એક મૂઠભેડ, ત્રણ કહાણી

22 September, 2019 05:51 PM IST  |  મુંબઈ ડેસ્ક | વિવેક અગ્રવાલ

એક મૂઠભેડ, ત્રણ કહાણી

તમંચા

મન્યાએ આજે ફલાણી બૅન્ક લૂંટી લીધી. મન્યાએ આજે ફલાણા પર હુમલો કર્યો મન્યાએ આજે ફલાણા ઝવેરીની દુકાન ખાલી કરી નાખી. મન્યાએ આજે ફલાણાને ધોઈ નાખ્યો. મન્યાએ આજે ફલાણી જગ્યાએથી એક કાર ચોરી લીધી. મન્યાએ આજે ફલાણાનો તલવારથી ખીમો બનાવી દીધો. જાણે મન્યા સુર્વે નહીં, મુંબઈનો આતંક બની ગયો.

મન્યાના મનમાં જાણે પોલીસવાળાઓ સાથે ખાસ પ્રકારની નફરત હતી.તે જ્યારે કોઈ ભ્રષ્ટ પોલીસવાળાને જોતો ત્યારે તેનું લોહી ઊકળી ઊઠતું. એવા પોલીસવાળાઓને તે નગ્ન કરીને સડક પર દોડાવી-દોડાવીને મારતો.
મન્યાને કારણે મુંબઈ પોલીસમાં કમાલનો ભય અને આતંક પેસી ગયો હતો. લોકોમાં હાહાકાર મચવા લાગ્યો. પોલીસની રેવડી દાણાદાણ થવા લાગી. હવે તો નેતાઓને પણ લાગ્યું કે આ તો વધારેપડતું થઈ રહ્યું છે. વરિષ્ઠ અધિકારીઓને પણ લાગ્યું કે તેમણે મન્યાને થોડી વધારે પડતી છૂટ આપી દીધી છે.
મન્યા પર લગામ તાણવા તત્કાલીન પોલીસ-કમિશનર જુલિયો રિબેરોએ આદેશ જારી કરી દીધા. હવે અપરાધ શાખાના અધિકારીઓની ઘણી ટુકડીઓ ખબરીઓની ફોજ સાથે મન્યાની પાછળ પડી ગઈ.
મન્યો પણ એ જ દિવસે ગોરેગામમાં દયાનંદ અને પરશુ સાથે હતો, પણ કદાચ તેને છાપામારીની ગંધ આવી ગઈ હતી કે પછી સંયોગથી જ તે ભિવંડીમાં પોતાના એક જાણકાર પાસે જઈને છુપાઈ ગયો. અધિકારીઓને દયાનંદ અને પરશુની પૂછપરછમાં મન્યાની જાણકારી પણ મળી ગઈ. ત્યાં પણ પોલીસે છાપો માર્યો. ત્યાં ખબર પડી કે થોડી વાર પહેલાં જ તે ત્યાંથી નીકળી ગયો હતો.
મન્યાની પાછળ અધિકારીઓ લગાતાર લાગેલા રહ્યા. મન્યો બચીને ભાગતો રહ્યો. ૧૧ જાન્યુઆરી, ૧૯૮૨ના રોજ મન્યાએ પણ એ જ ભૂલ કરી જે આમતૌર પર બધા અપરાધીઓ કરે છે.
વડાલામાં આંબેડકર કૉલેજ પાસે એક બ્યુટી-પાર્લરમા માશૂકાને મળવા મન્યો બપોરે ૧.૩૦ વાગ્યે જઈ પહોંચ્યો. પહેલેથી જ પોલીસ ટીમને આની ખબર હતી. એક ચોક્કસ ટુકડી પહેલેથી છોકરીની નિગરાની કરતી હતી.
જેવો મન્યો ત્યાં પહોંચ્યો કે તરત જ ઇન્સ્પેક્ટર ઈશાક બાગવાન અને ઇન્સ્પેક્ટર રાજા તાંબટની ટુકડીએ તેને ઘેરી લીધો.
પોલીસ ટુકડીઓએ વડાલા બસ ડેપો અને આંબેડકર કૉલેજ પરિસરમાં મન્યાની અચૂક ઘેરાબંધી કરી હતી. પુણે જિલ્લાના બારામતીનિવાસી ઇન્સ્પેક્ટર ઈશાક બાગવાને મન્યા પર ગોળીનો બૌછાર કરી દીધો. તેને હથિયાર કાઢવાનો મોકો પણ ન મળ્યો. ઘટનાસ્થળે જ મન્યો માર્યો ગયો.
પોલીસ મુઠભેડનો આ જ દસ્તાવેજ આજે પણ રેકૉર્ડમાં છે, પણ એક વધુ કહાણી ધારાવીનો એક બુઝુર્ગ ખબરી જાણે છે, જે ચોંકાવી દે છે. તેણે કહ્યું કે મન્યાની વડાલાવાળી માશૂકા અને મન્યો ત્યાં આવવાનાં હતાં એની માહિતી આ અધિકારીઓને આપનારો વરદરાજન મુદલિયાર હતો.
વરદાભાઈ મુંબઈનો મોટો સરગના હતો. મન્યાની હરકતથી વરદા ખરાબ રીતે આતંકમાં હતો. કેટલીયે વાર મન્યાએ તેના શરાબ અને જુગારના અડ્ડા પર ધાવો બોલાવ્યો હતો. કેટલીયે વાર તેના માણસોને ખરાબ રીતે પીટ્યા હતા. વરદાને ડર હતો કે મન્યા આ જ રીતે આગળ વધ્યો તો એક દિવસ ધારાવીમાં ઘૂસીને તેના પર પણ હુમલો કરશે.
મન્યાના મોતની પાછળ એક કહાણી એ પણ છે કે એક મોટા મુસ્લિમ સરગનાને મન્યાનું હિન્દુ ડૉન તરીકે સ્થપાવું રાસ આવ્યું નહોતું. આ મુસ્લિમ ગિરોહના સરગનાઓમાં દાઉદ, હાજી મસ્તાન, કરીમ લાલા, યુસુફ લાલામાંથી કોઈ એક હતું. કોણ હતું એ કોઈ નથી જાણતું.
મન્યા માટે જાણવા મળે છે કે તે પોતાને હિન્દુ કહીને પૂરી તાકાતથી સ્થાપિત થવા લાગ્યો હતો. તેનાથી પરેશાન મુસ્લિમ ડૉને સૂચના આપીને તેને મુઠભેડમાં મરાવી નાખ્યો હતો. મન્યાના મોતનો સૌથી વધુ ફાયદો ભરી રહેલા ગિરોહબાજ દાઉદ ઇબ્રાહિમને થયો હતો. મન્યા તો દાઉદ અને સાબીરનો જાની દુશ્મન હતો. મન્યાના મોતથી દાઉદને વધુ રાહત મળી. મન્યાના મોતથી સરમાયાદારોમાં દાઉદ સૌથી ઉપર સૌથી મોટા સરગના તરીકે આગળ આવી શક્યો.
મન્યાના મોતની સચ્ચાઈ શું છે એ કોઈ નથી જાણતું. એક જ ભયાવહ સત્ય છે, જે કાળા પડછાયાના સંસારમાં ચાલે છે...
‘જો આગસે ખેલતે હૈં વહી આગ ઉસકો ભી જલાકર રાખ કર દેતી હૈં.’

columnists weekend guide