હલકટ શત્રુની લાજ કે શરમની કોઈ મર્યાદા હોતી નથી

11 April, 2021 03:23 PM IST  |  Mumbai | Swami Sachidanand

ડંખીલા શત્રુ બે પ્રકારનાં હોય. એક, વિશ્વાસ પેદા કરી વિશ્વાસઘાત કરે છે તો બીજો વિશ્વાસઘાત નથી કરતો, પણ વર્ષો સુધી ડંખને સંઘરી રાખે છે

પ્રતીકાત્મક તસવીર

ગયા સોમવારે વાત થઈ હતી એમ, વેરની સામે શરણાગતિ સ્વીકારવાથી પણ વેર શમતું નથી. વેરનું શમન વીરતાથી સજ્જડ પ્રતિપ્રહાર કરવાથી થાય છે. એવો સજ્જડ પ્રતિપ્રહાર કરો કે હલકટ શત્રુ ફરી ઊભો જ ન થઈ શકે. આ પ્રકારના શત્રુ સાથે આજીવન સંબંધો ન હોય, હોવા પણ ન જોઈએ. તેમની સાથેના સંબંધોનો અંત જેટલો ઝડપથી આવે એ જોવાનું હોય. જો એવું કરવામાં મોડું કરવામાં આવે તો મહદંશે નુકસાની આપણા પક્ષે આવીને ઊભી રહે એવું બની શકે. હલકટ શત્રુનો કાંટો કાં તો મૂળમાંથી કાઢી નાખવાનો હોય અને કાં પછી એનો અગ્ર ભાગ છૂંદી નાખીને એને બુઠ્ઠો કરી નાખવાનો હોય.

હલકટ શત્રુની કોઈ જીવનમર્યાદા હોતી નથી અને એવી જ રીતે હલકટ શત્રુની લાજ-શરમની પણ કોઈ મર્યાદા હોતી નથી. જેમ કૂતરાની પૂંછડી દબાય અને એ રાડારાડ કરી મૂકે એમ જ આ શત્રુઓ પણ કરતા હોય છે. મર્યાદિત અવસ્થામાં તે ગરજાઉ સ્થિતિમાં મુકાય છે અને એવું બને ત્યારે એ પરિસ્થિતિ કે સંજોગોને આધીન થઈને હજારો વાર ક્ષમા માગે કે કાકલૂદી કરે, પણ જરા સ્વસ્થ થતાં કે પછી ફરીથી પોતાની રાબેતા મુજબની અવસ્થામાં મુકાતાં તે ઊભો થાય છે અને તમારી દશા બગડતાં તે પહેલાં કરતાં પણ બમણી ક્ષમતા સાથે પ્રહાર કરે છે એટલે ઉત્તમ તો એ જ છે કે તેનો કાંટો મૂળમાંથી જ કાઢી નાખવામાં આવે.

ખીલજીએ કેવી રીતે રાજા રતનસિંહને માર્યો હતો એની સૌકોઈને ખબર જ છે. જ્યારે અવસ્થા કફોડી થઈ ત્યારે ખીલજી રતનસિંહના પગમાં પડી ગયો, પણ જેવો મોકો મળ્યો કે તરત તે ઊભો થઈને બમણી તાકાત સાથે રતનસિંહ સામે થયો અને દગાફટકાથી જીવ કાઢી લીધો. ખીલજી હલકટ શત્રુની કક્ષામાં નીચામાં નીચા સ્તરે આવે.

હલકટ શત્રુ પછી આવે છે શત્રુઓમાં ડંખીલો શત્રુ. આ ડંખીલા શત્રુઓના બે પ્રકાર છે; એક, વિશ્વાસ પેદા કરી, મન જીતીને વિશ્વાસઘાત કરે છે તો બીજો એવો છે જે વિશ્વાસઘાત નથી કરતો, પણ વર્ષો સુધી ડંખને સંઘરી રાખે છે. પહેલાં વાત કરીએ પહેલા પ્રકારના ડંખીલા શત્રુની.

ડંખીલા શત્રુઓ પૈકીના કેટલાક હાર્યા પછી માફી માગે છે. જમણવાર કરે છે, સારો-સારો અને મીઠો-મીઠો વ્યવહાર કરે છે, પણ મનમાંથી ડંખને કાઢતો નથી. ઊંડે-ઊંડે તે ડંખને મનમાં સંઘરી રાખે છે અને મોકાની, તકની રાહ જુએ છે. મોકો મળતાં જ તે બદલો લેવા માટે હુમલો કરે છે અને સામેવાળાનું ધનોતપનોત કાઢી નાખે છે. આવા ડંખીલા શત્રુઓ આજના સમયમાં પુષ્કળ જોવા મળે છે.

columnists