સત્યજિત રેને આપેલી લૉન પાછી મળતાં કિશોર કુમારે તેમની સામે શું શરત મૂકી?

20 December, 2020 03:13 PM IST  |  Mumbai | Rajani Mehta

સત્યજિત રેને આપેલી લૉન પાછી મળતાં કિશોર કુમારે તેમની સામે શું શરત મૂકી?

સત્યજિત રે અને કિશોર કુમાર રેકૉર્ડિંગ દરમ્યાન.

ચેતન આનંદને એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો, ‘તમારી ફિલ્મોમાં હંમેશાં પ્રિયા રાજવંશને કેમ હિરોઇન બનાવો છો?’ તેમનો જવાબ હતો, ‘આનંદ બ્રધર્સ માટે અમે એક નિયમ બનાવ્યો છે. હું શા માટે પ્રિયાને હિરોઇન બનાવું છું? દેવ આનંદ શા માટે ડાયરેક્શન કરે છે? અને વિજય આનંદ શા માટે ઍક્ટિંગ કરે છે?’ આવા પ્રશ્નોના અમે કદી જવાબ નહીં આપીએ.
‘Tongue in cheek’માં કહેવાયેલી આ વાત (ગુજરાતીમાં આને શું કહીશું? દાઢમાં બોલવું?) એટલા માટે યાદ આવી કે ચેતન આનંદના પ્રશ્નનો જવાબ તેમની અંગત મજબૂરી હતી. જ્યારે બાકીના પ્રશ્નોના જવાબમાં તેમણે ઇશારો કર્યો કે દેવ આનંદ જેવા સફળ અદાકારે ડાયરેક્ટર બનવાની અને વિજય આનંદ જેવા સફળ ડાયરેક્ટરે અભિનેતા બનવાની ભૂલ ન કરવી જોઈએ.
એક સફળ ફિલ્મ માટેનું સૌથી વધુ શ્રેય ડાયરેક્ટરને જાય છે. કબૂલ કે ફિલ્મની સફળતા એ ટીમવર્કની સફળતા છે, પરંતુ એ સફળતાનો શિલ્પી ડાયરેક્ટર છે. સમગ્ર ફિલ્મનું વિઝ્‍યુઅલાઇઝેશન ડાયરેક્ટર કરે છે અને ત્યાર બાદ તેની કૅપ્ટન્સી હેઠળ એનું પ્રેઝન્ટેશન કલાકાર, સંગીતકાર અને બીજા કસબીઓ દ્વારા થાય છે. હિન્દી ફિલ્મોના થોડા મહાન ડાયરેક્ટર્સ યાદ આવે; જેવા કે મેહબૂબ ખાન, વી. શાંતારામ, બિમલ રૉય, કે. આસિફ, ગુરુ દત્ત, રાજ કપૂર અને બીજા. તેમના દ્વારા આપણને અનેક યાદગાર ફિલ્મો મળી, એટલે તો કહેવાય છે, ‘ફિલ્મ્સ આર ડાયરેક્ટર્સ મીડિયમ.’
ટીનુ આનંદના પિતા રાઇટર ઇન્દર રાજ આનંદે જોયું કે પુત્રની ઇચ્છા છે કે ફિલ્મલાઇનમાં જ કરીઅર બનાવવી છે ત્યારે તેમણે એક સલાહ આપી, ‘તું કોઈ ફિલ્મમેકરનો અસિસ્ટન્ટ બનીને અનુભવ લે.’ આટલું કહીને તેમણે ટીનુ આનંદને ત્રણ નામ આપ્યાં અને કહ્યું કે આમાંથી કોઈ એકને પસંદ કર. એ નામ હતાં રાજ કપૂર, સત્યજિત રે અને ઇટાલિયન ફિલ્મમેકર ફેડરિકો ફેલિની.’
પિતાની આવી જનરસ ઑફર સાંભળીને કોઈ પણ પુત્ર ખુશ થઈ જાય. ટીનુ આનંદ કહે છે, ‘ફેલિનીનું નામ સાંભળીને મારા કાન ચમક્યા. રાજ કપૂર એક મહાન કલાકાર હતા, પરંતુ તેમની સાથે અમારાં ફૅમિલી રિલેશન્સ હતાં. તેમને હું નજીકથી જાણતો હતો એટલે મારા માટે ‘ઘર કી મુર્ગી દાલ બરાબર’ જેવું થાય. સત્યજિત રે અને ફેલિની વચ્ચે મેં ફેલિનીને પસંદ કર્યા. એનું એકમાત્ર કારણ હતું કે ઇટલી જવા મળશે અને ઇન્ટરનૅશનલ ફેમ મળશે.’
એક આડવાત. ફેલિની ઇટલીના મશહૂર રાઇટર-ડાયરેક્ટર હતા જેનું ઇન્ટરનૅશનલ ફિલ્મ માર્કેટમાં મોટું નામ હતું. આ તરફ સત્યજિત રેની પ્રતિભા એક અનોખા સર્જક તરીકે દુનિયાભરમાં છવાયેલી હતી. એક પ્રોડ્યુસર, ડાયરેક્ટર, રાઇટર, એડિટર, મ્યુઝિક-ડાયરેક્ટર અને બીજાં અનેક ક્ષેત્રોમાં તેમના અદ્ભુત પ્રદાનને કારણે ૧૯૯૨માં તેમને ‘ભારત રત્ન’નો ખિતાબ મળ્યો હતો. ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં તેમનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. તેમની જીવની અને ફિલ્મો વિશે વિસ્તારથી ભવિષ્યમાં લખવાનો ઇરાદો છે.
ટીનુ આનંદ આગળ કહે છે, ‘પિતાજીએ ફેલિનીને ઇટલી કાગળ લખીને જણાવ્યું કે મારો દીકરો તમારે ત્યાં આવે છે.’ તેમનો જે જવાબ આવ્યો એ મારા શેખચલ્લીનાં સપનાંઓના ફુગ્ગામાં ટાંચણી મારવા જેવો હતો. ફેલિનીએ લખ્યું હતું કે ‘ટીનુ અહીં આવે એ પહેલાં ઇટાલિયન ભાષા શીખીને આવે, કારણ કે અહીં મોટા ભાગના લોકો અંગ્રેજી જાણતા નથી.’ મારો પૂરો નશો ઊતરી ગયો. ઇટાલિયન શીખવા માટે મારે એકથી દોઢ વર્ષ ટ્યુશન લેવાં પડે એમ હતું. એ પછી પણ હું કેટલું શીખી શકીશ એ બાબતે હું ચોક્કસ નહોતો. બીજું, હું એટલો સમય રાહ જોવા તૈયાર નહોતો. છેવટે મેં નક્કી કર્યું કે હું સત્યજિત રે પાસે કલકત્તા જઈશ.’
‘સત્યજિત રે જ્યારે રાજ કપૂરની પુત્રીનાં લગ્નમાં મુંબઈ આવ્યા હતા ત્યારે પિતાજીએ તેમની સાથે મારી ઓળખાણ કરાવી હતી. એ દિવસોમાં તેઓ એક મોટી બિગ બજેટ ફિલ્મ પ્લાન કરી રહ્યા હતા. મોટા ભાગે તેમની ફિલ્મો લો બજેટની હોય, પરંતુ આ ફિલ્મ ‘ગુપી ગાંયે બાઘા બાંયે’ (The adventures of Goopi and Bagha) મોટા કૅન્વસ પર બનવાની હતી. એ માટે તેઓ ફાઇનૅન્સરની શોધમાં હતા. રાજ કપૂરે તેમને એક ઑફર આપી, ‘તમે મારા દીકરાને આ ફિલ્મમાં લૉન્ચ કરો, હું ફાઇનૅન્સ કરીશ.’ જોકે સત્યજિત રેએ ના પાડી. થોડા સમય પછી તેમને ફાઇનૅન્સર મળી ગયો અને ફિલ્મનું કામ શરૂ થયું. એ દરમ્યાન પિતાજીનો મારા માટેનો કાગળ ગયો એટલે તેમણે પત્ર લખ્યો કે ‘ભલે, ટીનુને કલકત્તા મોકલી આપો.’
‘પિતાજી અને કે. એ. અબ્બાસ મિત્રો હતા. એ સમયે તેમની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ શરૂ થવાની હતી. મને કહે, ‘ફિલ્મમાં એક કવિનો રોલ છે. તું કરીશ?’ હું સાવ નવરો હતો. મેં હા પાડી, પણ ત્યાં જ સત્યજિત રેનો જવાબ આવ્યો એટલે ફિલ્મમાં કામ કરવાનું પડતું મૂકીને મેં કલકત્તા જવાની તૈયારી શરૂ કરી. એ દિવસોમાં કલકત્તા ટ્રેનમાં જતાં બે દિવસ થતા. ટપાલ પહોંચતાં પણ ૧૦-૧૨ દિવસ લાગતા. હું હજી ટ્રેનમાં હતો ત્યાં પિતાજી પર સત્યજિત રેનો કાગળ આવ્યો કે આ ફિલ્મ ખૂબ જ એક્સપેન્સિવ છે. ઑલરેડી મારા ૬ અસિસ્ટન્ટ છે. રાજસ્થાનમાં શૂટિંગ થવાનું છે. ટીનુને કહો કે હમણાં ન આવે. ભવિષ્યમાં ફરી કોઈક વાર હું તેને બોલાવી લઈશ.’ પિતાજીએ તેમને ફોન કરીને કહ્યું ‘તે તો નીકળી ગયો છે.’
બીજા દિવસે પિતાજીએ મને ફોન કરીને આ વાત જણાવી અને કહ્યું કે પાછો આવી જા. અને હા, ગયો જ છે તો એક વાર માણેકદા (સત્યજિત રે)ને મળી આવજે. હું એકદમ નિરાશ થઈ ગયો. મુંબઈમાં ફિલ્મ મળી એ છોડીને હું અહીં આવ્યો ત્યારે ખૂબ આશા હતી. ખેર, મારા નસીબમાં આ જ લખાયું હશે એમ માનીને મન મનાવ્યું. થોડા સ્વસ્થ થઈને માણેકદાને ફોન કર્યો, ‘દાદા, હું આવી ગયો છું. તમારો પત્ર મળ્યો એ પહેલાં જ હું મુંબઈથી નીકળી ગયો હતો. પાછો જતાં પહેલાં એક વાર તમને મળવાની ઇચ્છા છે, ક્યારે આવું?’
માણેકદાએ કહ્યું, ‘કાલે સવારે ૮ વાગ્યે ઘેર આવી જા.’ બીજા દિવસે સવારે પોણાઆઠ વાગ્યે તેમના ઘરે પહોંચી ગયો. ૧૫ મિનિટ કમ્પાઉન્ડમાં જ ઊભો રહ્યો. બરાબર ૮ વાગ્યે મેં ડોરબેલ મારી. માણેકદાએ પોતે દરવાજો ખોલ્યો. હું તો અવાચક્ થઈ ગયો. આટલા મોટા સર્જક પોતે જ દરવાજો ખોલે એ વાત માનવામાં જ ન આવે. મારી આટલાં વર્ષોની ફિલ્મી કરીઅરમાં મેં કોઈ નાના કે મોટા કલાકારને પોતાના ઘરનો દરવાજો ખોલતાં જોયા નથી. ઊંચા કદાવર માણેકદાનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી છે કે તમે અંજાયા વિના ન રહો. ભારે, વજનદાર અવાજમાં તેમણે એટલું જ કહ્યું, ‘બેસ, ૧૫-૨૦ મિનિટ, હું કામમાં છું.’ અને તેઓ ટાઇપરાઇટર પર વ્યસ્ત થઈ ગયા.
‘એ દિવસો શિયાળાના હતા, ફૂલગુલાબી ઠંડી હતી. ૨૦ મિનિટ થઈ ગઈ. તેઓ કામ કરતા હતા અને હું મનમાં વિચારતો હતો, ‘આવી ઠંડીમાં મને ઘેર બોલાવીને જો પોતાનું કામ કરવાના હતા તો મને આટલો વહેલો બોલાવ્યો શું કામ?’ મને ખબર નહોતી કે હું કેટલો અણસમજુ હતો. કામ પતાવીને એક-બે મિનિટમાં જ ટાઇપ કરેલાં થોડાં કાગળ હતાં એ સ્ટેપલ કરીને મારા હાથમાં આપતાં તેઓ બોલ્યા.’ તું આવી જ ગયો છે તો મને થયું કે તું મારા સાતમા અસિસ્ટન્ટ તરીકે કામ કરજે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ તારા માટે મેં અંગ્રેજીમાં ટાઇપ કરી છે; કારણ કે બંગાળી સ્ક્રિપ્ટ સમજવી તારા માટે મુશ્કેલ થાય. તને કામ કરવાના પૈસા તો નહીં મળે, પરંતુ તારા રહેવા-ખાવા-પીવાની વ્યવસ્થા થઈ જશે. આજથી તું અમારા યુનિટનો સાતમો મેમ્બર છે.’
ત્યારે મને ખબર પડી કે જે વ્યક્તિ સાતમો અસિસ્ટન્ટ અફૉર્ડ ન કરી શકે તેને માટે માણેકદા સવારે ૪ વાગ્યે ઊઠીને પોતાના હાથે ફિલ્મની સ્ક્રિપ્ટ અંગ્રેજીમાં ટાઇપ કરતા હતા અને હું મનમાં તેમને કોસતો હતો કે મને ૨૦ મિનિટ મોડો બોલાવ્યો હોત તો? મહાન લોકો એમ ને એમ મહાન નથી કહેવાતા. તેમની સાથે ચાર વર્ષ કામ કર્યું. કેવળ ફિલ્મમેકિંગનાં જ નહીં, પરંતુ જીવનનાં અનેક પાસાંઓની સમજણ તેમની પાસેથી શીખવા મળી. તેમની યાદમાં થોડાં વર્ષ પહેલાં કલકત્તામાં યોજાયેલા એક કાર્યક્ર્મમાં હું પણ એક વક્તા હતો. તેમને યાદ કરતાં હું ભાવવિભોર થઈ ગયો અને કહ્યું, ‘આજે જ્યારે મને ઠંડીનો અહેસાસ થાય છે, એકલતા અનુભવું છું ત્યારે તેમની આ સ્ક્રિપ્ટ હું રજાઈની જેમ ઓઢી લઉં છું અને સૂકુન અનુભવું છું.’
ટીનુ આનંદ આ વાત કરતા હોય છે ત્યારે તેમના અવાજની ભીનાશ રેડિયો પર પણ છૂપી નથી રહેતી. માણેકદા વિશે જેટલું લખાય એટલું ઓછું છે. તેમનો અને કિશોરકુમારનો એક કિસ્સો અહીં યાદ આવે છે. કિશોરકુમાર પોતે એક સારા ડાયરેક્ટર હતા. ભાગ્યે જ તેમને સારા ડાયરેક્ટર્સ સાથે કામ કરવાનો મોકો મળ્યો. તેઓ માનતા કે (પોતે જે ફિલ્મોમાં ઍક્ટિંગ કરી હોય એમાંના) સત્યેન બોઝ અને બિમલ રૉય સિવાય કોઈને ડાયરેક્શનનો કક્કો આવડતો નથી. એક નામ હતું સત્યજિત રે, જેમની સાથે કામ કરવાનો તેમને મોકો મળ્યો હતો, પરંતુ એ શક્ય ન બન્યું. એપ્રિલ ૧૯૮૫માં ‘ફિલ્મ ફેર’ માટે ‘ધી ઇલસ્ટ્રેટેડ વીકલી ઑફ ઇન્ડિયા’ના તંત્રી પ્રીતીશ નંદીએ કિશોરકુમારનો અનોખો ઇન્ટરવ્યુ લીધો હતો. એમાં કિશોરકુમાર આ ઘટના વિશે વાત કરતાં કહે છે...
‘ફિલ્મ ‘પારસ પથાર’ (૧૯૫૮)માં સત્યજિત રેએ મને એક રોલ ઑફર કર્યો. આ એક કૉમેડી ફિલ્મ હતી. તેઓ એટલા મહાન ડાયરેક્ટર છે કે મને તેમની સાથે કામ કરવાનો ડર લાગતો હતો. હું ખૂબ ગભરાયેલો હતો એટલે તેઓ મને મળવા આવે એ પહેલાં જ હું ભાગી ગયો. પછીથી એ રોલ તુલસી ચક્રવર્તીએ ભજવ્યો હતો. એ એક ઉત્તમ ભૂમિકા હતી, પરંતુ હું એ છોડીને ભાગી ગયો હતો.’
આ સાંભળીને ઇન્ટરવ્યુ લેનાર પ્રીતીશ નંદી એક સવાલ પૂછે છે, ‘પણ તમે તો સત્યજિત રેને જાણતા હતાને?’ એના જવાબમાં કિશોરકુમાર જે વાત કરે છે એ માની ન શકાય એવી છતાં સાચી વાત છે, ‘હા, હું તેમને સારી રીતે જાણતો હતો. એક વાત કહું, ફિલ્મ ‘પાથેર પાંચાલી’ વખતે તેઓ નાણાકીય ભીડમાં હતા ત્યારે મેં તેમને ૫૦૦૦ રૂપિયાની લોન આપી હતી. તેમણે એ લોન પછીથી ચૂકવી દીધી. મેં તેમને કદી એ ભૂલવા ન દીધું કે ‘પાથેર પાંચાલી’ જેવી મહાન ફિલ્મ બનાવવામાં મારો પણ ફાળો હતો. હું હજી પણ એ બાબતે તેમની સાથે મજાક-મશ્કરી કરું છું. મેં જે લોન આપી હતી એ હું કદી ભૂલીશ નહીં.’
આ વાતનો સ્વીકાર સત્યજિત રેએ એક ઇન્ટરવ્યુમાં કર્યો છે એટલે તેમની સચ્ચાઈ બાબતે કોઈ શંકા નથી. મજાની વાત એ હતી કે જ્યારે પૈસા પાછા મળ્યા ત્યારે કિશોરકુમારે માણેકદાને એમ કહ્યું કે ‘તમે મને લખીને આપો કે કિશોરકુમારે મને જે લોન આપી હતી એ હું પાછી વાળું છું.’ માણેકદા નવાઈ પામ્યા કે ‘પૈસા પાછા આપ્યા બાદ આવું લખાણ શા કામનું?’ કિશોરકુમારનો જવાબ હતો, ‘હું કોઈને લોન આપું એ વાત સાચી કોણ માનશે? પૂરી દુનિયા મને કંજૂસ માને છે. એવા લોકોને જવાબ આપવા માટે આ કાગળ જરૂરી છે.’
માણેકદા કિશોરકુમારનાં પહેલાં પત્ની રૂમાદેવીના મામા હતા. કિશોરકુમાર અને તેમના ‘માણેકમામા’ના સંબંધ એટલા ઘનિષ્ઠ હતા કે ફિલ્મ ‘ચારુલતા’ના ગીત માટે કિશોરકુમારે એક પણ પૈસો લીધો નહોતો. ફિલ્મ ‘ગુપી ગાંયે બાઘા બાંયે’ માટે માણેકદાએ કિશોરકુમારને ગુપીનો રોલ ઑફર કર્યો, પરંતુ એ દિવસોમાં કિશોરકુમારની સિંગર તરીકેની બીજી ઇનિંગ્સ શરૂ થઈ ચૂકી હતી એટલે એમાં તેઓ અત્યંત વ્યસ્ત હતા. હૉરર ફિલ્મોના શોખીન કિશોરદા પાસે આવી ફિલ્મોની અનેક વિડિયો-કૅસેટ હતી. એ માટેના કબાટમાં એક રેક ‘માણેકમામા રેક’ તરીકે અલગ હતી, જેમાં સત્યજિત રેની દરેક ફિલ્મોની વિડિયો-કૅસેટ રાખી હતી.
આવતા રવિવારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથેના ટીનુ આનંદના અનુભવની વાતો કરીશું.

columnists weekend guide kishore kumar satyajit ray rajani mehta