અનુભવથી અડધી ઉંમરના આવીને તમને કૉમેડી શીખવે એનાથી મોટી દયનીય બાબત બીજી કઈ હોય?

06 August, 2022 01:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટીઆરપીના પ્રેશર વચ્ચે બિનજરૂરી રીતે વધુ ને વધુ લોકોનું ઇન્વૉલ્વમેન્ટ વધ્યું છે, જેને લીધે ઝાઝા રસોઈયા રસોઈ બગાડે જેવો ઘાટ સર્જાયો છે

તમારા એક્સ્પીરિયન્સથી અડધી ઉંમરના આવીને તમને કૉમેડી શીખવે એનાથી મોટી દયનીય બાબત બીજી કઈ હોય?

એક સમયે કલાકારને મુક્ત મને પોતાની ટૅલન્ટ પાથરવાની મોકળાશ હતી, જ્યારે આજે પ્રોડક્શનના નવાસવા છોકરાઓ આવીને તમને કહે કે તમારે શું કરવું અને શું નહીં. ટીઆરપીના પ્રેશર વચ્ચે બિનજરૂરી રીતે વધુ ને વધુ લોકોનું ઇન્વૉલ્વમેન્ટ વધ્યું છે, જેને લીધે ઝાઝા રસોઈયા રસોઈ બગાડે જેવો ઘાટ સર્જાયો છે

પિસ્તાલીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છું. દરેક પ્રકારના કલાકારો સાથે કામ કર્યું છે અને લોકોને હસાવવાનો આનંદ મેં પણ માણ્યો છે, છતાં આજે દર્શકો સાથે ક્યારેક સંવાદ સધાય ત્યારે કૉમેડી સિરિયલોમાં કંઈક ખૂટતું હોવાની ફરિયાદ સતત સાંભળવા મળે છે. ‘યે જો હૈ ઝિંદગી’, ‘શ્રીમાન શ્રીમતી’ કે ‘યસ બૉસ’ની ટાઇમલાઇન પકડીને કહું તો એ બે દસકા અને આજના સમયમાં ઘણો ફરક આવ્યો છે. ઑડિયન્સ અને એક્સપોઝર સાથે મેકિંગમાં પણ ફરક પડ્યો છે. એ સમયે ગણીને ચારથી પાંચ લોકોની પ્રોડક્શન ટીમ આખું આઠ-આઠ કલાકનું શૂટિંગ હૅન્ડલ કરતી. એમાં રાઇટરે દિલથી લખ્યું હોય, ડિરેક્ટરે દિલથી ડિરેક્ટ કર્યું હોય અને ઍક્ટર્સે પોતાની તમામ ખૂબીઓ એ પાત્રમાં ન્યોછાવર કરીને દિલથી એ પાત્ર ભજવ્યું હોય. બધા જ એન્જૉય કરતાં-કરતાં કામ કરતા અને કામ કરવાનો એક આનંદ રહેતો. અત્યારે લોકો દિલથી કામ નથી કરતા એવું નથી કહેતો, પણ અત્યારે સિસ્ટમના ચક્કરમાં પ્રોડક્ટમાંથી પ્રાણ નીકળી ગયા હોય એવું વધારે લાગે છે. 
તમે ૪૦ વર્ષથી ઍક્ટિંગ કરતા હો અને પ્રોડક્શનની બાવીસ વર્ષની છોકરી આવીને તમને કહે કે ‘સર, તમે આ સીન આમ કરજો અને પેલો સીન તેમ કરજો’ તો નવાઈ લાગે. ટીઆરપીના બિઝનેસે બધું બહુ પ્રોસેસ-ઓરિયેન્ટેડ બનાવી દીધું એટલે ઍક્ટરમાંથી સોલ-મિસિંગ દેખાતો રહે છે. તમે જો ધ્યાનથી ઑબ્ઝર્વ કરશો તો સમજાશે કે કોઈ પણ સિરિયલનો સબ્જેક્ટ ફાઇનલ થાય એ પછી ત્રણ મહિના તો એનો રિવ્યુ થાય, જુદા-જુદા રીજનમાં જઈને માસ લોકોના ફીડબૅક લેવાય. એ પછી આખું ઍડ્વાન્સ પ્લાનિંગ થાય અને એ પછી અનેક સ્ટૅટિસ્ટિક્સ ભેગા કર્યા પછી સિરિયલનું શૂટિંગ શરૂ થાય. આટલી મહેનત કર્યા પછી પણ અઢળક સિરિયલો ૪થી ૬ મહિનામાં બંધ થઈ જાય? 
આવું શું કામ થાય છે? 
તમે રિસર્ચ કર્યું, પીપીટી બનાવ્યા, પાર વગરની મીટિંગો કરી, પ્રિવ્યુ કર્યા છતાં શું કામ એ ચાર મહિનાથી વધુ ન ચાલી? કારણ કે લોકોનાં હૃદય સુધી તમે ન પહોંચી શક્યા અને એ પણ તમારી ઓવર-લિમિટ કૃત્રિમ પ્રોસેસને કારણે. તમારે સમજવું પડે કે તમે કોને કામ આપો છો. ધારો કે તમે અનુભવી ઍક્ટર, ડિરેક્ટરને લીધા છે તો તમારો સબ્જેક્ટ તેમને સોંપી દો અને કહો કે હવે તમારે આમાંથી જે બનાવવું હોય એ બનાવો. તેમને પણ પોતાની બ્રૅન્ડની, પોતાના નામની પડી છે અને કાં તો તમે જેનું કોઈએ નામ નથી સાંભળ્યું એવા માંગેલાલને ઉપાડી લાવો અને પછી તેને માથે બેસીને કામ કરાવો. તમારા આયુષ્ય કરતાં બમણા વર્ષથી જે કૉમેડી કરે છે તેને તમે કૉમેડી કેમ કરવી એ શીખવશો તો એનાથી મોટી દયનીય બાબત બીજી કઈ કહેવાય?
ક્યાં એ સમય હતો જ્યાં એક પ્રોડ્યુસર, એક ડિરેક્ટર, રાઇટર અને એક પ્રોડક્શન મૅનેજર હોય અને ચાર-પાંચ જણની આ ટીમે સાથે મળીને ઐતિહાસિક સ્તરની સિરિયલો બનાવી હોય. આજે ડિરેક્ટર, પ્રોડ્યુસર, ક્રીએટિવ હેડ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અને પછી ફલાણા હેડ, ઢીંકણા હેડ, તેમના અસિસ્ટન્ટ અને તેમનાયે અસિસ્ટન્ટ. જે બધા એક જ પ્રોજેક્ટમાં માથું મારે. હવે આ જે બધા લોકો છે તેમણે પોતાની હયાતી તો જસ્ટિફાય કરવી પડશેને? તેઓ પોતે આ પ્રોજેક્ટ માટે મહત્ત્વના છે એ સાબિત તો કરતા જ રહેવું પડશેને? પરિણામે અસર ફાઇનલ આઉટકમ પર પડે. એ કેટલી પૉઝિટિવ કે નેગેટિવ હશે એનો અંદાજ એ ઑડિયન્સ સુધી પહોંચે નહીં ત્યાં સુધી ન આવે. 
બીજી વાત, તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવો તો ૧૦ લોકોને દેખાડો તો દસેદસને કંઈક તો એવું લાગશે જ કે હજી આમ કરીએ તો વધુ બેટર થાય. અરે એ જવા દોને, તમે કપડાં ખરીદવા જાઓ અને ઘરના ચાર મેમ્બર સાથે હોય તો ક્યારેય એક સામાન્ય શર્ટ માટે પણ સર્વાનુમત નહીં આવે. કોઈને કલરમાં વાંધો હશે તો કોઈ વળી એનાં બટનથી ખુશ નહીં હોય. જો તમે દરેકનું માનવા જશો તો તમે એક શર્ટ પણ નહીં ખરીદી શકો, સિરિયલ બનાવવાનું તો જવા જ દો. આ દુનિયામાં પર્ફેક્ટ ચીજ ક્યારેય નથી બનતી. કંઈક એમાં ઇમ્પ્રૂવમેન્ટનો સ્કોપ હોય જ, પણ એ ઇમ્પર્ફેક્ટ હોવા છતાં લોકોનાં હૃદય સુધી પહોંચી જતી હોય છે જો એને બનાવનારા એમાં ઓતપ્રોત હોય. 
મારી ‘યે જો હૈ ઝિંદગી’ સિરિયલ ચાર વર્ષ ચાલી, ‘યસ બૉસ’ ૯ વર્ષ ચાલી, ‘શ્રીમાન શ્રીમતીજી’ પાંચ વર્ષ ચાલી, ‘હમ સબ એક હૈં’ પાંચ વર્ષ ચાલી. આ સિરિયલોને આટલી લોકચાહના શું કામ મળી એના પર રિસર્ચ કરવું જોઈએ. નસીબ મારાં સારાં છે કે ‘ભાબીજી ઘર પે હૈં’ના સેટ પર આ રીતે કોઈ પ્રેશર નીચે કામ કરવાનું નથી આવ્યું. આ મોકળાશને કારણે જ એમાં હ્યુમર અકબંધ રહ્યું છે. 
મારે બીજી પણ એક વાત કહેવી છે.
સ્ટૅન્ડ-અપ કૉમેડી અત્યારે બહુ ચાલી છે. જોકે મોટા ભાગે સોલો લેવલ પર થતા આ સ્ટૅન્ડ-અપમાં ધીમે-ધીમે બીલો-ધ-બેલ્ટ વાતો વિના હ્યુમર લાવી નથી શકતા. અમે હ્યુમર ઑબ્ઝર્વેશનથી શીખ્યા છીએ. સ્ટૅન્ડ-અપ કૉમેડીના હ્યુમર અને સિરિયલો કે ફિલ્મોના હ્યુમરમાં ખૂબ ફરક હોય છે. હ્યુમરને ડેવલપ કરવાનો એક જ રસ્તો છે, ઑબ્ઝર્વ કરો. દરેકેદરેક વાતમાંથી તમને હાસ્ય મળશે. હૉસ્પિટલમાં પણ હ્યુમર છે અને લગ્નના મંડપમાં પણ હ્યુમર છે. તમારે દૃષ્ટિ કેળવવાની છે. હ્યુમરમાં માત્ર રાઇટરનો રોલ નથી હોતો. તે રસ્તો દેખાડી શકે, પણ ઍક્ટિંગ, ટાઇમિંગ અને સ્ટાઇલથી એને લાઇવ બનાવવાનું કામ ઍક્ટરનું છે જે ખરેખર અઘરું પણ છે. હું ઍક્ટિંગ શીખવાડું ત્યારે હું મારા સ્ટુડન્ટને દરેક ચીજ એક્સપ્લેઇન કરી શકું, પરંતુ ટાઇમિંગ એક્સપ્લેઇન ન કરી શકું. તમારા કો-ઍક્ટર અને તમે સીનને અનુરૂપ સ્પૉન્ટેનિયસ લેવલે જે કરો એ ટાઇમિંગમાંથી જ હ્યુમર જન્મતું હોય છે અને એ અનુભવે જ શિખાય. માઇક્રો સેકન્ડમાં જો તમે એ એક્સપ્રેશન કે એ ડાયલૉગ બોલી ગયા તો જ એનો ચાર્મ છે, નહીં તો તમે ચૂકી ગયા. 
તમારે સતત ઑબ્ઝર્વ કરતા રહેવું અને એની વચ્ચે સિચુએશનને ઑલ્ટર કરો અને વિરોધાભાસી બનાવો તો શું થાય એની કલ્પના કરતા રહો તો તમને હ્યુમર મળે અને એમાં તમારી કલ્પનાશક્તિને કારણે પ્રૉપર ટાઇમિંગમાં રીઍક્ટ કરવાની આવડત પણ ડેવલપ થાય. આ વાતોએ લેખનમાં પણ મને ખૂબ મદદ કરી છે. ૧૫૦ શો પૂરા કરી ચૂકેલું અનુપમ ખેર, નીના ગુપ્તા સાથેનું મારું નાટક ‘મેરા વો મતલબ નહીં થા’ આ જ રીતે લખાયું છે. કૉમેડીમાંથી સિરિયસનેસ અને ફરી એક લાઇટર નોડ પર જવાની કળા એ ઍક્ટર માટેની સૌથી મોટી ચૅલેન્જ હોય છે. હમણાં જ મેં એક શૅર લખેલો, 
‘મેરા ગમ મુઝસે બડા હો નહીં સકતા હૈ દોસ્ત, 
મૈં હૂં તો વો હૈ, વરના ઇસકી કોઈ ઔકાત નહીં...’ 
તમારા દુઃખને તમે પકડી રાખો તો જ એ તમારી સાથે રહે, તમારા થકી એનું અસ્તિત્વ છે. નાટકો અને ઍક્ટરે સચ્ચાઈપૂર્વક ભજવેલું કિરદાર લોકોના જીવનમાં શું પરિવર્તન લાવી શકે એનો એક દાખલો આપું તમને. મારું એક પ્લે છે ‘મસાજ’. બે કલાકનું પ્લે છે જેમાં હું એક જ ઍક્ટર છું અને મેં એમાં ૨૪ કૅરૅક્ટર ભજવ્યાં છે. એ ઓરિજિનલ વિજય તેન્ડુલકરે લખેલું. મેં એને હિન્દીમાં એડેપ્ટ કર્યું છે. એમાં લોકો હસે, રડે, પણ જ્યારે નાટક પૂરું થાય ત્યારે ખૂબ હૂંફાળો રિસ્પૉન્સ મળે. બે કલાક સુધી ઑડિયન્સ ઘડિયાળ તરફ નજર ન કરે એટલા તેમને એન્ગેજ્ડ રાખું. એક વાર હું દોહામાં શો કરવા ગયો ત્યારે બૅન્કવેટ હૉલમાં બેઠો હતો. ત્યાં લગભગ ૭૦ વર્ષના એક વડીલ નાટક પૂરું થયા પછી ટેબલ પર ચડીને તાળી પાડવા માંડ્યા. તેમને આમ કરતા જોઈને અન્ય લોકોનું ધ્યાન પણ તેમની તરફ ગયું. મારું મહત્ત્વ ઝાંખું પડી ગયું. જોકે સમાપન પછી બધા જઈ રહ્યા હતા ત્યારે પેલા અંકલ મારી પાસે આવ્યા. હું પણ તેમને એ પૂછવા આતુર હતો કે તેમણે આવું શા માટે કર્યું, તો તેઓ કહે, ‘દરઅસલ, હું પર્સનલ લાઇફમાં બહુ પરેશાન છું. હું પહેલી વાર આટલા દિવસ પછી હસ્યો. હું સુસાઇડ કરવાની અણી પર હતો, પણ તમારી આ હૅપી લૂઝરની કહાની સાંભળ્યા પછી મારામાં ફરી હિંમત આવી ગઈ છે.’
ઍક્ટર આ પણ કરી શકે છે, જો તેને સાચી મોકળાશ મળે તો.

 આજે પ્રોજેક્ટમાં એટલા બધા હેડ અને એ બધાના અસિસ્ટન્ટ્સ છે જે બધા એક જ પ્રોજેક્ટમાં માથું મારતા હોય છે. એ બધાએ પોતાની હયાતીને તો જસ્ટ‌િફાય કરવી પડશેને? તે પોતે આ પ્રોજેક્ટ માટે કેટલા મહત્ત્વના છે એ સાબિત તો કરતા રહેવું પડશેને? પરિણામની અસર ફાઇનલ આઉટકમ પર જ પડે. 

columnists saturday special