કૉલમ : શાદી કા ફિલ્મી અંદાઝ

06 April, 2019 03:10 PM IST  |  | હેતા ભૂષણ

કૉલમ : શાદી કા ફિલ્મી અંદાઝ

વેડિંગ થીમ

શાદી મેં ઝરૂર આના

બૉલીવુડ માટેનો પ્રેમ સદાબહાર રહ્યો છે અને પોતાનાં લગ્ન હોય ત્યારે આ પ્રેમ બહાર આવતો હોય છે. સ્ટાર્ટ સાઉન્ડ... લાઇટ... કૅમેરા... ઍક્શન... બોલાય અને ગોરમહારાજ મંત્ર બોલે અને એકદમ ફિલ્મી અંદાજમાં દુલ્હનની એન્ટ્રી થાય... આવું દૃશ્ય આજકાલનાં સાચૂકલાં લગ્નોમાં જોવા મળે છે. આપણાં કોઈ પણ લગ્નમાં સંગીત સેરેમનીમાં તો બૉલીવુડ સંગીત છવાયેલું હોય જ છે, પરંતુ હવે ઇન્વિટેશન કાર્ડથી લઈને ડેકોરેશન, ડ્રેસિંગ અને ફૂડ આઇટમમાં પણ આ કમાલ જોવા મળી રહ્યો છે.

આજકાલ પદ્માવત, વીરે દિ વેડિંગ, તનુ વેડ્સ મનુ, ઑલ ટાઇમ ફેવરિટ દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે જેવી ફિલ્મોને વેડિંગના દિવસ માટે થીમ તરીકે પસંદ કરવામાં આવી રહી છે. માત્ર લગ્ન જ નહીં, કોઈ પૉપ્યુલર ફિલ્મને થીમ બનાવી બધા જ જુદા-જુદા પ્રસંગો - સગાઈ... સંગીત... કૉકટેલ પાર્ટી... રિસેપ્શન વગેરે દરેક નાના-મોટા ફંક્શનને સેલિબ્રેટ કરવાનો ટ્રેન્ડ જોરમાં છે. શરૂઆત કંકોત્રીથી... બૉલીવુડ થીમ મૅરેજનાં આમંત્રણ પણ અલગ જ રીતે મોકલવામાં આવે છે... થિયેટરની મુવી ટિકિટરૂપે, જે ફિલ્મનો થીમ પસંદ કરાયો હોય તેના પોસ્ટર પ્રમાણે દુલ્હા-દુલ્હનના ફોટાવાળું પોસ્ટર બનાવીને... ફિલ્મી ગીતોની પંક્તિઓ લખીને... અથવા કંકોત્રી સાથે ફિલ્મસંબંધી કોઈ વસ્તુ ગિફ્ટરૂપે આપીને... બૉલીવુડ થીમ આમંત્રણ... પછી ડેકોરેશન બૉલીવુડ થીમ પ્રમાણે અનેક જુદા જુદા ડેકોરેશન આઇડિયા ડેકોરેટર્સ આપે છે. બૉલીવુડ ફિલ્મોની રીલ અને કૅમેરા ડેકોરેશનમાં વપરાય છે... કોઈ એક ફિલ્મ પસંદ થઈ હોય તો એના પોસ્ટર... એમાં હોય તેવું ડેકોરેશન કરવામાં આવે છે અથવા જુદી જુદી ફિલ્મોના... દુલ્હા-દુલ્હનના ફેવરિટ સ્ટારનાં પોસ્ટર મૂકવામાં આવે છે. ફૂલ અને લાઇટિંગથી ડેકોરેશન ઝાકઝમાળ કરવામાં આવે છે. એક બૉલીવુડ થીમ લગ્નમાં ફિલ્મ બૅન્ડ... બાજા... બારાત જેવું રંગબેરંગી લાઇટવાળું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. જે ફિલ્મી થીમ નક્કી કરાય તે પ્રમાણેનો ડ્રેસ દુલ્હા-દુલ્હનનો બને છે... અને ઘણાં લગ્નોમાં તો ડ્રેસ કોડ મહેમાનો માટે પણ તે પ્રમાણેના રાખવામાં આવે છે. જુદા જુદા થીમ બેઝ્ડ ફોટોબુથ આજકાલની ફરશન છે... તેમાં બૉલીવુડ થીમમાં ફિલ્મી હીરો-હિરોઇનના કટઆઉટ...ફેમસ ડાયલૉગ લખેલાં કટઆઉટ... ફિલ્મમાં વાપરવામાં આવેલી કાર... સ્કૂટર વગેરે રાખવામાં આવે છે અને સૌથી મહત્વની બાબત એટલે જમણવાર... બૉલીવુડ થીમ બેઝ્ડ લગ્નમાં પીરસવામાં આવનારી જુદી જુદી આઇટમ્સનાં નામ પણ બૉલીવુડ તડકા સાથે રાખવામાં આવે છે. ફિલ્મનાં સાથી પૉપકૉર્ન અને સમોસાં પણ હોય જ છે.

આધાર શેના પર

લગ્ન અને બૉલીવુડને કઈ રીતે ભેળવવામાં આવે છે એ પ્રશ્નના જવાબમાં ઇવેન્ટ પ્લાનર મેઘના ચિતલિયા કહે છે, ‘બૉલીવુડને લગ્નની ઉજવણી સાથે જુદી જુદી રીતે ભેળવવામાં આવે છે. તેનો આધાર ક્લાયન્ટની પસંદગી, બજેટ, આમંત્રિત મહેમાનોની સંખ્યા અને નવા આઇડિયાઝ પર રહેલો છે. આજકાલ કોઈને કૉપી કરવું ગમતું નથી, બધાને પોતાનાં લગ્નમાં ફિલ્મી રીતની જેમ કંઈક અલગ, કંઈક જુદું જ કરવું હોય છે. તાજેતરમાં મેં કૉકટેલ પાર્ટીને બૉલીવુડ થીમ સાથે કરી હતી. એક પાર્ટીમાં શોલે થીમ હતો, જેમાં અમે શક્ય એટલું શોલેના ગામડા જેવું ગામડું... અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમામાલિની, ગબ્બર વગેરેનાં કટઆઉટ મૂક્યાં હતાં. બીજી પાર્ટીમાં દેવદાસ બાર લાઇટિંગ... ઝુમ્મરો... દુપટ્ટા વગેરેથી ડેકોરેટ કર્યો હતો... અન્ય એક પાર્ટીમાં ડૉન થીમમાં જેલ બનાવી... જેલમાંથી ડ્રિન્ક સર્વ કર્યાં હતાં. અમે ડ્રિન્કને પણ થીમ પ્રમાણે નામ આપીએ છીએ.’

એન્ટ્રન્સ અને એન્ટ્રી

આજકાલ એન્ટ્રન્સ અને એન્ટ્રી બન્નને ખૂબ મહત્વનાં છે. મેઘના કહે છે, ‘એક બૉલીવુડ થીમ મૅરેજમાં એન્ટ્રન્સમાં ‘ખુલ જા સીમ સીમ’ થીમ હતો. તેમાં આવનાર મહેમાન પોતાના ફેવરિટ હીરો કે હિરોઇનનો ફેવરિટ કોઈ પણ ડાયલૉગ બોલે પછી જ દરવાજો ખૂલતો હતો. બીજી જગ્યાએ હોસ્ટ તમને એક બૉલીવુડને લગતો સવાલ પૂછે. સાચો જવાબ આપવાથી ગિફ્ટ મળે અને દરવાજો ખૂલે. આ તો મહેમાનોની એન્ટ્રી... અને બૉલીવુડ મુવીમાં જેમ હીરો-હિરોઇનની એન્ટ્રી મહત્વની હોય છે તેમ બૉલીવુડ થીમ વેડિંગમાં દુલ્હા-દુલ્હનની... અમે એકદમ ફિલ્મી એન્ટ્રી પ્લાન કરીએ છીએ. એક વેડિંગમાં દુલ્હાની એન્ટ્રી અમર અકબર એન્થોની ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઈંડામાંથી આવે છે તે રીતે કરવામાં આવી હતી. એક સંગીતમાં દુલ્હને પિયા તું અબ તો આ જા... ગીત સાથે પીંજરામાં ઉપરથી એન્ટ્રી કરી હતી. એક રિસેપ્શનમાં ફૂલ અને લાઇટિંગથી શણગારેલી ફટાકડાથી ચમકતી રિક્ષામાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી હતી, જેમાં આગળ-પાછળ ફિલ્મનાં પોસ્ટર હતાં અને જોરદાર ઝંકાર ફિલ્મી મ્યુઝિક વાગતું હતું. એક લગ્નમાં દુલ્હા-દુલ્હન પહેલાં મિત્ર હતાં અને તેમને શોલે જેવા સાઇડકારવાળા સ્કૂટર પર દુલ્હન સ્કૂટર ચલાવતી હોય અને એ દોસ્તી હમ નહિ તોડેંગે ગીત વાગતું હોય તેમ એન્ટ્રી કરી હતી.’

ડેકોરેશનમાં કૅમેરા

બૉલીવુડ થીમ લગ્નમાં ડેકોરેશન એકદમ ફિલ્મી હોય છે અને થોડું જુદું હોય છે. મેઘના કહે છે, ‘ફૂલો... દુપટ્ટા... લાઇટિંગની સથે સાથે... ઘણું બધું અલગ ફિલ્મી સ્ટાઇલ ઉમેરવી પડે છે. એક લગ્નમાં અમે જુદી જુદી ફિલ્મનાં પોસ્ટર પ્રમાણે સેમ પોઝમાં દુલ્હા-દુલ્હનનું ફોટોશૂટ કરાવ્યું હતું. લગ્નમાં તેમના ફિલ્મી પોસ્ટરવાળા ફોટો મૂક્યા હતા. ફિલ્મી રીલ... કૅમેરા ....લાઇટ વગેરેનો હીરો-હિરોઇનનાં કટઆઉટસ વગેરેનો ડેકોરેશનમાં ઉપયોગ કરીએ છીએ.’

ડિસ્કો પનીર અને ડ્રીમ ગર્લ

લગ્નમાં ખાસ મહત્વનું હોય છે, લંચ અને ડિનર અમે જમવામાં સર્વ થતી આઇટમોને પણ સરસ ફિલ્મી નામ આપીએ છીએ, એમ જણાવીને મેઘના કહે છે, ‘ડિસ્કો પનીર, પહલા નશા, ડ્રીમ ગર્લ વગેરે ફૂડ આઇટમોનાં નામ હોય છે. તો સાથે જ બૉલીવુડ થીમમાં ફિલ્મી તડકા ઉમેરવા અમે ડુપ્લિકેટને બોલાવીએ છીએ. બારાતમાં નાચવા માટે અને મહેમાનો સાથે તેઓ સેલ્ફી લે છે. ફૉરેન ડાન્સર ફિલ્મી સૉન્ગ પર ડાન્સ પર્ફોર્મન્સ આપે છે. કૉકટેલમાં કેબ્રે ડાન્સ પર્ફોર્મન્સ પણ હોય છે. એક ફિલ્મી લગ્નમાં અને બૉલીવુડ કેબીસી ગેમ ક્વિઝ શો રાખ્યો હતો. એક ખાસ યાદગાર બૉલીવુડ થીમ લગ્નમાં અમે બૉલીવુડ ફિલ્મ અવૉર્ડ નાઇટ રાખી હતી, જેમાં બધા આમંત્રિત મહેમાનો પણ જુદા જુદા સ્ટારના ગેટ-અપમાં આવ્યા હતા. રેડ કાર્પેટ ફોટોબૂથ, જુદા જુદા અવૉર્ડ, સ્ટેજ ડેકોરેશન... અને બે-ત્રણ અવૉર્ડ બાદ ડાન્સ પર્ફોર્મન્સ હતા અને ડેકોરેશન અને સિટિંગ અરેન્જમેન્ટ પણ અવૉર્ડ નાઇટ જેવી જ કરવામાં આવી હતી.’

આ પણ વાંચો : કલ્યાણજી-આણંદજી : શોનો નિયમ હતો, કાર્યક્રમ દરમિયાન કોઈ દારુ ન પી શકે

આજકાલ આ ટ્રેન્ડમાં દુલ્હા-દુલ્હન સાચે જ એક દિવસ માટે પોતાના મનગમતા સ્ટાર બની જાય છે. એક રિસેપ્શનમાં મળવા આવનાર બધાને તેઓ ફિલ્મી અંદાજમાં ઓટોગ્રાફ આપી રિટર્ન ગિફ્ટ આપે જેવું તો કંઈકેટલુંય આજનાં લગ્નોમાં ચાલી રહ્યું છે.

columnists weekend guide