સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૪)

12 November, 2022 04:24 PM IST  |  Mumbai | Aashu Patel

‘તને સમજાશે પણ નહીં! તને આમ પણ અમુક વાતો ઝડપથી સમજાતી નથી!’ શાહનવાઝ હસી પડ્યો

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૪)

‘તને સમજાશે પણ નહીં! તને આમ પણ અમુક વાતો ઝડપથી સમજાતી નથી!’ શાહનવાઝ હસી પડ્યો

‘શું? તું પૃથ્વીરાજને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપવાનો છે. તારા જ હાથે?’
શાહનવાઝનો પ્રોડ્યુસર-કમ-પાર્ટનર એવો ફ્રેન્ડ મિલન કુમાર આશ્ચર્યચકિત થઈને પૂછી રહ્યો હતો.
‘યસ. હું અવૉર્ડ આપવાનો હોઉં તો મારા હાથે જ આપુંને!’ શાહનવાઝે મિલન કુમારની મજાક ઉડાવતાં કહ્યું.
‘તારું કૅરૅક્ટર આજ સુધી મારી સમજમાં આવ્યું નથી!’ મિલન કુમારે શાહનવાઝને કહ્યું.
‘તને સમજાશે પણ નહીં! તને આમ પણ અમુક વાતો ઝડપથી સમજાતી નથી!’ શાહનવાઝ હસી પડ્યો.
‘અરે પણ...’
શાહનવાઝે મિલન કુમારની વાત અટકાવતાં કહ્યું, ‘મેં મેહરાને પ્રૉમિસ કરી દીધું છે કે હું પૃથ્વીરાજને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપીશ! હવે આગળની વાત સાંભળ...’
શાહનવાઝ થોડી વાર બોલતો રહ્યો. તેણે વાત પૂરી કરી એ સાથે મિલન કુમારે કહ્યું, ‘મને લાગે છે કે તારે આ વિશે ફરી એક વાર શાંતિથી વિચારવું જોઈએ...’
‘શાહનવાઝે જિંદગીમાં આટલું બધું વિચાર્યું હોત તો અહીં સુધી ન પહોંચ્યો હોત!’ શાહનવાઝે તેને વચ્ચેથી અટકાવીને કહ્યું અને પછી અટ્ટહાસ્ય કર્યું.  
lll
‘ગ્લૅમર વર્લ્ડ’ મૅગેઝિનના અવૉર્ડ ફંક્શનમાં આખી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના લગભગ તમામ નામાંકિત ચહેરાઓ હતા. શરૂઆતમાં શાહનવાઝના ચમચા અને ‘ગે’ તરીકે પંકાયેલો ઍક્ટર ઉદય મલ્હોત્રા અને સેકન્ડ હીરો તરીકે ફિલ્મ કરતો અનુજ શ્રીવાસ્તવ ટી-શર્ટ અને બ્લેઝર તથા કમરથી નીચે ટૉવેલ વીંટીને સ્ટેજ પર આવ્યા. તેમણે એકબીજાના ટૉવેલ ખેંચીને ભદ્દી મજાક કરી અને પછી ડબલ મીનિંગવાળી વલ્ગર જોક્સ અને ઘટિયા કિસમની કૉમેડી કરી, જેને ઑડિયન્સે તાળીઓથી વધાવી લીધી. ત્યાર પછી ડાન્સ પર્ફોર્મન્સ અને તેમની વાહિયાત કૉમેડી વચ્ચે એક પછી અવૉર્ડ્સની જાહેરાત થતી ગઈ. વચ્ચે-વચ્ચે સ્ટાર્સના પર્ફોર્મન્સ થતા રહ્યા. છેલ્લે બેસ્ટ ઍક્ટ્રેસ અને બેસ્ટ ઍક્ટરના અવૉર્ડ્સ આપવાનું બાકી રહ્યું. જ્યારે બેસ્ટ ઍક્ટ્રેસના અવૉર્ડ માટે તાનિયાનું નામ જાહેર થયું ત્યારે ઑડિયન્સમાં ઉપસ્થિત આમંત્રિતો આશ્ચર્યચકિત થઈ ગયા. આંગળીના વેઢે ગણાય એટલી વ્યક્તિઓને ખબર હતી કે શાહનવાઝે તાનિયાને અવૉર્ડ આપવા માટે મેહરા પર દબાણ કર્યું છે. તે વ્યક્તિઓ સિવાય બધાએ આશ્ચર્ય સાથે આઘાતની લાગણી અનુભવી કે પાયલ મિશ્રાને બદલે તાનિયાને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો! જોકે તરત જ એ લાગણી છુપાવીને બધાએ તાળીઓના ગડગડાટથી તાનિયાને વધાવી લીધી.  
એ પછી છેલ્લે બેસ્ટ ઍક્ટર તરીકેના અવૉર્ડની જાહેરાત માટે શાહનવાઝને સ્ટેજ પર બોલાવાયો ત્યારે તો ઑડિયન્સમાં ઉપસ્થિત લોકોને ફરી આશ્ચર્ય થયું, કારણ કે પાયલ મિશ્રાની જગ્યાએ તાનિયાને બેસ્ટ ઍક્ટ્રેસ તરીકે ગ્લૅમર ફિલ્મ અવૉર્ડ મળી શકતો હોય તો સ્વાભાવિક રીતે શાહનવાઝને બેસ્ટ ઍક્ટર તરીકે અવૉર્ડ મળશે એવી ધારણા બધાએ બાંધી લીધી હતી. 
ઉદય મલ્હોત્રા અને અનુજ શ્રીવાસ્તવે જાહેરાત કરી કે ‘બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ જાહેર કરવા માટે અમે સુપરસ્ટાર શાહનવાઝ અને નંબર વન હિરોઇનની રેસમાં સામેલ પાયલ મિશ્રાને સ્ટેજ પર આવવા વિનંતી કરીએ છીએ.’
તાનિયાને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ જાહેર થયો એટલે પાયલ મિશ્રાનો ચહેરો ઊતરી ગયો હતો, પરંતુ તેને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપવા માટે શાહનવાઝ સાથે સ્ટેજ પર બોલાવાઈ એટલે તે પરાણે હસતી-હસતી સ્ટેજ પર ગઈ.
શાહનવાઝે ટીખળ કરી કે ‘આ વખતે મને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ ન મળ્યો એને કારણે ઑડિયન્સમાં કેટલીક વ્યક્તિઓ બહુ રાજી થઈ હશે. ઑડિયન્સમાં તો શું સ્ટેજ પર ઉપસ્થિત કેટલીક વ્યક્તિઓ પણ મનોમન ખુશી થઈ રહી હશે!’
સ્વાભાવિક રીતે તેનો ઇશારો પાયલ મિશ્રા તરફ હતો.
એ દરમ્યાન એક સુંદર યુવતી ટ્રે લઈને શાહનવાઝ અને પાયલ પાસે આવી. એ ટ્રેમાં એક કાર્ડ હતું, જેમાં બેસ્ટ ઍક્ટરનું નામ પ્રિન્ટ થયેલું હતું. શાહનવાઝે એ કાર્ડ હાથમાં લઈને પાયલ મિશ્રા તરફ લંબાવતાં કહ્યું કે ‘પાયલ, આ શુભ કામ તારા હાથે જ થવું જોઈએ!’
પછી તેણે ઉમેર્યું, ‘પાયલ તું નસીબદાર છે. તારી સાથે મેં જેટલી ફિલ્મ્સ કરી એ બધી જ તારે લીધે સુપરહિટ સાબિત થઈ હતી. તેં મારી સાથે હિરોઇન તરીકે ફિલ્મ્સમાં અભિનય કરવાનું બંધ કર્યું એ પછી મારી ફિલ્મ્સ ફ્લૉપ થવા લાગી છે અને તેં પૃથ્વીરાજ સાથે ફિલ્મ્સ સાઇન કરી એ બધી સુપરહિટ થઈ રહી છે!’
શાહનવાઝે પાયલની એટલી મજાક ઉડાવી કે તે અત્યંત ક્ષોભજનક હાલતમાં મુકાઈ ગઈ, પરંતુ શાહનવાઝ એ બધું હસતાં-હસતાં બોલતો હતો એટલે ઑડિયન્સ તાળીઓ પાડી રહ્યું હતું. પ્રોડ્યુસર મિલન કુમાર અને તેની ટોળી જે બાજુ બેઠી હતી એ બાજુથી તાળીઓ પાડવાની શરૂઆત થતી હતી અને પછી આખું ઑડિયન્સ તાળી પાડતું હતું. પાયલને બધું સમજાઈ રહ્યું હતું, પણ તે નાછૂટકે હસતો ચહેરો રાખીને શાહનવાઝની ક્રૂર મજાક સહન કરી રહી હતી. પૉલિટિક્સની જેમ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પણ ટોચ પર પહોંચ્યા પછીયે સંઘર્ષનો અને અપમાનનો સામનો કરવો પડતો હોય છે.
પાયલે મહામહેનતે ચહેરા પર કૃત્રિમ સ્મિત જાળવી રાખીને બેસ્ટ ઍક્ટર તરીકે કોનું નામ છે એ જોવા માટે કાર્ડ ખોલ્યું. એ વખતે પણ શાહનવાઝ હાથમાં માઇક લઈને બોલી રહ્યો હતો કે ‘આમ તો તમને અને મને બધાને ખબર જ છે કે કોનું નામ હશે, પણ શું છે કે ફૉર્માલિટી તો પૂરી કરવી જ પડે! એટલે આપણે પાયલને કહીએ કે તે નામ જાહેર કરે. આ દરમ્યાન પાયલે કાર્ડમાં નામ જોઈ લીધું હતું. તેણે શાહનવાઝ તરફ હાથ લંબાવીને કાર્ડ તેને આપ્યું.
શાહનવાઝે કાર્ડ પર નજર નાખ્યા વિના માઇક પર શક્ય હોય એટલા ઊંચા અવાજે કહ્યું ‘ઍન્ડ ધ અવૉર્ડ ફૉર ધ બેસ્ટ ઍક્ટર ગોઝ ટુ... યસ, યસ, યૉર ગેસ ઇઝ ઍબ્સોલ્યુટલી રાઇટ! બેસ્ટ ઍક્ટર ઑફ ધ યર ઇઝ પૃથ્વીરાજ સિંહ શેખાવત! યસ, ‘ધ’ પૃથ્વીરાજ સિંહ શેખાવત! ભારતીય સંસ્કૃતિમાં ઊંડો વિશ્વાસ ધરાવતી પાયલ પૃથ્વીનું નામ લેતાં શરમાઈ એટલે તેને બદલે મારે જ આ નામ જાહેર કરવું પડ્યું!’ 
તેના એ શબ્દો સાંભળીને પાયલ અને પહેલી રૉમાં બેઠેલી પૃથ્વીરાજની ગર્લફ્રેન્ડ સોફિયા ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયાં.
આ દરમ્યાન  પહેલી હરોળમાં બેઠેલો પૃથ્વીરાજ ઊભો થઈને બધાનું અભિવાદન ઝીલતો સ્ફૂર્તિ સાથે સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો એટલે તે શાહનવાઝના શબ્દોની નોંધ લઈ શક્યો નહોતો.
પૃથ્વીરાજ સ્ટેજ પર ગયો એટલે શાહનવાઝ કૃત્રિમ ખુશી દર્શાવતાં તેને ભેટ્યો, પણ બીજી જ સેકન્ડે તે તેનાથી અળગો થઈ ગયો અને તેણે કહ્યું, ‘સૉરી, સૉરી! પહેલાં તારે તારી રીલ લાઇફ અને રિયલ લાઇફની પણ હિરોઇનને આલિંગન આપવું જોઈએ!’
પાયલ ઉમળકાથી પૃથ્વીરાજને ભેટી પડી.
તે બંને તરફ ઇશારો કરતાં શાહનવાઝે પૃથ્વીરાજની ગર્લફ્રેન્ડ સોફિયા સામે જોઈને ટીખળ કરી : ‘સૉરી, સોફિયા. તારી હાજરીમાં મારે આવું ન બોલવું જોઈએ, પણ તું જુએ છેને કે ‘ધ’ પૃથ્વીરાજ પાયલ મિશ્રાને કેટલા ઉમળકાથી ભેટી રહ્યો છે!’
થોડી વધુ મજાક કર્યા પછી શાહનવાઝે બેસ્ટ ઍક્ટર ઑફ ધ યર અવૉર્ડ પૃથ્વીરાજના હાથમાં આપ્યો અને પછી હસતાં-હસતાં કહ્યું : ‘કેવા-કેવા લોકો હવે હીરો બની ગયા છે. કાલ સુધી ટીવી-સિરિયલમાં સેકન્ડ લીડ રોલ કરનારા નમૂનાઓ હવે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા છે. અને ‘ધ’ પૃથ્વીરાજની હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી પછી તો મારી ઊંઘ હરામ થઈ ગઈ છે એવું હું નથી કહેતો, પણ પૃથ્વી માને છે. બરાબર છેને ‘ધ’ પૃથ્વીરાજ!’
પૃથ્વીરાજ સહેજ અકળાઈ ગયો, પરંતુ પછી તેણે આખી વાત મજાકમાં લેવાની કોશિશ કરતાં થોડા કટાક્ષભર્યા સ્વરે કહ્યું, ‘સર, અમે તો તમને ઍક્ટિંગ કરતા જોઈને મોટા થયા છીએ. તમારી સાથે સ્પર્ધામાં ઊતરવાનું અમારું શું ગજું?’    
ઉદય મલ્હોત્રાએ મધ્યસ્થી કરવાની કોશિશ સાથે પૃથ્વીરાજ તરફ માઇક ધરતાં કહ્યું, ‘પૃથ્વીસર, તમને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે ત્યારે તમારી લાગણી લોકોની સાથે શૅર કરો.’
પૃથ્વીરાજે માઇક હાથમાં લઈને કહ્યું, ‘મારી જિંદગીમાં ઘણી વ્યક્તિઓનું યોગદાન રહ્યું છે. હું શાહનવાઝજી જેવા સિનિયર્સ પાસેથી પણ એકલવ્યની જેમ ઘણું શીખ્યો છું. હું મુંબઈ આવ્યો એ પછી મેં ઘણો સંઘર્ષ કર્યો. ફિલ્મ ડિરેક્ટર્સ, કાસ્ટિંગ ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સની ઑફિસનાં ચક્કર કાપ્યાં. મને મૉડલ તરીકે બ્રેક મળ્યો એ પછી બે વર્ષ સુધી મેં મૉડલિંગ કર્યું. એ પછી મને ટીવી-સિરિયલમાં અભિનયની તક મળી અને છેવટે મારી ફિલ્મના પ્રોડ્યુસર અને ડિરેક્ટરે મારામાં વિશ્વાસ મૂક્યો અને ફિલ્મના હીરો તરીકે તક આપી. પ્રેક્ષકોએ પણ મને વધાવી લીધો. આ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને મારે પાયલને પણ ‘થૅન્ક યુ’ કહેવું જોઈએ. તેણે મારા જેવા ટીવી-સ્ટારની હિરોઇન બનવા માટે હા પાડી અને...’ 
પૃથ્વીરાજને અટકાવતાં શાહનવાઝે કહ્યું : ‘યસ. હું તને કહેવાનો જ હતો કે પાયલનો આભાર માનવાનું ન ભૂલી જતો. મેં હમણાં જ કબૂલ કર્યું કે પાયલ કોઈ હીરોની કો-સ્ટાર હોય એ ફિલ્મ સુપરહિટ થવાની ગૅરન્ટી હોય છે. મેં પણ પાયલ સાથે જેટલી ફિલ્મ કરી એ સુપરહિટ સાબિત થઈ છે. પાયલ મારી જિંદગીમાંથી ગઈ, સૉરી ફિલ્મ્સમાંથી ગઈ એ પછી મારી ફિલ્મ્સ ફ્લૉપ થવા માંડી. સો યુ શુડ સે થૅન્ક્સ ટુ ‘ધ’ પાયલ મિશ્રા!’
પાયલ અને પૃથ્વીરાજ ફરી વાર ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયાં.
એ દરમ્યાન શાહનવાઝનું બોલવાનું ચાલુ જ હતું. તેણે કહ્યું, ‘હમણાં જ ‘ધ’ પૃથ્વીરાજે કહ્યું કે તે મારી ઍક્ટિંગ જોઈને એકલવ્યની જેમ અભિનય શીખ્યો છે. વેરી ગુડ, પણ એકલવ્યે દ્રોણાચાર્યને ગુરુદક્ષિણા આપી હતી. તો મારો પણ હક બને છે, ગુરુદક્ષિણા માગવાનો. તો પૃથ્વીરાજજી, તમે એકલવ્યની જેમ મને અભિનય કરતો જોઈને શીખ્યા છો તો મને ગુરુદક્ષિણા આપશો કે નહીં?’
હવે પૃથ્વીરાજ અકળાઈ રહ્યો હતો તેમ છતાં તેણે શાહનવાઝની ધૃષ્ટતા અને દાદાગીરીને મજાકમાં ખપાવવાની કોશિશ કરતાં કહ્યું, ‘જી, સર. બોલો શું ગુરુદક્ષિણા આપું?’
શાહનવાઝે કહ્યું, ‘દ્રોણાચાર્યે એકલવ્યનો અંગૂઠો માગી લીધો હતો. તે તીર ન ચલાવી શકે એ માટે તેમણે તેના શરીરનો એ હિસ્સો માગી લીધો હતો. એટલે એ હિસાબે તો મારે તારો ચહેરો માગી લેવો જોઈએ! પણ જવા દે. હું એટલું બધું નહીં માગું. હું તને હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી વિશે અને હૉલીવુડ વિશે પાંચ સવાલો કરું છું. એ પાંચમાંથી એક સવાલનો પણ જવાબ તું આપી દઈશ તો હું ઍક્ટિંગ છોડી દઈશ અને તું પાંચમાંથી એક પણ સવાલનો જવાબ ન આપી શકે તો તારે ઍક્ટિંગ છોડી દેવાની.’
હવે પૃથ્વીરાજની ધીરજ ખૂટી ગઈ. તેણે કહ્યું, ‘સર, તમે મને સવાલો કરો એને ઍક્ટિંગ સાથે કોઈ સંબંધ નથી. હું સારો અભિનય કરું છું અને ચાહકોએ મને સ્વીકાર્યો છે. ધૅટ્સ ઇટ. એટલે મારે આવી કોઈ ગેમમાં પડવું નથી. તમે મને ટ્રૅપમાં ફસાવવાની કોશિશ કરી રહ્યા છો...’ 
એ સાથે શાહનવાઝ ઉશ્કેરાઈ ઊઠ્યો. તેણે કહ્યું, ‘તું મારી સામે આ રીતે વાત કરી રહ્યો છે? શાહનવાઝ ખાનની સામે? તારી ઓકાત ભૂલતો નહીં!’
પૃથ્વીરાજે કહ્યું, ‘સર, માઇન્ડ યૉર લૅન્ગ્વેજ...’
એ સાથે શાહનવાઝના દિમાગનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે ઉશ્કેરાઈને કહ્યું, ‘બાસ્ટર્ડ! તું શાહનવાઝની સામે આ રીતે વાત કરીશ?’
એ પછીની ક્ષણોમાં એ સ્ટેજ પર જે બન્યું એની કલ્પના પણ કોઈએ નહોતી કરી!
 
વધુ આવતા શનિવારે...

columnists ashu patel