સચિન દેવ બર્મને પહેલી જ મુલાકાતમાં નીરજને ભગાડી મૂકવા શું કર્યું?

30 August, 2020 07:47 PM IST  |  Mumbai | Rajani Mehta

સચિન દેવ બર્મને પહેલી જ મુલાકાતમાં નીરજને ભગાડી મૂકવા શું કર્યું?

‘રંગીલા રે...’ના રેકૉર્ડિગ દરમ્યાન દેવ આનંદ, લતા મંગેશકર, સચિન દેવ બર્મન અને નીરજ.

સચિનદાએ જ્યારે નીરજને પહેલી જ મુલાકાતમાં પોતાના ઘરે જમાડ્યા અને લેવા-મૂકવા માટે ગાડી મોકલી ત્યારે દેવ આનંદને નવાઈ લાગી એ સ્વાભાવિક હતું. સચિનદાના અતરંગી સ્વભાવના અનેક કિસ્સા છે. પોતાની પાનની ડબ્બીમાંથી કોઈને એક પાન પણ ઑફર ન કરનાર સચિનદાએ નીરજને જે માન આપ્યું એ જ દર્શાવે છે કે તેમની નજરમાં નીરજનું સ્થાન કેટલું ઉપર હતું.

ખુશ્બૂ સી આ રહી હૈ ઇધર જાફરાન કી
ખિડકી ખુલી હૈ ગાલિબન ઉનકે મકાન કી
હારે હુએ પરિંદે ઝરા ઊડ કે દેખ તો
આ જાએગી ઝમીન પે છત આસમાન કી
બુઝ જાએ સરેઆમ હી જૈસે કોઈ ચિરાગ
કુછ યું હૈ શુરૂઆત મેરી દાસ્તાન કી
- નીરજ
મનુષ્યએ નક્કી કર્યું હોય કે મારે આ રસ્તે કદી જવું જ નથી ત્યારે તેને ખબર નથી હોતી કે એ જ રસ્તો તેને સાચી મંજિલ પર પહોંચાડશે. કવિ નીરજ ફિલ્મોના ગીતકાર તરીકે નહીં, પરંતુ કવિતાના બલબૂતા પર ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરવામાં માનતા હતા. એટલા માટે જ માયાનગરી મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવવા માટે તેઓ રાજી નહોતા. એમ છતાં તેમની નિયતિમાં લખાયું હતું કે હિન્દી ફિલ્મોમાં એક ગીતકાર તરીકે તેમને નામ અને દામ મળ્યા બાદ જ એક મહાન કવિ તરીકે તેમને અને તેમની કવિતાને માન્યતા મળશે (આ એક કડવું સત્ય છે, જેનો સ્વીકાર કરવો જ રહ્યો). તેમના જીવનમાં આ રોચક વળાંક કઈ રીતે આવ્યો એ ‘દાસ્તાને બયાં’ તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...
‘વર્ષો પહેલાં એક કવિ-સંમેલનમાં દેવ આનંદ ચીફ ગેસ્ટ હતા; ત્યારે મારી તેમની સાથે ઓળખાણ થઈ. પહેલી મુલાકાતમાં જ અમે એકમેકના ફૅન બની ગયા. મારી કવિતાના તેઓ આશિક હતા અને હું તેમની અદાઓ પર ‌‌ફિદા હતો. તેમણે મને મુંબઈ આવીને ફિલ્મો માટે ગીત લખવાની ઑફર આપીને કહ્યું કે તમારા કામની સાચી કદર મુંબઈમાં થશે. એ સમયે મારો મુંબઈ આવી ફિલ્મોનાં ગીતો લખવાનો કોઈ વિચાર નહોતો એટલે મેં સવિનય ઇનકાર કર્યો. છતાં દેવ આનંદે કહ્યુ, ‘Neeraj, I like your poetry. Some day we will work togather. કિસી દિન અગર તુમ્હારા વિચાર બદલા તો મુઝે બતાના; બડી ખુશી હોગી.’
૧૯૬૫માં તેમની ફિલ્મ ‘પ્રેમ પૂજારી’ની એક જાહેરાત જોઈ, જેમાં સંગીતકાર તરીકે એસ. ડી. બર્મનનું નામ હતું, પરંતુ ગીતકાર તરીકે કોઈનું નામ નહોતું. આ પહેલાં દેવ આનંદની ફિલ્મો માટે શૈલેન્દ્ર ગીતો લખતા હતા, પરંતુ તેમના અવસાનને લીધે ગીતકાર હજી નક્કી નહીં થયો હોય એમ મારું માનવું હતું. હું એસ. ડી. બર્મનના સંગીતનો મોટો ચાહક છું. તેમણે ગાયેલાં ગીતો મને ખૂબ ગમે. મનમાં થયું કે તેમની સાથે કામ કરવાનો આ સારો મોકો છે એટલે મેં દેવ આનંદને કાગળ લખ્યો કે ગીતકાર તરીકે સચિનદા સાથે કામ કરવાની મારી ઇચ્છા છે.’
સાત દિવસમાં તેમના જ હસ્તાક્ષરમાં લખેલો જવાબ આવ્યો. ખરેખર તેઓ મહાન હતા. કવિ-સંમેલનની અમારી મુલાકાત તેમને યાદ હતી. તેમણે લખ્યું, ‘Why not? I will team you with Sachin Da. Come to Bombay as soon as possible.’
હું મુંબઈ આવ્યો. તેમણે મારા હાથમાં શુકનના ૧૦૦૦ રૂપિયા મૂક્યા અને કહ્યું, ‘તમારા ખાવા-પીવા અને રહેવાની વ્યવસ્થા કરી છે. પાછા ક્યારે જવાના છો?’
મેં કહ્યું, ‘હું ૬ દિવસની રજા લઈને આવ્યો છું.’
દેવ આનંદે કહ્યું, ‘ઠીક છે. તમારું જવાનું રિઝર્વેશન કરાવી લઉં છું. કાલે આપણે સચિનદાના ઘરે જઈશું.’
બીજા દિવસે અમે ખારના સચિનદાના બંગલા પર ગયા. દેવ આનંદે મારી ઓળખાણ કરાવી. દાદા કહે, ‘I don’t know who is Neeraj.’ દેવ આનંદે કહ્યું, ‘તેઓ હિન્દીમાં સુંદર કવિતા લખે છે અને ખૂબ જ પૉપ્યુલર છે. તમારા મોટા ફૅન છે.’
સચિનદાએ કહ્યું, ‘મારે કોઈ કવિતા સાંભળવી નથી. મારી પાસે એક ટ્યુન તૈયાર છે.’ એમ કહીને મને એક ધૂન સંભળાવી અને કહ્યું, ‘આ ટ્યુન પર ગીત લખી શકો તો વાત બને. હા, મારી એક શરત છે. ગીતની શરૂઆતના શબ્દો હોવા જોઈએ ‘રંગીલા રે.’ આટલું કહીને આ ગીતની સિચુએશન શું છે એ વિશે વાત કરી. ‘પાર્ટીનો સીન છે. હીરો કોઈ બીજી છોકરી સાથે પાર્ટીમાં આવે છે. એ જોઈને હિરોઇનને જે પીડા થાય છે એ ગીત ગાઈને વ્યક્ત કરે છે. આ ગીતમાં મને ઈર્ષા, મજબૂરી, કટાક્ષ એ દરેક ભાવ જોઈએ. અને હાં, મને આ ગીતમાં જાને મન, તમન્ના, શમા, પરવાના, શરાબ, જામ જેવા ચીલાચાલુ શબ્દો જરાયે નહીં જોઈએ.’
મેં કહ્યું, ‘ઠીક છે. તમને જે રીતે ગીત જોઈએ છે એ પ્રમાણે આપીશ.’ આટલી વાત થઈ અને અમે ત્યાંથી નીકળ્યા. રસ્તામાં દેવ આનંદ કહે, ‘જ્યારે ગીત લખાઈ જાય ત્યારે પહેલાં મને સંભળાવજો. હું જોઈશ કે બરાબર લખાયું છે કે નહીં.’
‘મને યાદ છે કે સાંતાક્રુઝમાં આવેલી સુરંગ હોટેલમાં મારો ઉતારો હતો. બે દિવસ મેં મહેનત કરી. ધૂન પર ગીત લખવું એ મારા માટે એક પડકાર હતો, પરંતુ મુશ્કેલ નહોતું. ગીતની ધૂન જેમ મીટરમાં હોય એમ કવિતાનું પણ એક મીટર હોય. મારે દાદાને ખુશ કરવાના હતા. અંતે મને સંતોષ થાય એ રીતે ગીતને શબ્દદેહ આપ્યો...
‘રંગીલા રે
તેરે રંગ મેં યું રંગા હૈ મેરા મન
છલિયા રે ના બુઝે હૈ કિસી જલ સે
યે જલન, રંગીલા રે...
પલકોં કે ઝૂલે પે સપનોં કી ઝોલી
પ્યાર મેં બાંધી જો, તુને વો તોડી
ખેલ યે કૈસા રે કૈસા રે પાતી
દિયા તો ઝૂમે રે રોયે રે બાતી
કહીં ભી જાયે રે રોયે રે ગાયે રે
ચૈન ના પાયે રે હિયા
વાહ રે પ્યાર વાહ રે વાહ, રંગીલા રે...’
ત્રીજા દિવસે સવારે દેવ આનંદે ગીત સાંભળ્યું અને તેઓ તો ખુશ થઈ ગયા અને કહ્યું, ‘You are great. Wonderful, Great job.’ તેમણે સચિનદાને ફોન કર્યો અને કહ્યું, ‘દાદા ગીત પૂરા હો ગયા.’ સચિનદા કહે, ‘જલદી આ જાઓ.’
૧૧ વાગ્યે અમે સચિનદાના ઘરે પહોંચ્યા. મીરાભાભી હિન્દી સારું જાણે. સચિનદા હિન્દી ઓછું બોલતા-વાંચતા એટલે મોટા ભાગે તેઓ ગીતોના સીટિંગ્સમાં સાથે બેસતાં. તેમણે દાદાને બંગાળીમાં આખું ગીત સમજાવ્યું. મેં તેમને પૂછ્યું, ‘દાદા ખુશ છેને? તેમને સંતોષ થયો?’ તો કહે, ‘અરે, એ તો બહુ ખુશ છે.’
થોડી વાર થઈ પછી દેવ આનંદ કહે, ‘ચાલો, અમે જઈએ છીએ.’ દાદા કહે, ‘તુમ જાઓ, નીરજ હમારે સાથ રહેંગે.’ દેવ આનંદને જરા નવાઈ લાગી. એ દિવસે આખો દિવસ હું દાદા સાથે રહ્યો. તેમના ગયા બાદ દાદા કહે, ‘નીરજ, મને લાગ્યું હતું કે આ તારું કામ નથી એટલે તને આ મુશ્કેલ કામ સોંપ્યું હતું જેથી તું ભાગી જાય, પરંતુ હું ખુશ થયો.’ મેં કહ્યું, ‘દાદા, મારી કવિતામાં તમને નવા શબ્દો મળશે જે આ પહેલાં હિન્દી ફિલ્મોમાં આવ્યા ન હોય.’ એ દિવસે અમે કવિતાની, સંગીતની અને દુનિયાદારીની વાતો કરી. દાદા કહે, ‘રાત કો મેરે સાથ ખાના. ખા કે જાના.’ રાતે ડિનર પછી મેં સચિનદાની રજા લીધી. દાદા કહે, ‘કહાં જાના હૈ?’
મેં કહ્યું, ‘સાંતાક્રુઝ.’ દાદા કહે, ‘ઠહરો, ડ્રાઇવર છોડ દેગા. કલ સુબહ સાઢેનૌ બજે તૈયાર રહના. ગાડી આ જાએગી. સાથ મેં બૈઠ કર કામ કરેંગે.’
બીજા દિવસે દેવ આનંદ સાથે વાત થઈ તો તેમને ખૂબ નવાઈ લાગી. કહે, ‘દાદાને આપકો ખાના ખિલાયા? આપ કે લિએ ગાડી ભેજી? યુ આર વેરી લકી.’ ત્યારે મને કાંઈ સમજાયું નહીં. જોકે થોડા સમય બાદ મને સચિનદાના અસલી સ્વભાવનો પરિચય થયો. તેઓ સાવ નાના બાળક જેવા હતા. તેમની સાથે કામ કરવાની મને ખૂબ મજા આવી. મેં તેમના જેવો બીજો કોઈ સંગીતકાર જોયો નથી. મેં જે ગીતો લખ્યાં એની ધૂન બનાવવી એ સહેલું કામ નથી. મારી કવિતામાં મેં અનેક નવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો જે આ પહેલાં ફિલ્મી ગીતોમાં ભાગ્યે જ થયા હોય; જેવા કે બગિયાં, મધુર, ગીતાંજલિ, માલા, ધાગા વગેરે વગેરે. મારી શબ્દાવલિ અને તેમના સંગીતનું કૉમ્બિનેશન અલગ હતું. હું કવિતામાં અને તેઓ સંગીતમાં અવનવા પ્રયોગ કરતા. ‘ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે, તુઝ કો લિખી રોઝ પાતી...’ એ ગીતમાં અંતરો પહેલાં આવે છે, મુખડું બાદમાં, ‘દિલ આજ શાયર હૈ, ગમ આજ નગ્મા હૈ’ (ગૅમ્બલર) એક ખૂબસૂરત નઝ્‍મ છે. આ ગીતને તેમણે કમાલ કમ્પોઝ કર્યું છે. ‘પ્રેમ પૂજારી’નું એક ગીત છે, ‘યારો નિલામ કરો સુસ્તી, હમ સે ઉધાર લે લો મસ્તી...’ આમાં પહેલી બે પંક્તિ લોકસંગીતમાં, બીજી બે ક્લાસિકલ અને બાકીની પંક્તિઓમાં પૉપ મ્યુઝિક અને કવ્વાલી-સ્ટાઇલમાં કમ્પોઝ કરી છે. આવું કોઈ જિનીયસ જ કરી શકે.’
‘દાદા હમેશાં સંગીત સાથે પોતાની મસ્તીમાં ગુમ રહેતા. એક દિવસ હું તેમના ઘેર પહોંચ્યો. જોયું તો દાદા એક ધૂન ગણગણતા હતા. એની સાથે તેમના હાથ ઊંચા-નીચા થતા હતા. તેમનું ધ્યાન સામેની દીવાલ પર હતું. મેં તેમને નમસ્તે કર્યું. તેમણે મને શાંત રહેવાનો ઇશારો કર્યો. હું કાંઈ સમજ્યો નહીં એટલે ફરી મેં નમસ્તે કહ્યું. એને ધ્યાનમાં રાખ્યા વિના તેઓ ધૂન ગાતા જાય અને બોલતા જાય, ‘આ રહી હૈ, આ રહી હૈ...’ હું તો શાંતિથી ઊભો-ઊભો જોયા જ કરતો હતો. થોડી વારમાં ખબર પડી કે તેમના મનમાં એક ધૂન આવી હતી, જેને પર્ફેક્ટ કરવાનો તેઓ પ્રયત્ન કરતા હતા. એ ગીત હતું, ‘મેઘા છાયે આધી રાત બૈરન બન ગઈ નિંદિયા...’ (શર્મિલી) આ ગીત તેમનું પર્સનલ ફેવરિટ હતું.’
એક આડવાત. સચિનદાએ જ્યારે નીરજને પહેલી જ મુલાકાતમાં પોતાના ઘરે જમાડ્યા અને લેવા-મૂકવા માટે ગાડી મોકલી ત્યારે દેવ આનંદને નવાઈ લાગી એ સ્વાભાવિક હતું. સચિનદાના અતરંગી સ્વભાવના અનેક કિસ્સા વિશે આ પહેલાં વિસ્તારથી લખી ચૂક્યો છું. પોતાની પાનની ડબ્બીમાંથી કોઈને એક પાન પણ ઑફર ન કરનાર સચિનદાએ નીરજને જે માન આપ્યું એ જ દર્શાવે છે કે તેમની નજરમાં નીરજનું સ્થાન કેટલું ઉપર હતું.
‘પ્રેમ પૂજારી’થી શરૂ થયેલી આ સંગીતયાત્રામાં નીરજ અને સચિનદાની જોડીએ ત્યાર બાદ ગૅમ્બલર, શર્મિલી, તેરે મેરે સપને અને છૂપા રુસ્તમ ફિલ્મમાં અનેક યાદગાર ગીતો આપ્યાં હતાં. આ ગીતોની ખુશ્બૂ અને તાજગી આજ સુધી બરકરાર છે, એ સંગીતપ્રેમીઓને યાદ કરાવવાની જરૂર નથી. આવતા રવિવારે શૅર કરીશું શંકર જયકિશન અને રાજ કપૂર સાથેના નીરજનાં સ્મરણો.

columnists weekend guide