એકસાથે અમે અનેક મોરચામાં ફેલ થઈ ગયા

23 May, 2022 08:28 PM IST  |  Mumbai | Sanjay Goradia

‘પરણેલાં છો તો હિંમત રાખો’નાં ગ્રૅન્ડ રિહર્સલ્સમાં થયેલા ફિયાસ્કાઓની જો વાત કરું તો એક આખું ચૅપ્ટર લખાય; પણ હા, મારે એટલું તો કબૂલવું જ પડશે કે નિષ્ફળતાથી મોટી કોઈ સ્કૂલ જીવનમાં હોતી નથી

એકસાથે અમે અનેક મોરચામાં ફેલ થઈ ગયા

આપણે વાત કરીએ છીએ મારા ‘જંતરમંતર’ પછી અમે શરૂ કરેલા નવા નાટક ‘પરણેલાં છો તો હિંમત રાખો’ના મેકિંગની. હરિન ઠાકર આલેખિત અને દિગ્દર્શિત એવા આ નવા નાટકની મુખ્ય ભૂમિકા ડબલ રોલવાળી હતી જે હું કરવાનો હતો તો બીજા નંબરના અગત્યના રોલમાં મેં શેખર શુક્લને વાત કરી અને શેખર માની ગયો. તમને ગયા સોમવારે કહ્યું એમ શેખર આજે ટીવી-ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે અને અત્યારે તે સ્ટાર પ્લસની સિરિયલ ‘અનુપમા’માં મામાજીનું કૅરૅક્ટર કરે છે. શેખર ત્યારે પણ કામમાં બિઝી હતો, પણ મારો મિત્ર એટલે મેં તેને કહ્યું અને તે નાટક કરવા તૈયાર થઈ ગયો. 
નાટકનું કાસ્ટિંગ મોટું હતું. શેખરને કાસ્ટ કર્યા પછી મારી વાઇફના રોલમાં દીપાલી ભુતાને લીધી. નાટકમાં બીજું પણ એક કપલ હતું. એ રોલમાં અમે સ્નેહલ ત્રિવેદી અને રોહિન્ટન ચેસનને લીધાં. ભાસ્કર ભોજકને પણ અમે આ નાટકમાં લીધો હતો. ભાસ્કરની વાત મેં તમને અગાઉ કરી છે. અત્યારના સમયમાં મારા મનગમતા કેટલાક ઍક્ટરોમાંથી એક ભાસ્કર છે. નાટકમાં હોટેલ મૅનેજરનો રોલ બહુ સરસ હતો, જેના માટે અમે તુષાર કાપડિયાને લીધો. અમીષ તન્નાનો પણ બહુ સરસ રોલ હતો તો ‘આંખો મીંચીને બોલો જયહિન્દ’માં મદ્રાસીનો જે રોલ હું કરતો હતો એ રોલ માટે અમે નીલેશ ઠાકુરને લીધો. આ સિવાય પણ નાના-નાના ઘણા રોલ હતા, જેના માટે અમે ઘણા આર્ટિસ્ટ લીધા હતા.
ટીમ અમારી પૂરી થઈ અને અમારાં રિહર્સલ્સ શરૂ થયાં. નાટકનો પહેલો અંક તો ફટાફટ તૈયાર થઈ ગયો અને હરિનભાઈએ બધું સેટ કરી નાખ્યું અને બધું એકદમ પરફેક્ટ ચાલ્યું. હવે શરૂઆત થઈ બીજા અંકની. આ બીજા અંકમાં શું થવાનું છે અને વાર્તા કેવી રીતે આગળ વધે છે એ વિશે હરિનભાઈ મને કશું કહે નહીં. તે રિહર્સલ્સ કરાવતા જાય, પણ મને સમજાય નહીં એટલે કન્વિક્શન આવે નહીં.
મેં તમને કહ્યું એમ આ જ નાટક અગાઉ મેં કર્યું હતું એટલે મને ખબર હતી કે બીજો અંક હોટેલમાં હતો અને હોટેલમાં ઘણાબધા દરવાજા હતા, જેને લીધે એક સમયે બધા ભેગા થઈ જાય છે અને ખૂબ મોટું રમખાણ થાય છે. હોટેલની વાત કહું તો એ સીક્વન્સ એવી હતી કે હોટેલની એક રૂમમાં ગોળ ફરતો પલંગ હતો. તમે સ્વિચ દબાવો એટલે બીજી બાજુની રૂમના લોકો આ રૂમમાં આવી જાય અને આ રૂમના લોકો એ રૂમમાં જતા રહે. આ પ્રકારનું એક ડિવાઇસ હતું, જેને ડેવલપ કરવા માટે અમારી પાસે એક જાદુગર હતા - છેલભાઈ વાયડા.
એ પ્રકારનો સેટ બનાવવાની જવાબદારી અમે છેલભાઈને સોંપી. નાટકમાં બે સેટ હતા. પહેલા અંકમાં ઘરનો સેટ અને બીજા અંકમાં હોટેલનો સેટ. છેલભાઈને કામ સોંપીને હું નિશ્ચિત થઈ ગયો અને નાટક પહોંચ્યું ગ્રૅન્ડ રિહર્સલ્સના સ્ટેજ પર. 
મને હજી પણ યાદ છે કે અમે આ નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ સાહિત્ય સંઘ મંદિરમાં કર્યાં હતાં અને એ ગ્રૅન્ડ રિહર્સલ્સ દરમ્યાન થયેલો એક ગોટાળો પણ મને હજી યાદ છે. એ ગોટાળો કૉસ્ચ્યુમની બાબતમાં થયો હતો. જરા વિગતે કહું, તમને મજા આવશે.
આપણે ત્યાં કે. કે. ટેલર્સ છે જે મોટા ભાગનાં નાટકોનાં કૉસ્ચ્યુમ્સનું કામ સંભાળે છે. મારાં બધાં જ નાટકોનાં કૉસ્ચ્યુમ્સ હું કે. કે. ટેલર્સમાં જ કરાવું છે તો નેવું ટકા પ્રોડ્યુસરો પણ એ જ કરે છે અને એવું કરવાનાં બે-ત્રણ કારણો છે. એક તો કે. કે. ટેલર્સના ઓનર મહેશભાઈ કલાના ચાહક અને નાટકોના જબરદસ્ત શોખીન. બીજું એ કે તેમની પાસે રંગભૂમિના દરેકેદરેક કલાકારનું માપ હોય એટલે ફાયદો એ થાય કે તમારે ફોન જ કરવાનો અને કલાકારનું નામ આપીને કહી દેવાનું કે તેનો સૂટ બનાવી નાખો. 
તમે તેમને ચોવીસ કલાકનો સમય આપો તો બીજા દિવસે શો પર સૂટ પહોંચી જ ગયો હોય. નાટકવાળાઓને, હું રિપીટ કરીને કહીશ કે નાટકવાળાઓને તે ક્યારેય ના ન પાડે. ટાઇમના પન્ક્ચ્યુઅલ હોવાનું મેઇન કારણ એ કે તેમને નાટકની સિરિયસનેસ ખબર છે અને નાટકની ‘શો મસ્ટ ગો ઑન’ની પૉલિસી પણ તેઓ જાણે છે. બીજી વાત, મહેશભાઈ ક્યારેય પૈસા લેવા ન આવે, ક્યારેય નહીં. તમે જઈને પૂછો કે કેટલું બિલ થયું છે તો પણ તે બે દિવસ કાઢી નાખે. આવી દિલેરી. મારી વાત કરું તો મેં તો તેમનો આ સ્વભાવ જોઈને સિસ્ટમ જ કરી નાખી કે નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ શરૂ થતાં હોય ત્યારે જ કે. કે. ટેલર્સમાં જે કૉસ્ચ્યુમ્સ બનાવડાવ્યાં હોય એનું લિસ્ટ બનાવીને તેમને વિગત પહોંચાડી દેવાની અને થોડાક દિવસ પછી જે બિલ અમારા હિસાબે થતું હોય એ રોકડા રૂપિયા કે. કે. ટેલર્સમાં જઈને આપી દેવાના. એનું કારણ એ છે કે બહુબધા પૈસા ચડી જાય અને વગર કારણનું મનદુઃખ થાય તો બન્ને પક્ષે ખોટો અફસોસ રહે. પૈસાની વાત ચાલે છે ત્યારે હું એક વાત કહીશ કે પૈસા અને સંબંધોમાં મેં હંમેશાં સંબંધોને મહત્ત્વ આપ્યું છે. પૈસા જતા કરીને પણ હું સંબંધો સાચવી લેવામાં માનું છું અને મને એનો માનસિક લાભ બહુ થયો છે.
વાત કરીએ પ્રેમી માણસ એવા કે. કે. ટેલર્સવાળા મહેશભાઈની. 
મેં તમને કહ્યું એમ નાટકમાં મારો ડબલ રોલ હતો એટલે મેં મહેશભાઈને તાકીદ કરી હતી કે મારો ડબલ રોલ છે એટલે તમારે મને ઇલૅસ્ટિકવાળું પૅન્ટ આપવાનું છે. 
કહે છેને, જ્યારે પડે ત્યારે સઘળું જ પડે. મારી સાથે આ ઉક્તિ બરાબર લાગુ પડે છે અને મેં તો એનો અનુભવ પણ અનેક વાર કર્યો છે.
ગ્રૅન્ડ રિહર્સલ્સમાં કે. કે. ટેલર્સમાંથી મને જે પૅન્ટ આવ્યું એ ઇલૅસ્ટિકવાળું હતું જ નહીં. મહેશભાઈ પણ થાપ ખાઈ ગયા. મારે પૅન્ટ પહેરી એની ઝિપ બંધ કરવાની, ક્લિપ બંધ કરવાની. રૂટીનમાં વાંધો નહીં; પણ સાહેબ, નાટકમાં ડબલ રોલ હોય ત્યારે એટલો સમય જ ન હોય. નાટકના ડબલ રોલની મજા એમાં છે કે તમે એક રોલને જોયો હોય અને એ પછી અડધી મિનિટમાં જ તમારી સામે બીજા ગેટ-અપવાળો માણસ આવી જાય. ઇલૅસ્ટિકવાળા પૅન્ટની અનિવાર્યતા આ જ કારણે હતી. 
એવું નહોતું કે આ એક જ પ્રૉબ્લેમ હતો. પડે ત્યારે સઘળું પડે. નાટકની એક હિરોઇનનાં કૉસ્ચ્યુમ્સ જે પ્રકારનાં બન્યાં હતાં એ પણ મને ગમ્યાં નહીં અને એટલે હું વધારે ડિસ્ટર્બ થયો. એક તો બબ્બે રોલની જવાબદારી, ઉપરથી હું નિર્માતા અને એ પછી પણ તમારા ડિરેક્ટર તમને ક્લૅરિટી સાથે વાત કહેતા ન હોય અને કાં તો કહી શકતા ન હોય તો એ સમયે કેવી હાલત થાય. હું આજે પણ કહું છું કે હરિનભાઈના મનમાં બધું ક્લિયર હશે, પણ તેમના મોઢા પર નહીં આવતું હોય. પણ હશે, અત્યારે આ વાતને આગળ ખેંચવાને બદલે મૂળ વિષય પર આવી જઈએ.
અમે જેમતેમ કરીને બધું પૂરું કર્યું અને ત્યાં ખબર પડી કે છેલભાઈ અને અમારા સેટ બનાવવાવાળા, સેટ એક્ઝિક્યુશનર પ્રવીણ ભોસલે પણ થાપ ખાઈ ગયા છે. બીજા અંકના હોટેલના સેટમાં જે ફરતો પલંગ હતો એ પલંગ પણ બરાબર બન્યો નહોતો. અમારું આખું ગ્રૅન્ડ રિહર્સલ્સ પૂરું થયું અને એ પછી પણ પલંગ બરાબર ન બન્યો એ ન જ બન્યો. હું બહુ વ્યથિત થયો. અમે દરેક મોરચે ફેલ ગયા હતા. અમારું પ્રોડક્શન ફેલ ગયું, સેટ ડિઝાઇનર ફેલ ગયા, સેટ એક્ઝિક્યુશનર ફેલ થયા અને અમારા કૉસ્ચ્યુમ્સ સીવવાવાળા પણ ફેલ ગયા. આ બધા વચ્ચે બીજા દિવસે અમારા નાટકનો શુભારંભ હતો.
‘પરણેલાં છો તો હિંમત રાખો’ નાટક કેવું રહ્યું એ વિશે અને એ સિવાયની ઇન્ટરેસ્ટિંગ વાતો હવે કરીશું આપણે આવતા સોમવારે.

જોક સમ્રાટ
સાસુ : આવતા જન્મે શું બનવાની ઇચ્છા છે?
જમાઈ : ગરોળી?
સાસુ : કેમ?
જમાઈ : તમારી દીકરી એના સિવાય કોઈથી બીતી નથી.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists Sanjay Goradia