શનિવાર night (ધારાવાહિક નવલકથા | પ્રકરણ ૪૨)

15 January, 2022 08:55 AM IST  |  Mumbai | Soham

રાજને સમજાઈ નહોતું રહ્યું કે સંધ્યા એક તરફ એવું કહે છે કે સિડ શહનાઝ પાસે જ છે તો બીજી તરફ એવું પણ કહે છે કે શહનાઝ સિડ માટે બહાર જાય છે. જો સિડ અમારી પાસે છે તો શહનાઝ જાય છે કોના માટે?

શનિવાર night

‘થૅન્ક યુ...’
સેસિલ વિલાના પાછળના ગેટની સામે પડેલા ઝાડને હટાવી અંદર જવાનો રસ્તો ક્લિયર કરી ખાને રાજ માટે ગેટ ખોલ્યો એટલે રાજ અંદર દાખલ થયો. અંદર દાખલ થયા પછી તેનાથી સહજ રીતે જ ખાન સામે જોવાઈ ગયું હતું. કળિયુગમાં પણ ભલા માણસો જોવા મળે અને એ કાળી રાતે, મોતના ભય વચ્ચે પણ કોઈને મદદ કરવા આવી જાય એવું પણ બને.
‘શુક્રિયા ઉપરવાલે કો કહેંગે...’ ખાને ઉપર નજર કરી, ‘આપકે આને કે બાદ...’
‘આપ કી દુઆ રહી તો...’
જંગ બડી હૈ, દુઆ હી પાર લગાએંગી...
ખાનના મોઢામાં આવી ગયેલા શબ્દો તેણે થૂંક સાથે ગળા નીચે ઉતારી દીધા અને રાજ સામે હાથ ઊંચો કર્યો.
‘જાતા હૂં, વહાં સિડ કે પાસ મધુ અકેલા હૈ...’
ખાન આગળ વધી ગયો અને રાજ તેને જોતો રહ્યો.
ખાન ઍમ્બ્યુલન્સમાં સિડની સાથે હતા. કર્જતથી તે સાથે જોડાઈ ગયા હતા. ડૉક્ટર સંધ્યા બિશ્નોઈને મળ્યા પછી ખાને તેને સઝદા આપી હતી.
lll
‘કૈસે હૈં આપ?’
‘ઉપરવાલે કી દુઆ ઔર આપકે સહકાર સે અચ્છી કટ રહી હૈ...’ વધારે વાત કરવાને બદલે ખાને સંધ્યાને કહ્યું, ‘આપ સે દો મિનિટ બાત કરની હૈ...’
રાજ, મધુ, કિયારા અને સિડને ત્યાં જ મૂકીને ખાન અને સંધ્યા સહેજ 
દૂર ગયાં.
‘બચ્ચે વાપસ તો આ જાએગાના?’
‘કોશિશ તો વોહી રહેગી...’
‘અલ્લાહ સબ ઠીક કર દેગા.’
‘હા, ઉસકી હી તો આશ હૈ.’ સંધ્યાએ ઍમ્બ્યુલન્સ તરફ નજર કરી, ‘ખાનચાચા, એક બાત પૂછની હૈ.’
‘બેઝિજક...’
‘શહનાઝ કો જગાયા કિસને?’ ખાનનાં બદલાતાં એક્સપ્રેશન સંધ્યાને સ્પષ્ટ દેખાયાં, ‘શહનાઝ અપનેઆપ નહીં જાગી ઔર હાદસે કો ભી વક્ત હો ગયા હૈ. કુછ વક્ત પહલે કી બાત હોતી તો સમજતી પર, અભી, અચાનક...’
‘વો તો કૌન બતા સકતા હૈ?’
‘વો હી જિસને ઉસે જગાયા હૈ.’ સંધ્યાએ ઍમ્બ્યુલન્સ તરફ પગ ઉપાડતાં કહ્યું, ‘ઇસ બાર ઉસે ફિર સે શાંત કરના આસાન નહીં હોગા.’
સંધ્યાએ જો પાછળ ફરીને જોયું હોત તો તેને બે હાથ ખુલ્લા કરી ખુદાની બંદગી કરતા ખાન દેખાયા હોત.
યા અલ્લાહ, પરવરદિગાર...
lll
ઍમ્બ્યુલન્સ પાસે ખાન પહોંચ્યા ત્યારે રાજ સેસિલમાં ડાઇનિંગ હૉલ સુધી પહોંચી ગયો હતો. એ સમયે સંધ્યા ડાઇનિંગ હૉલમાં દાખલ થતી હતી. રાજ પણ તેની પાછળ દાખલ થયો. ડાઇનિંગ હૉલમાં દાખલ થઈને સંધ્યાએ દીવાલ પર લાગેલા પારસી પેઢીના ફોટો જોવાનું શરૂ કર્યું. દરેક ફોટો પાસે તે પોતાના લીંબુવાળા બન્ને હાથ લંબાવતી હતી અને મનોમન એક મંત્ર બોલતી હતી.
એક, બે અને ત્રણ. 
ત્રીજા ફોટો પાસે સંધ્યા ઊભી રહી અને તેણે ફોટોની સામે લીંબુવાળા બન્ને હાથ લંબાવ્યા, આંખો બંધ કરી. જેવી તેણે આંખો બંધ કરી કે ફોટોમાં દેખાતા ઈરાનીનો ચહેરો વિકૃત રીતે મોટો થયો અને ફોટોમાંથી અટ્ટહાસ્યનો અવાજ આવ્યો.
રાજ હેબતાઈ ગયો. જોકે સંધ્યા હજી પણ એમ જ ઊભી હતી, તેના હોઠ ફફડતા હતા. હોઠ ફફડવાના બંધ થયા એટલે સંધ્યાએ આંખો ખોલી.
‘પરઝાન ક્યાં છે?’
સંધ્યાએ ફોટોને સવાલ કર્યો હતો અને ફોટોએ જવાબ પણ આપ્યો,
‘એ તો શહનાઝ એને લઈ ગઈ સાથે... દૂર. બહુ દૂર.’
જવાબ સંધ્યાને મળ્યો હતો પણ એ જવાબ રાજે પણ સાંભળ્યો હતો. રાજ તરત જ સંધ્યા પાસે આવ્યો.
‘પરઝાન નથી સંધ્યા, એ તો પહેલાં જ મરી...’
‘પરઝાનનું શરીર મર્યું છે, પરઝાન નહીં...’ સંધ્યાએ રાજની સામે જોયું, ‘શહનાઝનું પણ એવું જ થયું છે. એ કિયારા અને સિડને પોતાની પાસે રાખવા માગે છે.’
‘વૉટ?’
સંધ્યા જવાબ આપે એ પહેલાં રાજના પગ પાસેથી પપીનો જાણીતો અવાજ આવ્યો. જોકે રાજ ગભરાઈ ગયો, તેણે ઑલમોસ્ટ છલાંગ જ મારી હતી પણ એની છલાંગથી પગ પાસે બેઠેલું પપી પણ ગભરાઈ ગયું અને સહેજ અમસ્તું ડરીને બે સ્ટેપ પાછળ હટી ગયું.
રાજે પગ પાસે જોયું. પગ પાસે ગૂગલ હતું. ગૂગલ વહાલ મેળવવા માટે પૂંછડી પટપટાવતું હતું.
‘ગૂગલ છે... સિડની સાથે ફરતું હતું આ સ્ટ્રીટ ડૉગ.’
સંધ્યાની આંખમાં સવાલ વાંચીને રાજે જવાબ આપ્યો.
સંધ્યા ગૂગલ પાસે બેઠી. ગૂગલ પણ જાણે કે સંધ્યાને ઓળખતું હોય એમ દોડતું તેની પાસે આવ્યું અને સંધ્યાના લંબાયેલા બન્ને હાથ સાથે રમવા માંડ્યું.
‘સિડને બચાવવાની આણે બહુ ટ્રાય કરી પણ સૉરી...’ સંધ્યાએ રાજ સામે જોયું, ‘એની કોઈ સાઇન તમે ઓળખી શક્યા નહીં.’
‘યુ મીન ટુ સે, આને ખબર હતી શહનાઝની?’
સંધ્યાએ જવાબ આપવાનું ટાળ્યું અને ગૂગલની આંખોમાં તે જોતી રહી.
ગૂગલની માંજરી આંખો અચાનક સફેદ થવા માંડી હતી અને સંધ્યાને એ આંખોમાં ઊપસતું જતું દૃશ્ય દેખાતું હતું.
પહેલાં એ આંખો સફેદ થઈ અને પછી એમાં અચાનક જ કાળમીંઢ રાતની અસર દેખાવી શરૂ થઈ. સેસિલ વિલાનો મેઇન ગેટ એમાં દેખાયો અને એ મેઇન ગેટમાંથી કોઈ ભાગતું પણ સંધ્યાને દેખાયું. સંધ્યાએ ગૂગલનો ચહેરો પકડી લીધો, ગૂગલે પણ કોઈ પ્રતિકાર કર્યો નહીં. સંધ્યાએ આંખોમાં નજર કરી. સફેદ ગાઉન પહેરેલી કોઈ યુવતી એમાં દેખાતી હતી.
દૂર સુધી ગયા પછી એ યુવતીએ પાછળ જોયું અને પછી તે આંખો તરફ ફરી. 
એ શહનાઝ હતી અને તેના હાથમાં સિડ હતો.
સંધ્યા ઝાટકા સાથે ઊભી થઈ ગઈ.
‘એ સિડ માટે બહાર નીકળી ગઈ છે. આપણે એને સિડથી દૂર રાખવાની છે.’
સંધ્યા ડાઇનિંગ હૉલની બહાર ભાગી અને રાજ પણ તેની પાછળ ભાગ્યો.
રાજને સમજાઈ નહોતું રહ્યું કે સંધ્યા એક તરફ એવું કહે છે કે સિડ શહનાઝ પાસે જ છે તો બીજી તરફ એવું પણ કહે છે કે શહનાઝ સિડ માટે બહાર જાય છે. જો સિડ અમારી પાસે છે તો શહનાઝ જાય છે કોના માટે?
સિડ માટે જ.
સિડનો આત્મા હવે શહનાઝના કબજામાં હતો અને માત્ર શરીર રાજ-કિયારા પાસે હતું. શહનાઝને હવે એ શરીર પણ જોઈતું હતું. પરઝાનને નવેસરથી જીવતો કરવાની વિધિ શરૂ થઈ હતી. એ વિધિએ જ શહેનાઝના શરીરમાં બમણી તાકાત ભરી દીધી હતી. હવે તે કોઈથી કાબૂમાં આવે એમ નહોતી. ઈશ્વર અને ખુદાની સામે પણ જંગ માંડવામાં તેને કોઈ ખચકાટ નહોતો.
lll
ઍમ્બ્યુલન્સની ફ્રન્ટ સીટમાં બેઠેલાં ખાને પાછળ ફરીને સિડ સામે જોયું. સિડની આંખો બંધ હતી પણ ખાનને લાગ્યું કે તેની આંગળીઓ સહેજ 
ફરકી છે.
ખાને જમણો હાથ માથા પર ચડાવ્યો અને ખુદાનો આભાર માની ફરી સિડની સામે નજર કરી.
‘બસ બેટા, થોડી મિનિટ... સબ ઠીક હો જાએગા. ફિર સુખ-ચૈન સે અપને માંબાપ કે સાથ...’
‘નહીં, મેરે સાથ...’
ખાનના કાનમાં અવાજ આવ્યો અને ખાન ઝાટકા સાથે પાછળ ફર્યો. પાછળ શહનાઝ હતી. શહનાઝે ઍમ્બ્યુલન્સની બંધ વિન્ડોમાંથી પણ પોતાનો ચહેરો અંદર લીધો હતો અને ખાનથી તે માત્ર એકાદ ઇંચના અંતરે હતી.
ખાનના આખા શરીરમાં ગભરાટ પ્રસરી ગયો. જોકે તેના ચહેરા પર હજી પણ શાંતિ અકબંધ હતી.
‘ખુદા સે ડર...’
‘બોલ અપને ખુદા સે, મુઝસે ડરે.’ શહનાઝે મોઢું સહેજ બગાડ્યું, ‘યે અબ સાથ આએગા. મેરે...’
ખાન કશું કહે કે કરે એ પહેલાં શહનાઝનો હાથ ખાનની ગરદન પર ગયો અને એકદમ શાંતિથી પોતાની પાંચેય આંગળીઓથી ખાનની ગરદન ઉતરડી નાખી. ખાનની શ્વાસનળી ધીમેકથી ચિરા, અને એમાંથી ફોર્સ સાથે બ્લડ બહાર આવ્યું. ખાને મોઢું ખોલવાની કોશિશ કરી પણ વહેતા લોહી અને ઘટતા જતા ઑક્સિજને તેને સાથ આપ્યો નહીં અને ખાનનો જીવ તેની આંખોમાંથી નીકળી ગયો.
શહનાઝે પોતાના લોહીવાળા હાથ ખાનના કુરતા પર સાફ કરી સિડની સામે જોયું અને પછી ફરી ખાનની સામે જોઈને સ્માઇલ કરી, જાણે કે કહેતી હોય, રોકી લે.
lll
સંધ્યા અને રાજ દોડતાં ઍમ્બ્યુલન્સ પાસે આવ્યા. રાજે જોયું કે ફ્રન્ટ સીટ પર ખાન બેઠા છે. ખાનને જોઈને રાજને નિરાંત થઈ. દોડતા તેના પગની ગતિ સહેજ ધીમી થઈ પણ સંધ્યાની ઝડપ હજી પણ એવી જ હતી.
ઍમ્બ્યુલન્સ પાસે પહોંચીને સંધ્યાએ પહેલાં પાછળ નજર કરવાની કોશિશ કરી પણ તેને ચંદ્રના પ્રકાશ વચ્ચે સલાઇનના ચળકતા પ્લાસ્ટિક સિવાય કશું દેખાયું નહીં એટલે ખાન જ્યાં બેઠા હતા એ ફ્રન્ટ સીટ તરફ આવી ખાનની સાઇડનો દરવાજો ખોલ્યો. 
જેવો દરવાજો ખોલ્યો કે તરત ખાનની બૉડી બહારની તરફ ઢળી ગઈ.
ખાનના ગળામાંથી લોહી હજી પણ વહેતું હતું.
નીચે ઢળતા ખાનને રાજે પણ જોયા, તેના પગ થંભી ગયા. સારપનું વરવું પરિણામ અત્યારે તે જોતો હતો.
‘રાજ, સિડ...’
સંધ્યાએ ખાનની બૉડીને સાચવીને અંદર મૂકતી વખતે રાજને રાડ પાડી એટલે રાજ વિચારોમાંથી બહાર આવ્યો અને દોડતો ઍમ્બ્યુલન્સના પાછળના ભાગ તરફ ગયો.
ધડામ...
ઝાટકા સાથે રાજે ઍમ્બ્યુલન્સનો દરવાજો ખોલ્યો અને અંદર નજર કરી.
અંદર સ્ટ્રેચર ખાલી હતું, સિડ નહોતો. સિડને ચડાવવામાં આવેલા સલાઇનની નીડલમાંથી ગ્લુકોઝનાં ડ્રૉપ્સ જમીન પર પડતાં હતાં.
પહેલાં પણ સિડને ગુમાવ્યો હતો અને હવે આજે, અત્યારે પણ સિડને ગુમાવ્યો પડ્યો હતો.
‘રાજ, સિડ પર જોખમ વધી 
ગયું છે.’
ખાનની બૉડી અંદર ઢળી ગઈ છે એ જોવાની દરકાર કર્યા વિના જ સંધ્યાએ જોરપૂર્વક ઍમ્બ્યુલન્સનો દરવાજો બંધ કર્યો અને રાજની સામે જોયું.
lll
ઠક... ઠક...
ઠક... ઠક...
દરવાજે પડતાં ટકોરા સાંભળીને ખાનના ઘરની અંદર લાઇટ થઈ.
‘કૌન?’ અંદરથી અવાજ આવ્યો પણ પ્રત્યુત્તર મળ્યો નહીં એટલે ફરી પ્રશ્ન પુછાયો, ‘કૌન હૈ?’
‘દરવાઝા ખોલીએ...’ જવાબ તોડકરે આપ્યો અને ઓળખાણ તેમ્બેએ આપી, ‘પોલીસ... જલદી.’
દરવાજો ખાનની દીકરી સાઝિયાએ ખોલ્યો.
‘જી. આપ...’
‘તમે...’ તોડકરે અનુમાન બાંધી લીધું, ‘અમ્મી ક્યાં છે તમારી?’
‘ના સાહેબ, એણે એવું કંઈ નથી કર્યું. ના...’ સાઝિયા ગભરાઈ ગઈ, ‘એ એવું કંઈ કરે એમ નથી.’
‘રિલૅક્સ.’ તોડકરે નરમાશથી કહ્યું, ‘તમે ખોટું સમજ્યાં. અમે તેને લેવા નહીં, મળવા આવ્યા છીએ. વાત કરવી છે તેની સાથે અમારે.’
‘પણ એ નહીં બને.’ સાઝિયાએ સ્પષ્ટતા કરી, ‘ઉસકી દિમાગ હાલત ઠીક નહીં હૈ. અબ્બાને ઉસે કિસી સે બાત કરને કિ મના કી હૈ.’

વધુ આવતા શનિવારે

columnists