જગત આખા માટે આપણી પાસે સમય, પણ સૈનિકો માટે આપણી પાસે સમય નથી

01 October, 2020 02:26 PM IST  |  Mumbai | Manoj Joshi

જગત આખા માટે આપણી પાસે સમય, પણ સૈનિકો માટે આપણી પાસે સમય નથી

દેશની સરહદ પર સેવા બજાવતા સૈનિકો માટે તમે ક્યારેય વિચાર્યું ખરું?

દેશની સરહદ પર સેવા બજાવતા સૈનિકો માટે તમે ક્યારેય વિચાર્યું ખરું? તમે ક્યારેય તે લોકોની માનસિકતા વિશે વિચારવાની તસ્દી લીધી? ક્યારેય તમે સિયાચીનની ઠંડીમાં દેશની સરહદ પર ફરજ નિભાવતા સૈનિકોની વિચારધારા વિશે પાંચ મિનિટ પણ ફાળવી છે?
આ અને આ પ્રકારના સવાલોનો એક જ જવાબ હોઈ શકે છે,
ના અને માત્ર ના.
આપણે આ કામ ક્યારેય નથી કરતા. શાંતિની ઊંઘ અને નિરાંતનો શ્વાસ આપનારા આ સૈનિકો માટે આપણી પાસે સમય નથી. ઘરમાં દાળ તીખી બની છે એની ચર્ચા કરવા માટે આપણી પાસે પૂરતો સમય છે અને આપણી પાસે સમય છે કે પાડોશીની દીકરી ખાનગીમાં કોની સાથે ચોરીછૂપીથી વાતો કરે છે. આપણી પાસે પૂરતો સમય છે નરેન્દ્ર મોદીની ટીકા કરવાનો અને કૉન્ગ્રેસ હવે ફરીથી બેઠી થશે કે નહીં એનું ટેન્શન લઈને પણ આપણે વાતો માંડી દઈએ છીએ. સિરિયલની કઈ સાસુ કયા માસી જેવા દેખાય છે એની વાતો કરવાનો પણ પૂરતો સમય છે આપણી પાસે અને કઈ સિરિયલના કયા હીરોનો સ્વભાવ તમારા ભાઈ જેવો છે એની વાતો કરવા માટે પણ આપણી પાસે મબલક સમય છે અને આપણે એ સમય ફાળવીએ પણ છીએ. સમય જ તો છે આપણી પાસે. દીકરીના કથ્થકના ઑનલાઇન ક્લાસિસમાં દીકરીની ફ્રેન્ડની બાજુમાં બેઠેલી તેની મમ્મીએ આજે કેવી સાડી પહેરી હતી એ આપણને યાદ છે અને આપણને યાદ છે કે વૉટ્સઍપ પર કોણે ડીપી કેટલા કલાક પછી બદલી નાખ્યું. આપણે સમય ખર્ચી શકીએ છીએ અને કલાકો સુધી રસ્તા પર બરાડા પાડીને અભિષેક બચ્ચને હવે કેવી ફિલ્મો કરવી જોઈએ એની વાતો માંડી દઈએ છીએ. આપણે સમય વાપરીને ડોનલ્ડ ટ્રમ્પ આગામી ઇલેક્શનમાં જીતી શકશે કે નહીં એની પણ ચિંતા કરી લઈએ છીએ, પણ આપણી પાસે સૈનિકો માટે બે વાક્ય પણ વિચારવાનો સમય નથી. આઇપીએલમાં મુંબઈ હવે કેવી રીતે કમબૅક કરશે એ વિશે એવી રીતે વાતો કરીએ છીએ કે જાણે આઇપીએલની ગવર્નિંગ બૉડીએ આપણને ઍડ્વાઇઝર બનાવ્યા હોય, પણ સેના અને સૈનિકો તો આપણી માટે કોઈ વિસાતમાં જ નથી આવતા. આવે પણ કેવી રીતે બિચારા, તે તો ઠંડીમાં ઠીંગરાતા અને ગરમીમાં શેકાતા ચૂપચાપ બેઠા છે. તેમના જીવવાથી કે તેમના મરવાથી તમને અને મને કોઈ ફરક નથી પડતો. સેના બીજા ચાર લોકોને ડ્યુટી પર લગાડી દેશે, પણ આપણી ઊંઘને કોઈ ખલેલ નહીં પહોંચવા દે. એ ઊંઘને ખલેલ નથી પહોંચતી એટલે જ આપણે સિરિયલના હીરો અને સિરિયલની સાસુ વિશે વાતો કરવામાંથી નવરાશ નથી અનુભવતા. તેલ પીવા ગયા પેલા સૈનિકો, તે તેનું કામ કરે, આપણે શું? ચાણક્ય કહેતા, જે દેશનો નાગરિક રક્ષકોનું મૂલ્ય નથી સમજતો એ દેશનો નાગરિક વહેલી તકે વાંઝણો થઈ જતો હોય છે.
આપણે વાંઝિયા થવા માંડ્યા છીએ અને આ હકીકત છે, જેનો સામનો કરવાની ક્ષમતા આપણી એકાંતમાં પણ નથી.

manoj joshi columnists