હેલ્ધી ખોરાક પ્રમોટ થાય એ જવાબદારી આપણા બધાની

07 May, 2022 11:21 AM IST  |  Mumbai | Sanjeev Kapoor

ચર્ચા થાય છે, પરંતુ એનો અમલ નથી થતો એ હકીકત છે. આજકાલ સોશ્યલ મીડિયાથી માંડીને બધાં માધ્યમોમાં દેખાવમાં આકર્ષક અને ખાવામાં ચટાકેદાર આઇટમોનું પ્રમોશન કરવામાં આવે છે

હેલ્ધી ખોરાક પ્રમોટ થાય એ જવાબદારી આપણા બધાની

ચર્ચા થાય છે, પરંતુ એનો અમલ નથી થતો એ હકીકત છે. આજકાલ સોશ્યલ મીડિયાથી માંડીને બધાં માધ્યમોમાં દેખાવમાં આકર્ષક અને ખાવામાં ચટાકેદાર આઇટમોનું પ્રમોશન કરવામાં આવે છે, પણ એમાં જો માત્ર હેલ્થનું એક એલિમેન્ટ ઉમેરી દેવામાં આવે તો એ બહુ મોટી દેશસેવા અને સમાજસેવા ગણાશે

પૉઝિટિવ બદલાવની વાતો થવી એ પણ બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય એવું હું માનું છું. ખોરાક એટલે કે ફૂડની બાબતમાં તો આ વાત ખાસ લાગુ પડે છે. બહુ ધીમે રહીને આપણી પોતાની રૂઢિગત ખાનપાનની પદ્ધતિઓ બદલાતી ગઈ અને એનાં પરિણામો હવે દેખાવાનાં શરૂ થઈ ગયાં. એક સમયે આપણે ત્યાં સીઝનલ અને રીજનલ ભોજનની જે પ્રથા હતી એ આહાર ઔષધની જેમ શરીર પર કામ કરી રહ્યો હતો. આજે ભેળસેળની સાથે આહારની બદલાયેલી શૈલીએ ભારતીયોની હેલ્થને જે નુકસાન કર્યું છે એ જગજાહેર છે. લાઇફસ્ટાઇલને લગતા રોગો આપણે ત્યાં વધતા જ જાય છે. ડાયાબિટીઝ કૅપિટલ બનવા જઈ રહ્યો છે આપણો દેશ. હાઈ બ્લડ-પ્રેશર, લન્ગ્સ અને લિવરને લગતી બીમારીઓનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. યંગસ્ટર્સમાં હૃદયરોગની સમસ્યા વધવા માંડી છે. આ બધાં પરિબળો છે જેમણે હેલ્ધી ફૂડની દિશામાં લોકોને ચર્ચા કરતા કર્યા છે. જોકે અત્યારે માત્ર ચર્ચાઓ જ છે, વાસ્તવિક બદલાવની દિશામાં દિલ્હી હજી દૂર છે એવું કહું તો ચાલે. લોકો વાંચે છે, સ્વીકારે છે; પણ ઇમ્પ્લિમેન્ટ્સની બાબતમાં શૂન્ય છે. કન્વર્ટ નથી થતા એ લોકો. સમોસા અને સૅલડમાં શું હેલ્ધી છે એ લોકોને ખબર નથી એવું બિલકુલ નથી, પરંતુ તેમને સ્વાદ તો સમોસામાં જ આવે છે. એક વાત સમજી લો કે નૉન-કમ્યુનિકેબલ રોગો એટલે કે જીવનશૈલીથી ઉદ્ભવતા રોગોમાં ખોરાકનો બહુ મોટો રોલ છે એ વાત સમજાયા પછી હવે લોકો અમલમાં મૂકે એ બહુ જ જરૂરી છે. 
હું હમણાં બનારસમાં શૂટિંગ કરતો હતો. મેં ત્યાં જોયું એ ખરેખર શૉક લાગે એવું હતું. મેં જોયું કે ચાટવાળાને ત્યાં લોકો ટોળે વળેલા હોય અને ફળના ઠેલા પર ભાગ્યે જ કોઈ ઊભું હોય. લોકોએ હેલ્ધી ખાવાનું સમજીને અનહેલ્ધી ખોરાકને પણ બહુ ચગાવ્યો છે. જેમ કે તમને કહું કે બનારસમાં આજકાલ સાઉથ ઇન્ડિયન સ્ટૉલ્સ બહુ જોવા મળે છે. સાઉથ ઇન્ડિયન ફૂડમાં લોકો શું ખાય છે તો કહે કે મેદુવડાં. એક જણ ઉત્તપા બનાવી રહ્યો હતો. એક તવા પર ચાર મિની ઉત્તપા તેણે ઉતાર્યા અને તમે માનશો કે એમાં તેણે સો ગ્રામ જેટલું બટર નાખ્યું. મેં પૂછ્યું, ‘ભૈયા, યે કહાં સે હેલ્ધી હુઆ?’ 
તેનો જે જવાબ હતો એ ખરેખર સાંભળવા જેવો છે.
‘સાહબ, ફિર સ્વાદ કૈસે આએગા?’ 
હવે આ ઉત્તપાને સ્વાસ્થ્યવર્ધક છે એવું માનીને જરૂર કરતાં વધારે ખાવામાં આવશે, પણ કહો જોઈએ કે આને તમે સ્વાસ્થ્યવર્ધક ફૂડ કેવી રીતે ધારી શકો? તમે ભરપૂર માત્રામાં તેલ, ઘી કે બટર, મેંદામાં નાખીને કુકીઝને બેક કરો તો શું એ હેલ્ધી બની જાય? ખાવાની બાબતમાં આ ભ્રમણાઓને પણ તોડવી જોઈએ. મેં એક વાત નોટિસ કરી છે કે લોકોને જ્યાં સુધી ઝટકો નથી લાગતો ત્યાં સુધી તેમનામાં કોઈ બદલાવ નથી આવતો. ઘરમાં જો એકાદ વ્યક્તિને કોઈ મોટી તકલીફ આવી ગઈ અને શારીરિક પીડાનું ભાન થાય તો પછી આખો પરિવાર સફાળો જાગી જશે અને પછી બધું જ હેલ્ધી ખાવાનું શરૂ થઈ જાય છે. આપણે શું કામ આ પ્રકારના ઝટકાની રાહ જોવી પડે? શું કામ ત્યાં સુધી શરીરને અબ્યુઝ કરતા રહેવું જોઈએ? 
બીજો એક મહત્ત્વનો મુદ્દો કહીશ કે સ્વાદની જે વ્યાખ્યા આપણે મનમાં બેસાડી દીધી છે એના પર પણ ફરી કામ કરવાની જરૂર છે. વધારે ચીઝ એટલે ટેસ્ટી, વધારે બટર એટલે ટેસ્ટી, વધારે નમક એટલે ટેસ્ટી. તમને ખબર છે કે ઍવરેજ એક હિન્દુસ્તાની જરૂર કરતાં ડબલ સૉલ્ટ તેના આહારમાં ખાય છે. તમે મને એ કહો કે પાણીપૂરી તમે ખાઓ છો તો સ્વાદ પાણીમાં છે કે પૂરીમાં? પાણીમાં તેલનું એક ટીપું નથી હોતું છતાં એ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદની પરિભાષાને લોકોએ સમજવાની જરૂર છે. બનારસનો એક બહુ જ ફેમસ લસ્સીવાળો છે - પહેલવાન લસ્સી. એ ભાઈ મારી પાસે આવ્યા અને પૂછે કે સાહબ, બચ્ચોં કી સેહત કે લિએ અચ્છા હો ઉસકે લિએ ક્યા કર સકતે હૈં? મેં કહ્યું કે લોગોં કો ઑપ્શન દેના શુરૂ કરો કિ રેગ્યુલર મીઠા યા થોડા કમ મીઠા? આપમેળે જ લોકોના કાન ચમકશે. 
અમને એવા ચાવાળા મળ્યા ત્યાં જે પૂછે કે સાહબ ઝ્યાદા મીઠા યા કમ મીઠા? તમને આવી ચૉઇસ મળે ત્યારે તમે પોતે વિચારવા પર મજબૂર થઈ જાઓ. પેલા લસ્સીવાળાને મેં કહ્યું કે અત્યારે તો સ્વાદના નામે તું જે સિરપનો બેફામ ઉપયોગ કરે છે એ તો પૉઇઝનનાં ડ્રૉપ્સ છે. એ સાંભળીને તે હતપ્રભ થઈ ગયો. તેને અનહેલ્ધી અને હેલ્ધીની ભાષામાં સમજમાં ન આવી હોત, પણ ઝેર પીરસી રહ્યો છે એવું કહ્યું તો તે એકદમ જાગી ગયો. દરેક સ્તર પર આવા બદલાવ આવી શકે છે. આજે પણ હેલ્ધી પ્રોડક્ટ્સ વેચતી કંપનીઓ છે જ. બેશક, ડિમાન્ડ ઓછી છે પણ માગ છે તો ખરીને. એ ડિમાન્ડ વધશે અવેરનેસથી, જેના માટે દરેક નાનામાં નાની વ્યક્તિથી ઇન્ફ્લુઅન્સ કરી શકનારા બધા લોકોએ એકસાથે આવવું જોઈએ. રાષ્ટ્રનિર્માણમાં આહારનો બહુ મોટો રોલ છે. સમાજ જો સ્વસ્થ હશે તો જ રાષ્ટ્રનો વિકાસ થશે અને સ્વસ્થ સમાજ સ્વાસ્થ્યવર્ધક આહારના પ્રચાર-પ્રસાર વિના ક્યારેય સંભવ નહીં થાય. મારું એક જ કહેવું છે કે અતિ નહીં કરો. ક્યારેક મહિનામાં એકાદ વાર આવો કોઈક તેલ, બટર, સૉલ્ટ અને સાકરથી લથપથ ખોરાક લઈ લો તો ઠીક છે; પરંતુ એને તમારા રૂટીનનો હિસ્સો તો નહીં જ બનવા દો. 
આપણે ત્યાં અન્ય એક ખોટી માન્યતા છે કે અમુક ઉંમર પછી તમારે હેલ્ધી ખોરાક પ્રત્યે સભાન થવું જોઈએ. મને લાગે છે કે એ પણ ખોટું જ છે. ઉંમર સાથે તમને હેલ્થની કિંમત સમજાય છે અને પૌષ્ટિક આહાર પ્રત્યે રુચિ પણ વધે છે, પરંતુ તમારાં બાળકોને ત્યાં સુધી જન્ક ફૂડ ખાતા રહેવા દેવાનાં એ વાત તો યોગ્ય નથીને? મારી નાની દીકરી વચ્ચે એક વાર કહે કે લાગે છે કે મારી ઉંમર થઈ રહી છે; કારણ કે મને પણ હવે ટીંડોરાં, તુરિયાં અને દૂધી ભાવવા લાગ્યાં છે. તેણે મજાકમાં આ વાત કહેલી, કારણ કે અમારા ઘરે મારાં મમ્મીની હેલ્થને ધ્યાનમાં રાખીને ફૂડ બનાવતા. ઓવરઑલ હેલ્ધી રહેવા માટે હંમેશાં ઓછાં ઘી, તેલ, મસાલા, મીઠુંનો ઉપયોગ થાય અને એ રીતે બનેલું ખાવાનું એ પછી પણ સ્વાદિષ્ટ જ હોય છે. ઘરમાં જે બને એ બધાએ ખાવાનું. ધીમે-ધીમે તમારાં બાળકોને પણ એની આદત પડવી જોઈએ. તમે પહેલેથી જ તેમને વેફર્સનાં પૅકેટ કે પિત્ઝા-બર્ગર પર જીવતાં કરી દેશો તો તેઓ ક્યારેય સ્વાસ્થ્યવર્ધક આહારનો સ્વાદ ડેવલપ નહીં કરી શકે.
આજે હું એ બધા ઇન્ફ્લુઅન્સ કરવાની ક્ષમતા ધરાવતા લોકોને અપીલ કરું છું કે તમારાથી બનતું આટલું કામ તો તમે કરો જ જેમાં કમસે કમ દસ ટકા જેટલું માઇલેજ તમે હેલ્ધી ફૂડને આપો. તમે રેસ્ટોરાં ચલાવો છો તો તમારે ત્યાં બનતા ભોજનમાંથી દસ ટકા ઘી, તેલ, બટર, સૉલ્ટ, સ્પાઇસિસ ઓછાં કરી નાખો. તમે મીડિયામાં છો, તમારા પરિવારમાં લોકો તમારું સાંભળે છે, તમે સોશ્યલ મીડિયા પર વગદાર સ્થાન ધરાવો છો, તમે શિક્ષક છો, તમે તમારા સમાજમાં લીડ ભૂમિકામાં છો તો લોકોને પૌષ્ટિક ભોજન તરફ કેવી રીતે વાળવા એ દિશામાં વિચારો. તમારાથી બનતા પ્રયાસ કરો કે દસ ટકા બદલાવ તેમના જીવનમાં આવે. રાતોરાત બધું જ કંઈ બદલાઈ નથી જવાનું, પરંતુ જો તમે ધારશો તો થોડો-થોડો બદલાવ આવવાનો જરૂર શરૂ થઈ જશે. ચર્ચા શરૂ થઈ છે, જાગૃતિ આવી છે અને હવે લોકો ઍક્ટિવલી એમાં ભાગ લે એ જરૂરી છે. મારી દૃષ્ટિએ આ બહુ જ મોટી દેશસેવા છે. લોકો આહારના નામે સ્લો પૉઇઝન પોતાના પેટમાં ન પધરાવે એ દિશામાં લોકજાગૃતિ લાવવાની જવાબદારી આપણા સૌની છે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists