કચ્છનું મુઠ્ઠીઊંચેરું સાહિત્ય રત્ન પ્રાગજી ડોસા

13 August, 2019 11:57 AM IST  |  મુંબઈ ડેસ્ક | વસંત મારુ - કચ્છી કોર્નર

કચ્છનું મુઠ્ઠીઊંચેરું સાહિત્ય રત્ન પ્રાગજી ડોસા

સ્વર્ગસ્થ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ પ્રાગજીભાઈનું સન્માન કર્યું હતું.

કચ્છના સપૂતો

‘પ્રાગજીભાઈ, આપનો બાયોડેટા એક પરીકથા જેવો છે. આપને ચરણસ્પર્શ કરવાનું મન થાય છે.’ - બી. આર. ચોપડા (હિન્દી ફિલ્મ પ્રોડ્યુસર–ડિરેક્ટર)

‘પ્રાગજીભાઈ ડોસા આપણી રાષ્ટ્રીય સંપિત્ત છે.’ - શ્રીમતી મૃણાલિની સારાભાઈ (વિશ્વપ્રસિદ્ધ નૃત્યાંગના)

‘પ્રાગજીભાઈને ગળાનું કૅન્સર થયા બાદ સ્વર ગુમાવી બેઠા હોવા છતાં કલાજગતને અવનવાં સર્જન આપી રહ્યા છે એ સૌને ગૌરવ અપાવે એવું છે.’ - શ્રી માધવસિંહ સોલંકી (ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન)

ઉપરના પ્રતિભાવ જેવા અનેક પ્રતિભાવ ભારત અને વિશ્વના પ્રતિષ્ઠિત લોકો પ્રાગજીભાઈ ડોસા માટે આપે એ પ્રત્યેક કચ્છી માટે ગર્વની વાત છે, કારણ કે પ્રાગજીભાઈ ડોસા કચ્છના મેધાવી પુત્ર હતા. જ્યારે સોશ્યલ મીડિયા, ટીવી કે ગૂગલનું અસ્તિત્વ નહોતું અને ગુજરાતી ભાષામાં વિપુલ સર્જનાત્મક લખાતું એ સમયે પ્રાગજીભાઈએ મબલક સાહિત્યસર્જન કર્યું હતું.

અંદાજે ૧૧૨ વર્ષ પહેલાં કચ્છના નલિયા ગામના ભાટિયા સદ્ગૃહસ્થ જમનાદાસ ડોસા અને મોંઘીબાઈ ડોસાના ઘરે મુંબઈમાં પ્રાગજીભાઈનો જન્મ થયો. તેમની અટક ભાટિયા હતી પણ તેમના પ્રપિતામહ ડોસાના નામથી કુટુંબ ઓળખાતું હતું.

મુંબઈમાં ડોસા ફૅમિલીનો ઘીનો મોટો ધીકતો ધંધો અને પછી કૉટન જિનિંગ ફૅક્ટરીનો મોટો કારોબાર પણ પ્રાગજીભાઈ સંભાળતા. વ્યવસાયની સાથે-સાથે કલાજગત સાથે પણ તેમને સંબંધ હતો. પ્રાગજીભાઈના નાના ભાઈ ક્રિકેટના પ્રખ્યાત આંકડાશાસ્ત્રી આણંદજી ડોસાને કારણે કચ્છના હીરલા સમા પ્રખ્યાત કૉમેન્ટેટર વિજય મર્ચન્ટ સાથે મિત્રતા પણ ખરી અને એટલે જ સાહિત્યની સાથે ક્રિકેટ, બૅડ્મિન્ટન અને ખાસ તો બિલિયર્ડમાં ખૂબ પારંગત હતા પ્રાગજીભાઈ!

પહેલાંના સમયમાં ભાટિયા જ્ઞાતિમાં લગ્નો નાની વયે થઈ જતાં એટલે ૧૫ વર્ષની ઉંમરે ૧૨ વર્ષનાં પ્રેમકુંવરબેન સાથે તેમનાં લગ્ન થયાં. લગ્ન પછી તેમણે વિલ્સન કૉલેજમાં અૅડમિશન લીધું અને સાહિત્યસર્જનની શરૂઆત થઈ. તેમના પ્રપિતામહ ડોસાબાપા કચ્છમાં દોરડાં બનાવીને ગુજરાન ચલાવતા અને પ્રાગજીભાઈ કૉટન જિનિંગ ફૅક્ટરી સુધી પહોંચ્યા. યુવાનીમાં જ તેમના પર લક્ષ્મીજની સાથે સરસ્વતીની અસીમ કૃપા વરસી એટલે પૈસા સાથે સાહિત્યનો મબલક પાક લણ્યો.
પ્રાગજીભાઈએ ૧૩૪ નાટકો, ૧૮૦ બાળનાટકો, ૧૦ નૃત્યનાટિકાઓ અને ૩૫૫ રેડિયો નાટક લખ્યાં. અધધધ કહી શકાય એવાં આ સર્જનો ખૂબ સફળતાપૂર્વક ભજવાયાં એ માત્ર ગુજરાતીમાં જ નહીં, હિન્દી, અંગ્રેજી, રશિયન, મરાઠી, સિંધી, ચેકોસ્લોવેકિયનમાં ભજવાયાં અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પણ પ્રાપ્ત થઈ. એક કચ્છી માડુંનાં સર્જનો આંતરરાષ્ટ્રીય તખ્તે વખણાય એ દરેક કચ્છીઓ માટે ગર્વની વાત કહેવાય.

૧૯૮૯થી ૧૯૯૨ સુધી ફિલ્મ ફેર અવૉર્ડ્સ માટે તેમણે જજ તરીકે કાર્ય કર્યું. પ્રાગજીભાઈએ ૬ હિન્દી, એક અંગ્રેજી અને ૨૧ ગુજરાતી ફિલ્મો પણ લખી. તેમનાં ૪૮ સાહિત્યસર્જન પુસ્તક આકારે પ્રગટ થયાં.

૧૯૯૬માં તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાળ શર્માના હસ્તે તેમને ‘સંગીત નાટક’ અવૉર્ડ અર્પણ થયો અને ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના હસ્તે સોવિયેટ લૅન્ડ નેહરુ અવૉર્ડ અપાયો. ૧૯૮૦માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન બાલુભાઈ જશભાઈ પટેલના હસ્તક ગુજરાત રાજ્ય સંગીત નાટક અવૉર્ડ અપાયો.

૧૯૮૨માં આ કચ્છી માડુના સન્માન અર્થે અમેરિકાના વૉશિંગ્ટનમાં કૅપિટલ બિલ્ડિંગ પર અમેરિકન ગવર્નમેન્ટ તરફથી અમેરિકન રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો.

કચ્છી ભાટિયા જ્ઞાતિના આ સદ્ગૃસ્થનું સૌથી મોટું પ્રદાન હતું બાળનાટક. આજના અસંખ્ય કલાકારોએ પોતાના બાળપણમાં પ્રાગજીભાઈએ લખેલાં બાળનાટકો દ્વારા પાઠ ભણી રાષ્ટ્રીય સ્તરે પ્રદાન કર્યું છે. એક આડવાત લખવાનું ટાળી નથી શકતો - સ્વ. નામદેવ લહુટે, સ્વ. નટખટ જયુ, આશિષ ભટ્ટ, કમલેશ દાવડા જેવા બાળનાટકના ભેખધારીઓને કારણે અસંખ્ય ગુજરાતી કલાકારો રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી રહ્યા છે.

પ્રાગજીભાઈનો લેખનવારસો તેમના પૌત્ર હર્ષદભાઈ ભાટિયાએ જાળવ્યો છે. વ્યવસાયે આર્કિટેક્ટ હર્ષદભાઈ અંગ્રેજી ભાષામાં લેખનકાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચો : Bhanu Designer studio: જે વેડિંગ મેન્સવેર માટે છે ખાસ જાણીતાં

ગુજરાતીના આ ગર્વીલા કચ્છી માડુના મનોજગતમાં પ્રવેશવા તેમની આત્મકથા ‘આતમ દીવો’ અચૂક વાંચવા જેવી છે. સાહિત્યમાં એ જમાનામાં મસમોટા પ્રદાન બદલ બીએમસી તેમના નામે રોડ કે ચોકનું નામ રાખે તો ‘મિડ-ડે’ના ‘કચ્છી કૉર્નર’ની સાર્થકતા ઠરશે. અસ્તુ.

kutch gujarat columnists