સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૩)

05 November, 2022 08:16 AM IST  |  Mumbai | Aashu Patel

‘ધૅટ્સ ફૅન્ટૅસ્ટિક!’ મેહરાએ ખુશીથી છલકાતા અવાજે કહ્યું. સુપરસ્ટાર શાહનવાઝ નવા ઊભરી રહેલા સુપરસ્ટાર પૃથ્વીરાજને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપે તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેહરાનો અને તેના મૅગેઝિન ‘ગ્લૅમર વર્લ્ડ’નો તો વટ પડી જાય

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ (પ્રકરણ ૩)

‘રસ્તોગી, તારી કોઈ પણ ફિલ્મમાં તાનિયાને સાઇન કરવાનો હો તો આપણા બધા પ્રોજેક્ટ્સ ભૂલી જજે!’ પૃથ્વીરાજ તેને બૉલીવુડમાં બ્રેક આપનારા પ્રોડ્યુસર મયૂર રસ્તોગીને શબ્દો ચોર્યા વિના ધમકી આપી રહ્યો હતો. 
‘અરે! સવાલ જ નથી પૃથ્વી સર. આ તો અગાઉનું એક કમિટમેન્ટ હતું એટલે તાનિયાને સેકન્ડ લીડમાં...’
‘ડ્રૉપ હર. એની જગ્યાએ બીજી કોઈ પણ છોકરીને સાઇન કરી લે,’ પૃથ્વીરાજે અત્યંત ભારપૂર્વક કહ્યું. 
‘યસ, યસ.’ રસ્તોગી બોલી ઊઠ્યો. તેના મનમાં તો એક ગાળ આવી ગઈ, પણ તેણે પૃથ્વીરાજ સાથે ત્રણ ફિલ્મ્સનો કૉન્ટ્રૅક્ટ કર્યો હતો અને એના પર તે છસો કરોડનો જુગાર રમી રહ્યો હતો એટલે તે પૃથ્વીરાજની નારાજગી વહોરી શકે એમ નહોતો.    
પૃથ્વીરાજ અને શાહનવાઝ એકબીજાને એકસરખી તીવ્રતાથી ધિક્કારતા હતા. શાહનવાઝ અગાઉ તો પૃથ્વીરાજને કશી ગણતરીમાં લેતો જ નહોતો, પણ હવે પૃથ્વીરાજ તેના માટે જોખમરૂપ બની ગયો હતો. શાહનવાઝ અને પૃથ્વીરાજની દુશ્મનીની શરૂઆત એક ટીવી સિરિયલના સેટ પર થઈ હતી. શાહનવાઝ એક વાર પોતાની એક ફિલ્મનું પ્રમોશન કરવા માટે પૃથ્વીરાજની અત્યંત લોકપ્રિય ટીવી સિરિયલ ‘ચલો દિલદાર ચાંદ કે પાર’ના સેટ પર ગયો હતો. એ વખતે પૃથ્વીરાજ ઉમળકાથી શાહનવાઝને મળ્યો હતો અને તેણે તેને કહ્યું હતું કે ‘સર, હું તો બાળપણથી જ તમારો ફૅન છું. હું ત્રેવીસ વર્ષ પહેલાં પ્રાથમિક શાળામાં ભણતો હતો ત્યારે મેં તમારી ફિલ્મ ‘યે દીવારેં તોડ કે રહેંગે હમ’ પંદર વાર જોઈ હતી...’
એ વખતે પૃથ્વીરાજ તો બિચારો ઉમળકાથી બોલી રહ્યો હતો પરંતુ તેના શબ્દો સાંભળીને શાહનવાઝ અકળાઈ રહ્યો હતો. પૃથ્વીને કલ્પના પણ નહોતી કે તેના એ શબ્દોને કારણે શાહનવાઝને ગુસ્સો આવી જશે!
પૃથ્વીરાજના શબ્દોનો અર્થ એ થતો હતો કે તે બાળક હતો ત્યારથી શાહનવાઝ અભિનય કરે છે એટલે કે શાહનવાઝની ઉંમર એટલી મોટી થઈ ગઈ છે!
તેના એ શબ્દોથી અકળાઈ ગયેલા શાહનવાઝે તેની વાત કાપતાં કહ્યું હતું કે ‘આપણે શૂટિંગ શરૂ કરીએ?’
પૃથ્વીરાજ થોડો ખસિયાણો પડી ગયો હતો, પણ તેણે કહ્યું હતું કે ‘સર, આઇ ઍમ સો એક્સાઇટેડ! હું તમારી સાથે એક જ ફ્રેમમાં દેખાઈશ! તમે તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી શ્રેષ્ઠ અભિનેતા છો...’
ત્યારે શાહનવાઝે કટાક્ષભર્યા સ્વરે કહ્યું હતું કે ‘આઇ નો ઇટ! મને ખબર જ છે કે હું બૉલીવુડનો શ્રેષ્ઠ અભિનેતા છું. આઇ નો આય’મ ધ બેસ્ટ!’
પૃથ્વીરાજને બહુ ખરાબ લાગ્યું હતું. તે પણ અભિમાની હતો. જોકે એ વખતે તે ગમ ખાઈ ગયો હતો, પણ તેના મનમાં શાહનવાઝ માટે કડવાશ આવી ગઈ હતી. એ પછી શાહનવાઝ ચાર કલાક સુધી એ સિરિયલના સેટ પર હતો, પણ પૃથ્વીરાજ એ રીતે જ વર્ત્યો હતો કે જાણે સેટ પર શાહનવાઝનું અસ્તિત્વ જ ન હોય! તેણે યંત્રવત રીતે શૉટ્સ આપ્યા હતા. શાહનવાઝના મનમાં પણ એ વખતની કડવી યાદ રહી ગઈ હતી. 
પૃથ્વીરાજના મનમાં શાહનવાઝ પ્રત્યે કડવાશ આવી ગઈ હતી, પણ તે માત્ર શાહનવાઝ સાથે બદલો લેવા માટે ફિલ્મ્સ તરફ વળ્યો નહોતો. બધા ઍક્ટર્સની જેમ તેની મહત્ત્વાકાંક્ષા પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરો બનવાની હતી, પણ પહેલી જ ફિલ્મથી તેની બૉલીવુડમાં ધમાકેદાર એન્ટ્રી થઈ એટલે શાહનવાઝ તેનો દુશ્મન બની ગયો હતો. શાહનવાઝને એવું લાગ્યું હતું કે તેણે ટીવી સિરિયલના સેટ પર પૃથ્વીરાજની બધાની વચ્ચે મજાક ઉડાવી એટલે એનો બદલો લેવા માટે જ પૃથ્વીરાજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છે!
lll
‘તો મેહરા કોને આપી રહ્યા છો આ વખતનો ‘ગ્લૅમર વર્લ્ડ’ બેસ્ટ ઍક્ટર અવૉર્ડ?’
શાહનવાઝ વ્યંગભર્યા સ્વરે ‘ગ્લૅમર વર્લ્ડ’ના તંત્રી-માલિક મેહરાને પૂછી રહ્યો હતો.
‘આ વર્ષે પૃથ્વીરાજને બેસ્ટ ઍક્ટર તરીકેનો અવૉર્ડ આપવાનું જ્યુરીએ નક્કી કર્યું છે,’ મેહરાએ જવાબ આપ્યો. 
‘જ્યુરી! માય ફુટ!’ શાહનવાઝ ઊકળી ઊઠ્યો. તે ટેબલ પર જોરથી મુક્કો પછાડતાં બરાડ્યો, ‘મેહરા, તમારા બધા ખેલ મને સમજાય છે. શાહનવાઝની સાથે ગેમ રમવાનું રહેવા દો!’
‘શાહનવાઝજી, મારી વાત તો સાંભળો. છેલ્લાં કેટલાંય વર્ષથી દરેક વખતે તમને જ બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળી રહ્યો છે. અને આ વખતે પૃથ્વીરાજની સાત ફિલ્મની પ્રચંડ સફળતા પછી પણ જો તેને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ નહીં આપીએ તો મારું તો ઠીક, તમારું પણ ખરાબ દેખાશે. તમે મારા આટલા જૂના મિત્ર છો એ બધાને ખબર છે. એટલે બૅલૅન્સ કરવા માટે જ પૃથ્વીરાજને અવૉર્ડ આપવા માટે તૈયાર થયો છું. તેને અવૉર્ડ આપીએ તો મારા મૅગેઝિનની વિશ્વસનીયતા પણ જળવાઈ રહેશે અને તમારી સામે પણ સવાલો નહીં ઊઠે.’ 
મેહરા ક્યાંય સુધી શાહનવાઝને સમજાવતો રહ્યો. છેવટે શાહનવાઝ શાંત પડ્યો. તેણે કહ્યું, ‘ઠીક છે. પણ આ અવૉર્ડ પૃથ્વીરાજને કોના હાથે આપવાનો છે?’
મેહરાએ કહ્યું કે ‘ગઈ સદીના સુપરસ્ટાર અશ્વિનીકુમારના હાથે પૃથ્વીરાજને અવૉર્ડ આપવાનું વિચાર્યું છે. તમે બીજું કોઈ નામ સૂચવો તો તેના હાથે અવૉર્ડ અપાવીએ.’
‘ના, ના, મેહરા. અશ્વિનીકુમારને તકલીફ ન આપતા. હું મારા હાથે આપીશ પૃથ્વીરાજને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ,’ શાહનવાઝે કહ્યું.
મેહરાને એક ક્ષણ માટે આશ્ચર્ય થયું, પણ બીજી જ પળે તે મનોમન ખુશ થઈ ગયો. તેના માટે તો ‘ભાવતું હતું અને વૈદે કીધું’ જેવો ઘાટ થયો હતો. તેને એ વાતની ચિંતા હતી કે પૃથ્વીરાજને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપવાને કારણે કદાચ શાહનવાઝ ગ્લૅમર વર્લ્ડના ફિલ્મ અવૉર્ડ ફંક્શનનો બહિષ્કાર કરી દેશે, પરંતુ શાહનવાઝે સામે ચાલીને કહ્યું કે ‘હું પૃથ્વીરાજને અવૉર્ડ આપીશ!’
‘ધૅટ્સ ફૅન્ટેસ્ટિક!’ મેહરાએ ખુશીથી છલકાતા અવાજે કહ્યું. સુપરસ્ટાર શાહનવાઝ નવા ઊભરી રહેલા સુપરસ્ટાર પૃથ્વીરાજને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપે તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેહરાનો અને તેના મૅગેઝિન ‘ગ્લૅમર વર્લ્ડ’નો તો વટ પડી જાય.
શાહનવાઝે કહ્યું કે ‘તમારી વાત મારા ગળે ઊતરી ગઈ છે. મારા હાથે પૃથ્વીરાજને અવૉર્ડ આપીશું તો મારું અને તમારું બન્નેનું સારું લાગશે.’ 
એ પછી બન્ને વચ્ચે થોડી વાર સુધી આડીઆવળી વાતો ચાલતી રહી. એ પછી શાહનવાઝે કહ્યું કે ‘ઠીક છે, બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ તમે ભલે પૃથ્વીરાજને આપી રહ્યા છો, પણ બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ કોને આપવો એ હું કહીશ.’ 
તેણે પૂછ્યું કે તમે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ કોને આપવાનું વિચાર્યું છે.
મેહરાએ કહ્યું કે ‘જ્યુરીએ તો.. ‘
‘મેહરા, આ તમે જ્યુરીના નામે આખી જિંદગી કેટલા ખેલ કર્યા છે!’ શાહનવાઝે ટોણો માર્યો.
મેહરાના હોઠ સુધી શબ્દો આવી ગયા કે જ્યુરીના નામે સૌથી વધુ ખેલ તો તેં જ કરાવ્યા છે, પણ મેહરાય ખેપાની માણસ હતો. એટલે એ શબ્દો તેણે હોઠ પર ન આવવા દીધા અને હસતા-હસતા કહ્યું કે ‘મારા માટે જ્યુરીથી ઉપર શાહનવાઝજી છે. તમે બોલો, શું કરવું છે? અમે તો પાયલ મિશ્રાનું નામ વિચાર્યું હતું પરંતુ તમે જે નામ કહો એ ફાઇનલ રાખીએ.’ 
પાયલ મિશ્રાએ પૃથ્વીરાજની બ્લૉકબસ્ટર સાબિત થયેલી ફિલ્મમાં પૃથ્વીરાજ સામે હિરોઇનનો રોલ કર્યો હતો. એટલે શાહનવાઝને એ અંદાજ હતો જ કે મેહરા તેને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ આપશે.
પાયલ મિશ્રા પહેલાં શાહનવાઝની ગર્લફ્રેન્ડ રહી ચૂકી હતી અને શાહનવાઝની ગર્લફ્રેન્ડ હોવાને કારણે તેને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવામાં ખૂબ જ મદદ મળી હતી. શાહનવાઝ કહી દેતો કે પાયલને હિરોઇન તરીકે સાઇન કરવાની છે, પછી કોઈ પ્રોડ્યુસર કે ડિરેકટરની મજાલ નહોતી કે તેની સામે અવાજ ઉઠાવી શકે.
શાહનવાઝને પાયલ પર પણ ખુન્નસ હતું કે તેણે પાટલી બદલી નાખી હતી, કૅમ્પ બદલી નાખ્યો હતો અને તેણે પૃથ્વીરાજની સાથે ફિલ્મ સાઇન કરી હતી. છેલ્લાં થોડાં વર્ષોથી પાયલે શાહનવાઝ સાથે અંતર વધારી દીધું હતું, કારણ કે તેણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન જમાવી દીધું હતું અને હવે તેને શાહનવાઝની જરૂર નહોતી રહી. એટલે શાહનવાઝ આમ પણ પાયલ પર ભડકેલો હતો અને અધૂરામાં પૂરું તેણે પૃથ્વીરાજની સાથે ફિલ્મ કરી હતી અને એ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ ગઈ હતી. એટલે બળતામાં પેટ્રોલ હોમાવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. 
શાહનવાઝે કહ્યું, ‘તાનિયા તાહિલિયાનીને બેસ્ટ ઍકક્ટ્રેસનો અવૉર્ડ આપો.‘ 
મેહરાના કપાળ પર કરચલીઓ પડી ગઈ.
એ જોઈને શાહનવાઝે કટાક્ષભર્યા અવાજે કહ્યું, ‘કેમ, તમારી જ્યુરી ના પાડશે?‘
મેહરાના કપાળ પર એટલે કરચલીઓ ઊપસી આવી હતી કે તાનિયાએ વીતેલા વર્ષમાં જે ફિલ્મો કરી હતી એમાં એવી કોઈ ફિલ્મ નહોતી જેને કારણે તેને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ આપી શકાય.
શાહનવાઝની જિંદગીમાં છોકરીઓની અવરજવર થતી રહેતી હતી. પાયલે શાહનવાઝને પડતો મૂક્યો એ પછી શાહનવાઝે તાનિયાને પોતાના હાથ પર લીધી હતી અને તે તેને પ્રમોટ કરી રહ્યો હતો અને તેણે તેને એકાદ ડઝન ફિલ્મ્સ અપાવી દીધી હતી. એ દરમિયાન વચ્ચેના સમયમાં માયરા નામની એક મૉડલ પણ શાહનવાઝની જિંદગીમાં આવી ગઈ હતી. શાહનવાઝે માયરાને પણ થોડી ફિલ્મો અપાવી હતી, પરંતુ તે ખાસ કશું ઉકાળી શકી નહોતી. એના કરતાં તાનિયાએ પોતાનું ઠીક-ઠીક સ્થાન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જમાવી દીધું હતું. માયરા હજી પણ શાહનવાઝના કૅમ્પમાં જ હતી, કારણ કે તેની પાસે કોઈ છૂટકો નહોતો. શાહનવાઝ વિદેશની ટૂર પર જાય કે વિદેશમાં તેના સ્ટેજ-શો થાય એ વખતે માયરા અગાઉ પાયલ મિશ્રા તેની સાથે રહેતી હતી, પણ હવે તાનિયા અને માયરા બન્ને તેની સાથે સ્ટેજ-શોમાં રહેતી હતી.
મેહરાને સમજાઈ ગયું કે શાહનવાઝ એક કાંકરે બે પક્ષી મારી રહ્યો છે. એક બાજુ તે તાનિયાને અવૉર્ડ અપાવીને તેને ખુશ કરી રહ્યો છે અને બીજી બાજુ તેનાથી અળગી થઈને પૃથ્વીરાજની નજીક ગયેલી પાયલ મિશ્રાને મેસેજ આપી રહ્યો છે કે તું ગમે એટલાં માથાં પછાડીને મરી જઈશ, પણ મારું છત્ર તારા પર નહીં હોય તો બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ તને નહીં મળી શકે.
‘શું વિચારમાં પડી ગયા છો મેહરા, જ્યુરીના સભ્યોને ફોન કરવાના છે. કૉલ કરવાના છે.’ શાહનવાઝે ટોણો માર્યો. 
‘ના... ના...ના... કશું નહીં...’ મેહરા બોલી ઊઠ્યો.
‘આ શું ના... ના.. ના... માંડ્યું છે. તમારે તાનિયાને બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ આપવો છે કે નથી આપવો એ કહી દો. માત્ર ‘હા’ કે ‘ના’ કહી દો એટલે વાત પૂરી થાય,’ શાહનવાઝે કહ્યું.
મેહરાને મનોમન પર શાહનવાઝ પર કાળ ચડ્યો. તેને થયું કે તે ઊભો થઈને શાહનવાઝને એક તમાચો ઝીંકી દે, પણ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈના પર ભયંકર ગુસ્સો આવ્યો હોય ત્યારે પણ ચહેરા પર સ્મિત ફરકાવીને વાત કરવાની ‘સિદ્ધિ’ ઘણા લોકોએ મેળવી લીધી હોય છે. અને મેહરા એવી વ્યક્તિઓ પૈકી એક હતો એટલે તેણે હસતાં-હસતાં કહ્યું, ‘નહીં, નહીં. તમે કહ્યું એટલે ફાઇનલ. જ્યુરીના સભ્યોને હું સમજાવી લઈશ.’
એ વખતે શાહનવાઝ કે મેહરાને કલ્પના પણ નહોતી કે આ સોદાબાજીનો અંજામ શું આવશે!

વધુ આવતા શનિવારે

columnists ashu patel