પ્રશ્નોની છે ભરમાર : હજી ઘણું બાકી છે, ઘણું કરવાનું છે

11 November, 2019 02:56 PM IST  |  Mumbai

પ્રશ્નોની છે ભરમાર : હજી ઘણું બાકી છે, ઘણું કરવાનું છે

પ્રતિકાત્મક તસવીર

હા, ઘણું બાકી છે. કહોને પ્રશ્નોની ભરમાર આ દેશમાં છે. કાશ્મીર અને રામલલ્લાને તેની ભૂમિ આપવાનું કામ થઈ ગયું એનો અર્થ એ નથી થતો કે તમારું કામ પૂરું થઈ ગયું. કામના તો ઢગલા પડ્યા છે અને એ બધાં કામ આપણી સરકારે જ કરવાનાં છે, પણ બાકી રહેલાં કામમાં જો કોઈ મહત્ત્વનું કામ હજી બાકી હોય તો એ છે એજ્યુકેશન સિસ્ટમમાં સુધારો. અનેક રીતે સુધારો કરવાની જરૂર છે અને જો એ સુધારો કરવામાં નહીં આવે તો આપણી શિક્ષણપ્રથા ક્યારેય આર્થિક નીતિઓ સાથે પગભર નહીં થઈ શકે. આપણા દેશની એક નીતિ રહી છે. જે ભણાવવામાં આવે એ સાચું અને એ જ યાદ રાખવાનું, પણ આપણે એમાં બદલાવ કરવાની જરૂર છે. પાણીપતનું યુદ્ધ કે પછી અકબરનું સામ્રાજ્ય કે મોગલ સલ્તનતની વાતોથી હવે કશું વળવાનું નથી. ઇતિહાસમાંથી એ તમામ વાતો હટાવવાની આવશ્યકતા છે જે આપણી હારને ગાઈવગાડીને દુનિયા સામે મૂકવાનું કામ કરે છે. એ હારને ગળે બાંધીને રાખવાની જરૂર નથી. ચંદ્રકાન્ત બક્ષી એક વાત બહુ સરસ કરતા, ‘આપણે આપણી હારને સાચવીને રાખી છે.’
શિકસ્તને ભૂલવાની હોય, હારને પાછળ મૂકીને આગળ વધવાનું હોય. જો હારને સાથે લઈને ચાલો તો ક્યારેય ભવિષ્ય તમારું સોનેરી બને નહીં. ભવિષ્યને સોનેરી બનાવવા, ચળકાટ મારતું બનાવવા, વર્તમાન પરથી ભૂતકાળની હારનો પડછાયો, હારનો ઓછાયો દૂર કરવો પડે અને એ દૂર કરવામાં આપણા ઇતિહાસકારો તથા આપણી અગાઉની સરકાર નિષ્ફળ નીવડી છે. તમે યુરોપ જુઓ, રશિયા જુઓ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જુઓ. તમને દેખાશે કે એ જીતને આંખ સામે રાખીને આગળ વધે છે, જ્યારે આપણે આપણી નવી પેઢી સામે આપણી હારને મૂકીને ખુશ થઈએ છીએ.
જો કોઈને એવું લાગતું હોય કે ઇતિહાસ બદલવાની વાત થઈ રહી છે તો તે ભૂલ કરે છે. સાહેબ, ઇતિહાસ બદલવાનો નથી, પણ ઇતિહાસમાંથી એ વાતોને દૂર કરવાની છે જેને વર્તમાન સાથે કે આવી રહેલા ભવિષ્ય સાથે કશું લાગતું-વળગતું નથી. જો તમે ઇચ્છતા હો કે આ દેશમાં બદલાવ આવે, કટિબદ્ધતા સાથેનો વર્તમાન બને તો તમારે આ કાર્ય સૌથી પહેલું કરવાની જરૂર છે. આગળ કહ્યું એમ, કામ પુષ્કળ કરવાનાં બાકી છે, પણ એ કામમાંથી પસંદગી તમારે કરવાની છે કે હવે કયા કામને પ્રાધાન્ય આપવું. અંગત રીતે હું માનું છું કે આપણે આપણાં પાઠ્યપુસ્તકો પર હાથ ફેરવવાની જરૂર છે. સરસ્વતી કહેવાય છે એ અને એ પછી પણ હું કહું છું કે એ પાઠ્યપુસ્તક પર સાવરણી ફેરવવાની જરૂર છે. યોગ્ય વ્યક્તિને, વાજબી ટીમને આ કાર્ય માટે બેસાડવાની જરૂર છે. જો એવું બનશે તો એક નવા ઇતિહાસનું ઘડતર થશે અને એ ઘડતર થશે તો નવી પેઢી સાચા અર્થમાં બળકટ બનશે, જેની અત્યંત આવશ્યકતા છે.
શિક્ષણ સિસ્ટમમાં અનેક સુધારાની જરૂર છે અને એ સુધારા વચ્ચે પણ મહત્ત્વનું કંઈ હોય તો એ આ વાત. પાઠ્યપુસ્તકો બાળકો જ નહીં, હવે સરકાર હાથમાં લે અને સરકાર એ પાઠ્યપુસ્તકોને વાજબી બનાવે. આજ સુધી એક પક્ષનો ભૂતકાળ આપણે જોયો છે, પણ હવે સમય આવી ગયો છે કે નવી દિશા, નવો દૃષ્ટિકોણ સાથેનો ભૂતકાળ જોઈએ. વીરાંગના અને શૌર્યની નવી વાતો જાણીએ, એવી નવી વાતો જાણીએ જે સાચા અર્થમાં શૌર્યવાન પ્રજાને તૈયાર કરવાનું કામ કરે.

columnists manoj joshi