યુવાન રહેવું છે? યુવાનો સાથે રહો

23 January, 2021 01:05 PM IST  |  Mumbai | Sanjay Raval

યુવાન રહેવું છે? યુવાનો સાથે રહો

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન દરમ્યાન એવી પરિસ્થિતિ હતી કે તમે ઇચ્છો કે ન ઇચ્છો, પણ એકધારા વેબિનારની માગણી આવ્યા કરે છે. વાસ્તવમાં દિવસમાં બબ્બે સેમિનાર હોય એવા મહિનાઓ પસાર કર્યા છે, પણ લૉકડાઉન દરમ્યાન તો દિવસમાં ત્રણ અને ચાર વેબિનાર અને એ પણ સતત ૧૫-૨૦ દિવસ સુધી કર્યા હોવાના પણ દાખલા છે. દેખીતી રીતે થાક લાગે, પણ મારી પોતાની વાત કહું તો મને જરાય થાક નથી લાગ્યો કે નથી લાગતો; કારણ છે મજા, આનંદ. અત્યારે પણ વેબિનાર ચાલુ જ છે અને એ કરવાની મજા આવે છે. કામ કરવાનો કે પછી કંઈક કરવાની આ જે મજા છે અને આનંદ છે એ દરેકને આવવો જોઈએ. મારી વાત કરું તો આ જે આનંદ છે એ આનંદ લોકો સુધી કંઈક પહોંચાડ્યાનો આનંદ છે અને કોઈકને કઈંક નવું અને અલગ આપ્યાની ખુશી છે. મારે આ આનંદ લેતો જ રહેવો છે, મારે આ મજા લેતા રહેવી છે. હવે તો બધાને ખબર છે કે હું મારા કાર્યક્રમનો એક રૂપિયો પણ ચાર્જ નથી કરતો. રૂબરૂ જવાનું હોય તો વિનંતી કરું કે આવવા-જવાની વ્યવસ્થા કરાવી દો, પણ એ વિનંતી છે અને મોટા ભાગના કિસ્સામાં તો આ વિનંતી પણ કરવાની આવે નહીં, કારણ કે કૉલેજના સ્ટુડન્ટ્સે એકઠા થઈને પ્રોગ્રામ રાખ્યો હોય, તેમની પાસે એ પૈસો હોય નહીં. પોતાના પૉકેટ-મનીમાંથી માંડ પોસ્ટર છપાવ્યાં હોય એમાં ક્યાં નવો ખર્ચ છોકરાઓ પાસે કરાવવો, પણ એમ છતાં હું હા પાડું, કારણ, લોકોને મોટિવેટ કરવાની મને મજા આવે છે. ખૂબ ગમે છે. જોકે મોટિવેશન આપવાના આ કાર્યમાં ક્યારેક સવાલની એવી ગૂગલી આવી જાય કે માઇક હાથમાંથી પડી જાય.

હમણાં એક વેબિનારમાં મને પુછાયેલો એક સવાલ તમને કહું, એ જ સવાલ આપણું આજનું હાર્દ છે.

તમે બધાને મોટિવેશન આપો છો, પણ જ્યારે તમને મોટિવેશનની જરૂર પડે ત્યારે તમે શું કરો?

ખરેખર. આ પ્રશ્નની મેં ક્યારેય કોઈ તૈયારી જ નહોતી રાખી. એવું નથી કે મને આ પહેલી વખત પુછાયું. અગાઉ પણ પુછાયું જ હતું, પણ બને કે એ સમયે પૂછવામાં આવેલા આ સવાલમાં તીવ્રતા નહોતી કે પછી એ સવાલ જ્યારે પુછાયો ત્યારે બીજું પણ આજુબાજુમાં એટલું બધું ચાલતું હતું કે આ સવાલ મસ્તકમાં સ્ટોર થયો નહીં. તમે બધાને મોટિવેશન આપો છો, પણ તમને મોટિવેશનની જરૂર પડે ત્યારે શું કરો?

શું કરો તમે?

યોગ કરો, ડાન્સ કરો? તમે કોઈ મોટિવેશનલ સ્પીકરને સાંભળો કે પછી મોટિવેશન મેળવવાને બદલે ફ્રેશ થવા માટે નીકળી પડો? તમે સ્ટ્રેસ દૂર કરવા માટે શું કરો, મૂવી જોવા માટે જાઓ કે પછી ગીતો સાંભળો? તમે વૉકિંગ કરીને સ્ટ્રેસ દૂર કરો કે પછી સાઇક્લિંગ કરીને સ્ટ્રેસ ઓછો કરો?

આ અને આ સિવાયના પણ બધા સવાલોના જવાબ ‘હા’ છે.

મારી જાતને મોટિવેશન આપવા માટે હું એ બધું કરું છું જેમાંથી મને મજા મળે છે, મને આનંદ આવે છે. મને અમુક મિત્રોની બહુ ઈર્ષ્યા આવે. સામાન્ય રીતે હું આવું કહેતો નથી, પણ એક વાતમાં હું આવું કહીશ. જેને જે વાતનો શોખ છે અને જેણે એ શોખને જ પોતાનું પ્રોફેશન બનાવ્યું છે એવા લોકોની મને ઈર્ષ્યા આવે. કારણ કે જેણે એવું કર્યું હોય છે તેમને ક્યારેય થાક લાગતો નથી. મેં જોયું છે કે એ લોકો દિવસના ૨૪ કલાકમાંથી ૧૨થી ૧૬ કલાક એકધારા કામ કરે અને એ કામ કર્યા પછી પણ તેમના ચહેરા પર કંટાળો જોવા ન મળે. મૂળ વાત પર આવીને હું તમને મારી વાત કરું. એક સમય હતો કે મને કંટાળો આવતો, થાક લાગતો, મને મોટિવેશનની જરૂર પડતી, પણ હવે એવું નથી બનતું, કારણ કે તમને બધાને મળવું, તમારી સાથે વાતો કરવી અને તમારી સાથે રહેવું એ મને મોટિવેશન આપે છે. મિત્રો, યાદ રાખજો કે જો તમને એવું લાગતું હોય કે તમે નાની-નાની વાતમાં કંટાળી જાઓ છો તો તમે તમારી સોબત બદલી નાખજો. સોબત પણ તમને નાસીપાસ કરવાનું કે નકારાત્મક બનાવવાનું કામ કરતી હોય છે. યુવાનો સાથે રહેજો, યુવાનો એવા છે જેનામાં દરિયાનો ઘુઘવાટ ભર્યો છે અને લાવારસનો તરવરાટ તેમનામાંથી છલકે છે. યુવાનો મને ખૂબ મોટિવેટ કરે છે. તેમનો ઉત્સાહ, તેમનો ઉમંગ, નવું શીખવાની તેમની ભાવના અને નવું કરવાની તેમની તાલાવેલી મને આકર્ષે પણ છે અને હું એને પ્રેમ પણ કરું છું. એવું કહું તો પણ ચાલે કે મને મોટિવેશન દરેકેદરેક વાતમાંથી મળી રહે છે અને એ મોટિવેશન મને મળતું રહે એ માટે મેં થોડી બેઝિક ઍક્ટિવિટીની આદત રાખી છે. આજે તમને મારે એ ઍક્ટિવિટી જ શૅર કરવાની છે, સાથોસાથ મારે તમને બધાને એ પણ કહેવું છે કે જીવનમાં જો સ્થાયી વિકાસ કરવો હોય તો આ ટેમ્પરરી મોટિવેશન છોડીને પર્મનેન્ટ મોટિવેશન કેમ મેળવવું એ શીખી જજો.

આ વાત આપણે શીખીશું પણ એ પહેલાં એ જાણી લઈએ કે યુવાનો પાસે રહેવાથી શું લાભ થવાનો છે? યુવાનો પાસે રહેવાથી એક નહીં, અનેક લાભ છે. તેમની પાસે વાતને જતી કરવાની ક્ષમતા છે અને તેમની પાસે ભૂલ સ્વીકારવાની ત્રેવડ પણ છે. યુવાનો પોતાની જ વાતને ખોટી પણ પુરવાર કરી દે છે અને સામેવાળાની સાચી વાતને તે એકઝાટકે સ્વીકારી પણ લે છે. યુવાનોમાં એક કળા છે. તેઓ કોઈ વાતને બાંધીને સાથે નથી રાખતા, ઉંમર જતાં આધેડ બનતા જતા લોકોમાં આ કળા લુપ્ત થતી જાય છે. આપણે કદાચ જે વાતને પકડીને બે-ચાર વર્ષ ખેંચી કાઢીએ એ વાત સાંભળીને યુવાનો આપણા પર હસી કાઢે અને બીજી જ ક્ષણે તે પૅચઅપ પણ કરાવી દે. આપણે ત્યાં યુવા પેઢીને ઉતારી પાડવાનું કામ શું કામ થાય છે એ તમે ક્યારેય સમજવાની કોશિશ કરી છે ખરી?

આ યુવા પેઢીથી આપણે સાવ જુદા થઈ ગયા છીએ એટલે આપણે તેમને ઉતારી પાડવાનું કામ કરીએ છીએ અને ઉતારી પાડીને આપણે એવું દેખાડીએ છીએ કે આપણે સુપીરિયર છીએ. આપણે જરા પણ સુપીરિયર નથી. હકીકત તો એ છે કે આપણે બધા ઇન્ફિરિયારિટીમાં જીવીએ છીએ અને આપણે ખાલી ને ખાલી આપણા ઈગોને બૂસ્ટ મળે એ માટે આપણી આજુબાજુમાં રહેલા યુવાનોને ઉતારી પાડીને, તેમની ટીકા કરીને, ઘરમાં રહેલાં આપણાં યુવાન સંતાનો પર કચકચ કરીને પુરવાર કરવા મથીએ છીએ કે આપણે તેમનાથી ચડિયાતા છીએ અને તેમને આપણા જેટલું જ્ઞાન નથી.

જ્ઞાન કોઈની જાગીર નથી. જ્ઞાન કોઈની માલિકી નથી. આ વાત પણ યુવાનો પાસેથી જ શીખવા મળે છે. તેઓ આપણા કરતાં અનેકગણા નૉલેજેબલ છે અને એ પછી પણ તેઓ ક્યારેય એવું દેખાડતા નથી, ક્યારેય એવું પ્રસ્થાપિત નથી કરતા કે તેમને આપણા કરતાં વધારે સમજદારી છે. તમે જુઓ, મોબાઇલ, લૅપટૉપ, આઇપૅડ જેવી અનેક ચીજવસ્તુઓને તે એવી રીતે વાપરે છે જાણે ગૅજેટ્સની સાથે જ એ લોકો જન્મ્યા હોય. તમે જરા તમારી આ તબક્કાની ઉંમર યાદ કરો. તમને તો કોઈ નવા પ્રકારની બૉલપેન આપી દેવામાં આવતી તો પણ ગભરાટ ચહેરા પર આવી જતો. નાના હતા ત્યારે ભમરડા અને લખોટીથી આગળ વધ્યા નહોતા અને આજે આ પેઢી છેક ‘નેટફ્લિક્સ’ અને ‘ઍમેઝૉન પ્રાઇમ’ સુધી પહોંચી ગઈ છે. આપણને કરિયાણા પાસે મમ્મી મોકલતી ત્યારે પણ આપણે મોટી બહેનને સાથે લઈને જતા, શેરીમાં પેલું કૂતરું બેસતું એનાથી આપણને ડર લાગતો, પણ આ આજનું ટાબરિયું, બે સેકન્ડમાં પોતાને ગમતી ચીજ ઑનલાઇન ખરીદી લે છે અને મમ્મીને પણ તેને ગમતી ચીજ મગાવી આપે છે. આ જનરેશન આપણી જનરેશન કરતાં, તેનાં મમ્મી-પપ્પાની જનરેશન કરતાં બહુ ફાસ્ટ છે અને એ પછી પણ તેઓ ક્યારેય એવું નથી કહેતા કે તમને ન ખબર પડે અને તેમની સામે આપણે, આપણે વારેઘડીએ આ એક ડાયલૉગ બોલ્યા જ કરીએ કે ‘તને ખબર ન પડે, તું ચૂપ રહે.’

યુવાનો પાસેથી સતત મોટિવેશન મળ્યા કરતું હોય છે અને એટલે જ હું યુવાનો સાથે રહેવાનું પસંદ કરું છું. હું શક્ય હોય ત્યાં સુધી યુવાનો વચ્ચે જ મરવાનું પણ પસંદ કરીશ અને એનું પણ કારણ છે. મને કોઈ જાતની પીડા નહીં થાય. યુવાનોને પીડા થતી હોય છે તો પણ તેઓ ક્યારેય દેખાડતા નથી, જતાવતા નથી અને તેમની આ ક્વૉલિટી પણ તેમની પાસેથી લેવા જેવી છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists Sanjay Raval