નાની-નાની વાત પણ સમજવા જેવી હોય છે‍

01 August, 2021 05:16 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

નાની-નાની વાત, થોડા-થોડા શબ્દો લાંબા ગાળાની સમજણ આપે છે. શરત માત્ર એટલી જ છે કે એને ઉકેલવાની સૂઝ-સમજ હોવી જોઈએ

પ્રતીકાત્મક તસવીર

સાંજના સમયે ઊભી બજારમાં દાતણથી માંડીને પૂજાસ્થાનકો સુધીની જે હાટડીઓ મંડાતી એ કોરોનાકાળમાં આ છેલ્લા દોઢેક વર્ષથી જાણે કે ગઈ કાલ થઈ ગઈ છે. આ દાતણ શબ્દ કદાચ ઘણાખરાને હવે અજાણ્યો પણ લાગતો હશે. દાતણનો સંબંધ દાંત સાથે છે. દાંતનો સંબંધ શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્ય સાથે છે.

સ્વાસ્થ્ય એટલે શું?

શબ્દને એના મૂળથી સમજી શકનારા કોઈક શબ્દપારખુને પૂછી જોજો. તે તરત જ કહી દેશે કે સ્વાસ્થ્ય એટલે સ્વસ્થતા - સ્વમાં સ્થિત. એટલે માણસની તબિયત સારી હોય, અન્ય કોઈ દેખીતી શારીરિક ગરબડ ન હોય એ સ્વાસ્થ્ય. વાસ્તવમાં સ્વ એટલે શરીર નહીં. સ્વ એટલે માણસના આ દેખીતા દેહની અંદર રહેલો હું એટલે કે આત્મા. શરીરમાં તાવ ભરાયો હોય, ખાંસી કે શરદી થઈ હોય કે બીજી કોઈક વ્યાધિ હોય ત્યારે માણસનું મન એ વ્યાધિની આસપાસ જ ભટકતું હોય. પગમાં કાંટો વાગ્યો હોય, ક્યાંક ગૂમડું થયું હોય, દાંત દુખતો હોય કે એવી કંઈક પીડા વળગી હોય ત્યારે ચિત્ત ‘સ્વ’માં એટલે કે આત્મામાં સ્થિર નથી રહેતું. સ્વમાં જે ચિત્ત સ્થિત નથી હોતું એ અસ્વસ્થ. આમ સ્વાસ્થ્ય એટલે શરીર પ્રત્યેની અસ્થિરતા.

શરીરનો પહેલો સંબંધ દાંત સાથે. ઊંઘ ઊડે અને આંખ ખૂલે ત્યારે સૌપ્રથમ દાંતની સફાઈ થાય. દાંત સાથે જ મોઢું સાફ થાય, શરીરમાં તાજગી ફેલાય. આ તાજગી અને આ સફાઈ દેહના અણુએ અણુમાં ફરી વળે. અણુમાં ફરનારી આ તાજગીને સ્થળ-કાળના સંદર્ભમાં જુદી-જુદી રીતે માણસે ઓળખી છે.

દાતણ ફાટ્યાં અને પાપ નાઠાં

હવે દાતણ ભૂતકાળ છે. કોઈ દાતણ નથી કરતું, બ્રશ કરે છે. સાઠ-સિત્તેર વર્ષ પહેલાં બા-બાપુજીને કે દાદા-દાદીને દાતણ કરતાં જોયાં હતાં. બા અને દાદીમા દાતણની ચીરને જીભ સાફ કરવા માટે, ઉળ ઉતારવા માટે ઊભી ફાડી નાખતાં અને પછી આ ફાટેલી ચીરને જીભ સાથે ઘસીને દૂર ઉકરડામાં ફેંકી દેતાં. એ ફેંકતી વખતે બોલતાં, ‘દાતણ ફાટ્યાં અને પાપ નાઠ્યાં!’ આ દાતણને અને પાપને શું સંબંધ? એક વાર દાદીમાને આ પ્રશ્ન પૂછ્યો હતો, ‘દાદીમા, દાતણની ચીર ઊભી ફાડી નાખવાથી પાપ શી રીતે નાસી જાય? પાપને વળી દાતણ સાથે શું સંબંધ? અને પાપ એટલે શું?’

દાદીમાએ ત્યારે સમજાવેલું, ‘દિવસના કામકાજની શરૂઆત સવારના દાતણ સાથે થાય. જે રીતે દાતણની ચીર ફાડીને ફેંકી દીધી એ જ રીતે પાપ પણ ફેંકી દેવાનાં અને પછી દિવસનાં કામ શરૂ કરવાનાં.’

‘પણ પાપ એટલે શું દાદીમા?’ મેં પૂછેલું.

‘બીજાનું કંઈક બૂરુ કરીએ એ પાપ અને જો કંઈક ભલું કરીએ એ પુણ્ય.’ દાદીમાએ ધર્મ અને પાપ એ બધું જ એક વાક્યમાં મને સમજાવી દીધેલું.

દાતણ કરીને હથેળી જોજે

લોકજીવનમાં થોડાક શબ્દોમાં ઊંડો અર્થ ભરી દઈને જીવન જીવવાના મંત્ર ક્યારેક આપી દેવામાં આવે છે. એવું બને કે આ મંત્ર સમય જતા ભુલાઈ જાય, શબ્દોનો અર્થ જ વિસરાઈ જાય. મોઢેથી દાતણ સાથે જ સંકળાયેલો એવો એક મંત્ર વરસો પહેલાં સાંભળેલો. સૌરાષ્ટ્રમાં વસતી કાઠી કોમ એના લોકજીવન માટે અભ્યાસ કરવા જેવી છે. કાઠિયાણી માતા તેની દીકરીને સાસરે વળાવતી વખતે એક શિખામણ આપે છે, ‘દીકરી રોજ સવારે દાતણ કરીને સૂરજદાદાને માથું નમાવે ત્યારે બેય હાથની હથેળી સામે એક વાર જોઈ લેજે. બેમાંથી એકેય હથેળી કાલ કરતાં આજે વધુ ઘસાઈ તો નથી ગઈને? જો બેય હથેળી એવી ને એવી જ હોય તો આજે કાલ કરતાં થોડુંક વધારે કામ કરજે.’ (સૂરજદાદા કાઠીઓના દેવ ગણાયા છે.)

કાઠિયાણી માતા આ થોડાક શબ્દોમાં દીકરીને જીવન જીવવાનો મંત્ર આપી ગઈ છે. કામ કરવાથી ક્યારેય હાથ ઘસાતા નથી. સાસરવાસમાં દીકરી જેટલું વધું કામ કરશે એટલી વધારે વહાલી લાગશે. સાસરવાસમાં તે એક દીકરી નથી, પણ વહુ છે. દીકરી તો વહાલી જ હોય છે, પણ વહુએ વહાલા થવું પડે છે અને વહાલા થવાનો ઉત્તમ માર્ગ કામકાજ છે.

 નાની-નાની વાત, થોડા-થોડા શબ્દો લાંબા ગાળાની સમજણ આપે છે. શરત માત્ર એટલી જ છે કે એને ઉકેલવાની સૂઝ-સમજ હોવી જોઈએ.

સૂતા પછી ઊઠે નહીં બેઠા પછી ઊઠે નહીં

એક હતો શેઠ. પૈસાથી ખૂબ સુખી અને નાતજાતમાં ભારે આબરૂદાર. એકના એક દીકરા માટે કન્યાની શોધ કરવી છે. નાતના ગોરને કન્યા શોધવાનું કામ સોંપ્યું અને કહ્યું, ‘ગામેગામ જાઓ અને ઘરે-ઘરે ફરો. કન્યા એવી શોધી લાવો કે જે સૂતા પછી ઊઠે નહીં.’

ગોર મહારાજ ગામેગામ ફર્યા, અનેક કન્યા જોઈ, રૂડી-રૂપાળી, ગુણવંતી અને ડાહીડમરી... પણ જેવી શેઠની શરત સાંભળે કે ‘સૂતા પછી ઊઠે નહીં’ એનો અર્થ કોઈ કન્યા સમજે નહીં. ફરતાં-ફરતાં એક પરિવારની કન્યાએ ગોર મહારાજને કહ્યું, ‘મહારાજ, સૂતા પછી ઊઠે નહીં એવી કન્યા જોઈતી હોય તો મુરતિયો એવો હોવો જોઈએ કે બેઠા પછી ઊઠે નહીં. તમારો મુરતિયો એવો છે?’

ગોર મહારાજ દંગ થઈ ગયા. વરના બાપને આ સમાચાર આપ્યા. કન્યાનો આ સવાલ સાંભળીને વરના બાપ સમજી ગયા. તેમણે દીકરા સામે જોયું. દીકરાએ બાપને કહ્યું, ‘બાપુ, આ કન્યા જ આપણા કુટુંબમાં ચાલશે. હા, ભણી દો.’

લગ્નની પહેલી રાતે વરવધૂએ આ શબ્દનો પરસ્પર અર્થ પૂછ્યો. વરે કહ્યું, ‘અમારો પરિવાર અને આ ઘર મોટું રહ્યું. રસોડું સંભાળતી ગૃહિણી જ્યારે સૂવા માટે છેલ્લે પોતાના ઓરડે આવે એ પહેલાં તેણે રસોડાનું એકેય કામ ભૂલ્યા વિના આટોપી લેવું જોઈએ. ઢાંકો- ઢૂંબો, દૂધ-દહીં મેળવવાનું, આવાં કામ ભૂલવાં ન જોઈએ.’

આના જવાબમાં નવવધૂએ વરને કહ્યું, ‘તમે પણ સાંભળો. મારી વળતી શરત એ હતી કે સવારના ધંધે જાઓ અને પેઢી ખોલીને બેસો એ પછી સાંજ સુધી ઘરે નહીં આવવાનું. એક વાર થડા ઉપર બેઠા પછી થડાનું જ કામ સંભાળવું જોઈએ.’

મૂળમાં સાર એટલો જ છે કે એક વાર કામ હાથ પર લીધું એ પછી એ કામમાં વારંવાર ખલેલ કરવી જોઈએ નહીં. જે કામ કરતા હોઈએ એ કામ કોઈ પણ વિક્ષેપ વિના એકાગ્રતાથી પૂરું કરવું એ ડહાપણ છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists dinkar joshi