આપણે કેટલું સૂવું જોઈએ એનો જવાબ મળી ગયો

11 May, 2022 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા અઠવાડિયે યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજ યુનિવર્સિટીના નિષ્ણાતોએ લાંબા અભ્યાસ બાદ તારવેલો નિષ્કર્ષ કહે છે કે મિડલ-એજ અને વૃદ્ધાવસ્થામાં સાત કલાક સૂવું પૂરતું છે

આપણે કેટલું સૂવું જોઈએ એનો જવાબ મળી ગયો

યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજનાં સેલિબ્રિટી સ્ટેટસ ધરાવતાં ન્યુરોસાયન્ટિસ્ટ પ્રોફેસર બાર્બરા સહકિયાનનું કહેવું છે કે જીવનના દરેક તબક્કે પૂરતી ઊંઘ બહુ જ જરૂરી છે. દરેક ઉંમર માટે પૂરતી ઊંઘની વ્યાખ્યા અલગ છે અને જેમ-જેમ ઉંમર વધતી જાય એમ-એમ ઊંઘનું મહત્ત્વ પણ વધતું જ જાય છે. તેમના નેતૃત્વ હેઠળ થયેલા અભ્યાસમાં યુકે અને ચીનના ૩૮થી ૭૩ વર્ષની વયના પાંચ લાખથી વધુ પુખ્તોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ લોકોની સૂવાની આદતો નોંધવા ઉપરાંત તેમનો બ્રેઇન ઇમેજિંગ સ્ટડી પણ કરવામાં આવ્યો અને સાથે કોગ્નિટિવ ટેસ્ટ પણ કરવામાં આવ્યો.  આ કૉગ્નિટિવ ટેસ્ટ એટલે મગજની સતર્કતા કેટલી છે અને મગજની ચપળતા સાથે શરીર કેટલું ત્વરિત કો-ઑર્ડિનેશનમાં છે એની ચકાસણી થાય છે. આ એવી ક્ષમતાઓ છે જેની પર ઊંઘની બહુ સીધી અસર પડે છે. 

આ ડેટાનો અભ્યાસ કરીને ૨૮ એપ્રિલે જ હજી રિપોર્ટ પબ્લિશ થયો છે જે કહે છે કે વધુપડતું ઊંઘવું કે ઓછું ઊંઘવું એ બન્ને  આદતો હાનિકારક છે. ખાસ કરીને પંચાવન વર્ષ પછીની ઉંમરે ઊંઘના કલાકોમાં વધુ મોટી ઊંચનીચ થતી રહેતી હોય તો આ બદલાવ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય અને કૉગ્નિટિવ પર્ફોર્મન્સ પર અસર કરે છે. નિષ્ણાતોએ નોંધ્યું હતું કે સાત કલાકની ઊંઘ આઇડિયલ છે. ન એથી વધુ કે ન ઓછી. જ્યારે એમાં લાંબા સમય માટે વધારો કે ઘટાડો થાય છે ત્યારે મેમરી, પ્રોબ્લેમ સૉલ્વિંગ સ્કિલ્સ, માહિતી પ્રોસેસ કરવાની સ્પીડ, બૉડીનું સંતુલન પણ ઘટવા લાગે છે. જે લોકોને ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશન જેવાં માનસિક સમસ્યાઓનાં લક્ષણ જોવાં મળે છે તેમના માટે પણ સાત કલાકની ઊંઘ જ પૂરતી છે. એનાથી જો વધુ કલાકો ઊંઘવામાં આવે તો વ્યક્તિમાં ડલનેસ આવી જાય છે અને ઓછું ઊંઘવામાં આવે તો મગજ પૂરું રિલૅક્સ ન થયું હોવાથી ઍન્ગ્ઝાયટી વધુ રહે છે.

મિડલ-એજથી લઈને પાછલી વય સુધી રોજ રાતના સમયે સાત કલાક સૂવું અનિવાર્ય છે, એથી વધુ પણ નહીં અને એથી ઓછું પણ નહીં. 

ડીપ સ્લીપની કમાલ 

ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે સંલગ્ન છે એની વાત પણ આ અભ્યાસમાં સમજાવામાં આવી છે. રિસર્ચરોનું કહેવું છે કે ‘ઊંઘના વિવિધ તબક્કાઓ હોય છે. એમાંથી સ્લો વેવ સ્લીપ હોય એ ડીપ સ્લીપ કહેવાય છે. આ ડીપ સ્લીપના સમયમાં જ બ્રેઇનનું મેઇન્ટેનન્સનું ઘણુંબધું કામ થઈ જાય છે. આ જ સમય દરમ્યાન મેમરી સઘન થાય છે. આ સમય દરમ્યાન મગજમાં અમાઇલોઇડ નામનું બહુ મહત્ત્વનું પ્રોટીન જમા થાય છે. જો આ પ્રોટીનની માત્રામાં વધઘટ થાય તો એ મગજની કાર્યક્ષમતા બગાડે છે. ઓછી ઊંઘ લેવાય ત્યારે મગજનું મેઇન્ટેનન્સનું કામ અધૂરું રહે છે. આ ભરાઈ રહેલાં ટૉક્સિન્સથી મગજની સંરચનામાં પણ લાંબા ગાળે બદલાવો આવી શકે છે.’

columnists