વિશ્વ પ્રસિદ્ધ ગણપતિ લાલબાગચા રાજા શરૂ કરનાર કચ્છી માડુ હતા!

28 May, 2019 12:15 PM IST  |  | વસંત મારુ - કચ્છી કોર્નર

વિશ્વ પ્રસિદ્ધ ગણપતિ લાલબાગચા રાજા શરૂ કરનાર કચ્છી માડુ હતા!

લાલબાગચા રાજા

પ્રસિદ્ધ ગણપતિ લાલબાગચા રાજાની વાત આજે કરવી છે. લાલબાગચા રાજા માનતા પૂરી કરનાર, ઇચ્છાપૂર્તિ દેવ તરીકે આખા ભારતમાં પ્રસિદ્ધ છે. ગણેશોત્સવ વખતે ભારતના ખૂણે-ખૂણેથી ભાવિકો લાલબાગચા રાજાનાં દર્શન કરી માનતા પૂરી કરવા આવે છે.

આ લાલબાગચા રાજાની શરૂઆત કરનાર, એની સ્થાપના કરનાર કુંવરજી જેઠાભાઈ ધરમશી કચ્છી માડુ હતા. કચ્છના સુથરી ગામના દશા સમાજના કુંવરજીબાપા અંગ્રેજોના જમાનામાં કાઉન્સેલર (નગરસેવક) તરીકે ચિંચપોકલી, લાલબાગ ઇત્યાદિ વિસ્તારોમાં ચૂંટાયા હતા. કચ્છી સમાજમાંથી સંભવત: એ પહેલા નગરસેવક તરીકે કાર્યરત હતા. સેવાભાવી કુંવરજીબાપાની લાલબાગમાં બે-ત્રણ દુકાનો હતી. ઉપરાંત મસ્જિદબંદર બાજુ સાત-આઠ ગોડાઉન અને એ જમાનામાં મહાબળેશ્વરમાં આવેલી હોટેલના માલિક હતા.

હમણાં-હમણાં જ્યાં લાલબાગચા રાજાનું પંડાલ બંધાય છે એની સામેની બાજુ એટલે કે બી.એ. રોડની બીજી બાજુ માર્કેટ આવેલી હતી. આ વાત ૧૯૩૪ની આસપાસની છે. ત્યારે મુંબઈ પર ગોરા અંગ્રેજોનો દબદબો હતો. આ માર્કેટમાં વસોર્વાથી આવી કેટલીક કોળી બહેનો પોતાનો વ્યવસાય કરતી હતી, પણ ત્યાનાં ગુંડાતત્વો આ બહેનોને પરેશાન કરતાં હતાં એટલે કોળી બહેનોએ ત્યાંના નગરસેવક કુંવરજીભાઈને ફરિયાદ કરી હતી. કુંવરજીભાઈ જાણતા હતા કે આ ગુંડાતત્વોને કાબૂમાં કરવા સહેલાં નથી એટલે બહેનોની ફરિયાદ પર ઊંડો વિચાર કરી મનોમન ગણપતિ બાપ્પાની માનતા માની કે હે બાપ્પા, આ બહેનોની મુશ્કેલી દૂર કરવા બીજી માર્કેટ બનાવી ત્યાં તેમને સિફ્ટ કરવાનું ધારું છું, પણ અંગ્રેજ અમલદારોને સમજાવવા એટલા સરળ નથી માટે દેવ, નવી માર્કેટ બનાવવાના મારા નિર્ધારને પાર પાડશો તો આપની સ્થાપના કરીશ. કુંવરજીબાપાની શ્રદ્ધાનો વિજય થયો. એક વર્ષની ભારે જહેમત પછી અંગ્રેજ અમલદારોએ કુંવરજીબાપાની વાત માની નવી માર્કેટ માટે પરવાનગી આપી અને કુંવરજીબાપાએ માનતા પૂરી કરવા નવી માર્કેટમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરી. પાંચ વર્ષ સુધી એ સાર્વજનિક ગણેશોત્સવના પ્રથમ પ્રમુખ બન્યા. આ મંડળ હવે લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ તરીકે ઓળખાય છે. કુંવરજીબાપા બસો વર્ષ જૂના જ્ઞાતી મંડળ ‘દશા ઓશવાળ મહાજન’ના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમના પૌત્ર અતુલભાઈ ધરમશી લાલબાગચા રાજાની ઍડ્વાઇઝરી કમિટીમાં છે. તેમના આ કાર્યનું સન્માન કરવા એ નવી માર્કેટનું નામ ‘કુંવરજી જેઠાભાઈ શાહ મંડઈ’ આજે પણ વેપારથી ધમધમે છે.

વિશ્વવિખ્યાત લાલબાગચા રાજા ગણપતિના અગ્રણી સંસ્થાપક કુંવરજી જેઠાભાઈ ઘરમશી.

લાલબાગચા રાજાના આ લેખમાં બીજા એક કચ્છી માડુ સ્વ. રામજી તેજશી વોરા નવીનાળવાળાની નોંધ પણ લેવા જેવી છે. માનતા પૂરી કરનાર ગણપતિ તરીકે પ્રસિદ્ધ લાલબાગચા રાજાનાં દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ દસ દિવસ સુધી આવે છે. પહેલાંના સમયમાં બિસલેરી પાણી તો હતું નહીં. દર્શન કરવા આવનારા ભક્તોની તરસ છિપાવવા રામજીબાપા ૨૩ વર્ષના લાંબા કાળ સુધી પાણીની પરબ ચોવીસ કલાક જાતે દેખરેખ હેઠળ ચલાવતા. આ કાર્ય તેમણે ૮૩ વર્ષની વયોવૃદ્ધ ઉંમર સુધી ચલાવ્યું. દિવસ-રાત માનવ મહેરામણથી છલકાતા આ ઉત્સવમાં પાણી પીવડાવી પાણીદાર કચ્છી તરીકે નામના મેળવી. તેમના પરગજુપણાની ખુશ્બૂ આજે પણ લાલબાગ દેરાસરના આયંબીલ ખાતામાં અનુભવાય છે. નાતજાતના ભેદભાવ વગર લોકોને કડુકડિયાતાનું વિતરણ આજે પણ રોજ તેમના નામે થાય છે. જાતે સંશોધનો કરી જાતજાતનાં દર્દો માટે ઉપયોગી થાય એવા તેલ સ્વખર્ચે તૈયાર કરી વિનામૂલ્યે વિતરણ રામજી તેજસી વોરા નવીનાળવાળા કરતા.

આવા ગર્વ થાય એવા કચ્છી માડુની વાતો અવારનવાર ‘મિડ-ડે’નાં આ પાનાંઓ પર માંડીશ એવું વચન આપી વીરમું છું. આપના પ્રત્યાઘાત ‘મિડ-ડે’ને જરૂર મોકલશો તો ‘કચ્છી કૉર્નર’ પૂર્તિ વધારે મજેદાર બનાવી શકાશે. અસ્તુ (લેખક અને કચ્છી નાટ્યકાર)

આ પણ વાંચો : પેણામ - પ્રણામ

કચ્છી કૉર્નર

કચ્છી કૉર્નર કચ્છી કૉર્નર
મિડ-ડે શરૂ કે કચ્છી કૉર્નર

દર મંગળવાર દર મંગળવાર
હી પનું છપાંધો દર મંગળવાર

કચ્છી માડુજા કચ્છી માડુજા
વાવડ છપાંધા કચ્છી માડુજા

કચ્છજી ગાલ્યું કચ્છજી ગાલ્યું
અનમેં છપાંધ્યું કચ્છજી ગાલ્યું

કચ્છજી ધરા કચ્છજી ધરા
ધીંગી ધરા કચ્છજી ધરા

કચ્છી માડુ કચ્છી માડુ
મઠા માડુ કચ્છી માડુ

જજેરા જુહાર જજેરા જુહાર
કચ્છી ભાવરેં કે જજેરા જુહાર

વાહ કચ્છી વાહ કચ્છી
ધોનિયા ગજાઇંધલ વાહ કચ્છી

ઘણું આભાર ઘણું આભાર
‘મિડ-ડે’ તોજો ઘણું આભાર - અરવિંદ કરસનદાસ રૂખાણા

columnists kutch