિચારી-વિચારીને થાકી ગયો હતો અને કોઈ નિર્ણય પર નહોતો આવી શકતો ત્યારે મેં ઍન વિનબ્લેડને બોલાવી હતી અને મેલિન્ડા સાથે મારે લગ્ન કરવાં જોઈએ કે નહીં એ માટે તેનું અપ્રુવલ માગ્યું હતું.

હવે વાત કંઈક એવી બહાર આવી રહી છે કે બિલ અને મેલિન્ડા વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી એવું નક્કી થયું હતું કે બિલ લૉન્ગ વીક-એન્ડ દરમિયાન તેની ભૂતકાળની ગર્લફ્રેન્ડ ઍન વિનબ્લેડ સાથે રહેવા કે સમય ગુજારવા જશે અને મેલિન્ડાને એની સામે કોઈ વાંધો ન હોવો જોઈએ અથવા તેણે એ બાબતની પરવાનગી આપવી પડશે. જોકે તેમના ડિવૉર્સ પાછળ આ જ કારણ જવાબદાર છે કે કોઈક બીજું એ કહેવું કદાચ ઉતાવળ ગણાશે, કારણ કે એક મિડલ ક્લાસ ફૅમિલીમાં થઈ રહેલા ડિવૉર્સ અને એક માલેતુજાર પરિવારમાં થઈ રહેલા ડિવૉર્સનાં વાસ્તવિક કારણો, સંજોગો, એ ઘટના પછીની પરિસ્થિતિ અને એ ઘટનાને કારણે સર્જાનારી પરિસ્થિતિ આ બધું જ સાવ અલગ હોય છે. વિશ્વની સૌથી વધુ પૈસાદાર એવી પાંચ વ્યક્તિમાંની એક જ્યારે પોતાના ૨૭ વર્ષ જૂના લગ્નજીવનમાંથી છૂટી થઈ રહી હોય ત્યારે અનેક એવી બાબતો હશે જ કે જે વિશે જાહેર જનતાને કદાચ નહીં પણ જણાવી શકાય. આવા કિસ્સાઓમાં કંઈકેટલીયે બાબતો એવી હોય છે જે વિશે હજાર વાર વિચાર કરવો પડે, સલાહ-સૂચનો લેવાં પડે.

બિલ ગેટ્સ અને મેલિન્ડા બન્ને ઇન્ટરનૅશનલ પર્સનાલિટી છે અને એ વાત કે એ મૅનર્સ તેઓ ક્યારેય ભૂલ્યાં નથી એવું આ આખી ઘટના દરમિયાનના સમય બાબતે કહેવું પડે. એકબીજાનું માન જાળવવાની વાતથી લઈને આ આખી ઘટના પબ્લિક હોવા છતાં પ્રાઇવસી કઈ રીતે જાળવી રાખવી એ બાબતે આખા પરિવારે પરફેક્ટ ધ્યાન આપ્યું છે. માત્ર પૈસા હોવા, કમાવા કે માત્ર સફળતા મેળવવી જ મહત્ત્વનું નથી. એને પચાવવી, સાચવવી અને સંભાળવી પણ એટલું જ મહત્ત્વનું છે એ આ યુગલે સાબિત કરી દેખાડ્યું છે. ૨૭ વર્ષના સહજીવન બાદ બન્ને છૂટાં પડી રહ્યાં છે મતલબ કે કંઈક મોટો ઇશ્યુ બન્ને વચ્ચે છે અથવા થયો હશે એ નક્કી. છતાં ખાનદાની કે સંસ્કારિતા એ બાબતની છે કે બન્નેમાંથી એક પણ વ્યક્તિએ એકબીજાના ચારિત્ર્ય પર લાંછન લગાડવાનું કે કાદવ ઉડાડવાનું કામ નથી કર્યું. બન્નેએ એકબીજાની પ્રાઇવસીનો પણ બખૂબી ખ્યાલ રાખ્યો છે. બિલના અફેર કે મેલિન્ડાની સમજૂતી આ બધી જ મીડિયામાં ચર્ચાતી કે કહેવાતી વાતો છે. સાચું શું છે તે એ બે વ્યક્તિને જ ખબર છે જે છૂટી પડી રહી છે.

સંતાનોને મળશે માત્ર ૧૦ મિલ્યન ડૉલર્સ

બિલ ગેટ્સ અને મેલિન્ડાનો ત્રણ સંતાનો સાથેનો પરિવાર છે. બે દીકરીઓ અને એક દીકરો. ત્રણે સંતાનો એટલાં મોટાં તો થઈ જ ગયાં છે કે કોણે કોની સાથે રહેવું અને કોની સાથે નહીં, સાથે રહેવું પણ છે કે નહીં એવી બધી જ બાબતો વિશે જાતે નિર્ણય કરી શકે. સૌથી મોટી દીકરી જેનિફર ૨૫ વર્ષની છે. ત્યાર બાદ દીકરો રોરી ૨૧ વર્ષનો છે અને સૌથી નાની દીકરી ફોએબે ૧૮ વર્ષની છે. ૧૩૦ બિલ્યન ડૉલરની સંપત્તિ ધરાવતા ગેટ્સ જ્યારે છૂટાછેડા લઈ રહ્યા છે ત્યારે તેમની સંપત્તિમાંથી સંતાનોને શું મળશે એવો પ્રશ્ન સ્વાભાવિક છે કે આપણને બધાને જ થાય. હા, પણ કોઈ ઝાઝી આશા ગેટ્સનાં સંતાનોએ રાખવા જેવી નથી એવું અત્યાર સુધી બહાર આવેલી માહિતી પરથી જણાઈ રહ્યું છે. એક અહેવાલ અનુસાર બિલ ગેટ્સની સંપત્તિમાંથી દરેક સંતાનને ૧૦ મિલ્યન ડૉલર જેટલી રકમ જ મળશે, કારણ કે ગેટ્સ તેમની મોટા ભાગની સંપત્તિ દાનમાં આપી દેશે એવી જાહેરાત તેઓ પહેલેથી જ કરી ચૂક્યા છે. કંઈક આ જ પ્રકારના એક પ્રશ્નનો જવાબ આપતાં બિલ ગેટ્સે ૨૦૧૩ની સાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો હું મારાં સંતાનો માટે વારસાઈમાં મોટી રકમ આપવાનો વિચાર કરું તો એ તેમના માટે ગેરલાભ જ હશે! એવું કરીને હું તેમની કોઈ ફેવર નથી કરી રહ્યો બલ્કે તેમને મહેનત કરવાની પ્રેરણા આપી રહ્યો છું એમ કહીશ.

(બિલ ગેટસ અને મેલિન્ડાનું ફાઉન્ડેશન દુનિયામાં સૌથી મોટું ફાઉન્ડેશન છે અને આ યુગલે એવી જાહેરાત પહેલેથી જ કરી દીધી છે કે તેમની મોટા ભાગની સંપત્તિ તેઓ ધર્માદામાં એટલે કે દાનમાં આપી દેશે.

ધ મોમેન્ટ ઑફ લિફ્ટ

મેલિન્ડાએ ૨૦૧૯માં એક પુસ્તક લખ્યું હતું, ‘ધ મોમેન્ટ ઑફ લિફ્ટ : હાઉ એમ્પાવરિંગ વુમન ચેન્જિસ ધ વર્લ્ડ’. મેલિન્ડાની આ બુક લૉન્ચ થવાની હતી એ સમયે બિલ ગેટ્સે કહ્યું હતું કે ‘જો હું આ પુસ્તકનાં લેખિકાને પરણ્યો ન હોત તો પણ કહેત કે ‘ધ મોમેન્ટ ઑફ લિફ્ટ’ એક જબરદસ્ત પુસ્તક છે અને વાંચનના એક અદ્ભુત કન્ટેન્ટવાળી બુક છે. એ એક વિશાળ, સાચો અને સુંદર પ્રયત્ન છે કે વુમન એમ્પાવરમેન્ટ કઈ રીતે સ્ત્રીઓની જિંદગી બદલી શકે છે.’

17662 - આશરે આટલા કરોડ જેટલી સંપત્તિ તો ઑલરેડી મેલિન્ડાને ટ્રાન્સફર થઈ ચૂકી છે

columnists