✕

જ્યાં ૨૧,૦૦૦ સૈનિકોએ બલિદાન આપ્યું હતું એ વસઈ ફોર્ટમાં આજે ઊજવાશે અનોખો દીપોત્સવ

07 November, 2026 05:57 PM IST  |  Mumbai | Kajal Rampariya

‘આમચી વસઈ’ નામની સામાજિક સંસ્થાની પહેલથી યોજાનારા આ ઉત્સવમાં પ્રકાશની સાથે ઇતિહાસ અને શૌર્યની ગાથા પણ જીવંત થાય છે. જો તમારે પણ ફોર્ટમાં ઊજવાતા આ દીપોત્સવને જોવો અને માણવો હોય તો આજે સાંજે ૬ વાગ્યે પહોંચી જજો

વસઈ ફોર્ટમાં દીપોત્સવ.

દિવાળીમાં ઘરે-ઘરે દીવડા પ્રગટાવીને ઉજવણી તો થાય જ છે, પણ વસઈ ફોર્ટમાં આ કિલ્લા માટે બલિદાન આપનારા મરાઠા સૈનિકોની યાદમાં અનોખો દીપોત્સવ યોજાય છે. ‘આમચી વસઈ’ નામની સામાજિક સંસ્થાની પહેલથી યોજાનારા આ ઉત્સવમાં પ્રકાશની સાથે ઇતિહાસ અને શૌર્યની ગાથા પણ જીવંત થાય છે. જો તમારે પણ ફોર્ટમાં ઊજવાતા આ દીપોત્સવને જોવો અને માણવો હોય તો આજે સાંજે ૬ વાગ્યે પહોંચી જજો

દિવાળીના દિવસોમાં આખું શહેર દીવડા અને રોશનીથી ઝળહળી ઊઠે છે. નોકરિયાત વર્ગ ઑફિસની જવાબદારીઓ વચ્ચે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરે છે ત્યારે વસઈમાં દિવાળીની ઉજવણીનો અલગ જ અંદાજ જોવા મળે છે. કોઈ ઐતિહાસિક કિલ્લામાં દિવાળીની ઉજવણી થતી હોય એવું ભાગ્યે જ સાંભળ્યું હશે, પરંતુ વસઈ ફોર્ટમાં પેશવા બાજીરાવ પ્રથમના નાના ભાઈ નરવીર ચિમાજી અપ્પાના શૌર્યને યાદ કરીને ભવ્ય દીપોત્સવનું આયોજન થાય છે. આ નિમિત્તે દીપોત્સવની પરંપરા જાણવાની સાથે વસઈ ફોર્ટ મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે શા માટે મહત્ત્વ ધરાવે છે એ પણ જાણીએ.

શહીદોની યાદમાં પ્રગટે છે હજારો દીવડા
પહેલાં દિવાળીના દિવસોમાં વસઈ ફોર્ટ સામાન્ય રીતે સૂમસામ જોવા મળતો હતો. આ જ કિલ્લાની ભૂમિ માટે બલિદાન આપનારા મરાઠા સૈનિકોની યાદમાં અહીં દીવડા પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ‘આમચી વસઈ’ સામાજિક સંસ્થા દ્વારા આયોજિત આ દીપોત્સવનો હેતુ શહીદોની ભૂમિ પર પ્રકાશ પાથરવાની સાથે ઐતિહાસિક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. સંસ્થાના કાર્યકર્તા, કાર્યક્રમના નેતૃત્વકર્તા અને સંપર્ક અધિકારી નરેશ ટાંક કહે છે, ‘પોર્ટુગીઝોના કબજામાંથી વસઈ ફોર્ટને મુક્ત કરવા માટે ચિમાજી અપ્પાના નેતૃત્વમાં લડાયેલા યુદ્ધમાં ૨૧,૦૦૦ સૈનિકોએ બલિદાન આપ્યાં હતાં. આ વીરોની યાદમાં દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. નાગેશ્વર મંદિરમાં અગાઉથી દીવડા પ્રગટાવવામાં આવતા હતાં, પરંતુ ૨૦૧૨થી મોટા પાયે દીપોત્સવની શરૂઆત કરવામાં આવી હતી.’

૫૧ દીવડાથી શરૂ થઈ પરંપરા
ધર્મસભા અને ‘આમચી વસઈ’ સામાજિક સંસ્થાના અધ્યક્ષ વેદમૂર્તિ ધનંજય શાસ્ત્રી મહારાજ આ પરંપરા વિશે કહે છે, ‘શરૂઆતમાં ૫૧ દીવડાથી દીપોત્સવની શરૂઆત થઈ હતી. સમય જતાં આયોજનનો વ્યાપ વધતો ગયો. ૨૮૫મા વર્ષે, કોરોના પછી, આ દીપોત્સવ ૨૧,૦૦૦ દીવડા સુધી પહોંચ્યો હતો. હાલમાં દર વર્ષે અંદાજે ૫૦૦૦થી ૭૦૦૦ દીવડા અને ૧૫૦થી ૨૦૦ જેટલી મશાલો પ્રગટાવવામાં આવે છે. આ કાર્યક્રમ ધાર્મિક હોવાની સાથે સામાજિક સ્વરૂપ પણ ધરાવે છે. સમાજ માટે ઉત્તમ કાર્ય કરનારી ૪ વ્યક્તિને ‘વસઈભૂષણ’, ‘વસઈવિભૂષણ’, ‘વસઈશ્રી’ અને ‘વસઈરત્ન’ જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે.’

મશાલયાત્રા અને રંગોળીસ્પર્ધા
દીપોત્સવના દિવસે સાંજે ૬ વાગ્યે નાગેશ્વર અને વજ્રેશ્વરી મંદિરમાં આરતી કરીને દીવડા પ્રગટાવવામાં આવશે એમ જણાવીને કાર્યક્રમ વિશે માહિતી આપતાં નરેશ ટાંક કહે છે, ‘ત્યાર બાદ અંદાજે ૨૦૦ લોકો મશાલ લઈને મંદિરથી અડધો કિલોમીટર દૂર આવેલા કિલ્લાના ઐતિહાસિક ચર્ચ સુધી પહોંચશે. ત્યાં ‘જય વજ્રાઈ, જય ચિમાજી, જય શિવાજી’ના નારા સાથે ગર્જના કરવામાં આવશે. ત્યાર બાદ મશાલ લઈને ચિમાજી અપ્પાના સ્મારક પાસે પહોંચીને દીવડા પ્રગટાવવામાં આવશે. આ ઉપરાંત સવારે રંગોળીસ્પર્ધા યોજાશે અને સાંજે પાંચ વાગ્યે નાગેશ્વર મંદિરમાં રંગોળીનું પ્રદર્શન થશે. આ વર્ષે અંદાજે ૧૦૦૦થી ૨૦૦૦ લોકો જોડાશે એવી આયોજકોને અપેક્ષા છે.’

પોર્ટુગીઝોના ૨૦૫ વર્ષના શાસનનો અંત
ધનંજય શાસ્ત્રી મહારાજ કિલ્લાના ઇતિહાસ વિશે કહે છે, ‘વસઈ ફોર્ટનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. વસઈ આશરે ૨૦૫ વર્ષ સુધી પોર્ટુગીઝોના કબજામાં રહ્યું હતું. આ સમયગાળામાં તેમણે અહીં મજબૂત કિલ્લેબંધી, ચર્ચ, મઠ અને વહીવટી ઇમારતોનું નિર્માણ કર્યું હતું. જોકે પોર્ટુગીઝ શાસન માત્ર સ્થાપત્યો પૂરતું સીમિત નહોતું. સ્થાનિક લોકો પર ધાર્મિક દબાણ, બળજબરીથી ધર્માંતરણ અને અત્યાચાર થયાના ઐતિહાસિક ઉલ્લેખો પણ મળે છે. વસઈને પોર્ટુગીઝોના શાસનમાંથી મુક્ત કરાવવાની ઝુંબેશનું મહત્ત્વ સમજાય છે. પોર્ટુગીઝો પાસેથી વસઈને મુક્ત કરાવવા પેશવા બાજીરાવ પ્રથમના ભાઈ ચિમાજી અપ્પાએ મરાઠા સેનાનું નેતૃત્વ કર્યું હતું. ૧૭૩૭થી શરૂ થયેલી વસઈની ઝુંબેશમાં મરાઠા સૈનિકોએ અનેક સ્થળોએ વિજય મેળવ્યો હતો. અંતે મે ૧૭૩૯માં લાંબા સંઘર્ષ બાદ પોર્ટુગીઝોએ શરણાગતિ સ્વીકારી અને વસઈ કિલ્લા પર મરાઠાઓનો વિજય થયો હતો. આજે પણ કિલ્લાની દીવાલો, જૂના દરવાજા અને ચર્ચના અવશેષો આ ઐતિહાસિક સંઘર્ષની સાક્ષી પૂરે છે.’

૧૧૦ એકરમાં ફેલાયેલો ઐતિહાસિક કિલ્લો
વસઈ ફોર્ટ અગાઉ બેસિન ફોર્ટ તરીકે ઓળખાતો હતો. આશરે ૧૧૦ એકર જેટલી જમીનમાં ફેલાયેલા આ કિલ્લાની તટબંધી લગભગ ૪.૫ કિલોમીટર લાંબી છે. કિલ્લામાં ૧૧ બુરજ આવેલા છે. ૩ બાજુ દરિયાઈ પાણી અને જમીન તરફ સુરક્ષાની વ્યવસ્થા હોવાથી એ લશ્કરી દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હતો. 
પોર્ટુગીઝોના સમયમાં અહીં ચર્ચ, મઠ, વહીવટી ઇમારતો અને બજારો હતાં.

ફોર્ટમાં શું-શું જોવાલાયક છે?
વસઈ ફોર્ટની મુલાકાત લો ત્યારે માત્ર એક-બે ખંડેર જોઈને પાછા ન ફરવું. કિલ્લાની અંદર અનેક ઐતિહાસિક સ્થાપત્યો અને જોવાલાયક સ્થળો છે.
મરાઠાઓએ ૧૭૩૯માં પોર્ટુગીઝો સામે મેળવેલા વિજયની યાદમાં ચિમાજી અપ્પા સ્મારક બનાવેલું છે. વસઈ ફોર્ટની વિઝિટ આ સ્મારક જોયા વિના અધૂરી માનવામાં આવે છે.
પોર્ટુગીઝ કાળમાં બનાવવામાં આવેલું સેન્ટ ગોન્સાલો ગાર્સિયા ચર્ચ, સેન્ટ ફ્રાન્સિસ્કન ચર્ચ, સેન્ટ ડૉમિનિક ચર્ચ અને કૉન્વેન્ટ, સેન્ટ ઑગસ્ટિન ચર્ચ અને સેન્ટ જોસેફ ચર્ચ ઇતિહાસની સાક્ષી પૂરે છે.
આ ઉપરાંત કિલ્લાની અંદર આવેલું નાગેશ્વર મહાદેવનું મંદિર અને વજ્રેશ્વરી માતાનું મંદિર મુખ્ય સ્થળ માનવામાં આવે છે.
કિલ્લાની સુરક્ષાવ્યવસ્થા માટે એ સમયે બનાવવામાં આવેલા બુરજ એટલે કિલ્લા, કોટ કે દીવાલની સાથે બાંધવામાં આવેલો ગોળાકાર કે લંબચોરસ નળાકાર ભાગ અથવા ટાવર ઇતિહાસની સાક્ષી પૂરે છે અને ત્યાંથી દરિયાનો સીનિક વ્યુ પણ સરસ મળે છે. આ ઉપરાંત કિલ્લાના દરવાજા, જૂના રસ્તા, કમાનો, પથ્થરની ઇમારતો અને સમુદ્ર તરફનાં દૃશ્યો પણ પ્રવાસીઓને આકર્ષે છે.

કિલ્લાની મુલાકાત લો ત્યારે આ ઐતિહાસિક સ્થળો જોવાનું ચૂકતા નહીં
સંવર્ધન : વસઈ ફોર્ટ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક છે. સમય જતાં કિલ્લાની દીવાલો અને ચર્ચના અવશેષો પર વનસ્પતિ ઊગી આવી હતી. કેટલીક જગ્યાએ બાંધકામને નુકસાન પણ થયું હતું. આ ઐતિહાસિક વારસાને જાળવવા વનસ્પતિ દૂર કરવી, પથ્થરોનું સમારકામ, દીવાલોના સાંધા મજબૂત કરવા અને કાટમાળ દૂર કરવા જેવી સંવર્ધનની કામગીરી હાથ ધરવામાં આવી છે. એનો હેતુ કિલ્લાની મૂળ રચનાને જાળવી રાખવાનો છે.
હેરિટેજ વૉક : કિલ્લાની મુલાકાત વધુ રસપ્રદ બનાવવી હોય તો હેરિટેજ વૉકમાં જોડાઈ શકાય છે. માર્ગદર્શક સાથેની આ વૉકમાં પોર્ટુગીઝ કાળનાં ચર્ચ, કૉન્વેન્ટ, કિલ્લાની તટબંધી, 
બુરજ અને જૂનાં સ્થાપત્યોની મુલાકાત લેવામાં આવે છે. આ દરમ્યાન પોર્ટુગીઝ શાસન, મરાઠાઓની વસઈ-ઝુંબેશ, ચર્ચનું સ્થાપત્ય, જૂના શિલાલેખો અને કિલ્લાની સુરક્ષાવ્યવસ્થા વિશે માહિતી આપવામાં આવે છે. આવી વૉક માટે અગાઉથી બુકિંગ અને ઉપલબ્ધતાની ખાતરી કરવી જરૂરી છે.
ફેરીની મજા : વસઈ ફોર્ટની મુલાકાતને વધુ રસપ્રદ બનાવવા માટે વસઈ-ભાઈંદર વચ્ચે શરૂ થયેલી રો-રો ફેરી સેવા પણ એક વિકલ્પ છે. આ ફેરી વસઈ ખાડી પાર કરીને ભાઈંદર-વેસ્ટ અને વસઈના કિલ્લા બંદર તરફના વિસ્તારને જોડે છે. આ ફેરીમાં મુસાફરો ટૂ-વ્હીલર અને કાર પણ લઈ જઈ શકે છે. રસ્તા દ્વારા વસઈથી ભાઈંદર પહોંચવામાં ટ્રાફિકના આધારે એકથી દોઢ કલાકનો સમય લાગી શકે છે, જ્યારે ફેરી દ્વારા ખાડી પાર કરવામાં આશરે ૨૦ મિનિટ લાગે છે. ઑગસ્ટ ૨૦૨૬થી જાહેર થયેલા નવા ટાઇમટેબલ મુજબ વસઈથી પ્રથમ ફેરી સવારે ૭.૩૦ વાગ્યે અને છેલ્લી ફેરી રાત્રે ૮.૩૦ વાગ્યે છે. ભાઈંદરથી પ્રથમ ફેરી સવારે ૮ વાગ્યે અને છેલ્લી રાત્રે ૯.૧૫ વાગ્યે છે. દિવસ દરમ્યાન કુલ ૧૩ ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે. હવામાન, ભરતી-ઓટ 
અને સંચાલનને કારણે સમયમાં ફેરફાર થઈ શકે છે એટલે પ્રવાસ પહેલાં લેટેસ્ટ ટાઇમટેબલ તપાસવું જરૂરી છે.

ફોર્ટ જતાં પહેલાં આટલું ધ્યાન રાખજો
કિલ્લો વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હોવાથી આરામદાયક શૂઝ પહેરવા.
પાણીની બૉટલ, ટોપી અને સનસ્ક્રીન સાથે રાખવું.
જૂની દીવાલો, બુરજ અને ચર્ચના નબળા અવશેષો પર ચડવાનું ટાળવું.
ખંડેરોમાં કેટલીક જગ્યાએ અસમથળ જમીન અને ઝાડીઓ હોવાથી સાવચેતી રાખવી.
ઐતિહાસિક સ્થાપત્યો પર નામ લખવાં નહીં કે કોતરણી કરવી નહીં.
કિલ્લાની મુલાકાત માટે સવારનો સમય અથવા સાંજ પહેલાંનો સમય પસંદ કરવો.
હેરિટેજ વૉકમાં જોડાવું હોય તો અગાઉથી બુકિંગ અને સમયની ખાતરી કરવી.

vasai mumbai news mumbai things to do in mumbai once upon a time in mumbai