સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ 6)

26 November, 2022 06:41 PM IST  |  Mumbai | Aashu Patel

મમ્મીની વાત સાંભળીને રશ્મિ અકળાઈ ઊઠી. તેને વચ્ચેથી અટકાવતાં તે બોલી ઊઠી : ‘મમ્મી, તને અક્કલ છે? તું કયા ટાઇમે કઈ વાત કરે છે! આવી ફાલતુ વાત માટે તેં મને અત્યારે કૉલ કર્યો! તને ખબર છે કે મારા પર અત્યારે કેટલું ટેન્શન છે? ચલ, મૂક ફોન.’

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ

કૉલ કરનારી વ્યક્તિએ કહ્યું, ‘હું કોણ બોલું છું એ મહત્ત્વનું નથી. હું એક નંબર આપું છું. એ નંબર પર કૉલ કર એટલે તને એવી સ્ટોરી મળી જશે જે અડતાલીસ કલાક સુધી બ્રેકિંગ-ન્યુઝ તરીકે તારી ચૅનલના હવાલા સાથે આખા દેશની તમામ ન્યુઝ-ચૅનલ્સ પર ચાલતી રહેશે.

રશ્મિએ કહ્યું, ‘મમ્મી, તારી રેકૉર્ડ શરૂ થઈ ગઈ ફરી વાર! મારે આગળ કશું નથી સાંભળવું. આ વાત આપણે હજાર વાર કરી ચૂક્યાં છીએ. હું બાળકો પેદા કરવાનું મશીન બની જવા માગતી નથી. અને એ છોકરો ત્રણ લાખ કમાતો હોય તો મારો પગાર દસ લાખ રૂપિયા છે. એટલે મારે પૈસા માટે પરણવાની જરૂર નથી! તે હરામી મારા પૈસા વાપરશે!’

‘...શાહનવાઝને ઠેકાણે પાડવા માટે રઘુની મદદ લેવી પડશે અને એ માટે રઘુને થોડી ફેવર કરવી પડશે. તેને..’
 પૃથ્વીરાજ સિંહના રાજકારણી પિતા પ્રતાપરાજ સિંહને તેમના અંગત મિત્ર અને રાજકીય નેતા આદિત્ય તિવારીએ શાહનવાઝ વિશે પૂરી વાત કર્યા પછી, જાહેરાતને અંતે ‘કન્ડિશન્સ અપ્લાઇડ’ની ખતરનાક ફૂદડી મૂકી હોય એ રીતે, કન્ડિશન મૂકતાં કહ્યું.  
 પ્રતાપરાજે તિવારીની વાત વચ્ચેથી જ કાપતાં અધીરા અવાજે કહ્યું, ‘રઘુને શું ફેવર જોઈએ છે એ મને ખબર છે! હું તેનું કામ કરી આપીશ. તેની રાતોની ઊંઘ હરામ કરનારા આઇપીએસ વિશાલ સિંહની બદલી આવતી કાલે સ્ટેટ રિઝર્વ પોલીસમાં થઈ જશે! રઘુને ગ્રીન સિગ્નલ આપી દે.’
 રઘુ લખનઉનો ડૉન હતો અને તેનું કુટુંબ પ્રતાપરાજના પિતાનું ખૂન કરવામાં સામેલ હતું, પણ રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે કાયમી દોસ્ત નથી હોતો એ પ્રતાપરાજ બરાબર સમજતા હતા.
‘રઘુ તો કશું નહીં માગે. તેને તો મોટી ફેવર કરી રહ્યા છીએ, પણ મુંબઈમાં થોડો ખર્ચ કરવો પડશે.’ તિવારીએ કહ્યું.
પ્રતાપરાજે ધારદાર નજરે તેમની સામે જોયું.
તેમની નજરથી અસ્વસ્થ થઈ ગયેલા તિવારીએ તરત જ ઉમેરી દીધું : ‘એટલે એ બધો ખર્ચ હું જ ઉઠાવી લઈશ. આ તો ખાલી તમને જાણ કરી.’
lll
પૃથ્વીરાજ સિંહ શેખાવત ઉત્તર પ્રદેશના એક વગદાર કુટુંબમાંથી આવતો હતો. તેના પૂર્વજો રાજસ્થાનના વતની હતા, પરંતુ પછી તેના વડવાઓ સ્થળાંતર કરીને ઉત્તર પ્રદેશ ચાલ્યા ગયા હતા અને તેમણે ઉત્તર પ્રદેશમાં આર્થિક અને રાજકીય સામ્રાજ્ય જમાવ્યું હતું. પૃથ્વીના દાદા અમરજિત સિંહ શેખાવત ઉત્તર પ્રદેશના અંડરવર્લ્ડના ડૉન હતા, અને તેમણે કેટલીયે હત્યાઓ કરી હતી અને કરાવી હતી. તેના દાદાએ બે દાયકા સુધી ઉત્તર પ્રદેશમાં ખોફ ફેલાવ્યો એ પછી હરીફ ગૅન્ગે તેમનું ખૂન કરાવી નાખ્યું હતું. એ પછી પૃથ્વીરાજના પિતા પ્રતાપરાજે વિચાર્યું હતું કે આ આર્થિક સામ્રાજ્ય ટકાવી રાખવું હશે તો માત્ર મસલપાવરથી નહીં ચાલે એટલે તેઓ અંડરવર્લ્ડમાંથી પૉલિટિક્સમાં પ્રવેશ્યા હતા અને તેમના વિસ્તારમાંથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાયા પછી તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને અપક્ષ ઉમેદવાર તરીકે આખા દેશમાં સૌથી વધુ લીડથી ચૂંટાયેલા સંસદસભ્ય બન્યા હતા. એ પછી દેશના ટોચના રાજકીય પક્ષ જનસેવાએ તેમને મહામંત્રીપદની ઑફર કરી હતી અને તેઓ જનસેવા પક્ષમાં જોડાઈ ગયા હતા. થોડાં વર્ષોમાં તો તેઓ જનસેવા પક્ષના ઉત્તર પ્રદેશના એકમના વડા બની ગયા હતા. એ પછી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ આવી ત્યારે તેમના વડપણ હેઠળ જનસેવા પક્ષ અકલ્પ્ય બહુમતી સાથે વિજયી બન્યો હતો. એ વખતે તેઓ ધારત તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બની શક્યા હોત, પણ તેમણે ચીફ મિનિસ્ટર બનવાને બદલે પક્ષના અધ્યક્ષપદે રહેવાનું પસંદ કર્યું હતું. જોકે તેઓ સુપર સી.એમ. તરીકે ઓળખાતા થઈ ગયા હતા.  
 ‘ખબર ઇન્ડિયા’ની મૅનેજિંગ એડિટર રશ્મિ માથુર પોતાની કૅબિનમાં એકલી પડી એ પછી તેણે થોડા ઊંડા શ્વાસ લીધા. ત્યાર બાદ તેણે તેના સોર્સીસને કૉલ કરવા માટે ટેબલ પર પડેલો મોબાઇલ ફોન હાથમાં લીધો. તે એક પછી એક સોર્સને કૉલ કરતી ગઈ, પરંતુ તમામ જગ્યાએથી નિરાશાજનક જવાબો મળ્યા. એક પોલીસ અને અંડરવર્લ્ડ બન્ને માટે કામ અને જરૂર પડે ત્યારે મીડિયાને માહિતી આપીને પણ કમાણી કરી લેતા એક ખબરીએ કહ્યું કે ‘થોડા દિવસોમાં અંડરવર્લ્ડની એક જોરદાર સ્ટોરી આપું છું, મૅડમ. હમણાં મારા દીકરાની સ્કૂલની ફી ભરવા માટે વીસ હજાર રૂપિયાની મદદ કરી દો તો તમારો અહેસાન થશે.’
પત્રકારત્વના વીસ વર્ષના અનુભવ પછી રશ્મિ સામેવાળાની બોલવાની શૈલી પરથી સમજી શકતી હતી કે તે ખરેખર કોઈ સ્ટોરી આપશે કે નહીં. જોકે એમ છતાં તેણે એ સોર્સને સાચવવા માટે કહ્યું, ‘ચિંતા ન કર. હું તારા દીકરાની ફીની વ્યવસ્થા કરી આપું છું.’
એ કૉલ ડિસ્કનેક્ટ કર્યા પછી રશ્મિએ ફરી એક નાનકડો બ્રેક લીધો. તે વિચારી રહી હતી એ જ વખતે તેની મમ્મીનો કૉલ આવ્યો. રશ્મિએ કમને એ કૉલ રિસીવ કર્યો. તેની મમ્મીનો કૉલ આવે ત્યારે તે અચૂક કૉલ રિસીવ કરતી હતી, કારણ કે રશ્મિના ઘરમાં તે અને તેની મમ્મી લતા એકલાં જ રહેતાં હતાં. તેનાં પિતાનું વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું. તેની મમ્મી શિક્ષિકા તરીકે નિવૃત્ત થઈ હતી અને ઘરે બેસીને ટાઇમપાસ કરવા સિવાય તેની પાસે બીજી કોઈ પ્રવૃત્તિ નહોતી.
‘હા બોલ, મમ્મી.’ રશ્મિએ સેલફોન કાને માંડતાં કહ્યું.
રશ્મિની મમ્મી લતાએ કહ્યું, ‘રીનામાસી તારા માટે એક સારું ઠેકાણું શોધી લાવ્યાં છે. છોકરો બિઝનેસ કરે છે અને મહિને ત્રણ લાખ રૂપિયા જેટલી કમાણી.’
મમ્મીની વાત સાંભળીને રશ્મિ અકળાઈ ઊઠી. તેને વચ્ચેથી અટકાવતાં તે બોલી ઊઠી : ‘મમ્મી, તને અક્કલ છે? તું કયા ટાઇમે કઈ વાત કરે છે! આવી ફાલતુ વાત માટે તેં મને અત્યારે કૉલ કર્યો! તને ખબર છે કે મારા પર અત્યારે કેટલું ટેન્શન છે? ચલ, મૂક ફોન.’
તેની મમ્મીએ કહ્યું, ‘એક મિનિટ સાંભળી લે મને! આ વાત તને ફાલતુ લાગે છે? આ તારા જીવનનો સવાલ છે. તું ચાલીસ વર્ષે કુંવારી બેઠી છે અને હું ચિંતા કરું એ તને ફાલતુ વાત લાગે છે! તારા પિતા જીવતા હોત તો તને ક્યારની પરણાવી દીધી હોત. કાલે હું નહીં હોઉં ત્યારે તારું કોણ?’
રશ્મિએ કહ્યું, ‘મમ્મી, તારી રેકર્ડ શરૂ થઈ ગઈ ફરી વાર! મારે આગળ કશું નથી સાંભળવું. આ વાત આપણે હજાર વાર કરી ચૂક્યાં છીએ. હું બાળકો પેદા કરવાનું મશીન બની જવા માગતી નથી. અને તે છોકરો ત્રણ લાખ કમાતો હોય તો મારો પગાર દસ લાખ રૂપિયા છે. એટલે મારે પૈસા માટે પરણવાની જરૂર નથી! તે હરામી મારા પૈસા વાપરશે!’
તેની મમ્મીએ કહ્યું, ‘સમાજ...’
એ સાથે જ રશ્મિનું મગજ જાણે જ્વાળામુખીની જેમ ફાટ્યું. તેણે કહ્યું ‘મમ્મી, ઇનફ. તું અને તારો સમાજ.. આઇ ડોન્ટ કૅર ફૉર યૉર સો કૉલ્ડ સોસાયટી. તારે પાછું પરણવું હોય તો તું પરણી જજે, પણ મને પરણાવવાની જીદ ના કરતી. મારે પરણવું હશે તો પરણી જઈશ અને નહીં પરણવું હોય તો સાત જનમ સુધી કુંવારી રહીશ!’
રશ્મિએ કૉલ ડિસ્કનેક્ટ કરીને ફોન જોરથી ફેંક્યો. જોકે એ ફોન તેની ટેબલની સામે પડેલી ખુરશીઓ પર અથડાઈને નીચે પડ્યો એટલે ફોનને વધુ નુકસાન ન થયું. રશ્મિ ફોન લેવા માટે ટેબલની બીજી બાજુ જઈને નીચે વળી એ જ વખતે તેના ફોન પર કોઈ અજાણ્યા નંબરથી કૉલ આવ્યો.
ટ્રુ કૉલર પર ‘સિંહ’ એટલું વંચાયું. રશ્મિને ફરી ફોન પટકવાની ઇચ્છા થઈ, પણ પછી તેને થયું કે કદાચ કોઈ અગત્યનો કૉલ હોઈ શકે. એટલે તેણે એ કૉલ રિસીવ કર્યો. તેણે સેલફોન કાને માંડ્યો એ સાથે સામેથી કોઈએ ભારે અવાજમાં પૂછ્યું, ‘રશ્મિ માથુર?’
રશ્મિએ કહ્યું, ‘યસ.’
સામે છેડેથી કહેવાયું, ‘તને એક સ્ફોટક સ્ટોરી જોઈએ છે?’
રશ્મિને ગુસ્સો આવી ગયો. મમ્મી અને અંગત મિત્રો સિવાય કોઈ તેને તુંકારે બોલાવે તો તે ઉશ્કેરાઈ જતી હતી. એક વખત એક પ્રેસ-કૉન્ફરન્સમાં મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે તેને તુંકારે સંબોધન કર્યું હતું તો રશ્મિએ બધાની વચ્ચે તેને તુંકારે બોલાવીને તેનું અપમાન કરી નાખ્યું હતું, અને બીજે દિવસે એ ઘટના અખબારોમાં ન્યુઝરૂપે છપાઈ ગઈ હતી. એ પછી તેને કોઈ તુંકારે બોલાવવાની હિંમત નહોતું કરતું. રશ્મિ ગાળ આપવા જતી હતી, પણ કૉલ કરનારી વ્યક્તિએ સીધું જ પૂછ્યું કે ‘સ્ફોટક સ્ટોરી જોઈએ છે?’ એટલે રશ્મિએ એ તુંકારો સહન કરી લીધો. જોકે તેણે પણ સામે તુંકારે જ વાત કરતાં સામો સવાલ કર્યો: ‘શું સ્ટોરી છે? તું કોણ બોલે છે?’
કૉલ કરનારી વ્યક્તિએ કહ્યું, ‘હું કોણ બોલું છું એ મહત્ત્વનું નથી. હું એક નંબર આપું છું. એ નંબર પર કૉલ કર એટલે તને એવી સ્ટોરી મળી જશે જે અડતાલીસ કલાક સુધી બ્રેકિંગ-ન્યુઝ તરીકે તારી ચૅનલના હવાલા સાથે આખા દેશની તમામ ન્યુઝ-ચૅનલ્સ પર ચાલતી રહેશે.’
હવે રશ્મિને રસ પડ્યો. તેણે અધીરા અવાજે પૂછ્યું, ‘તમે કોણ છો? ક્યાંથી બોલો છો? મારે કોની સાથે વાત કરવાની છે?’
કૉલ કરનારી વ્યક્તિએ કહ્યું, ‘આ બધા સવાલો રહેવા દે. હું તને એક નંબર મોકલું છું. એ નંબર પર કૉલ કર. તે નંબર ઉઠાવનારી વ્યક્તિ તને બધી માહિતી આપશે, અને તું આખા દેશમાં છવાઈ જઈશ. અને સાંભળ, એ સ્ટોરી પ્રસારિત કરતાં પહેલાં પોલીસ-પ્રોટેક્શન લઈ લેજે અને તારા ઘરે તારી મા એકલી છે એટલે બે કૉન્સ્ટેબલ તારા ઘરે પણ તહેનાત કરાવી દેજે, અને હમણાં થોડા સમય માટે તું તારા પેલા બૉયફ્રેન્ડ સાથે તેના ખાનગી ફ્લૅટમાં તેની સાથે સૂવા જવાનું ટાળજે, અને તેના વિના ચાલે એમ જ ન હોય તો ત્યાં પણ પોલીસ મુકાવી દેજે. પોલીસ-કમિશનર સલીમ શેખ સાથે તારે સારું બને છે એટલે તારે પ્રોટેક્શન મેળવવા માટે બહુ મહેનત નહીં કરવી પડે.’
રશ્મિ આગળ કશું બોલે એ પહેલાં કૉલ કરનારી વ્યક્તિએ કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો!
રશ્મિને થોડી અકળામણ થઈ આવી. તેના મોંમાંથી ગાળો નીકળી ગઈ. બીજી ક્ષણે તેને થોડી ગભરામણ પણ થઈ. તેને કૉલ કરનારી વ્યક્તિ તેના વિશે બધું જ જાણતી હતી! તેણે સ્ફોટક સ્ટોરીની લાલચ આપવાની સાથે ગર્ભિત રીતે ધમકી પણ આપી દીધી હતી. જોકે અત્યારે તેની પાસે લાંબું વિચારવાનો અવકાશ નહોતો. તેને કોઈ એક્સક્લુસિવ સ્ટોરીની તાતી જરૂર હતી. તેણે પોતાનું મગજ શાંત પાડવાની કોશિશ કરી.
lll
 ‘રઘુ, મેં પ્રતાપરાજ સાથે વાત કરી લીધી છે. થોડો ખર્ચ થશે, પણ આઇપીએસ વિશાલ સિંહની આવતી કાલે સ્ટેટ રિઝર્વ પોલીસમાં બદલી થઈ જશે.’
‘પૈસાની કોઈ ફિકર નથી. તમે માત્ર રકમ બોલો એટલે ત્રણ કલાકમાં દુનિયાના કોઈ પણ ખૂણે તમે કહો ત્યાં મળી જશે.’ રઘુએ કહ્યું.
‘પણ તારે સાથે એક નાનકડું 
કામ કરવું પડશે.’ આદિત્ય તિવારીએ કહ્યું.
‘અરે! નાનું શું, ગમે એટલું મોટું કામ પણ કહો, તિવારીજી. થઈ ગયું સમજો.’
તિવારી કહ્યું, ‘સાંભળ, રઘુ...’
તેણે વાત પૂરી કરી એ સાથે રઘુ એ રીતે ઊભો થઈ ગયો જાણે તેને એકસામટા કેટલાય વીંછીએ ડંખ મારી દીધા હોય!   

વધુ આવતા શનિવારે

columnists ashu patel