લાઇફ મેં યદી ખાયા-પિયા નહીં તો બોલો ક્યા કિયા?

12 September, 2022 05:17 PM IST  |  Mumbai | Rashmin Shah

કાલવાણી કહે છે, ‘આએ હૈં ખાને કે લિએ ઔર વો કામ કિએ બગૈર જાએં ઐસા કૈસે હો સકતા હૈ...’

વિજય કાલવાણી

‘એક થા રાજા, એક થી રાની’, ‘તુમ્હારી પાખી’, ‘મેરે અંગને મેં’ જેવી-સિરિયલથી તેમ જ ‘ક્રિશ થ્રી’ અને ‘ભૂખે’ જેવી ફિલ્મોને કારણે ખૂબ પૉપ્યુલર ઍક્ટર વિજય કાલવાણી ખાવા-પીવાની બાબતમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ ફૉલો કરવામાં માનતા નથી. કાલવાણી કહે છે, ‘આએ હૈં ખાને કે લિએ ઔર વો કામ કિએ બગૈર જાએં ઐસા કૈસે હો સકતા હૈ...’

રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com

હું ખાવાનો કેટલો શોખીન છું એનો બેસ્ટ જવાબ જો કોઈ આપી શકે તો એ મારી વાઇફ, એના સિવાય કોઈ નહીં. એવું સેંકડો વાર થયું છે કે અમે સાથે શૉપિંગ કરી ખરીદેલો ખાવાનો સામાન ફ્રિજમાં મૂક્યો હોય અને બીજા દિવસે જ્યારે તે ફ્રિજ જુએ તો ડબ્બા ખાલી પડ્યા હોય. ખાવાની બાબતમાં હું જાતને રોકી નથી શકતો. હું વેજિટેરિયન છું અને હેલ્ધી ફૂડ પણ ખાતો હોઉં છું પણ વાત જો અમુક વરાઇટીની આવે તો પછી મારાથી બિલકુલ રહેવાય નહીં. ઇન્ડિયન સ્વીટ્સ મૂકો મારી સામે, મારાથી સહેજ પણ કન્ટ્રોલ ન થાય અને હું તો કહીશ કે એ કરવો પણ શું કામ જોઈએ? 

આપણી મીઠાઈઓની આ જ મજા છે. એનો પોતાનો ચાર્મ છે. ગમેતેટલાં બ્રેડ બેઝ્ડ કૉન્ટિનેન્ટલ ડિઝર્ટ ખાઓ, એમાં તમને એ ભર્યો-ભર્યો સ્વાદ નહીં મળે જે આપણી ટ્રેડિશનલ ભારતીય મીઠાઈઓમાં હોય છે. 

મને બધું જ આવડે | મને દરેક પ્રકારની ઇન્ડિયન ડિશ બનાવતાં આવડે અને બીજી વાત, એવી એક પણ આઇટમ નથી જેને બનાવવામાં મેં ક્યારેય ગોટાળો કર્યો હોય. મારી કુકિંગ સ્ટાઇલ મારી મમ્મી અને ઋજુતા દિવેકરની ‘ઇન્ડિયન ફૂડ વિઝડમ’ બુકથી પ્રભાવિત છે. સાચું કહું તો ઇન્ડિયન ફૂડ માટે મારો લગાવ આ બુકની મેડિસિનલ પ્રૉપર્ટીને કારણે પણ વિશેષ છે. આપણી કુકિંગ પૅટર્નથી લઈને આપણા મસાલા એમ બધા પાછળ લૉજિક છે. 

મારી મમ્મી બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવે. તેની સિમ્પલ ડિશ પણ એટલી સ્વાદિષ્ટ લાગે કે વાત ન પૂછો. અરે તેના હાથની દાળ, ગ્રીન ચટણી, ભીંડાનું શાક, સિંધી કઢી જેવું ખાઓ તો બીજું બધું જ ભૂલી જાઓ તમે. તે જે પણ બનાવે એ અમેઝિંગ હોય છે. તે ‘ફ્રાઇડ ભિંડી’ અને ‘પાપડ કી ભોર’ નામની આઇટમ બનાવે છે એની તો દુનિયામાં કોઈ તુલના નથી. આ જે પાપડ કી ભોર છે એમાં પાપડના રોલ બનાવીને એમાં સ્ટફિંગ કરી, એની સબ્ઝી બને છે જેને તમે સીધી ખાઈ શકો અને રોટી કે રાઇસ સાથે પણ ખાઈ શકો.

મને ગુજરાતીઓનું ખાવાનું ખૂબ ભાવે. મુંબઈની એક પણ પૉપ્યુલર ગુજરાતી થાળી એવી નહીં હોય જે મેં ખાધી ન હોય. તમે માનશો નહીં પણ ખાખરા ને ફાફડા મારા ઘરમાં બારેય માસ તમને મળે. જ્યારે પણ તક મળે ત્યારે હું ગુજરાતી થાળી, શ્રીખંડ, બાસુંદી ખાવા માટે પ્રેમથી નીકળી જાઉં.

લાઇફનો યાદગાર ગોટાળો | હું બહુ નાની ઉંમરથી કુકિંગ કરું છું. પહેલી વાર રસોડામાં પગ મૂક્યો હતો પાપડ શેકવા માટે. જોકે પાપડ દાઝી ગયો છે એવું મને મારા પપ્પાએ કહ્યું ત્યારે ખબર પડેલી. કુકિંગનું એક બ્લન્ડર આજે પણ અમે ઘરે બધા ભેગા થઈએ ત્યારે યાદ કરીને ખૂબ હસીએ છીએ. હવે એમાં બન્યું એવું કે મારાં મમ્મી ચોકો ચિપ્સ કેક બનાવતાં હતાં પણ એ દિવસે તેમનાં ચશ્માં રિપેરિંગમાં ગયેલાં અને તેમણે ચોકો ચિપ્સ કેકમાં ચોકો ચિપ્સના ડબ્બાને બદલે ભૂલથી કાળા ચણા નાખી દીધા. કેક બેક પણ ખૂબ સરસ થઈ પણ એમાં ચણા છે એની ત્યારે ખબર પડી જ્યારે દીકરાથી ચોકો ચિપ તૂટી નહીં. પછી જ્યારે ખબર પડી કે ચોકો ચિપને બદલે એમાં કાળા ચણા નાખી દીધા છે ત્યારે તો અમે એટલું હસ્યાં કે ન પૂછો વાત.

હેલ્ધી ખાઓ | ટેસ્ટની સાથે હેલ્થ પણ મહત્ત્વની છે અને એટલે જ શૂટિંગ પર હોઉં ત્યારે મોટા ભાગે હું પ્રોટીન ડાયટ પર જતો રહું છું, જેને કારણે મારા સ્વીટ ક્રેવિંગ્સ પર મારે કન્ટ્રોલ કરવો પડતો હોય છે. હેલ્ધી ફૂડમાં પનીર ચન્ક્સ અને સૅલડ મારાં ફેવરિટ છે. મસાલામાં સહેજ ધ્યાન રાખીએ તો હેલ્ધી ડાયટ પણ ટેસ્ટી બની જ શકે છે. 

હું એક વાત ખાસ કહીશ. કુકિંગની આપણી પરંપરાગત પદ્ધતિઓ અને પરંપરાગત આહાર લેતા રહેવા જરૂરી છે. જેમ કે ઘી, ભલે ડાયટિશ્યન એને અનહેલ્ધી ગણે પણ આપણી પરંપરામાં એ હેલ્ધી ફૂડ છે.

columnists Rashmin Shah