સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ પ્રકરણ ૧૧

31 December, 2022 04:21 PM IST  |  Mumbai | Aashu Patel

‘જી ભાઈ, એકદમ યાદ હૈ. આપ બિલકુલ ફિક્ર મત કરો.’ ચિકનાએ કહ્યું અને તરત જ તેણે ઉતાવળે ઉત્તેજિત સ્વરે ઉમેર્યું : ‘ભાઈ, ફોન રખતા હૂં. ઉસકી આઇટમ આ ચૂકી હૈ...’

સ્ટાર વૉર્સ ગ્લૅમર વર્લ્ડના માફિયાઓની ક્રાઇમ-ગેમ

‘અરે યાર, બિન્દાસ ડ્રિન્ક લો. અભી તો બહુત દેર હૈ. આપ કો શામ કો પહૂંચના હૈ ઔર અભી તો દોપહર કા વક્ત હૈ...’
પૃથ્વીરાજ પર સ્ટોરી કરી રહેલો પત્રકાર વિનાયક પાથરે સુલેમાન ઉત્તર પ્રદેશના બે પોલીસ કમાન્ડો ચૌબે અને મિશ્રાને કહી રહ્યો હતો. તે બન્નેને ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી પૃથ્વીરાજના પ્રોટેક્શન માટે તહેનાત કરાયા હતા. પાથરે તે બન્નેને આગ્રહ કરીને શરાબ પીવડાવી રહ્યો હતો. તે બન્ને તેની સાથે ખૂલીને વાત કરી રહ્યા હતા. પાથરેએ તે બન્ને સાથે ‘દોસ્તી’ કરવા માટે માત્ર પચીસ હજાર રૂપિયા ખર્ચવા પડ્યા હતા.
 ચૌબે અને મિશ્રાએ ‘ઊંચી’ વ્હિસ્કીના બે પેગ પીધા ત્યાં 
સુધીમાં તો તે બન્નેની આંખો 
ઘેરાવા લાગી અને બન્ને ઘેનમાં સરી પડ્યા!
lll
 ‘ફરીદભાઈ, આપને કહા થા વો કામ હો ગયા હૈ. વો દોનોં ગહરી નીંદ મેં સો રહે હૈં...’
 ડૉન હૈદરના શૂટર ફરીદનો ખાસ માણસ સુલેમાન ફોન પર ફરીદને કહી રહ્યો હતો!
 સુલેમાને ઉત્તર પ્રદેશના પોલીસ કમાન્ડો ચૌબે અને મિશ્રાને પોતાનો પરિચય પત્રકાર તરીકે આપ્યો હતો. તેણે તેમને આપેલા શરાબમાં ઊંઘની ગોળીઓ નાખી દીધી હતી. સુલેમાન શિક્ષિત યુવાન હતો એટલે પોલીસને અવળા પાટે ચડાવવામાં તેનું દિમાગ બહુ સારી રીતે ચાલતું હતું.   
lll
 ‘તું શાહનવાઝ વિરુદ્ધ પોલીસને ફરિયાદ કરે તો હું ચોક્કસ જ તારો ઇન્ટરવ્યુ મારી ચૅનલ પર ટેલિકાસ્ટ કરું.’
રશ્મિ માથુર શૈલજા સિંઘાનિયાને કહી રહી હતી.
શૈલજાએ કહ્યું, ‘રશ્મિમૅમ, પોલીસવાળા ફરિયાદ નથી લેતા એ માટે તો હું તમારી મદદ માગી રહી છું. જો પોલીસ શાહનવાઝ વિરુદ્ધ મારી ફરિયાદ લઈ લે તો પછી મારે કશું કરવાનું જ ન રહેને! શાહનવાઝ સુપરસ્ટાર છે. તેની સામે મૉડલ પર રેપ માટે એફઆઇઆર નોંધાય તો થોડી વારમાં જ આખા દેશના મીડિયામાં એ વાત બ્રેકિંગ ન્યુઝ તરીકે પ્રસારિત થવા લાગે એટલી તો મને પણ ખબર પડે છે, મૅમ!’
રશ્મિને લાગ્યું કે આ છોકરી દેખાય છે એટલી ભોળી પણ નથી અને સરળ પણ નથી. તેને એવી શંકા પણ ગઈ કે કદાચ આ છોકરી જૂઠું બોલી રહી હોય. શાહનવાઝે તેના પર રેપ ન પણ કર્યો હોય અથવા આ છોકરી રોલ મેળવવાની લાલચમાં સ્વૈચ્છિક રીતે તેની સાથે રાત ગાળવા ગઈ હોય! જોકે અત્યારે તો તેને એક સેન્સેશનલ સ્ટોરીની ગરજ હતી એટલે તેણે શૈલજાને બીજો વિકલ્પ સૂચવ્યો : ‘તું સાંજના સમયે જુહુ બીચ પર જઈને આત્મવિલોપનનું નાટક કર. મારી ઑફિસ જુહુ બીચની બિલકુલ બાજુમાં જ છે. તારે ત્યાં પહેલાં શાહનવાઝ વિરુદ્ધ ગાળો બોલવાની અને થોડા લોકો ભેગા થાય એટલે માત્ર શરીર પર કેરોસીન છાંટવાનું નાટક કરવાનું. તારે લોકો સામે રડતાં-રડતાં બૂમો પાડવાની અને કહેવાનું કે ‘સુપરસ્ટાર શાહનવાઝે મારા પર રેપ કર્યો છે, પણ પોલીસ મારી ફરિયાદ નોંધતી નથી એટલે મારે નાછૂટકે આ પગલું ભરવું પડે છે.’ તું એ તમાશો કરતી હશે ત્યારે જ હું મારી ટીમ સાથે ત્યાં ઓબી વૅન લઈને ધસી આવીશ. એ વખતે તારે અમારા કૅમેરા સામે જે બોલવું હોય એ બધું બોલવાનું. મારી ચૅનલ પરથી એ લાઇવ ટેલિકાસ્ટ થાય એ સાથે થોડી જ મિનિટમાં તો આખા દેશની બધી ટીવી ન્યુઝ ચૅનલ્સ મારી ચૅનલની કર્ટસી સાથે તારી વાત બ્રેકિંગ ન્યુઝ તરીકે દર્શાવવાનું શરૂ કરી દેશે.’
 શૈલજાએ કહ્યું, ‘માની લો કે હું મારા શરીર પર કેરોસીન કે પેટ્રોલ છાંટું એ વખતે તમે અને તમારી ટીમના સભ્યો ત્યાં ન પહોંચો તો? અને તમારા પર કોઈનું પ્રેશર આવી જાય અને તમે પાણીમાં બેસી જાઓ તો? તમે આટલા હાઈ પ્રોફાઇલ અને પાવરફુલ પત્રકાર છો છતાં તમે શાહનવાઝથી ડરી રહ્યા છો તો હું તો સંઘર્ષ કરતી મૉડલ છું!’
રશ્મિને સમજાયું કે આ છોકરી ભોળી કે સરળ તો નથી જ, પણ ઉસ્તાદ અને ખેપાની છે! આમ પણ શાહનવાઝ સામે સીધી દુશ્મની વહોરી લેવાની હિંમત કરનારી છોકરી ગભરુ તો ન જ હોય!
તેને સમજાયું કે સ્ફોટક સ્ટોરી મેળવવા માટે પોતે પણ થોડી મહેનત કરવી પડશે અને થોડું જોખમ પણ ઉઠાવવું જ પડશે. તેણે કહ્યું, ‘ઓકે. પોલીસ તારી ફરિયાદ નોંધે એ માટે હું કોશિશ કરું છું, પણ એ માટે મારે મોટું રિસ્ક લેવું પડશે.’
રશ્મિને ખબર હતી કે તે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીને વિનંતી કરે તો એ વાત શાહનવાઝ સુધી પહોંચી જવાની પૂરી શક્યતા રહે અને પોતે શાહનવાઝ વિરુદ્ધ રેપની ફરિયાદ નોંધાવવા માટે કોશિશ કરી રહી છે એ વાત શાહનવાઝ સુધી પહોંચી જાય તો શાહનવાઝ વિરુદ્ધ કેસ નોંધાવાની વાત તો બાજુએ રહી જાય અને પોતે મુશ્કેલીમાં મુકાઈ જાય. શાહનવાઝ તેનો દુશ્મન બની જાય. અને શાહનવાઝની સાથે તેના ગૉડફાધર એવા ડૉન હૈદરનો ખોફ પણ સહન કરવાનો વારો આવે!    
lll
‘સર, પૃથ્વીરાજ મરવાનો થયો છે! તેણે આપણું સિક્યૉરિટી કવર પાછું આપી દીધું છે અને ઉત્તર પ્રદેશ પોલીસનું પ્રોટેક્શન લીધું છે! અને અત્યારે તેની સાથે ઉત્તર પ્રદેશ પોલીસના કમાન્ડોઝ પણ નથી. તેનો બાપ ત્યાં જનસેવા પાર્ટીનો અધ્યક્ષ છે એટલે તેણે હોશિયારી કરીને ઉત્તર પ્રદેશ પોલીસનું પ્રોટેક્શન લીધું છે. તેને મુંબઈ પોલીસમાં વિશ્વાસ નથી! અને તેને હૈદર ઉડાવી દેશે તો આખા દેશનું મીડિયા આપણા પર તૂટી પડશે!’
 રશ્મિન વાઘમારેને કહી રહ્યો હતો. તેના અવાજમાં અકળામણની સાથે ગુસ્સો પણ ભળી ગયો હતો.
 તેના શબ્દો સાંભળીને વાઘમારેના ચહેરા પર પણ ચિંતાના ભાવ ઊભરી આવ્યા. 
 રશ્મિન બોલી રહ્યો હતો : ‘વર્ષો અગાઉ ઑડિયો કિંગ ગુલશનકુમારે જે ભૂલ કરી હતી એ જ ભૂલ આ માણસ કરી રહ્યો છે!’
વાઘમારેએ તેના એ શબ્દોને અવગણતાં ઉતાવળે કહ્યું, ‘પૃથ્વીરાજના મોબાઇલ ફોન પરથી તેનું એક્ઝૅક્ટટ લોકેશન ટ્રેસ કરવા કાંબળેને કહે.’
એ દરમિયાન તેમણે પોતાના મોબાઇલ ફોન પરથી પનવેલના સિનિયર ઇન્સ્પેક્ટર મહેશ ઇનામદારને કૉલ લગાવી દીધો હતો.
‘મહેશ, ફિલ્મસ્ટાર પૃથ્વીરાજ તારા એરિયામાં છે અને તેની હત્યા માટે સુપારી અપાઈ છે. તેણે આજે જ સિક્યૉરિટી કવર પાછું આપી 
દીધું છે...’
ઇનામદારે કોલ રિસીવ કર્યો એ સાથે વાઘમારેએ ઝડપભેર આખી સ્થિતિ સમજાવી દીધી.
તેમણે વાત પૂરી કરી એ સાથે ઇનામદારે કહ્યું, ‘હું અત્યારે મંત્રાલયમાંથી નીકળ્યો છું, પણ હમણાં જ મારી ટીમ દોડાવું છું.’   
lll
 રશ્મિએ શૈલજાને કહ્યું કે પોલીસ તારી ફરિયાદ કે એ માટે હું તને મદદ કરીશ. એ વખતે તેને વિચાર આવ્યો કે કોઈ ઊંધી ખોપડીનો પોલીસ-ઑફિસર જ તેને મદદરૂપ બની શકે. બાકી મોટા ભાગના પોલીસ ઑફિસર્સ તો શાહનવાઝના સ્ટારપાવર, અન્ડરવર્લ્ડ કનેક્શન અને તેની પૉલિટિશયન્સ સાથેની દોસ્તીને કારણે તેની સામે પડવાની કલ્પના પણ કરી શકે એમ નહોતા. તેના મનમાં અચાનક એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ તરીકે પંકાયેલા વાઘમારેનું નામ ઝબકી ગયું. વાઘમારે પોલીસ-કમિશનર સલીમ શેખની ગુડ બુકમાં હતા અને શેખ કોઈની આંખની શરમ રાખતા નહોતા. વર્તમાન સરકારે અનિચ્છાએ તેમણે પોલીસ-કમિશનર બનાવવા પડ્યા હતા.
રશ્મિએ વાઘમારેને કૉલ કર્યો, પરંતુ તેમનો નંબર બિઝી હતો એટલે તેણે વાઘમારેના રાઇટ હૅન્ડ સમા સબ ઇન્સ્પેક્ટર રશ્મિનને કૉલ કર્યો.
lll
વાઘમારે ઇનામદાર સાથે વાત કરી રહ્યા હતા એ વખતે જ રશ્મિનના ફોન પર રશ્મિનો કૉલ આવ્યો. રશ્મિનના મોબાઇલ ફોનની સ્ક્રીન પર નામ ફ્લૅશ થયું : ‘પાગલ રશ્મિ’. રશ્મિને તરત જ કૉલ ડિસ્કનેક્ટ કરી નાખ્યો!
lll
 ‘હું મૅક્ડોનલ્ડ્સથી સોએક મીટર પહેલાં ઊભો છું. મારું લાઇવ લોકેશન વૉટ્સઍપ પર મોકલાવું છું.’
પૃથ્વીરાજ સોફિયાને પિક અપ કરવા માટે પનવેલમાં તેની ફિલ્મના સેટ નજીક પહોંચ્યો એની બે મિનિટ પહેલાં તેણે સોફિયાને મેસેજ કર્યો.  
સોફિયા અને પૃથ્વીરાજ બન્નેને ખબર હતી કે પૃથ્વી સોફિયાના ફિલ્મના સેટ પર જાય તો બીજા દિવસે મીડિયામાં એ ન્યુઝ બની જાય. પૃથ્વીરાજનું સોફિયા સાથે અફેર હતું એ તો આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મીડિયા માટે ઓપન સીક્રેટ હતું, પણ એ બન્ને મીડિયાની અને પબ્લિકની નજરમાં ન આવવા માટે શક્ય એટલી કોશિશ કરતાં રહેતાં હતાં.
lll
‘ભાઈ, ઉસને મૅક્ડોનલ્ડ્સ કે પાસ અપની ગાડી ખડી રખી હૈ ઔર ડ્રાઇવર કો કાર કે બાહર ભેજ દિયા હૈ. મૈં યહાં બાઇક પે યેડા કે સાથ ખડા હૂં...’
 હૈદરની ગૅન્ગનો શૂટર ઉસમાન ચિકના ફરીદને ફોન પર કહી રહ્યો હતો.
 ‘અભી થોડી દેર ઔર ઠહર જા. ઉસકી આઇટમ અભી ઉસકી ગાડી મેં આએગી. ઉસ વક્ત કામ નિપટા દેના,’ ફરીદે કહ્યું.
‘જી ભાઈ.’
‘ઔર સૂન. કામ નિપટાને કે બાદ ક્યા કરના હૈ, સહી સે યાદ હૈ ના?’ ફરીદે તાકીદના સૂરમાં કહ્યું.
‘જી ભાઈ, એકદમ યાદ હૈ. આપ બિલકુલ ફિક્ર મત કરો.’ ચિકનાએ કહ્યું અને તરત જ તેણે ઉતાવળે ઉત્તેજિત સ્વરે ઉમેર્યું : ‘ભાઈ, ફોન રખતા હૂં. ઉસકી આઇટમ આ ચૂકી હૈ...’
lll
 ‘તુમ કાર ઘર પે છોડકે ચલે જાના ઔર કલ સુબહ દસ બજે યહાં સામને કી સાઇડ પે મુઝે પિક અપ કરને આ જાના.’  
સોફિયા પોતાની કારમાંથી ઊતરતાં તેના ડ્રાઇવરને સૂચના આપી.
‘જી મૅમસા’બ.’ ડ્રાઇવરે કહ્યું. સોફિયાએ તેને જવા માટે ઇશારો કર્યો, પણ તેણે સોફિયા પૃથ્વીરાજની કારમાં બેસે ત્યાં સુધી રાહ જોવાનું પસંદ કર્યું. તે સોફિયાના ગુસ્સાનો ઘણી વાર ભોગ બન્યો હતો. સોફિયા ક્યારે કઈ રીતે વર્તશે એનો અંદાજ કોઈને આવી શકતો નહોતો. તેના ગુસ્સાનો સૌથી વધુ ભોગ તેનો ડ્રાઇવર બનતો હતો.  
lll
 ફરીદનો કૉલ ડિસ્કનેક્ટ કરીને ચિકનાએ બાઇક પર આગળ બેઠેલા તેના સાથીદાર રઉફ યેડાના ખભાની પાછળની બાજુએ ધબ્બો મારીને પૃથ્વીરાજની કાર તરફ બાઇક ભગાવવા આદેશ આપ્યો : ‘ચલ, યેડા. બાઇક ભગા. ઉસકી ગાડી કે પાસ બરાબર ડ્રાઇવિંગ સીટ કી બાજુ મેં જાકે ખડી રખના...’
lll
 સોફિયા કારમાં બેસીને તરત જ ઉમળકાથી પૃથ્વીરાજને વળગી પડી. પૃથ્વીરાજે ઉત્કટતાથી તેના હોઠ પર ચુંબન કર્યું.
 એ પછી થોડી ક્ષણોમાં જે બન્યું એની કલ્પના પૃથ્વીરાજ, સોફિયા, પાછળ ઊભેલા સોફિયાના અને પૃથ્વીરાજના અંગત સહાયક અને ડ્રાઇવરે તો શું ઉસમાન ચિકના અને તેના સાથીદાર રઉફ યેડાએ પણ 
નહોતી કરી!
   
વધુ આવતા શનિવારે

columnists ashu patel saturday special