પતિદેવને શું ગમે? શ્રીમતી સાડીવાળી કે જાનુ જીન્સવાળી?

21 December, 2020 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પતિદેવને શું ગમે? શ્રીમતી સાડીવાળી કે જાનુ જીન્સવાળી?

પ્રતીકાત્મક તસવીર

ભારતીય સંસ્કૃતિમાં નારીના સૌંદર્યની કલ્પના સાડી સાથે કરવામાં આવી છે. મોટા ભાગના પુરુષો માને છે કે આપણા દેશની મહિલાઓ સાડીમાં જાજરમાન લાગે છે. જોકે સોશ્યલ મીડિયા પર ઠલવાતા ફોટોઝ, કૉર્પોરેટ કલ્ચર અને ડે ટુ ડે લાઇફમાં મહિલાઓના ડ્રેસકોડને જોતાં પ્રતીત થાય છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિથી પ્રભાવિત આજની પેઢીની મહિલાઓ માટે સાડી છેલ્લો વિકલ્પ છે


પત્ની અને મમ્મી વચ્ચે ચાલે સાડીપુરાણ ઃ નરેશ રાવલ, જ્વેલરી બિઝનેસ
રિયલ ગોલ્ડ જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલા મીરા રોડના નરેશ રાવલની પત્ની સુમિત્રા સામાજિક મેળાવડામાં સાડી પહેરે છે, પરંતુ ડે ટુ ડે લાઇફમાં મેટ્રો સિટીની અન્ય મહિલાઓની જેમ તેને સાડી પહેરવાનો કંટાળો આવે છે. બીજી તરફ નરેશભાઈના પેરન્ટ્સ દેશના અને રૂઢિચુસ્ત છે. તેમનું માનવું છે કે ભારતીય પરંપરા અનુસાર સંયુક્ત કુટુંબમાં પરણીને આવેલી વહુએ સાડી પહેરવી જોઈએ. અમારા ઘરમાં અવારનવાર સાડીપુરાણ ચાલે એવું હસતાં-હસતાં જણાવતાં નરેશભાઈ કહે છે, ‘પુરુષ એવું પાત્ર છે જેની લાઇફ પેરન્ટ્સ અને વાઇફની વચ્ચે અથડાતી રહે છે. બન્નેમાંથી કોઈ એકનો પક્ષ લેવાથી બીજાની નારાજગી વહોરવી પડે. મારી લાઇફમાં અથડામણનું કારણ સાડી છે. સાદગીમાં સુંદરતા છે આ વાત પત્નીને સમજાવવી અઘરું છે. સોશ્યલ મીડિયા પર મહિલાઓના ફોટો બતાવીને સુમિત્રા કહે, જુઓ, આજકાલ કોઈ સાડી પહેરતું નથી. તમે લોકો જ જુનવાણી છો. સાડીપુરાણ પર ફુલસ્ટૉપ મૂકવા વચલો રસ્તો શોધી કાઢ્યો છે. સોમવારથી શુક્રવાર ઘરમાં સાડી પહેરવાની અને વીક-એન્ડમાં બહાર ફરવા જઈએ ત્યારે મનગમતાં વસ્ત્રો પહેરવાની છૂટ. અત્યારે તો પેરન્ટ્સ અને વાઇફ બન્ને ખુશ છે. જનરલ વાત કરું તો મહિલાઓ લેટેસ્ટ ટ્રેન્ડને અનુસરે એમાં પુરુષોને કોઈ વાંધો હોતો નથી પણ આપણી સભ્યતાને જીવંત રાખવા મહિલાઓએ જાતે સાડી જેવા સુંદર પરિધાનને પ્રાથમિકતા આપવી જોઈએ. રોજ ન પહેરો તો કંઈ નહીં, અઠવાડિયે બે વાર તો પહેરી શકાય.’


ભારતીય ગૃહલક્ષ્મીનો પહેરવેશ સાડી છે ઃ રાજેશ ગોહિલ, ટેલરિંગ બિઝનેસ


આધુનિકીકરણ, દેખાદેખી અને વર્કિંગ મહિલાઓની વધતી સંખ્યાના કારણે મહિલાઓમાં સાડી પહેરવાનો ટ્રેન્ડ ઘટતો જાય છે. સાડીને કૅરી કરતાં આવડવું જોઈએ. પાટલીને વ્યવસ્થિત ગોઠવવી પડે. પાલવ સંભાળતાં આવડે તો સુંદર લાગે. કામકાજના સ્થળે અને ટ્રાવેલિંગમાં આ બધી માથાકૂટ કરવી ગમતી નથી અને સમયના અભાવે વર્કિંગ મહિલાઓ સાડી પહેરવાનું ટાળે છે. તેમનું જોઈને ગૃહિણીઓ પણ મૉડર્ન ડ્રેસ પ્રત્યે આકર્ષાઈ છે. ૨૫ વર્ષથી મહિલાઓનાં બ્લાઉઝ અને ડ્રેસિસ સીવતા બોરીવલીના રાજેશ ગોહિલ પોતાના અનુભવ શૅર કરતાં કહે છે, ‘એવી અનેક મહિલાઓ છે જે વર્ષોથી અમારી પાસે બ્લાઉઝ સીવડાવવા આપે છે. એક સમયે સાડી પહેરીને દુકાને આવતી મહિલાઓનો પહેરવેશ અને રહેણીકરણી જોઈને કલ્પના પણ નહોતી કરી કે અમુક વર્ષો બાદ રોજિંદા જીવનમાં તેઓ જીન્સ પહેરીને ફરતી હશે. સમયની સાથે પરિવર્તન આવ્યું છે, પરંતુ સાડીનું ચલણ સાવ ખતમ નથી થયું. અત્યારે ડિઝાઇનર સાડી અને બ્લાઉઝ ટ્રેન્ડમાં છે. લગ્નસરા અને તહેવારોની સીઝનમાં આપણા દેશની મહિલાઓ આજે પણ સાડી પહેરવાનું પસંદ કરે છે. વ્યક્તિગત અનુભવની વાત કરું તો મમ્મીને કાયમ સાડીમાં જોયાં છે. શરૂઆતમાં મારી વાઇફ શર્મિલા સાડી પહેરે એવો તેમનો આગ્રહ રહેતો પછી જમાના પ્રમાણે પંજાબી ડ્રેસ સ્વીકારી લીધો. ભારતીય નારીની તુલના દૈવી શક્તિ સાથે થાય છે. લક્ષ્મીજીના સ્વરૂપમાં પરણીને આવેલી વહુ સાડીમાં જ શોભે એવું મારું માનવું છે. સામાજિક પ્રસંગોમાં મમ્મી, વાઇફ અને યંગ ડૉટર સાડી પહેરે એ ખૂબ ગમે.’


સાડી પહેરવાનું કહેવું નથી પડતું ઃ મિલિંદ ગાંધી, બૅન્ક-મૅનેજર


પત્ની સાડી પહેરે એ દરેક ભારતીય પુરુષને ગમતું હોય. અન્ય ડ્રેસની તુલનામાં મારી વાઇફ શ્વેતા સાડીમાં વધુ બ્યુટિફુલ લાગે છે, પરંતુ તે સાડી પહેરીને ફરે એવો આગ્રહ ન રાખી શકું. મેટ્રો સિટીમાં હસબન્ડ-વાઇફ બન્ને જૉબ કરતાં હોય ત્યારે ડ્રેસકોડ કરતાં કમ્ફર્ટ મહત્ત્વની હોય છે એવો અભિપ્રાય આપતાં બૅન્કમાં ડેપ્યુટી મૅનેજર તરીકે ફરજ બજાવતા ઘાટકોપરના મિલિંદ ગાંધી કહે છે, ‘મહિલા અને અરીસો એકબીજા માટે સર્જાયાં છે. દરેક મહિલાને તૈયાર થવું ગમતું જ હોય. સાડી પહેરીને તૈયાર થવામાં સહેજે અડધો-પોણો કલાક લાગે. મુંબઈની ભાગદોડમાં વર્કિંગ મહિલા સવારે આટલો સમય ફાળવી ન શકે. કૉર્પોરેટ કલ્ચરમાં કામનું પ્રેશર વધુ હોય ત્યારે આખો દિવસ કમ્ફર્ટ ફીલ કરો એવો ડ્રેસ પહેરવો જરૂરી છે. પુરુષો ઑફિસમાં ફૉર્મલ શર્ટ અને પૅન્ટ પહેરીને જાય છે, ટ્રેડિશનલ કુરતા પહેરીને નથી જતા. એવી જ રીતે મહિલાઓ સાડી નથી પહેરતી. મૉડર્ન કલ્ચર અડૅપ્ટ કરવાથી સભ્યતા અને પરંપરા ખતમ થઈ જશે એવું મને જરાય નથી લાગતું. સાડી ભારતીય મહિલાઓની ઓળખ છે એ આપણા દેશની એજ્યુકેટેડ અને વર્કિંગ મહિલાઓ સારી રીતે સમજે છે. મોટા ભાગની મહિલાઓ સોશ્યલ ગેધરિંગમાં સાડી પહેરવાનું પસંદ કરે છે. મારી વાઇફને સાડી પહેરવાનો ઘણો શોખ છે. ઓકેઝનલી ઑફિસમાં સાડી પહેરે છે. વીક-એન્ડમાં સાડી પહેરીને દેરાસરમાં જાય છે. પ્રસંગ અને સ્થળને ધ્યાનમાં રાખી સાડી પહેરજે એવું મારે કહેવું નથી પડતું.’

સાડી પહેરીને કામ ન થાય એ બહાનું છે ઃ અંકુર મહેતા, બિઝનેમસમૅન


વેલ એજ્યુકેટેડ દક્ષિણ ભારતીય મહિલાઓ તહેવાર હોય કે શુભ પ્રસંગ, સફેદ કલરની ગોલ્ડન બૉર્ડરવાળી સાડી પહેરશે. બંગાળી બહેનોને પણ સાડી પહેરવી ખૂબ ગમે છે. જ્યારે આપણે ત્યાં લગ્ન હોય કે ફેસ્ટિવ સીઝન, મહિલાઓ ગાઉન અથવા વનપીસ ખરીદશે. વેસ્ટર્ન કલચરને અડૅપ્ટ કરવામાં ગુજરાતી મહિલાઓનો જવાબ નથી. મલાડના બિઝનેસમૅન અંકુર મહેતા કહે છે, ‘મમ્મી અને દાદીની ઉંમરની મહિલાઓ આજે પણ સાડી પહેરીને રસોડામાં કામ કરે છે. અમારા ઘરમાં કામવાળી બાઈ ૩૬૫ દિવસ સાડી પહેરીને આવે છે. તેઓ કામ કરી શકે તો તમે કેમ ન કરી શકો? સાડી પહેરીને ઘરનાં કામ ન થાય, ટ્રાવેલિંગમાં ન ફાવે આ બહાનાં છે.
મારી વાઇફ નિરાલીને પણ સાડી પહેરવી
ઓછી ગમે. આણામાં લાવેલી સાડીઓ કબાટમાં પડી રહે એ શું કામનું? ઘણી વાર કહેવાનું મન થાય કે સાડી પહેરીને અરીસામાં જો, તને પોતાને એમ થશે કે રોજ કરતાં આજ વધુ બ્યુટિફુલ લાગું છું. સાડીમાં સ્ત્રીનું રૂપ ખીલે છે. એંસી વર્ષનાં મારાં દાદીમા સરસ મજાની ગુજરાતી સ્ટાઇલમાં સાડી પહેરીને નીકળે ત્યારે જાજરમાન લાગે. પરિવર્તનને અમે સ્વીકારીએ છીએ. રોજ સાડી પહેરીને ફરો એવી ડિમાન્ડ નથી કરતા.
સાડી અને વેસ્ટર્ન ડ્રેસ વચ્ચે બૅલૅન્સ રાખો. રૂટીન લાઇફમાં જીન્સ-ટી-શર્ટ અથવા કોઈ પણ મનગમતો ડ્રેસ પહેરો, જ્યારે પ્રસંગમાં તમારું વ્યક્તિત્વ દીપી ઊઠે એ માટે સાડી પહેરો. ગાઉન આપણી પરંપરા નથી.’

fashion columnists