પંચાયત, થિન્કિસ્તાન, બ્રીધ અને સ્કૅમ-1992

25 October, 2020 06:16 PM IST  |  Mumbai | Bhavya Gandhi

પંચાયત, થિન્કિસ્તાન, બ્રીધ અને સ્કૅમ-1992

પ્રતીકાત્મક તસવીર

આપણે ગયા વીકની વાતને જ આગળ વધારીએ.

વેબ-સિરીઝ અને એમાં આવતી ગંદી ગાળો, સેક્સ-સીન્સ અને અસભ્ય કે અભદ્ર કહેવાય એ પ્રકારના હિંસાના સીન્સ. અત્યારે બધા એવું માનવા માંડ્યા છે કે આ જ બધું બધાને જોવું છે અને એટલે જ જરૂર હોય કે નહીં, અનિવાર્ય ગણાય કે નહીં, પણ એવું બધું મૂકવામાં આવે છે જે જુગુપ્સાપ્રેરક કહેવાય એ સ્તરે છે. જો એવું જ કરવું હોય તો પછી વેબ-સિરીઝ બનાવવાની આવશ્યકતા જ નથી. જઈને બનાવી નાખવી જોઈએ પૉર્ન ફિલ્મ, દુનિયાને એ જ જોવું છે એવું તમારું માનવું છેને, બહેતર છે કે એ જ બનાવીને આપો. તમે માનો છો એ પ્રકારે દુનિયા જોશે પણ ખરી. શું કામ વાર્તા અને સ્ટોરી માટે મહેનત કરવાની. મારું માનવું છે કે વેબ-સિરીઝના કન્ટેન્ટની બાબતમાં સૌથી વધારે મૅચ્યોરિટીની કોઈને જરૂર હોય તો એ અત્યારના પ્રોડ્યુસરને છે. લૉકડાઉન દરમ્યાન એક વેબ-સિરીઝમાં આર્મી ઑફિસરની વાઇફને દેખાડીને થોડા એવા સીન્સ દેખાડવામાં આવ્યા જેને લીધે ‘હિન્દુસ્તાની ભાઉ’ નામના એક મહાશય બરાબરના ઊકળી ઊઠ્યા અને એ પછી તો દેકારો બોલી ગયો. ફાઇનલી એ સીન્સ કાપવા પડ્યા. આવું કરવું પડશે, આવું કરવું જોઈશે. જો વિરોધ થશે તો જ સારા કન્ટેન્ટ માટેની સમજણ પણ સૌકોઈમાં આવશે.

સારું કન્ટેન્ટ પણ આવે જ છે ડિજિટલ પ્લૅટફૉર્મ પર અને સારા કન્ટેન્ટની ડિમાન્ડ પણ રહે છે પણ બને છે એવું કે એટલું બધું વાહિયાત કન્ટેન્ટ આવી જાય છે કે લોકોને ડર પેસી ગયો છે કે ઘરમાં જોવાનું ચાલુ કરીશું અને ત્યાં જ કશુંક અળવીતરું આવી જશે તો?

મૂકવામાં આવે છે વૉર્નિંગ, પણ એ વૉર્નિંગ બધી સિરીઝમાં નથી હોતી અને બધાં પ્લૅટફૉર્મે પણ એ સિસ્ટમ નથી કરી એટલે મનમાં અવઢવ રહ્યા કરે છે. આ અવઢવને લીધે અમુક એવી સરસ વેબ-સિરીઝ લોકોની નજરમાંથી નીકળી જાય છે કે સાચે જ અફસોસ થાય કે આટલી સરસ વેબ-સિરીઝ જોવાની રહી ગઈ. ગાળ જરૂરી નથી ક્યાંય, સેક્સ-સીન્સની કોઈ આવશ્યકતા નથી એ વાતને તમારે સમજવી હોય તો તમારે એક વખત ‘પંચાયત’ જોવી જોઈએ. ઍમેઝૉન પ્રાઇમની આ વેબ-સિરીઝ જોતી વખતે તમને સતત હૃષીકેશ મુખરજી અને અમોલ પાલેકરની જે-તે સમયની જે ફિલ્મો હતી એની ફીલ આવશે. આખી વેબ-સિરીઝમાં ચારેક જેટલા બૅડ વર્ડ્સ છે પણ એ પણ એવી સિચુએશનમાં કે જ્યાં ખરેખર છોકરાઓના મોઢે નાનકડી અમસ્તી ગાળ આવી જ જતી હશે. બાકી આખી વેબ-સિરીઝ જે પ્રવાહ સાથે ચાલે છે એ જોતાં તમને અંદરથી મજા આવે, આનંદ થાય અને થાય કે આને કન્ટેન્ટ કહેવાય. હું કહીશ કે અમુક વેબ-સિરીઝ બનવા માટેના જ સબ્જેક્ટ હોય. ‘પંચાયત’ એવો જ વિષય છે. એ સબ્જેક્ટ પર ફિલ્મ બને તો કોઈ જોવા ન જાય. બજેટની દૃષ્ટિએ પણ એ ગરીબ લાગે અને ગરીબ લાગતા વિષય માટે ઑડિયન્સ ૨૦૦-૩૦૦ કે ૪૦૦ રૂપિયાની ટિકિટ ખરીદે એવું હું માનતો નથી.

જો જોવાની બાકી હોય તો આ વેબ-સિરીઝ ખાસ જોવાનું હું કહીશ. ખાસ તો એટલા માટે કે તમને ખબર પડશે કે કન્ટેન્ટ કોને કહેવાય. એ પણ ખબર પડશે કે લોકોને જોતા કરવા માટે તમને ક્યાંય એવો મરી-મસાલો ભભરાવવો નથી પડતો જે તમને જુગુપ્સા આપે. આ જ વાત તમને સમજાશે ‘બ્રીધ’ની સેકન્ડ સીઝનમાં. આ સિરીઝનું એક્ઝામ્પલ હું તમને એટલા માટે આપું છું કે એ વેબ-સિરીઝમાં અભિષેક બચ્ચન છે. સિરીઝમાં ગાળો આવે છે, થોકબંધ નહીં, પણ અમુક સિચુએશનમાં ગાળો આવે છે, પણ અભિષેક બચ્ચન એક પણ વખત ગાળ બોલ્યો નથી, હૅટ્સ ઑફ. ફૅમિલીની જે ગરિમા છે એ ગરિમાને કેવી રીતે સાચવી રાખવી જોઈએ એ વાત તમને ‘બ્રીધ’ની સેકન્ડ સીઝનમાં અભિષેક બચ્ચન સમજાવે છે, દેખાડે છે. કોઈ કપડાં કાઢે અને લોકો તાળીઓ પાડે એનો અર્થ એવો બિલકુલ નથી થતો કે આપણે પણ તેની સામે કપડાં કાઢવા માંડીએ. ના, જરા પણ નહીં અને આ જે દૃઢતા છે એ દૃઢતા અભિષેક બચ્ચનની વેબ-સિરીઝમાં તમને જોવા મળે છે. અભિષેકના મોઢે એક પણ ગાળ નહીં, અભિષેકનો એક પણ ખરાબ સીન નહીં, એક પણ નહીં. તમે જોતા હો ત્યારે પણ તમને સમજાઈ આવે કે આ જગ્યાએ ધાર્યું હોત તો સેક્સ-સીન્સ મૂકી શકાયા હોત, પણ એવું નથી થયું, જેનું કારણ પણ હું તો અભિષેક બચ્ચનને જ માનું છું. તેણે જ સ્ક્રિપ્ટને પીટ-ક્લાસની બનતાં અટકાવી હશે. આ જ વાત અહીં સૌકોઈ ઍક્ટર અને ઍક્ટ્રેસે પણ સમજવાની છે. જો તે ધારે તો પોતાના સ્ટારપાવરનો સોસાયટી અને ડિજિટલ પ્લૅટફૉર્મના વ્યુઅર્સ માટે શ્રેષ્ઠ નિર્ણય લઈને પોતાની સ્ક્રિપ્ટ પર ધ્યાન આપવાનું કામ કરવું જોઈએ અને વાહિયાત કે બિનજરૂરી લાગતા હોય એવા સીન કે ગાળવાળા ડાયલૉગ્સ તેણે કાઢી નાખવા જોઈએ.

 જરૂરી છે આ બહુ. તમે માનશો નહીં, પણ હકીકત છે કે યંગસ્ટર્સને કોઈ ગાળાગાળી જોવી નથી કે એવા સીન્સ જોવા નથી. ના, જરા પણ નહીં. યંગસ્ટર્સ સારું કન્ટેન્ટ જોવા માગે છે અને તેને એમાં જ રસ છે. ફૉરેનની વેબ-સિરીઝ તમે જોશો તો તમને દેખાશે કે એમાં ક્યાંય એવી ગાળનો ઉપયોગ નથી થયો, એવા સીન્સનો ઉપયોગ નથી થયો અને એ પછી પણ એ વેબ-સિરીઝ સુપરહિટ છે, યંગસ્ટર્સની ફેવરિટ છે. આપણે ત્યાં એવું કન્ટેન્ટ નથી બનતું એવું કહેવાનો કોઈ અર્થ નથી. બને જ છે અને લોકો એ જુએ પણ છે. એમએક્સ પ્લેયરની ‘થિન્કિસ્તાન’ તમે એક વાર જોઈ લેજો. તમને સમજાશે કે કન્ટેન્ટ મજબૂત હોય તો તમે એક સેકન્ડ પણ એ જોયા વિના રહી નથી શકતા, એક જ બેઠકે તમે એ સિરીઝ પૂરી કરી નાખો છો. ‘થિન્કિસ્તાન’માં ૮૦ના દસકાની ઍડ્ર્વટાઇઝિંગ ફીલ્ડની વાત છે. કૉર્પોરેટ સેક્ટરમાં કેવાં-કેવાં પૉલિટિક્સ રમાતાં હતાં અને આજે પણ એ જ રમાય છે એ જોવા અને સમજવા માટે પણ ‘થિન્કિસ્તાન’ જોવી જોઈએ. બે સીઝનની આ વેબ-સિરીઝમાં ભાગ્યે જ કોઈ ગાળ આવે છે અને એ પણ એવી રીતે આવે છે જાણે  વાતચીતનો એક ભાગ હોય. કોઈ ફાલતુ સેક્સ-સીન એમાં નથી કે નથી એમાં અભદ્ર કહેવાય એવું વાતાવરણ. હમણાં જ આપણે ત્યાં રિલીઝ થયેલી અને હર્ષદ મહેતાની લાઇફ પર આધારિત ‘સ્કૅમ 1992’ પણ આવી જ વેબ-સિરીઝ છે.

કોઈ અપશબ્દ નહીં, તમને વિચલિત કરી દે એવા કોઈ સીન નહીં અને એ પછી પણ એની પકડ અદ્ભુત છે. વાસ્તવિકતાને પકડી રાખવામાં આવી હોવા છતાં ગાળો નથી જ્યારે બીજા સૌકોઈની એવી દલીલ છે કે વાસ્તવિકતા દેખાડવા માટે ગાળો દેખાડવી જરૂરી છે. હું કહીશ કે કોના ઘરમાં ગાળ બોલાય છે એ જરા આ ક્રીએટિવ કહે જોઈએ? કોના ઘરમાં ચણા-મમરાના ભાવે વાહિયાત સીન ભજવાતા રહે છે એ પણ એક વખત આ ક્રીએટિવ સૌકોઈની સામે કહે. કોઈ ઘર એવું નથી અને કોઈ ફૅમિલી એવી નથી જ્યાં આવા અભદ્ર શબ્દો કે સીન ભજવાઈ રહ્યા હોય અને ધારો કે એવું કોઈ ઘર હશે તો તેના ઘરમાં આ પ્રકારની વેબ-સિરીઝ નહીં જોવાતી હોય, પણ તેના ઘરમાં પૉર્ન સાઇટ જ જોવાતી હશે અને એમાંથી જ આનંદ શોધવાની કોશિશ થતી હશે.

છે સારું કન્ટેન્ટ અને એ સારા કન્ટેન્ટની જ જરૂરિયાત છે. વાહિયાત કન્ટેન્ટ આપતાં ડિજિટલ પ્લૅટફૉર્મ પણ છે જ અને એના પર જનારો વર્ગ પણ એવો જ છે એટલે સારાં પ્રોડક્શન-હાઉસ અને સારાં ડિજિટલ પ્લૅટફૉર્મ એ વાત ભૂલી જાય છે કે ડિમાન્ડ છે એટલે એવું પીરસવું પડશે. ના, એવી કોઈ ડિમાન્ડ નથી અને એવું કોઈને જોવું પણ નથી. તમે બેસ્ટ કન્ટેન્ટ આપો, બેસ્ટ રીતે આપો. બસ, આટલી જ ડિમાન્ડ છે અને આ ડિમાન્ડને જ સૌએ ફુલફીલ કરવાની છે. ન તો એનાથી કશું વધારે, ન તો એનાથી કશું ઓછું.

ધૅટ્સ ઑલ.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Bhavya Gandhi