૨૦૨૦ : એમ થાય કે...

27 December, 2020 08:04 AM IST  |  Mumbai | Kana Bantwa

૨૦૨૦ : એમ થાય કે...

પ્રતીકાત્મક તસવીર

એમ થાય કે ૧૦ મહિનાના સમયખંડને ચીપિયાથી પકડીને, ખેંચીને કોઈ મનમાંથી કાઢી આપે. ગળે અટવાયેલા ડૂમાને પીઠ પર હળવો ધબ્બો મારીને બહાર ફેંકાવી આપે. હૃદયને વલોવતા વલોપાતને કોઈ સુંવાળી હથેળીઓ દિલના માટલાની અંદર ફેરવીને, સમેટીને ઉસેડી આપે. ૧૦ મહિનાના અજંપાને કોઈ દૈવી સ્પર્શ સમાવી દે. મનમાં સતત ગુંજારવ કરતી, ડંખ મારતી ભમરી જેવી અનિશ્ચિતતાને કોઈ ચૂપ કરાવી દે. મનનાં મર્મસ્થાનોમાં ભરાયેલી, ખૂંચતી, લોહીઝાણ કરતી, તીક્ષ્ણ કરચોને કોઈ હળવે-હળવે, એક-એક કરીને વીણી લે. મસ્તિષ્કની દીવાલોને થથરાવતા ભયને કોઈ-કોઈ શક્તિ ક્ષણભરમાં ઓગળી નાખે. નિરાશાથી ધૂંધળી થયેલી આંખોને કોઈ આશાની છાલક મારીને ચોખ્ખી કરી નાખે. બધિર બનાવી દેતી મૂંઝવણને કોઈ ચમત્કારી શબ્દથી વિખેરી નાખે. એમ થાય કે આ વર્ષ જીવનમાં આવ્યું જ ન હોય એમ વિસ્મૃતિ થઈ જાય જેથી એ કડવી યાદો, એ ન ગમતો અહેસાસ, એ ગૂંગળાવી નાખતો મૂંઝારો, એ થરથર કંપાવતો ડર, એ સતત ઘુમરાતી રહેતી તાણથી પીછો છોડાવી શકાય.
એમ થાય કે ૨૦૨૦ના વર્ષનો કોરોનાકાળ જીવનમાંથી ડિલીટ થઈ જાય. એ ભૂતકાળ પણ બનીને ન રહે. જાણે ક્યારેય એનું અસ્તિત્વ જ નહોતું એ રીતે એટલો કાલખંડ અદૃશ્ય થઈ જાય. આ વર્ષની એક પણ યાદગીરી ન રહે. એણે મારેલી થપાટોથી ભાંગેલો માણસ પાછો બેઠો થાય ત્યારે એની કડવી યાદો પણ સતાવે નહીં. મનના ઊંડાણમાં પડેલી એની બધી જ છાપ, બધા જ સિમ્બૉલ નષ્ટ થઈ જાય. એક વર્ષ ભોગવેલી લાચારીએ પેદા કરેલો ન્યુનભાવ વિલુપ્ત થઈ જાય. અદૃશ્ય કેદમાં રહેવાથી જકડાઈ ગયેલા વિચારો ફરી મુક્ત થઈને આળસ મરડે, ચાલે, દોડે, ઊડે. બંધિયાર વાતાવરણમાં રૂંધાઈ રહેલું ચિત્ત ફરી પ્રફુલ્લિત થઈને પોતાના સ્થાને સ્થિર થઈને નિર્બંધ ટહુકાર કરવા લાગે. ભયને કારણે ક્યાંક અંધારિયા ખૂણે છુપાઈ-લપાઈ ગયેલો ઉત્સાહ ફરીથી આઝાદ થઈને આળસ મરડે. મગજની દીવાલોને ચીરતો તીણો, તીખો, કર્કશ સ્વર તાણનો, સ્ટ્રેસનો એકધારો સંભળાતો રહે છે એનું મોં દબાવીને કોઈ શાંત કરી દે. મનને કોરતી શારડીને કોઈ થંભાવી દે. આ ગૂંગળાવતા બોજને કોઈ દૂર કરીને ઉગારી લે.
એમ થાય કે એ શાંતિ, એ સલામતી, એ સુરક્ષિતતાની ભાવના, એ મજાના દિવસો, એ આનંદની પળો, એ મુક્ત હરવા-ફરવાની છૂટ, એ હાથ મિલાવવાની મજા, એ સ્પર્શની ભાષા ઉકેલવાની પળો, એ મિત્રો સાથેના ખુશીભર્યા દિવસો, એ ખુલ્લા ચારે મુક્ત શ્વાસ લેવાની સ્વતંત્રતા, એક વર્ષ પહેલાંની એ સ્થિતિ ફરીથી એવી ને એવી જ આવી જાય.
માથે મંડરાતા ભયના ઓથારથી સતત ધ્રુજાવતું, અદૃશ્ય ઓળાઓ ઊતરી આવ્યાના ફફડાટથી ચિત્તને ક્ષુબ્ધ કરી દેતું ભયાનક વર્ષ પસાર થઈ ગયું. આ છેલ્લો રવિવાર ૨૦૨૦ના વર્ષનો. માનવજાતે ક્યારેય આટલી તીવ્રતાથી નહીં ઇચ્છ્યું હોય કે આવું વર્ષ ફરી ન આવે. દરેક સમયમાં, દરેક વર્ષમાં સારું અને ખરાબ બન્નેનું મિશ્રણ હોય. આ વર્ષ એવું છે જેમાં ખરાબનું બાહુલ્ય છે, સારાની અલ્પતા. પીડાના પ્રમાણમાં આનંદ જરાજેટલો આપ્યો છે ૨૦૨૦ના વર્ષે. ૨૦૨૦નું વર્ષ ખરેખર વસમું વર્ષ વીત્યું. વર્ષનો અંત આવતાં તો દુનિયા હાંફી ગઈ. મૃતપ્રાય બની ગઈ. જલદી આ વર્ષ પૂરું થાય તો સારું એવું તમામ લોકોએ સતત ઇચ્છ્યું. સમયમાં વર્ષ કે મહિના કે દિવસો કે પછી કલ્પ, સદીઓ, દાયકાઓ તો આપણી સરળતા માટે આપણે પાડેલા ભાગ છે. સમય ક્યારેય ખંડમાં નથી હોતો. સમયને આપણે પાડેલા ભાગની સમજ કે જાણકારી હોતી નથી. ૩૧ ડિસેમ્બરે કે દિવાળીએ વર્ષ પૂરું થાય એ સમય દ્વારા કરાયેલું વિભાજન નથી. એને પૃથ્વીના દિવસ પ્રમાણે આપણે વહેંચ્યો. પૃથ્વી પર ૨૪ કલાકના સમયગાળાથી એક દિવસ પૂરો થાય, પૃથ્વીના ૨૯.૫ દિવસે ચંદ્રનો એક દિવસ થાય. શુક્રનો દિવસ પૃથ્વીના ૨૪૩ દિવસનો થાય. ગુરુના દિવસ-રાત ૧૦ જ કલાકમાં પૂરા થઈ જાય. ક્યાં શુક્રનો ૫૮૩૨ કલાકનો દિવસ અને ક્યાં ગુરુનો ૧૦ કલાકનો દિવસ. સમય અવિરત વહેતો રહે છે અથવા બ્રહ્માંડની તમામ ચીજો સમયમાં સતત વહેતી રહે છે. સમય વહેતો હોવાની જેટલી સંભાવના છે એટલી જ સંભાવના સમય સ્થિર હોવાની અને અન્ય બધું જ ગતિમાન, ચલાયમાન હોવાની છે. સમગ્ર બ્રહ્માંડના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો સમય જ એકમાત્ર શાશ્વત ચીજ છે, અન્ય બધું જ વિનાશમાન. એટલે વર્ષ પૂરું થતાં હાશકારો થાય એ સ્વાભાવિક છે. નવું વર્ષ હંમેાં નવી આશાઓ, નવું ભવિષ્ય લઈને આવે એવી અપેક્ષા રહે છે. આશાનાં કિરણો તો દેખાવા માંડ્યાં જ છે. દુનિયાને બચાવી લેવા માટે વૅક્સિન નામના મસીહાની એન્ટ્રી થઈ ચૂકી છે. માનવજાતના સૌથી મોટા દુશ્મન સામેની લડાઈ અંતિમ ચરણમાં છે. માનવની જીત થવાની ખાતરી થવા માંડી છે. આ જીત એક વાઇરસ સામેની નહીં હોય. આ વિજય પ્રકૃતિ સામે મનુષ્યનો હશે. આ સતત ચાલતા યુદ્ધમાં વધુ એક વિજય હશે. આ જીત છેલ્લી નહીં હોય, પણ લેટેસ્ટ હશે અને એ વિજય પણ હજી ભવિષ્યના ગર્ભમાં આકાર લઈ રહ્યો છે, પણ એના ગર્ભાધાનથી એક આશ્વાસન મળ્યું છે કે માનવજાત સાવ નિરાધાર નથી.
કેટલુંબધું આપ્યું ૨૦૨૦ના વર્ષે. કાળરાત્રિ જેવું ભયાનક વર્ષ ઘણુંબધું નેગેટિવ આપી ગયું, થોડું પૉઝિટિવ પણ આપ્યું, કેટલુંક પૉઝિટિવ આપણે શોધી લીધું. માણસની આ જ તો તાકાત છે. એ વિપરીતમાંથી પણ સકારાત્મક શોધી કાઢે છે. હિટલરના કૉન્સન્ટ્રેશન કૅમ્પમાં રિબાતા માણસો પણ થોડું પૉઝિટિવ શોધી કાઢીને જ જીવંત રહ્યા. માણસને મારી શકાય છે, માણસના આશાવાદને મારી શકાતો નથી. અંધારી કાળકોટડીમાં પુરાયેલો માનવી તિરાડમાંથી આવતા પ્રકાશના આછા-પાતળા શેરડાના આધારે આશા ટકાવી રાખે છે કે અહીંથી ક્યારેક પ્રકાશનો પૂંજ અંદર આવશે. આ દ્વાર ઊઘડશે અને અસલ અજવાસ જોવા મળશે. સૌથી ખરાબ પરિસ્થિતિમાં પણ માણસ તૂટતો નથી. ૨૦૨૦ના વર્ષમાં એવું કેટલુંય બન્યું જે માણસને તોડી નાખવા માટે, ધૂળમાં મિલાવી દેવા માટે પૂરતું હતું, પણ કાળા માથાનો માનવી ઝઝૂમ્યો. નિરાશ થયો, હતાશ થયો, અસહાય થયો, એકલો પડ્યો, અટૂલો થયો, એકાંતવાસમાં પરાણે કેદ કરાયો છતાં તૂટ્યો નહીં. સર્વહારાઓ પાસે ગુમાવવા જેવું કશું નથી હોતું એટલે તેઓ વિપરીતની સામે ઊભા થાય છે એવું નથી હોતું. સર્વહારામાં પણ આશા નામનું એક તત્ત્વ એવું હોય છે જે તેને કાળાડિબાંગ અંધકારભર્યા ભવિષ્યમાં પણ અંધારાને નહીં, દૂર ટમટમતા દીવડાના પ્રકાશને જોવા માટે પ્રેરે છે. હજારો કિલોમીટરમાં પથરાયેલા ખડક જેવા અંધારા કરતાં ટપકા જેટલા અજવાસ પર માનવીને વધુ ભરોસો બેસે છે, એ વધું વાસ્તવિક લાગે છે. આ તાકાત ન હોત તો જગતનું તમામ સૌંદર્ય માનવી માટે કુરૂપ બની ગયું હોત. તમામ સંગીત કર્કશ બની ગયું હોત. તમામ સ્વાદ કડવા બની ગયા હોત. તમામ આનંદ પીડા બની ગયા હોત. આ તાકાત જ માણસને અસત સામે છાતી કાઢીને ઊભા થવા પ્રેરે છે, અસંભવ સામે આંખ મિલાવવા પ્રેરે છે, વિપરીત સામે બાથ ભીડવા માટે પ્રેરે છે. આ વર્ષનો અંત ગમે તેવો હોય, નવું વર્ષ નવા ઉજાસ સાથે આવી રહ્યું છે. આ નવો ઉજાસ ભાગ્યજોગ મળેલો, દૈવયોગે, નસીબયોગે મળેલો નથી; માનવીએ એ અર્જ કર્યો છે, કમાયો છે, માથું હોડમાં મૂકીને મેળવ્યો છે. જાતના મોલ આપીને મેળવ્યો છે. નવું વર્ષ આશાભર્યું જ આવવાનું હતું, કારણ કે માણસ આશાભર્યો છે, માનવી અજેય છે, શાશ્વત યોદ્ધો છે.

એમ થાય કે એ શાંતિ, એ સલામતી, એ સુરક્ષિતતાની ભાવના, એ મજાના દિવસો, એ આનંદની પળો, એ મુક્ત હરવા-ફરવાની છૂટ, એ હાથ મિલાવવાની મજા, એ સ્પર્શની ભાષા ઉકેલવાની પળો, એ મિત્રો સાથેના ખુશીભર્યા દિવસો, એ ખુલ્લા ચારે મુક્ત શ્વાસ લેવાની સ્વતંત્રતા, એક વર્ષ પહેલાંની એ સ્થિતિ ફરીથી એવી ને એવી જ આવી જાય.

kana bantwa columnists weekend guide