આપણે કાગારોળમાં છીએ

20 September, 2020 06:08 PM IST  |  Mumbai | Hiten Aanandpara

આપણે કાગારોળમાં છીએ

પ્રતિકાત્મક તસવીર

ચીન અને શિવસેનાને મૂંઝવી રાખનાર ઘટનાના કવરેજમાં ટીવી સ્ક્રીન દુશ્મનના ખોફ અને દેશદ્રોહીઓના અન્યાય સામે અવાજ ઉઠાવી રહી છે. રિયા ચક્રવર્તીને સતીસાવિત્રી ચીતરવાના પેઇડ પ્રયાસમાં અમુકતમુક ચૅનલ ખુલ્લી પડી ગઈ. હોબાળો થયો અને શમી ગયો. ચીન સાથે વણસેલા સંબંધ વિશે એટલા જ વણસેલા વિરોધ પક્ષો હોબાળા મચાવે એ સ્વાભાવિક છે, કારણકે એમને પોતાનું વજૂદ ટકાવવું છે. રાહુલ ગાંધીનું બાલિશ ટ્વીટ જોઈને ઘણી વાર મોબાઇલ સ્ક્રીનમાં રામપુરી ચાકુ ઘોંચી દેવાની ઇચ્છા થાય તોય એને મ્યાન કરવી પડે. આ આક્રોશને એમ કહીને દબાવવો પડે કે સારું છે આવા લોકો કેન્દ્રમાં નથી. ભરત ભટ્ટ ‘પવન’ના આ શેર વાંચીને એક ફિલોસૉફિકલ મુદ્રા ધારણ કરી લેવી પડે...

એના સર્જનમાં કોઈને ખામી જેવું લાગે તો

માણસના કિસ્સામાં પણ આઘું-પાછું તો રે’વાનું

જે જગ્યાએ તેં સપનાંને કાલે મારી નાખેલાં

એ જગ્યા પર ઉર્ફે આંખે કૂંડાળું તો રે’વાનું

કચકડે કંડારાતાં અનેક બૉલીવુડ નટ-નટી  કૂંડાળામાં કંડારાયાં છે. કેટલાંક નામો પુરાવા ઇરેઝ કરી જ નાખશે. ઇતિહાસ ગવાહ છે. મુંબઈ પોલીસને જેમ દિશા અને સુશાંતના કેસમાં કોઈ પ્રૂફ ન મળ્યાં પણ સીબીઆઇ અને એનસીબીને મળ્યાં એવું કશુંક બૉલીવુડ ડ્રગ કેસમાં થવાની શક્યતા વર્તાઈ રહી છે. મુંબઈ પોલીસ પર કોનો સત્તાધારી પંજો છે એ મીડિયાને ખબર પડી ગઈ છે. છતાં વિધિવત નામ જાહેર થાય એની રાહ જોઈને સૌ બેઠા છે. હરીશ ઠક્કરની જેમ આમ જનતા પણ પૂછી રહી છે... 

હામ ને હેસિયત થકી બેઠો

હું નથી કોઈના વતી બેઠો

જેમનું નામ છે ઘણું મોટું

એમનું નામ, હું પૂછી બેઠો

કેટલીક મોટી માછલીઓનાં નામમાં ભીનું સંકેલાઈ જશે અને નાની માછલીઓને મોટી ચીતરી આગળ કરવામાં આવશે. સમરથ કો નહીં દોષ ગુંસાઈ. ભાવિન ગોપાણી કહે છે એ પરિસ્થિતિ તાદૃશ્ય છે... 

ન જોયું કોઈએ ધારણ કરેલા વસ્ત્રનું છિદ્ર?

હવે તો અંગ પણ એ છિદ્રથી જોતું થયું છે

ચલો વચ્ચેનો રસ્તો પણ હવે સંકેલી લઈએ

હતું જે આપણી વચ્ચે હતું ન્હોતું થયું છે

સામાન્ય નાગરિક જે ઈમાનદારીપૂર્વક કર ચુકવણી કરે છે તેનું હૈયું મિલીભગત જોઈને ચિરાઈ જાય છે. બચત ખાતામાં નાનકડું વ્યાજ જમા થાય એમાં ખુશ થઈ જતો આમ આદમી મોટા-મોટા સેટિંગ કેવી રીતે થતાં હશે એ વિશે બાળસહજ વિસ્મય ધરાવે છે. લોનનો દસ હજાર રૂપૈડીનો એક હપ્તો બાકી રહી ગયો હોય તોય બૅન્ક ઉઘરાણી કરશે એના ડરમાં રહેતો જીવ કરોડોનો ચૂનો લગાડી ફરાર થઈ જતા ખેરખાંઓને વિસ્ફારિત આંખે જોયા કરે છે. ગીતાનો સ્થિતપ્રજ્ઞ રહેવાનો સંદેશ તેને ગીતા વાંચ્યા વગર આવડી ગયો છે. ગુંડાશાહી મિટાવવા, પચીસ-પચાસ સિંઘમ પૂરા પાડવા કોઈક દેવને ગન સાથે પધારવા વિનંતી કરીએ. જય એસ. દાવડાની વેદના વાજિબ છે...

ધાર બુઠ્ઠી થઈ ગઈ આદર્શની

ને વળી નીકળી ગયો હાથો હવે

પુણ્યનો વેરો કોઈ ભરતું નથી

હે વિધાતા! મારજો છાપો હવે

આપણે ત્યાં મોટી માછલીઓના દાંત એટલા તીણા અને રાક્ષસી હોય છે કે એને ચારે બાજુથી ઝડપવા માછીમારની નાજુક નમણી નાવડી નહીં તોસ્તાન યુદ્ધજહાજ જોઈએ. આ માછલીઓ વ્હેલને પણ વળોટી જાય એવી કદાવર હોય છે. વળી મિ. ઇન્ડિયાની જેમ અદૃશ્ય થઈ જવાની ફાવટ પણ ધરાવે છે. સવાલ ફરી પાછો હિન્દી ફિલ્મોમાં આવે છે એ જ છે. ક્યાં સુધી ગુંડારાજ ચાલશે? કોઈ તો માઈ કે લાલ સ્વચ્છતા અભિયાન માટે આવવો જોઈએ. મનસુખ નારિયા કહે છે એવું માફીગાન ક્યાં સુધી સાંભળવાનું?

એ સ્વયં સરહદ કરે છે

ને પછી તો હદ કરે છે

ક્યાં સુધી તું માફ કરશે

એ હવે અનહદ કરે છે

બૉલીવુડમાં મહદ અંશે એકલી પડી ગયેલી કંગનાના કંગન સામે લેઝિમ લઈને અનેક કલાકારો ઊતર્યા છે. પગ નીચે રેલો આવે ત્યારે અસલી ચહેરો પ્રગટ થાય છે. ગુના આધારિત ટિપ્પણીને બદલે ઉદ્યોગ આધારિત ટિપ્પણીને કારણે વાત વણસતી ગઈ. આદિલ મન્સૂરી કહે છે એમ સત્યએ અંતે તો એકલું જ લડવાનું છે.  

પ્રગટે છે રોજે રોજ આ કેવી હવા જે

ચહેરા ઉપર કોઈના ચમક આપતી નથી

પડછાયા સાથ એકલા લડવાનું રાતદિન

પાછળથી કોઈ તેના કુમક આપતી નથી

જો કરણી સેનાએ સાથ આપવાનો હુંકાર ન કર્યો હોત તો કંગના રનોટની રેવડી દાણાદાણ કરતાં ગલી-સૈનિકોને જરાય વાર ન લાગી હોત. નિવૃત્ત નેવી ઑફિસર ઉપર થયેલા હુમલા જેવું કશુંક અપમાનજનક તેની સાથે પણ થયું જ હોત. જો એકાદ ક્ષણ ચંદ્રકાત બક્ષીનો આત્મા આ કલમમાં પ્રવેશી જાય તો ચોક્કસ કહી નાખીએ કે જેની જાંઘમાં બહુ જોર હોય તેવા ગલી-સૈનિકોએ લદ્દાખના પહાડોમાં જઈને ચીની સૈનિકો સામે પડકારા ઉલાળવા જોઈએ. પણ કિરણસિંહ ચૌહાણ રોકી લે છે તો આપણે રોકાઈ જઈએ...

નાલાયક છે મન તો એને તડકે મૂકો

એ શું કાયમ ઢાંકપિછોડો સારું લાગે?

નક્કામી ઇચ્છા, વાતો, પીડા, મૂંઝવણમાં

મગજ કસો ને માથું ફોડો સારું લાગે?

ખરેખર, ચીનની ચિંતા કરવાના બદલે મહારાષ્ટ્રની ભવાડાશાહીની વાતો કરવી પડે એ સારું નથી જ લાગતું. પ્રાધાન્ય કોને આપવું જોઈએ એ સૌને ખબર છે. પણ સમસ્યાઓ આમેય રીટેલમાં નથી આવતી, તેમની પધરામણી હોલસેલમાં જ થતી હોય છે.

ક્યા બાત હૈ

ના પૂછો કઈ ભૂગોળમાં છીએ

પૂર્ણતઃ લાલચોળમાં છીએ!

ટોળું થાકીને આવ્યું તારણ પર

આપણે કાગારોળમાં છીએ!

સૂર્યકાન્ત નરસિંહ ‘સૂર્ય’

 

પોલાણ પણ સહી શકું ને છેદ પણ સહું

મરજી વગરનું તેમ છતાં વાગવું નથી

છો સત્ય તો ખૂલી જઈને ખુદ કમાલ કર

ને જૂઠ હોય તોય તને તાગવું નથી

પારુલ ખખ્ખર

 

એક અપ્સરાના વેશમાં ફરતી હતી ઇચ્છા

પાછળથી એને જોઈ તો વાંસો મળ્યો નહીં

ઈશ્વરની ચર્ચામાંથી રસ ત્યારે ઊડી ગયો

ગંજેરીઓને જે દિવસ ગાંજો મળ્યો નહીં

સુરેશ પરમાર ‘સૂર’

columnists