ગામોની કોરોનાની લડાઈમાં આત્મનિર્ભરતાની અનોખી પહેલ

09 May, 2021 12:22 PM IST  |  Mumbai | Shailesh Nayak

મોટાં શહેરોમાં દરદીઓ સારવાર માટે અહીંતહીં ભટકી રહ્યા છે ત્યારે ગુજરાતનાં કેટલાંક ગામોએ લોકફાળો ઉઘરાવીને કોવિડ કૅર સેન્ટરો અને આઇસોલેશન સેન્ટરો ઊભાં કર્યાં છે જ્યાં ઑક્સિજનની સુવિધા પણ છે. કેટલાક ગામોએ ગામવાસીઓ વૅક્સિન લેતા થાય એ માટે અનોખી સ્કિમો પણ

બસુ ગામમાં શરૂ કરવામાં આવેલું કૅર સેન્ટર અને સારવાર લઈ રહેલા દરદીઓ

જ્યાં જુઓ ત્યાં કોરોનાનો ભય છે. શહેરોમાં હૉસ્પિટલોની બહાર લાંબી લાઇનો છે અને એમાં આસપાસના ગામોથી આવી રહેલા દરદીઓને જબરી અગવડો વેઠવી પડી રહી છે. ત્યારે ગુજરાતમાં એક સારી પહેલ થઈ છે. પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ‘મારું ગામ કોરોનામુક્ત ગામ’ સ્લોગન આપીને ગામડાંઓને કોરોનાની બાબતમાં આત્મનિર્ભર થવાની પહેલ કરેલી અને ગામેગામે કોવિડ કૅર સેન્ટરો ઊભા કરવાનું આહવાન આપ્યું હતું. સારી વાત એ છે રાજ્યના ૨૪૮ તાલુકાઓની ૧૪,૨૪૬ ગ્રામ પંચાયતોમાં દસ હજારથી વધુ કમ્યુનિટી કોવિડ કૅર સેન્ટરો લોકભાગીદારીથી શરૂ થઈ ગયા છે. સરકારી આંકડાઓ મુજબ ગુજરાતના ગામડાંઓમાં એક લાખ પાંચ હજારથી વધુ બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.  ગામની સ્કૂલો, જ્ઞાતિઓની વાડી, પંચાયત ઘરો કે મંડળીઓના ખાલી મકાનો જેવી જગ્યાઓએ આઇસોલેશન સેન્ટર અને કોવિડ કૅર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે.

જોકે મુખ્યમંત્રીએ લોકોને આગળ આવવાનું આહવાન આપ્યું એના પહેલાંથી જ કેટલાક ગામોમાં કોરોનાને હંફાવવા અને હરાવવા માટેના ગ્રામજનોના એવા સહિયારા પ્રયત્નો શરૂ થઈ ગયા છે કે દિલ ખુશ થઈ જાય. આ સેન્ટરો માત્ર પોતાના જ ગામ માટે નહીં, આજુબાજુના ગામલોકોને મદદ કરવા તત્પર

રહે છે.

બસુમાં લોકફાળાથી બન્યું સેન્ટર

‘અર ભઈ, અમન ચ્યોંય પથારી નહીં મળી, ઑક્સિજનની જરૂર છ, તમાર ત્યોં ગોમમો નેનું દવાખોનું ખોલ્યું છ તો અમાર ભઈને દાખલ કરો ન, બઉ તકલીફ છ.’

થોડો નાટકીય સંવાદ લાગે, પણ ઉત્તર ગુજરાતના વડગામ તાલુકામાં આવેલા બસુ ગામમાં આવા ઘણા લોકો આઇસોલેશન સેન્ટરમાં જગ્યા મળશે એ આશાએ આવી રહ્યા છે. લોકફાળાથી અને લોકભાગીદારીથી તૈયાર થયેલા આ કોરોના કૅર અને આઇસોલેશન સેન્ટરમાં જગ્યા મળશે એવી આશા સાથે આસપાસનાં દસ જેટલાં ગામોના કોરોના દરદીઓને સારવાર માટે આવે છે. ઑક્સિજનની જરૂર હોય એવા દરદીઓને અહીં ઑક્સિજન પણ આપવામાં આવી રહ્યો છે. માનવતાના ધોરણે કોઈ ભેદભાવ રાખ્યા વગર માણસાઈના નાતે વખતના માર્યા આવેલા દરદીઓનો જીવ બચાવી લેવા માટે આ સેન્ટરમાં બસુ ગામના ગ્રામજનો દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

દેશભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દરદીઓએ સારવાર લેવા માટે વલખાં મારવાં પડી રહ્યાં છે. હૉસ્પિટલો ફુલ છે ત્યાં જગ્યા મળે તો જગ જીત્યા જેવું લાગે. ઑક્સિજનની અછત વર્તાઈ રહી છે, રેમડેસિવીર ઇન્જેક્શનનાં કાળાં બજાર થઈ રહ્યાં છે, ૧૦૮ ઍમ્બ્યુલન્સને બોલાવીએ તો વેઇટિંગમાં રહેવું પડે છે, દરદીને હૉસ્પિટલ કે કૅર સેન્ટરમાં ઍડ્મિટ કરવા માટે દરદીનાં સગાંઓ પારાવાર યાતનાઓ વેઠી રહ્યાં છે. આવા કપરા સમયમાં ગુજરાતનાં ગામડાંઓમાં માનવતા મરી પરવારી નથી. કોરોનાની મહામારીમાં ગ્રામજનોએ માણસાઈને જીવંત રાખી છે અને એટલે જ શહેરોમાં જેમ કોરોનાના દરદીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને બાય-બાય ચાયણી જેવી દરદીઓ અને તેમના સ્વજનોની હાલત થઈ છે એવી હાલતમાંથી કંઈક અંશે ગામડાંઓ બાકાત રહ્યાં છે, કેમ કે બસુ જેવાં ગામડાંઓમાં ગામના લોકોએ લોકફાળાથી ઊભાં કપરેલાં સારવાર સેન્ટરોમાં આજુબાજુનાં ગામડાંઓમાંથી આવેલા દરદીઓને ઍડ્મિશન નહીં મળે એમ કહીને પાછા મોકલવામાં આવતા નથી, પણ માનવતાને ધ્યાનમાં રાખીને તેમને ઍડ્મિટ કરીને સારવાર કરવામાં આવી રહી છે.

ગુજરાત અને દેશમાં કોરોનાના કારણે અંધાધૂંધ અવ્યવસ્થા ઊભી થઈ છે, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ગુજરાતનાં એવાં કેટલાંક ગામડાંઓ છે જેઓ કોરોનાકાળમાં આત્મનિર્ભર બન્યાં છે. ગામને અને ગામના દરેક નાગરિકને કોરોનાથી સુર​િક્ષત રાખવા માટે ગ્રામજનોએ સાથે મળીને પ્રયાસો કર્યા છે. જરૂર પડ્યે ઑક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે, બેડ મળે અને મોટાં શહેરોમાં એકથી બીજી હૉસ્પિટલનાં ચક્કર ન કાપવાં પડે એ માટે ગામમાં જ લોકફાળો એકઠો કરીને સારવાર માટે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ ગામોએ ઑક્સિજનની સુવિધા સાથેની પાંચ–દસ કે વીસ બેડ સુધીની વ્યવસ્થા સાથે ગામના લોકો માટે નાનકડી હૉસ્પિટલ બનાવીને શરૂ કરી દીધી છે. ગામના દરદીઓએ એક રૂપિયો આપવાનો નહીં અને સારવાર કરાવવાની. આ ગામો પાસેથી શીખવા જેવું છે કે કેવી રીતે ગામને સુરિક્ષત રાખી શકાય.

બસુ ગામના ગ્રામજનોના લોકફાળાથી બનેલું ૨૦ બેડનું ઑક્સિજન સુવિધા સાથેનું કૅર સેન્ટર આશાનું કિરણ બન્યું છે. માત્ર બસુ ગામની વાત નથી, પરંતુ પાલનપુર તાલુકાનું સાગ્રોસણા ગામ હોય કે મહેસાણા પાસેનું તરેટી ગામ હોય, આ ગામના અગ્રણીઓએ ગામવાસીઓ સાથે મળીને આવકારદાયક અને ઉદાહરણીય પહેલ કરીને એક રસ્તો બતાવ્યો છે.

આસપાસનાં ગામોને ફાયદો

આ ગામમાં કોરોનાના કોઈ દરદીને ઑક્સિજનની જરૂર પડે તો તેણે પાલનપુર કે મહેસાણા કે પછી અમદાવાદ સુધી દોડવું પડતું નથી. ગામમાં જ તેને આ સગવડ મળી રહે છે. આસપાસનાં ગામોના દરદીઓને પણ રાહત થઈ છે ત્યારે બસુ ગામના તલાટી વિજય ચૌધરી કહે છે, ‘અમે ગામમાં વીસ બેડનું ઑક્સિજનની સુવિધા સાથેનું સારવાર સેન્ટર શરૂ કર્યું છે. અમારા ગામની વસતિ અંદાજે ૨૦ હજારની છે. એટલે આ મહામારીમાં કોઈને કોરોના થયો હોય તો ગામના લોકોએ બહાર જવું ન પડે અને ગામમાં જ સારવાર મળી રહે એ હેતુથી લોકફાળાથી આ સેન્ટર શરૂ કર્યું છે. અહીં કોરોનાના દરદીઓને સારવાર આપવામાં આવે છે તેમ જ ક્વૉરટીન થવાનું હોય તો એની પણ સગવડ છે. ઑક્સિજનની જરૂરિયાતવાળા દરદીઓને ઑક્સિજન પણ અહીં મળી રહે છે. ગામના ડૉક્ટરો તેમ જ પ્રાથમિક આરોગ્યકેન્દ્રના ડૉક્ટર અહીં સેવા આપે છે. હજી વીસમી એપ્રિલે આ સેન્ટર શરૂ કર્યું છે ત્યારથી લઈને ૩૦ એપ્રિલ સુધીમાં ૮૫ જેટલા દરદીઓએ અહીં સારવાર લીધી છે. અત્યારે આ સેન્ટરમાં પાંચ દરદીઓ ઑક્સિજન પર છે.’

આજુબાજુનાં ગામોના દરદીઓને પણ સારવાર મળે છે એ વિશે વિજય ચૌધરી કહે છે, ‘આ સેન્ટર શરૂ થયાની જાણ થયા બાદ આસપાસનાં ગામોના દરદીઓ અમારા સેન્ટરમાં સારવાર માટે આવે છે. દરદીઓનાં સગાં કહે છે કે અમને ક્યાંય જગ્યા નથી મળતી, ઑક્સિજનની જરૂર છે. એટલે અમે માનવતાના ધોરણે એ દરદીઓની સારવાર પણ અહીં કરીએ છીએ. આ સેન્ટરમાં અમારા ગામ ઉપરાંત આસપાસમાં આવેલાં મેટા, ટાંગા, માહી, ભરકાવાડા, છાપી, ફિરોજપુરા, રજોસણા, કેનેવાડા સહિતનાં ૧૦ ગામોના દરદીઓને પણ સારવાર આપવામાં આવે છે. આ ગામોના દરદીઓને ઑક્સિજનની જરૂર પડે તો ઑક્સિજન પણ આપીએ છીએ.’

ગામના કેટલાક સેવાભાવી લોકોએ ઑક્સિજન માટે સેટ-અપ તૈયાર કર્યો છે જેથી દરદીને ઑક્સિજનની મુશકેલી ન પડે. એની વાત કરતાં વિજય ચૌધરી કહે છે, ‘ગામના કેટલાક લોકોએ ઑક્સિજન સેટ-અપ અસેમ્બલ કર્યું છે. ઑક્સિજનની પાઇપલાઇન, મીટર સહિતની જરૂરી વસ્તુઓ જાતે બનાવી છે જેથી દરદીને ઑક્સિજન સરળતાથી મળી શકે.’

સેન્ટર શરૂ થયું, પણ જરૂર નથી પડતી

પાલનપુર તાલુકામાં આવેલા સાગ્રોસણા ગામમાં પણ સારવાર સેન્ટર માટે ગામવાસીઓ આગળ આવ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગામના વૉટ્સઍપ ગ્રુપમાં ગામમાં કોરોના કમ્યુનિટી આઇસોલેશન સેન્ટર બનાવવા માટે લોકફાળાનો મેસેજ ફરતો થયો એની સાથે ગામવાસીઓએ એટલો લોકફાળો આપ્યો કે સરપંચે મેસેજ કરવો પડ્યો કે હવે ફાળો ન આપતા, જરૂર પડશે તો કહીશ.

ગામમાંથી મળેલા સહયોગના મુદ્દે સાગ્રોસણા ગામના સરપંચ માનચંદ પટેલ કહે છે, ‘ગામમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર છે. ડૉક્ટર પણ આવે છે. તેમણે ગાઇડલાઇન આપી કે ગામમાં કોવિડવાળા દરદીઓ જો ઘરમાં રહે તો ઘરમાં સંક્રમણ વધવાની શક્યતા છે અને એ દરદી જો સેન્ટરમાં રહે તો સેફ થઈ જાય છે. ગામના વડીલોને આ અંગે વાત કરી અને વૉટ્સઍપ ગ્રુપમાં મેસેજ કર્યો કે દાતાની જ  જરૂર છે એટલે ગામમાંથી લોકોએ ફાળો આપ્યો અને એક કલાકમાં તો સેન્ટર માટે જરૂરી વસ્તુઓની ખરીદી શરૂ કરી દીધી હતી. અમારી પાસે પૂરતું ભંડોળ આવી જતાં અમે ભંડોળ લેવાની ના પાડી દીધી હતી અને ગામની પ્રાથમિક શાળામાં ૧૭ એપ્રિલથી સેન્ટર શરૂ કરી દીધું. જોકે અમારા ગામના સદ્નસીબે સેન્ટર શરૂ કર્યા પછી કોરોનાનો કોઈ કેસ આવ્યો નથી. સામાન્ય લક્ષણો ધરાવતા દરદીઓ માટે આ સેન્ટર શરૂ કર્યું છે. અમારા ગામમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન કોરોનાના અંદાજે ત્રીસેક કેસ થયા હશે.’

ઉત્તર ગુજરાતના વડા મથક મહેસાણાની બાજુમાં આવેલા તરેટી ગામની વાત જ નોખી છે. કોરોનાને લઈને આ ગામ પહેલેથી સાવચેત રહ્યું છે. કોરોનાની બીજી લહેરમાં આ ગામમાં ગામના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે ઔષધિયુક્ત નાસ સેન્ટર શરૂ કર્યું હતું અને હવે ગામના લોકો માટે પાંચ બેડનું કોવિડ કૅર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.

સારવાર સેન્ટર શરૂ કરવા વિશે તરેટી ગામના અગ્રણી હરેશ પટેલ ‘મિડ ડે’ને કહે છે, ‘કોરોનાની આ મહામારીમાં ગામના નાગરિકો સુર​ક્ષત રહે એ માટે ગામમાં નાસ સેન્ટર શરૂ કર્યું છે જેનો ઉપયોગ ગામના લોકો સવારે અને સાંજે કરી રહ્યા છે. આ નાસથી ગામના લોકોને સારું લાગી રહ્યું છે. હવે ગામના લોકો માટે ગામની પ્રાથમિક શાળામાં પાંચ બેડનું સારવાર સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરમાં ઑક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.’

મિલકત વેરામાં ૫૦ ટકાની માફીની જાહેરાત કરીને હાથરોલ ગામે વૅક્સિન લેનારાઓની લાઇન લગાવી દીધી

ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકામાં આવેલા હાથરોલ ગામમાં પણ વૅક્સિન માટે જાણ્યે-અજાણ્યે ગામના લોકો વૅક્સિન વિશેની ભ્રામક વાતો, બીક અને અફવાને પગલે વૅક્સિન મુકાવવાથી ડરતા હતા. આવા સમયે ગામના યુવા સરપંચ અમિત પટેલે સમજણપૂર્વક જાગૃતિ ફેલાવીને એવો નુસખો અપનાવ્યો કે વૅક્સિનેશન માટે ગ્રામજનો હોંશભેર આગળ આવ્યા અને અત્યાર સુધીમાં આ ગામમાં ૪૫ વર્ષથી ઉપરના ૭૫ ટકા લોકોએ વૅક્સિન લઈ લીધી. ગામના સરપંચ અમિત પટેલ કહે છે, ‘વૅક્સિન વિશેની ભ્રામક વાતો, રસી લેવાથી લાગતી બીક અને રસીકરણ વિશેની અફવાને કારણે અમારા ગામના લોકો રસી લેવાથી દૂર રહેતા હતા. વૅક્સિન આપીને ગામલોકોને સેફ કરવા જરૂરી હોવાથી તેઓ આપમેળે વૅક્સિન માટે તૈયાર થાય એવું કંઈક વિચારવું જરૂરી લાગ્યું. મને આઇડિયા આવ્યો કે ગામમાં જે પરિવારના તમામ સભ્યો વૅક્સિન લેશે તેમના ઘરનો મિલકત વેરો ૫૦ ટકા માફ કરીશું. આ આઇડિયા અમલમાં મૂક્યા બાદ અડધા કલાકમાં રસીકરણ સેન્ટર પર અસંખ્ય લોકો ઊમટી પડ્યા હતા. ડોઝ ખતમ થઈ ગયા એટલે લોકોને બીજા દિવસે આવવાનું કહીને ઘરે મોકલવા પડ્યા હતા. હવે સામેથી લોકો વૅક્સિન લેવા માટે આવતા થયા છે અને રોજ મારા પર ગામના લોકોના રસીકરણ કરાવવા માટેના ફોન આવે છે. અમારા ગામમાં ૨૫૦૦ની વસ્તી છે એમાંથી ૮૫૦ જેટલા નાગરિકો ૪૫ વર્ષથી મોટી ઉંમરના હશે. ગામના ૪૫ વર્ષથી મોટી ઉંમરના ૭૫ ટકા લોકોએ વૅક્સિન લઈ લીધી છે. મિલકત વેરો ૮૫૦ રૂપિયા આવે છે એમાં અમે ૫૦ ટકા માફીની જાહેરાત કરી એને સારો પ્રતિસાદ મળ્યો છે.’

અનેકોના જીવ બચાવી રહ્યો છે ઑક્સિજન પહોંચાડતાં ફ્લોમીટર બનાવવાનો આ બેલડીનો જુગાડ

ખંભાળિયાના જયેશ પિંડારિયા અને જેશા પિંડારિયાએ પ્લાસ્ટિકની બૉટલ, કૉપરની પાઇપ, આરઓના બૉડી-કનેક્ટર જેવાં સાધનોની મદદથી ફ્લોમીટર બનાવ્યાં છે. આ જીવનરક્ષક સાધન બનાવવાનો ખર્ચ ગામના એક ગ્રુપે ઉપાડી લઈને ફ્રીમાં ફ્લોમીટર્સ બનાવવાનું અને આપવાનું શરૂ કર્યું છે

સૌરાષ્ટ્રમાં ખંભાળિયા તાલુકામાં આવેલા મોટી ખોખરી ગામમાં કોરોનાના બે દરદીઓનાં કમનસીબે મૃત્યુ થયાં, ઑક્સિજનના અભાવે નહીં, આ દરદીઓની નજીક ઑક્સિજનના બાટલા હતા, પણ ઑક્સિજન આપવા માટે જરૂરી એવું ફ્લોમીટર નહોતું. આ ઘટનાથી વ્યથિત થઈ ઊઠેલા હેલ્થ વર્કર જયેશ પિંડારિયાને થયું કે દરદીઓને બચાવી લેવા માટે કંઈક કરવું જોઈએ. ઑક્સિજનના બાટલા હોય છતાં ફ્લોમીટર વગર દરદી મૃત્યુ પામે એ કેવી લાચારી? જયેશ પિંડારિયાએ ખંભાળિયામાં ઇલેક્ટ્રૉનિક્સની દુકાન ધરાવતા અને એસી-ફ્રિજનું સર્વિસ સેન્ટર ચલાવતા તેમના એક સગા જેશાભાઈ પિંડારિયાને આ વાત કરી. કુશળ ટેક્નિશ્યન જેશાભાઈ અને હેલ્થ વર્કર જયેશભાઈએ મળીને કોઠાસૂઝથી ઑક્સિજન બૉટલ પર લગાવવાનું  ફ્લોમીટર બનાવ્યું. દેશી પદ્ધતિથી આ સાધન બનાવ્યું તો ખરું, પણ ડૉક્ટરની દેખરેખ હેઠળ એની ટ્રાયલ પણ કરી અને એમાં તેઓ ખરા ઊતર્યા. જેમની પાસે ઑક્સિજનનો બાટલો હોય પણ ફ્લોમીટર ન હોય એવા દરદીઓ અને તેમનાં સગાંઓ માટે આ ફ્લોમીટર રાહતનો શ્વાસ અપાવનારું સાધન બની રહ્યું છે. દરદીઓને નવજીવન બક્ષવાના સ્તુત્ય પ્રયાસ સાથે ખંભાળિયાના જયેશ પિંડારિયા અને જેશા પિંડારિયા સાથે મળીને માધવ ગ્રુપે આખું અભિયાન ઉપાડ્યું છે અને લગભગ એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં ખંભાળિયા અને એની આસપાસનાં ગામડાંઓમાં ૨૨૭ જેટલાં ફ્લોમીટર બનાવીને જરૂરિયાતમંદ દરદીઓને એ મફત પૂરાં પાડ્યાં.

ફ્લોમીટર બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો અને કેવી રીતે આ સદ્કાર્યનું અભિયાન શરૂ કર્યું એની વાત કરતાં ખંભાળિયાના જયેશ પિંડારિયા કહે છે, ‘હું હેલ્થવર્કર છું. ખંભાળિયામાં ઑક્સિજનના બાટલા તો મળે, પણ ફ્લોમીટર મળતાં નથી. હૉસ્પિટલમાં બેડ પર ઑક્સિજન અને ફ્લોમીટર અવેલેબલ હોય, પણ પેશન્ટના ઘરે ઑક્સિજન-લેવલ ડાઉન થાય ત્યારે ઑક્સિજન-સિલિન્ડરની વ્યવસ્થા કરે, પણ ફ્લોમીટર ન હોય તો ઑક્સિજન કેવી રીતે આપે? ઑક્સિજનનો બાટલો હોય એમાંથી દરદીને જરૂરિયાત પ્રમાણે ઑક્સિજન આપવા માટે આ ફ્લોમીટર કામ કરે છે.’

ફ્લોમીટર બનાવવા માટે જેશાભાઈ પિંડારિયાએ જે હાથમાં આવ્યું એનો વપરાશ કરીને કેવી રીતે ફ્લોમીટર બનાવ્યું, એમાં કયા સાધનનો ઉપયોગ કર્યો એની વાત કરતાં ખંભાળિયાના જેશા પિંડારિયા કહે છે, ‘ફ્લોમીટર બનાવવા માટે પ્લાસ્ટિકની બૉટલ, કૉપરની પાઇપ, ઑક્સિજન-ગેજ અને આરઓના બૉડી-કનેક્ટર જેવા પાર્ટનો ઉપયોગ કરીને ફ્લોમીટર બનાવ્યું. એ માટે અમે ડૉક્ટરને પણ કન્સલ્ટ કર્યા હતા અને તેમની જરૂરિયાત પ્રમાણે બનાવ્યું હતું જેથી મુશ્કેલી ન થાય. પહેલાં એક ફ્લોમીટર બનાવ્યું એનો ખંભાળિયાના એક ક્લિનિકમાં ડેમો કર્યો હતો. બે દરદીનાં ઑક્સિજન-સિલિન્ડર સાથે એને વાપર્યું અને એનું પર્ફેક્ટ રિઝલ્ટ મળ્યું એટલે અમે ૫૦ પીસ બનાવ્યાં. ખંભાળિયાની સરકારી અને ખાનગી હૉસ્પિટલમાં જરૂરિયાતમંદોને આ ફ્લોમીટર ફ્રી પહોંચાડ્યાં હતાં. આ ફ્લોમીટર બનાવવાનો તમામ ખર્ચ ખંભાળિયાના માધવ ગ્રુપના સભ્યોએ ઉપાડી લીધો છે.’

કોરોનાના દરદીઓને ઑક્સિજન ચડાવવા માટે જરૂરી એવાં આ ફ્લોમીટરની વાત ગામેગામ પહોંચી છે અને એની ડિમાન્ડ એવી છે કે લોકો દૂર-દૂરથી ફ્લોમીટર લેવા આવે છે એની વાત કરતાં જયેશ પિંડારિયા કહે છે, ‘માત્ર ખંભાળિયા કે એનાં આસપાસનાં ગામડાંઓમાંથી જ ફ્લોમીટર લેવા લોકો આવી રહ્યા છે એવુ ંનથી; જામનગર, ભાવનગર, જૂનાગઢ અને છેક ગાંધીનગરથી ફ્લોમીટર લેવા અમારી પાસે લોકો આવ્યા છે. આ લોકો પાસે ઑક્સિજનના બાટલા હતા, પરંતુ ફ્લોમીટર નહોતાં. બજારમાં આ ફ્લોમીટરની અછત છે. સામાન્ય રીતે આ ફ્લોમીટર અઢીથી ત્રણ હજાર રૂપિયામાં મળે છે, પરંતુ વચ્ચે જ્યારે બહુ ડિમાન્ડ હતી ત્યારે એનો ભાવ ૬થી ૭ હજાર રૂપિયાએ પહોંચ્યો હતો. અમે જે ફ્લોમીટર બનાવ્યું એનો એક પીસનો ખર્ચ ૬૦૦થી ૮૦૦ રૂપિયા આવે છે. અમે દરદીઓની સેવા માટે ઊભા છીએ. બને એટલી સેવા કરતા રહીશું.’

columnists