૮૨ વર્ષે આ દાદા શું નથી કરતા એ પૂછવું પડે

22 December, 2021 07:52 PM IST  |  Mumbai | Sejal Patel

હજીયે આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરતા જોવા મળતા ડોમ્બિવલીમાં રહેતા ટોકરશી દેવજી ગાલાનો જીવન જીવવાનો ઉત્સાહ પ્રેરણાદાયી છે

૮૨ વર્ષે આ દાદા શું નથી કરતા એ પૂછવું પડે

ચાર-પાંચ કિલોમીટર સાઇકલ ચલાવી લે, ગમેએટલું લાંબું અંતર ટૂ-વ્હીલર ચલાવે, કચ્છી મૅરથૉનમાં દોડવા જાય, ગિરનારની પદયાત્રા પણ કરી આવે, જાતે રસોઈ બનાવી લે. હજીયે આખો દિવસ કમ્પ્યુટર પર કામ કરતા જોવા મળતા ડોમ્બિવલીમાં રહેતા ટોકરશી દેવજી ગાલાનો જીવન જીવવાનો ઉત્સાહ પ્રેરણાદાયી છે

ડોમ્બિવલીની સંગીતાવાડીમાં રહેતા ૮૨ વર્ષના ટોકરશી દેવજી ગાલા આખો દિવસ સતત એટલી પ્રવૃત્તિઓમાં રત રહે છે કે આશ્ચર્ય થાય કે આટલી એનર્જી આવતી ક્યાંથી હશે? પહેલેથી જ ખૂબ ધાર્મિક અને સામાજિક રીતે સક્રિય રહેલા ટોકરશીદાદાને નખમાંય રોગ નથી. પાંચ વર્ષ પહેલાં પત્નીને ગુમાવ્યા પછી થોડોક સમય એકલવાયા જીવનમાં ઍડ્જસ્ટમેન્ટ કરવામાં ગયો, પણ પછી તરત જ તેમણે જાતને સંભાળી લીધી. એ પછી થોડો સમય નાના દીકરા સાથે રહ્યા, પણ પછી ધાર્મિક પ્રવૃત્તિઓ સારી રીતે થાય એ માટે ડોમ્બિવલીમાં એકલા રહે છે. 
બહારનું બને ત્યાં સુધી ખાવાનું નહીં, નિયમિત સવારે વહેલા ઊઠવાનું અને રાતે સમયસર સૂવાની આદતને કારણે તેમને આ ઉંમરે પણ કોઈ રોગ નથી અને છેલ્લે ક્યારે દવા લેવી પડેલી એ તેમને યાદ નથી. ઘરના દેશી કાઢા બનાવીને જાતે સ્વસ્થ રહે અને ફિઝિકલ ઍક્ટિવિટી જુવાનોને શરમાવે એવી. ચાર-પાંચ કિલોમીટર સાઇકલ ચલાવ્યા પછી પણ જરાય હાંફે નહીં. દૂર જવાનું હોય તો ઍક્ટિવા પણ મજ્જેથી ચલાવી લે અને એથીયે દૂર જવાનું હોય તો ચાર-પાંચ કિલો સામાન ઊંચકીને મુંબઈની લોકલ ટ્રેનમાં પણ સફર કરી લે. આ બધું અત્યારે પણ તેઓ કરી શકે છે એનું શ્રેય તેમની પદયાત્રાઓને આપતાં ટોકરશીબાપા કહે છે, ‘લોકો જ્યારે રિટાયર થાય અને ઘરનો ખૂણો પકડી લે એ સમયે મેં પગપાળા જાત્રાઓ શરૂ કરી. અકાઉન્ટન્ટની નોકરી કરતો હતો ત્યારે પણ ૨૦-૨૨ દિવસની પદયાત્રાઓ કરી લેતો. હજી પાંચેક વર્ષ પહેલાં ૨૭ દિવસ સતત ચાલવાની પદયાત્રા કરી. પાલિતાણા, શંખેશ્વર, ગિરનારની પરિક્રમા બધું જ કર્યું છે. ચાલવાને કારણે શરીર મસ્ત ફિટ રહે છે અને મન ભગવાનમાં પરોવાયેલું.’
આખો દિવસ સતત પ્રવૃત્તિમય રહેતા ટોકરશીભાઈ પોતાની દિનચર્યા વર્ણવતાં કહે છે, ‘સવારે સાડાપાંચે ઊઠીને દિનચર્યા પતાવીને દેરાસર અને ઉપાશ્રય જાઉં. લગભગ સાડાઆઠે પાછા આવીને ચા-પાણી નાસ્તો પતાવું. સમાજના કામ માટે ક્યાંય પણ જવાનું હોય તો સાઇકલ લઈને નીકળી પડું. ચાર-પાંચ કિલોમીટર સુધી તો આરામથી ખેંચી લઉં. કાં તો બપોરે અથવા તો સાંજે એક જ ટાઇમ જમવાનું બનાવવાનું. જુવાનીમાં મુંબઈ આવ્યો ત્યારે વાઇફ દેશમાં રહેતી હતી. એટલે બધું જ બનાવતાં આવડે. એક ટાઇમ જમવાનું બનાવવાનું, બીજા ટંકમાં ચા-ખાખરો કે દૂધ જેવું હલકું જ લેવાનું. હમણાં થોડા દિવસથી મારો પૌત્ર ડોમ્બિવલીમાં નજીક જ રહે છે તેને ત્યાં એક ટંક જમું છું. બાકી ઘરમાં નવરા બેસીને કંટાળવાનું નહીં. સામાજિક કામો માટે હું મુંબઈમાં બધે જ એકલો ફરું છું. ઘણા લોકોને આ ઉંમરે ટ્રેનમાં નથી ફાવતું, પણ મને કોઈ વાંધો નથી આવતો. દીકરીને ત્યાં ભાયખલા પણ ટ્રેનમાં જાઉં.’
ફરવાનો જબરો શોખ  |  ટેક્નૉલૉજી શીખવામાં પણ ટોકરશીબાપા પાછા પડે એમ નથી. વર્ષો સુધી અકાઉન્ટ્સનું કામ કર્યું એ ચોપડા પર જ કરેલું, પણ પંદર વર્ષ પહેલાં એટલે કે રિટાયરમેન્ટની ઉંમર પછી કમ્પ્યુટર પર અકાઉન્ટ્સ શીખ્યા અને એ પછી તો કમ્પ્યુટર પર કોઈ પણ કામ કરી લે છે. તેમની દીકરી મનીષા ગડા કહે છે, ‘તેમના પગમાં પૈડાં છે એમ કહું તો ચાલે. મહેનત કરવાની વાતમાં કદી પાછા ન પડે. ફરવાનો બહુ જ શોખ. મુંબઈમાં તો ફરે જ, પણ બહાર જાત્રાઓ માટે પણ. હમણાં તેમને ફરી ગિરનાર જાત્રા કરવા જવું છે. મારા દીકરા સાથે તેમને કાશ્મીર જવાનો પ્લાન પણ બનાવવો છે. કહે પણ ખરા કે તમે જલદી પ્રોગ્રામ નહીં બનાવો તો હું એકલો નીકળી પડીશ. પપ્પા એટલા ઍક્ટિવ છે કે મારો દીકરો મને કહે છે બાપાજી પાસેથી કંઈક શીખ.’

columnists sejal patel