બાથરૂમમાં માણસ નિર્વસ્ત્ર હોય એ સૌકોઈ જાણે છે, પછી એ દેખાડવાનો શો અર્થ

03 September, 2020 04:42 PM IST  |  Mumbai | Manoj Joshi

બાથરૂમમાં માણસ નિર્વસ્ત્ર હોય એ સૌકોઈ જાણે છે, પછી એ દેખાડવાનો શો અર્થ

પ્રતીકાત્મક તસવીર

આમ થવું જોઈએ. આમ ન કરી શકાય. આ રીતે કરવું યોગ્ય નથી. આ માટે પરવાનગી લેવી પડશે. આ યોગ્ય નથી અને એવું જે કંઈ છે એ બધું નિયમોમાં કે પછી અનુશાસનમાં સામેલ થાય છે. ઘરમાં પિતાનું, માનું કે પછી વડીલોનું અનુશાસન ચાલતું હોય છે. ઑફિસમાં બૉસનું કે પછી શેઠે બનાવેલા નિયમો મુજબ રહેવાનું છે. ઘરના અનુશાસનને પણ સ્વીકારતા હોઈએ છીએ અને ઑફિસમાં બૉસે બનાવેલા નિયમોનું પણ પાલન કરીએ છીએ. ઘરના અનુશાસન સામે વાંધો હોય કે પછી ઑફિસના બૉસે બનાવેલા નિયમો સામે વિરોધ હોય તો પણ એ બન્ને સ્વીકારવામાં આવતા હોય છે. કોઈ વખત દલીલ કરીને કે ચર્ચામાં ઊતરીને આપણે એ નિયમ અને દાખવવામાં આવતા અનુશાસનનો વિરોધ નોંધાવીએ છીએ, પણ એ વિરોધ વ્યક્તિઓ વચ્ચેનો હોય છે. એની માટે આપણે પ્રેસ-કૉન્ફરન્સ બોલાવીને એને સંબોધન કરવાનું કામ નથી કરતા, કારણ કે આપણે જાણીએ છીએ કે એ જે કોઈ મુદ્દો છે એ અંગત મુદ્દો છે અને એ અંગત મુદ્દાની ચર્ચા અંગત રીતે જ થવી જોઈએ. ધારો કે અંગત રીતે એ પ્રશ્ન સૉલ્વ નથી થતો, એનું નિરાકરણ નથી મળતું તો આપણે કોઈ યોગ્ય મધ્યસ્થી શોધીએ છીએ અને તેને વચ્ચે લાવીને પ્રશ્ન વિશે ચર્ચા કરીએ છીએ. કૉર્પોરેટ કંપનીમાં આ પ્રકારની મધ્યસ્થી કરવાનું કામ હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ કરે છે. ઘરમાં આ કામ મા કરે, પિતાજી કરે અને જો તે બન્નેની સામે પ્રશ્ન હોય તો પછી પરિવારની નજીક હોય એવી વ્યક્તિ મધ્યસ્થ બનીને પ્રશ્નનું નિરાકરણ લઈ આવવાનું કામ કરે છે.
યોગ્ય છે આ વિરોધ અને એમાં કંઈ ખોટું પણ નથી. સમયાંતરે બન્ને પક્ષને પોતપોતાનામાં શું સુધારો કરવો એની સમજ આવી જતી હોય છે અને બધું યોગ્ય રીતે અને સુમેળ સાથે ચાલતું રહે છે. કંઈ ખોટું નથી આમાં. આ જ સંસારનો નિયમ છે અને આ જ રીતે આગળ વધવાનું હોય. અનુશાસન કે પછી નિયમો હોય અને એની સામે તમારો વિરોધ હોય તો એ વિરોધ દર્શાવવામાં આવે તો જ નવી વિચારધારાને સ્થાન મળે, બાકી તો બધું પરંપરાગત જ ચાલતું રહે; પણ જરૂરી નથી કે દરેક વખતે પરંપરાને તોડવાનો પ્રયાસ કરવામાં આવે. પરંપરાઓ સાવ જ હાંસિયા બહાર ધકેલી દેવાની જરૂર નથી. કપડાં પહેરવા એ એક પરંપરા છે અને એ પરંપરાને આપણે આજે પણ વ્યવસ્થિત રીતે જ પાળીએ છીએ, એ પરંપરાનો વિરોધ કરીને નગ્ન થઈને આપણે નથી ફરતા. સમાજના એક-બે ટકા લોકોને એ કપડાં સામે વિરોધ હોય તો પણ બાકીનો બહોળો વર્ગ એ વિરોધમાં તાલ નથી મીલાવતો, કારણ કે એ પરંપરા વાજબી છે. જે રીતે એ પરંપરા વાજબી છે એ જ રીતે મનોરંજન જગતમાં સેન્સર બોર્ડ નામની જે પરંપરા છે, સેન્સર બોર્ડ નામનું જે અનુશાસન છે એ પણ વાજબી છે. એ હટાવી દેવાના હેતુથી જ અત્યારની વેબ-સી‌રિઝ બનવા માંડી હોય એવું લાગે છે. ભૂંડી ગાળોની એમાં ભરમાર છે. ઉત્તેજિત દૃશ્યો એમાં પારાવાર છે તો હિંસા અઢળક છે અને આ બધાનો સરવાળો સમાજનું નિકંદન છે. સમાજના નિકંદનનો હક કોઈના હાથમાં નથી.

manoj joshi columnists