વહેલા જાગવું એ દિવસ પર મેળવેલી પહેલી જીત છે

01 December, 2021 05:37 PM IST  |  Mumbai | Rashmin Shah

વાત કેટલી સરસ અને સાચી છે પણ એ જાણવા એક વાર એનો અનુભવ કરવો પડે અને એ અનુભવ કરાવવાનું કામ રૉબિન શર્માએ ‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’માં કર્યું છે

વહેલા જાગવું એ દિવસ પર મેળવેલી પહેલી જીત છે

બેચાર નહીં પણ પંદર મિલ્યન બુક વેચાઈ હોવાની ઑફિશ્યલ અનાઉન્સમેન્ટ પબ્લિકેશન હાઉસ કરતું હોય ત્યારે માનવાનું કે બુકનું સેલ એનાથી દોઢું કે બમણું થયું છે અને એ વાત રૉબિન શર્માની ‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’ સાથે તો અક્ષરશઃ લાગુ પડે છે. બેતાલીસ દેશમાં ઑફિશ્યલી લૉન્ચ થયેલી આ બુકની અનઑફિશ્યલ આવૃત્તિ માટે રૉબિન શર્માએ જ સિત્તેરથી વધુ દેશમાં કમ્પ્લેઇન્ટ કરવી પડી છે, જે દેખાડે છે કે અઠ્ઠાવીસ દેશમાં એ અનધિકૃત રીતે છપાતી-વેચાતી હતી. બુક પણ એવી છે કે જો એ સગવડ ન હોય તો ચોરી કરીને વાંચવી પડે. સવારે જાગવાની વાતને જીવન સાથે શું સંબંધ છે એની વાત અહીં કરવામાં આવી છે.
રૉબિન શર્માની આ બુકને કારણે અઢળક લોકોની લાઇફમાં ફરક આવ્યો છે. રૉબિન શર્માએ આ બુક લખતાં પહેલાં અઢળક જગ્યાએ સાંભળ્યું હતું કે વહેલા જાગવું જરૂરી છે પણ તેના મનમાં એક પ્રશ્ન સતત આવ્યા કરતો કે વહેલા જાગીને કરવાનું શું? આપણા સૌમાં પણ એક રૉબિન શર્મા છે જ. ‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’માં રૉબિને તમારા સૌના મનમાં જાગેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે વહેલા જાગવું એ દિવસ પર મેળવેલી પહેલી જીત છે.
લાઇફ ચેન્જ કરશે આ બુક | ‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’ને વાંચવાની નથી પણ એને જીવનમાં ઉતારવાની છે. અક્ષયકુમારે આ બુક વાંચીને રૉબિન શર્માને ઑફિશ્યિલ ટ્વીટ કર્યું હતું કે તે આ બુક અને બુકમાં ચીંધવામાં આવેલા, દર્શાવવામાં આવેલા તમામ રસ્તાઓ સાથે બિલકુલ સહમત છે. તમે વાંચશો અને એને અનુસરશો તો તમે પણ આ જ વાત સ્વીકારશો. વાત આગળ કરતાં પહેલાં તમને જાણકારી આપવાની કે ત્રણ ખાનથી પણ જોજનો આગળ નીકળી ગયેલા અક્ષયકુમારનો દિવસ દરરોજ સવારના પાંચ વાગ્યે શરૂ થાય છે. પાંચ વાગ્યે જાગનારા અક્ષયનો દિવસ સાંજે સાત વાગ્યે પૂરો થઈ જાય છે અને રાતે સાડાદસ વાગ્યે તે ઘસઘસાટ ઊંઘી જાય છે. આપણાં શાસ્ત્રોમાં પણ વહેલા જાગવા વિશે બહુ મહિમા ગવાયો છે તો ગુજરાતીમાં કહેવત પણ છેઃ વહેલો ઊઠે વીર, બળ-બુદ્ધિ ને ધન વધે અને સુખિયું રહે શરીર. જો તમને એમ હોય કે આટલા વહેલા જાગવાની કોઈ આદત નથી તો રૉબિન શર્મા કહે છે કે આદત નથી એનો અર્થ ક્યારેય એવો નહીં કરવાનો કે આદત હવે નહીં પડે. રૉબિન શર્મા કહે છે, ‘શરૂઆત અઘરી હશે, મધ્યમ અવસ્થામાં બધું અસ્તવ્યવસ્ત લાગશે પણ આદત પડ્યા પછી બધું સર્વશ્રેષ્ઠ બનશે.’
‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’માં માત્ર વહેલા જાગવા વિશે જ કહેવામાં નથી આવ્યું પણ વહેલા જાગીને શું કરવું જોઈએ એની પણ ટિપ્સ આપવામાં આવી છે, જેને ફૉલો કરનારો ક્યારેય અસફળ રહે એવું બને નહીં.
દિવસ જીતો, દુનિયા જીતો | તમારે પર્વત ચડવો હોય તો એની શરૂઆત પહેલું પગથિયું ચડવાથી થાય. એવું જ લાઇફનું છે. તમે જિંદગી જીતવા માગતા હો તો તમારે એની શરૂઆત દરેક દિવસથી કરવી પડે અને એવું કરવું હોય તો તમારા દિવસનો આરંભ દિવસના આરંભ સાથે જ થવો જોઈએ. જૂના જમાનામાં જઈને જુઓ તો તમને દેખાશે કે રાજામહારાજાઓના દિવસનો આરંભ પાંચ વાગ્યે જ થતો. રૉબિન શર્મા કહે છે, ‘આજે મોટા ભાગના લોકોને વહેલું જાગવું એ ઈગો હર્ટ થવા બરાબર છે પણ હું કહીશ કે ઈગો માટે જે દિવસ ખરાબ છે એ જ દિવસ વ્યક્તિગત રીતે સર્વશ્રેષ્ઠ દિવસ છે.’
જ્યારે વહેલો દિવસ શરૂ થાય છે ત્યારે કામની દૃષ્ટિએ પૂરો પણ જલદી થાય છે. પરિણામ એ આવે છે કે વ્યક્તિ પાસે સજાગ અવસ્થાનો ફાજલ સમય પુષ્કળ વધે છે અને તે એ સમયનો યોગ્ય રીતે સદુપયોગ કરતો થાય છે, જે અલ્ટિમેટલી તેના ડેવલપમેન્ટની નવી દિશા ખોલે છે.
પાંચ વાગ્યે જાગવાને લાઇફ ફિલૉસૉફી બનાવવાનું અત્યંત જરૂરી છે એવું કહ્યા પછી રૉબિન શર્મા કહે છે, ‘વહેલા જાગવાથી એકસાથે ચાર બાબતો પર હકારાત્મક અસર જોવા મળે છે.’

આ ચાર બાબતો છે મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ અને સ્પિરિચ્યુઅલ પૉઝિટિવિટી; જેનો સીધો લાભ બ્રેઇનને મળે છે અને બ્રેઇન પૉઝિટિવ થાય એ આજના સમયની સૌથી મહત્ત્વની વાત છે.

સ્ટોરી શૉર્ટકટ

‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’માં વહેલા જાગવાની વાત કહેવામાં આવી છે પણ એ વાત કહેવામાં કિસ્સાઓ અને એ કિસ્સાઓ સાથે જોડાયેલી ફિલૉસૉફીને એવી રીતે વણી લેવામાં આવી છે કે એ એક રસાળ નવલકથા જેવું ફલક ઊભું કરે છે. ‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’માં દર્શાવવામાં આવ્યું છે કે ભાગ્યે જ એવી સક્સેસફુલ વ્યક્તિ હશે જે લેટલતીફ બનીને વર્તતી હશે, કારણ કે સફળતા સૂર્ય જેવી છે. સૂર્ય ઊગે ત્યારે એ પોતાનાં પહેલાં કિરણો એમને જ આપે જે જાગૃત હોય. એવું જ સફળતાનું છે, એ એને જ મળે જે એ તક ઝડપવા માટે તૈયાર હોય.

‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’માં માઇન્ડ, હાર્ટ, હેલ્થ અને સોલ એટલે કે આત્માને સાચી રીતે સેટ કરવાનું કહેવામાં આવ્યું છે તો સાથોસાથ ડિજિટલ ડિસ્ટ્રક્શનથી દૂર રહેવા વિશે પણ સમજાવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જિંદગી નાની છે એટલે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. ‘ધ ફાઇવ એ.એમ. ક્લબ’માં કહેલી એક વાત સૌકોઈએ દીવાલ પર કોતરાવીને રાખવા જેવી છે. જેનો પરસેવો સૌથી વધારે પડ્યો હોય એનું લોહી જંગમાં સૌથી ઓછું પડે.

columnists Rashmin Shah