આપણને હંમેશાં વિદેશી આઇટમનો મોહ રહ્યો છે, પણ એવું શું કામ?

03 July, 2020 10:30 PM IST  |  Mumbai | Manoj Joshi

આપણને હંમેશાં વિદેશી આઇટમનો મોહ રહ્યો છે, પણ એવું શું કામ?

પ્રતીકાત્મક તસવીર

હા, કોઈ પણ વાત હોય, કોઈ પણ ચીજ હોય; વ્યક્તિ હોય કે વસ્તુ, એજ્યુકેશન હોય કે ઇન્વેસ્ટમેન્ટ્સ, આપણને વિદેશે હંમેશાં આકર્ષણ આપ્યું છે અને એ આકર્ષણને કારણે જ આપણે હંમેશાં વિદેશી વસ્તુ, વ્યક્તિ કે પછી વિદેશી વ્યવહારની પાછળ ભાગતા-ફરતા રહ્યા છીએ. તમે જુઓ તમારી આજુબાજુમાં. વિદેશથી પાછા આવનારાઓને આપણે હંમેશાં માનની નજરથી જોઈએ તો વિદેશીને પણ આપણે જબરદસ્ત અહોભાવથી જોઈએ. તેના ફડફડાટ બોલાતા અંગ્રેજીને જોઈને તો આપણે એવું જ ધારી લઈએ કે સાક્ષાત્ આઇન્સ્ટાઇન આપણી સામે આવી ગયા. અનેક એવા હશે જેમને એ વિદેશીના પગમાં ઢોળાવાની જ રાહ હોય છે. વિદેશનું આ આકર્ષણ આજકાલનું નથી, આ આકર્ષણ સદીઓનું છે અને એને લીધે જ દેશમાં બ્રિટિશરો આવી ગયા હતા.
આજે આપણે દલીલ કરીએ છીએ કે વિદેશીઓ આપણને બ્લૅક ગણાવીને ઉતારી પાડે છે, પણ જો તમે જઈને એક વખત ઇતિહાસનો ગહન અભ્યાસ કરશો તો તમને સમજાશે કે એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ. આપણને જ આપણી ઘઉંવર્ણી ત્વચા માટે લઘુતાગ્રંથિ હતી અને એટલે જ જ્યારે બ્રિટિશર આવ્યા ત્યારે આપણે તેમને રાજી થઈ-થઈને આપણા ઘરે લઈ આવ્યા અને એ પછી એ લોકો રાજ કરવા માંડ્યા. રાજ કરવા માંડ્યા ત્યારે શરૂઆતમાં આપણને આપણી આળસ નડી ગઈ, થયું કે બ્રિટિશરો કેવા મૂર્ખ છે કે ઘેરબેઠાં, સૉરી, મહેલમાં બેઠાં કર ઉઘરાવીને આપી જાય છે, પણ એનો હેતુ અને બહાર તેમનું થઈ રહેલું વર્તન કેવું છે એ જોવા આપણે રાજી નહોતા. ખબર પડતી તો પણ એવું જ કહેવાતું કે તેઓ કરે છે એ બરાબર કરે છે. શું કામ આવો જવાબ આપવામાં આવતો હતો એની ખબર છે તમને?
માત્ર એક જ કારણે, શ્વેત ત્વચા. શ્વેત ત્વચાને લીધે આપણને જે આકર્ષણ ઊભું થયું હતું એની સાયકોલૉજિકલ અસર પણ ઘટ્ટ હતી. એ લોકો વધારે દેખાવડા છે, ફટાફટ અંગ્રેજી બોલે છે એટલે તેઓ આપણાથી હોશિયાર છે. બસ, આ એક જ માનસિકતા અને આ એક જ વિચારધારા. આ વિચારાધારા અંગ્રેજો ગયા પછી પણ અકબંધ રહી અને એ વિદેશી મોહના સ્વરૂપમાં ઘર કરી ગઈ. આજે પણ આપણા વિદેશ-મોહ પાછળ આપણો ભૂતકાળ કારણભૂત છે. આજે પણ આપણે એવું જ ધારીએ છીએ કે તેઓ હોશિયાર છે, બુદ્ધિશાળી છે, વિચક્ષણ બુદ્ધિના માલિક છે. ધૂળ અને ઢેફા. આ માનસિકતાએ આપણને સંકુચિત બનાવી દીધા. ધોળી ચામડીના લોકો વાપરે એ ચીજવસ્તુ વાપરવા મળે છે એટલે વિચિત્ર પ્રકારનો જ આનંદ આપણે મેળવીએ છીએ. એ ચીજ શાની બની છે અને એ શું ઉપયોગમાં આવે છે એની સાથે લાંબી નિસ્બત નથી, પણ મોહ છે અને એ મોહ ક્યાંક ને ક્યાંક મનને સંતોષ આપવાનું કામ કરે છે કે જે પ્રજા રાજ કરી ગઈ તેની જ ચીજવસ્તુઓ હવે અમે વાપરીએ છીએ. આ હકીકત છે અને આ હકીકતે જ આપણને વિદેશી ચીજવસ્તુઓના મોહમાં રાખ્યા છે. ગુલામીમાંથી છૂટ્યા તો આપણે ધોળિયાઓ દ્વારા બનાવવામાં આવેલી ચીજવસ્તુઓની ગુલામીમાં સપડાયા. નક્કી હવે આપણે કરવાનું છે કે એ ગુલામીમાંથી છૂટવું છે કે પછી આ નવી ગુલામીને અકબંધ રાખવી છે? એક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ચુંગાલમાંથી છૂટ્યા, પણ અનેક ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ચુંગાલમાં અટવાયા. નક્કી તમારે કરવાનું છે. એ ચુંગાલમાંથી બહાર આવવું છે કે પછી નવી ગુલામીને આધીન રહેવું છે?

manoj joshi columnists