સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ 5)

19 November, 2022 07:20 PM IST  |  Mumbai | Aashu Patel

‘પૃથ્વીનું જાહેરમાં અપમાન કરનારા શાહનવાઝને પાઠ ભણાવવો હોય તો એક મોકો છે’

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ 5)

‘તો? ભાઈંદરમાં ઘીમાં ભેળસેળનું કૌભાંડ પકડાય એમાં મુંબઈના એ ઉપનગર અને વધીને મુંબઈના લોકો સિવાય કોને રસ પડવાનો છે? આપાણી  ચૅનલ ‘ખબર ભાઈંદર’ નથી, આ ચૅનલ આખા દેશના લોકો જુએ છે અને વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો પણ જુએ છે. કોઈ એવું સ્કૂપ લઈ આવ કે જેનાથી ટીઆરપી વધે’

‘પૃથ્વીનું જાહેરમાં અપમાન કરનારા શાહનવાઝને પાઠ ભણાવવો હોય તો એક મોકો છે’

‘અરે તું શબ્દો નહીં પકડ, મેં તને કહ્યું છે કે એક્સક્લુઝિવ સ્ટોરી આપણે ત્યાં નથી આવતી. તું પૉઇન્ટ પકડ. જે કામની વાત છે એ પકડ અને જો તું એક્સક્લુઝિવ સ્ટોરી લાવવા માટે સક્ષમ ન હોય તો તારું રાજીનામું આપી દે એટલે હું યુક્તાને પ્રમોટ કરું,’ સહગલે સીધી ધમકી જ આપી દીધી

શાહનવાઝે ઑડિયન્સ સામે જોઈને કહ્યું, ‘હજી ગઈ કાલે ઇન્ડસ્ટ્રીમાં આવેલો આ ટપોરી શાહનવાઝની સામે પડવાની હિંમત કરે છે!’
પૃથ્વીરાજ પણ ઉશ્કેરાઈ ગયો. તેણે શાહનવાઝને તુંકારે સંબોધતાં કહ્યું, ‘હવે આગળ એક પણ અપમાનજનક શબ્દ બોલીશ તો હું તને તારી ઓકાત બતાવી દઈશ!’
શાહનવાઝ ભડકી ઊઠ્યો. તેણે બરાડો પાડ્યો, ‘હરામખોર, તારી ઓકાત શું છે એની મને ખબર છે. તું ઉત્તર પ્રદેશના એક ગુંડાનો દીકરો છે! તારા કુટુંબની ભાષા શું છે એ તું ભૂલી ગયો?’
એ સાથે ઑડિયન્સમાંથી કેટલાક લોકોએ પૃથ્વીરાજનો હુરિયો બોલાવવાનું શરૂ કર્યું! વાસ્તવમાં શાહનવાઝે જ તેના ચમચાઓને એ માટે અગાઉથી સૂચના આપી હતી.
શાહનવાઝે ગાળ આપી એટલે પૃથ્વીરાજ પોતાના ગુસ્સા પર કાબૂ ન રાખી શક્યો. તેણે બેસ્ટ ઍક્ટર તરીકે મળેલા અવૉર્ડનો ઘા કર્યો અને તે વીજળી વેગે શાહનવાઝ તરફ ધસ્યો. શાહનવાઝ ખેપાની હતો, પણ તેણે આવી પ્રતિક્રિયાની કલ્પના પણ નહોતી કરી.
પૃથ્વીરાજે પૂરી તાકાતથી શાહનવાઝના ગાલ પર તમાચો ઝીંકી દીધો અને તેણે બરાડો પાડતાં કહ્યું, ‘આઇ વિલ કિલ યુ, &`#@$ !”
પૃથ્વીરાજની ઉંમર માંડ ત્રીસેક વર્ષની હતી અને તેનું શરીર કસાયેલું હતું. બીજી બાજુ શાહનવાઝ ૫૫ વર્ષથી વધુ ઉંમરનો થઈ ચૂક્યો હતો એટલે પૃથ્વીરાજના તમાચાના ફોર્સથી તેણે પોતાનું બૅલૅન્સ ગુમાવ્યું અને તે સ્ટેજ પર પટકાઈ પડ્યો. પૃથ્વીરાજે તેને આડેધડ અને બેફામ લાતો મારવાનું શરૂ કર્યું.
એ જોઈને ઑડિયન્સમાં બેઠેલા તમામ આમંત્રિતો ઊભા થઈ ગયા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક પાવરફુલ માણસો દોડીને સ્ટેજ પર પહોંચી ગયા. એ દરમિયાન ઉદય મલ્હોત્રા, અર્જુન શ્રીવાસ્તવ અને પાયલ મિશ્રા પણ પૃથ્વીરાજને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હતા. ત્રણ-ચાર જણે પૃથ્વીરાજને પકડી લીધો. પૃથ્વીરાજે તેમને પણ ગાળો આપી.
આ તરફ શાહનવાઝને કળ વળી એટલે તે ઊભો થયો અને તે પૃથ્વીરાજને મારવા માટે ધસ્યો.
તે પૃથ્વીરાજની નજીક પહોંચ્યો એ સાથે પૃથ્વીરાજે પોતાને પકડીને રોકવાની કોશિશ કરતા માણસોને ઝનૂન સાથે ફંગોળી દીધા અને પૂરી તાકાતથી શાહનવાઝને લાત મારી. શાહનવાઝ ફંગોળાઈને થોડા ફીટ દૂર પડ્યો.
સ્ટેજ પર અકલ્પ્ય ઘમસાણ મચી ગયું. આ દરમિયાન શાહનવાઝના કેટલાક ચમચાઓ તેની મદદે દોડ્યા હતા, પણ પૃથ્વીરાજનું ઝનૂન જોઈને એ બધા ઢીલા પડી ગયા. જોકે  પૃથ્વીરાજના મિત્રોને સ્થિતિની ગંભીરતા સમજાઈ એટલે એ બધા સ્ટેજ પર દોડી ગયા હતા અને તેમણે પૃથ્વીરાજને પકડી લીધો હતો. પૃથ્વીરાજે તેમને પણ ગાળો આપી.
બીજી બાજુ શાહનવાઝના ચમચાઓએ શાહનવાઝને ઊભો કર્યો હતો. શાહનવાઝને શારીરિક કરતાં પણ માનસિક પીડા વધુ થઈ રહી હતી. અપમાન, ગુસ્સા અને ભયની મિશ્ર લાગણીના કારણે તેનું આખું શરીર ધ્રૂજી રહ્યું હતું. ઊભા થયા પછી તેણે પૃથ્વીરાજને બેફામ ગાળો આપવાનું શરૂ કર્યું.  
છ મિનિટ જેટલા સમય સુધી ધમાલ ચાલી. છેવટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક ધુરંધરોએ શાહનવાઝ અને પૃથ્વીરાજને મહામહેનતે શાંત પાડ્યા. 
એ વખતે સ્ટેજ પરનાં બધાં માઇક્સ ચાલુ હતાં એટલે પૃથ્વીરાજ અને શાહનવાઝ જે ગાળો બોલતા હતા એ ઉપસ્થિત બધા આમંત્રિતો સાંભળી રહ્યા હતા!
શાહનવાઝ પણ ગાળો બોલતાં-બોલતાં પૃથ્વીરાજને ધમકી આપી રહ્યો હતો કે ‘હું તને મારી નાખીશ. આઇ વિલ કિલ યુ, બાસ્ટર્ડ!’
શાહનવાઝ બધી રીતે પહોંચેલો હતો. તે અબજપતિ બાપનો દીકરો હતો. તેના અન્ડરવર્લ્ડ ડૉન હૈદર સાથે ધનિષ્ઠ સંબંધો હતા અને મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર સાથે પણ તેની ઊઠબેસ હતી. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા તેનાથી ડરતા હતા. તેની સામે પડનારા ઍક્ટર્સ, સિંગર્સ, મ્યુઝિક ડિરેક્ટર્સ કે પ્રોડ્યુસર્સની જિંદગી તે બરબાદ કરી નાખતો હતો. આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખબર હતી કે વિદેશમાં બેઠેલા ડૉનનું છત્ર તેના પર છે એટલે બધા તેનાથી ડરતા હતા. શાહનવાઝે પહેલી ફિલ્મ કરી ત્યારથી આજ સુધી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દાદાગીરી કરી હતી, પરંતુ આજે પૃથ્વીરાજ સિંહ શેખાવતે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હજારો લોકોની વચ્ચે તેને બેફામ ગાળો આપીને ફટકાર્યો હતો. 
આ દરમિયાન ગ્લૅમર ફિલ્મ અવૉર્ડ્સના આયોજક અને ‘ગ્લૅમર વર્લ્ડ’ મૅગેઝિનના તંત્રી-માલિક પ્રણવ મેહરાની હાલત કાપો તો પણ લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી!
lll
‘આપણી હરીફ ચૅનલ્સ પર કેટલા બધા બ્રેકિંગ ન્યુઝ આવી રહ્યા છે, કેટલી એક્સક્લુઝિવ સ્ટોરીઝ આવી રહી છે. અને આપણે ત્યાં છેલ્લા પંદર દિવસથી એક પણ એક્સક્લુઝિવ સ્ટોરી આવી નથી.’ 
‘ખબર ઇન્ડિયા’નો એડિટર-ઇન-ચીફ આશિષકુમાર સહગલ મૅનેજિંગ એડિટર રશ્મિ માથુરને ખખડાવી રહ્યો હતો. એનું કારણ એ હતું કે ‘ખબર ઇન્ડિયા’ ચૅનલની પેરન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંહાએ તેને ફાયરિંગ આપ્યું હતું કે ‘જો તું મારી ચૅનલના ટીઆરપી વધારી ન શકે તો કંઈ નહીં, પણ જો ટીઆરપી ટકાવી પણ ન શકે તો મારા માટે કંઈ કામનો નથી! તું રિઝલ્ટ ન આપી શકે તો બીજી નોકરી શોધી લેજે.’ એટલે અકળાયેલો સહગલ રશ્મિ પર ગુસ્સો ઠાલવી રહ્યો હતો.
‘પણ બીજી બધી ચૅનલ્સમાં જે બ્રેકિંગ ન્યુઝ આવ્યા છે એ આપણી ચૅનલમાં આવ્યા જ છે,’ રશ્મિએ બચાવ કરતાં કહ્યું.
‘અરે તું શબ્દો નહીં પકડ, મેં તને કહ્યું છે કે એક્સક્લુઝિવ સ્ટોરી આપણે ત્યાં નથી આવતી. તું પૉઇન્ટ પકડ. જે કામની વાત છે એ પકડ અને જો તું એક્સક્લુઝિવ સ્ટોરી લાવવા માટે સક્ષમ ન હોય તો તારું રાજીનામું આપી દે એટલે હું યુક્તાને પ્રમોટ કરું,’ સહગલે સીધી ધમકી જ આપી દીધી.
‘આપણે હજી ગયા અઠવાડિયે તો ભાઈંદર વિસ્તારમાં ઘીમાં ભેળસેળનું કૌભાંડ ચાલતું હતું એ સ્ટિંગ ઑપરેશન કરીને ખુલ્લું પાડ્યું હતું,’ રશ્મિએ પોતાનો બચાવ કરવાની સાથે દલીલ કરી.
‘તો? ભાઈંદરમાં ઘીમાં ભેળસેળનું કૌભાંડ પકડાય એમાં મુંબઈના એ ઉપનગર અને વધીને મુંબઈના લોકો સિવાય કોને રસ પડવાનો છે? આપાણી  ચૅનલ ‘ખબર ભાઈંદર’ નથી, આ ચૅનલ આખા દેશના લોકો જુએ છે અને વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો પણ જુએ છે. કોઈ એવું સ્કૂપ લઈ આવ કે જેનાથી ટીઆરપી વધે.’
‘પણ સર...’
‘નો આર્ગ્યુમેન્ટ્સ રશ્મિ. મારે કહેવાનું હતું એ મેં તને કહી દીધું, હવે તારે દલીલો કરવી હોય તો બીજી કોઈ ચૅનલમાં જઈને ત્યાંના એડિટર સાથે કરજે. મને તું પરિણામ આપ. ‘ગિવ રિઝલ્ટ, નૉટ રીઝન.’ તું પરિણામ આપ, મારે કારણો સાંભળવાં નથી.’ સહગલે રશ્મિ માથુરને અલ્ટિમેટમ આપતાં કહી દીધું.
રશ્મિને સમજાઈ ગયું કે અત્યારે સહગલનો મૂડ ભયંકર ખરાબ છે અને પોતે કોઈ પણ દલીલો કરશે તોય સહગલ તેની વાત સાંભળવાનો નથી. તેને એ પણ સમજાઈ ગયું કે સહગલ મૅનેજિંગ ડિરેક્ટર વિજય સિંહાને મળીને બહાર આવ્યો એ પછી તેનો મૂડ બદલાયો છે. એનો અર્થ એ કે વિજય સિંહાએ તેને ધમકી આપી છે અને એ ધમકી સહગલે તેના તરફ ફૉર્વર્ડ કરી છે. સહગલ રોજ સવારે અગિયાર વાગ્યે રિપોર્ટિંગ ટીમ સાથે મીટિંગ કરતો હતો અને આજે સવારે પણ મીટિંગ થઈ હતી ત્યારે તો તે ઉત્સાહમાં હતો અને તેણે બધાની વચ્ચે રશ્મિને શાબાશી આપી હતી કે ‘તું ‘ખબર ઇન્ડિયા’ની કરોડરજ્જુ સમાન છે. અને તેણે ભાઈંદરમાં ઘીમાં ભેળસેળના કૌભાંડને ખુલ્લું પાડવા માટે તેને અભિનંદન આપ્યાં હતાં. એ સિવાય પણ રશ્મિએ છેલ્લા થોડા દિવસોમાં બે-ત્રણ નોંધપાત્ર એક્સક્લુઝિવ સ્ટોરી જાતે કરી હતી અને એ માટે પણ તેણે તેની પીઠ થાબડી હતી, પણ અત્યારે તેનો સૂર બદલાઈ ગયો હતો.
સહગલ મિલનસાર સ્વભાવનો માણસ હતો, પણ ટીવી ચૅનલના એડિટર તરીકે તેના પર ભયંકર પ્રેશર રહેતું હતું એટલે ક્યારેક તે પિત્તો ગુમાવી બેસતો હતો, રોષે ભરાઈ જતો હતો.
રશ્મિ સમજી ગઈ અને તેણે સહગલની કૅબિનમાંથી વિદાય લઈ લીધી. તે પોતાની કૅબિનમાં ગઈ અને તેણે તાત્કાલિક એક રિપોર્ટિંગ ટીમની મીટિંગ બોલાવી. થોડી વાર પછી એ બધા કૉન્ફરન્સ રૂમમાં ભેગા થયા. રશ્મિએ બધા રિપોર્ટર્સ અને કોરસપૉન્ડન્ટ્સને ધમકાવી નાખ્યા કે તમે કોઈ એક્સક્લુઝિવ સ્ટોરી લાવતા નથી અને મારે સહગલ સરનો ઠપકો સાંભળવો પડે છે. મને કોઈ પણ હિસાબે આ વીકમાં બે-ત્રણ એક્સક્લુઝિવ અને સેન્સેશનલ સ્ટોરી જોઈએ છે.
રિપોર્ટર્સ અને કોરસપૉન્ડન્ટ્સ પોતાના બચાવમાં દલીલો કરવા લાગ્યા અને ખુલાસાઓ આપવા માંડ્યા એટલે રશ્મિએ પોતાનો ગુસ્સો તેમના પર ઠાલવતાં કહી દીધું, ‘ગિવ રિઝલ્ટ, નૉટ રીઝન!’
lll
‘પૃથ્વીનું જાહેરમાં અપમાન કરનારા શાહનવાઝને પાઠ ભણાવવો હોય તો એક મોકો છે.’
ઉત્તર પ્રદેશમાં પૃથ્વીરાજ સિંહના રાજકારણી પિતા પ્રતાપરાજ સિંહને તેમનો એક અંગત મિત્ર એવો રાજકીય નેતા કહી રહ્યો હતો.
પ્રતાપરાજે કશું બોલ્યા વિના પ્રશ્નાર્થ નજરે તેની સામે જોયું.
તેમના મિત્રએ આગળ એક વાક્ય કહ્યું એ સાથે પ્રતાપરાજ સિંહ ખુરશી પરથી ઊભા થઈ ગયા. તેમણે ઉત્તેજિત અવાજે કહ્યું, ‘ફટાફટ બોલવા માંડ...’
lll
‘ભાઈ, યે &%#$*@ને મુઝે પરેશાન કર દિયા હૈ. ઉસકો રાસ્તે સે હટાના પડેગા.’  
શાહનવાઝ ડૉન હૈદરને કહી રહ્યો હતો.
‘અરે રાસ્તે સે હટાને કી ઝરૂરત નહીં હૈ. મેરા એક આદમી કૉલ કર દેગા ઔર તુમ્હારા પ્રૉબ્લેમ સૉલ્વ હો જાએગા,’ અન્ડરવર્લ્ડ ડૉને કહ્યું.
‘નહીં ભાઈ. યા તો મૈં નહીં યા તો વો નહીં!’
‘ઠીક હૈ, મૈં ખુદ કૉલ કર લૂંગા,’ હૈદરે તેને સમજાવવાની કોશિશ કરતાં કહ્યું. 
હૈદરનું અબજો ડૉલરનું આર્થિક સામ્રાજ્ય દુનિયાના અનેક દેશોમાં વિસ્તરી ચૂક્યું હતું એટલે હવે તેને ખૂનખરાબામાં બહુ રસ રહ્યો નહોતો, પણ શાહનવાઝ સાથે તેના દાયકાઓ જૂના સંબંધો હતા એટલે તે તેને સહન કરી રહ્યો હતો.
‘ભાઈ, ઉસકો ઠોક ડાલો, પ્લીઝ. આપ જો બોલો વો દેને કે લિએ મૈં તૈયાર હૂં,’ શાહનવાઝે કહ્યું.
છેવટે હૈદરે કહ્યું, ‘ઠીક છે, હું ફરીદને આદેશ આપી દઉં છું.’
એ વખતે શાહનવાઝને કલ્પના પણ નહોતી કે તે તેના દુશ્મન બની ગયેલા પૃથ્વીરાજનું નહીં,  પણ પોતાનું જ ડેથ વૉરન્ટ ઇશ્યુ કરી રહ્યો હતો!

વધુ આવતા શનિવારે

columnists ashu patel