તમારા શોમાં માત્ર વેજિટેરિયન ફૂડ બનાવીને ભાગ લઈ શકાય એવો ક્રાઇટેરિયા કેમ નથી?

22 March, 2023 05:25 PM IST  |  Mumbai | Varsha Chitaliya

માસ્ટર શેફની ફેસબુક લાઇવ કૉન્ટેસ્ટમાં ચીઝ ઘારી બનાવીને ટૉપ ટેનમાં સિલેક્ટ થયેલાં બોરીવલીનાં તરુલતા ભટ્ટને જ્યારે શોના સેટ પર જવાનો મોકો મળ્યો ત્યારે શેફ વિકાસ ખન્નાને આવો સવાલ પૂછ્યો. એનો શું જવાબ મળ્યો એ વાંચી લો

Tarulata Bhatt

સોની ટીવી પર પ્રસારિત માસ્ટર શેફની નવી સીઝનમાં મુંબઈનાં ગુજરાતી બા ઊર્મિલા આશરે વ્યુઅર્સ અને જજ બન્નેનાં દિલ જીતી લીધાં હતાં. હવે એમાં વધુ એક નામ ઉમેરાયું છે. થોડા દિવસ અગાઉ માસ્ટર શેફના સેટની મુલાકાત લઈ આવેલાં બોરીવલીનાં તરુલતા ભટ્ટ અહીં સુધી કઈ રીતે પહોંચ્યાં અને જજ સાથે શું વાતો કરી એની મજેદાર કહાણી વાંચીએ તેમના જ શબ્દોમાં...

કઈ રીતે પહોંચ્યાં?

માસ્ટર શેફના સેટ પર જવાની તક કઈ રીતે મળી એની જાણકારી આપતાં તરુલતાબહેન કહે છે, ‘કુકિંગમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોવાથી આ પ્રકારના શો કાયમ જોતી હોઉં છું. આ સીઝનનો એકેય એપિસોડ ચૂકી નથી. ઘેરબેઠાં શો જોનારા દર્શકો માટે શેફ ગરિમાએ ગયા મહિને અમૂલ ચીઝ કૉન્ટેસ્ટની જાહેરાત કરી હતી. એમાં સ્પર્ધકે અમૂલ ફેસબુક-પેજ પર લાઇવ કુક કરવાનું હતું. મારો ટાઇમ-સ્લૉટ ૮ ફેબ્રુઆરીએ સાંજે ૫.૩૦થી ૬ વાગ્યાનો હતો. સ્પર્ધાના નિયમ પ્રમાણે ૩૦ મિનિટમાં ચીઝનો ઉપયોગ કરી ડિશ બનાવી પ્લેટિંગ થઈ જવું જોઈએ. ચીઝ ઘારી અને ચીઝ સૉસ બનાવ્યાં હતાં. પ્રેઝન્ટેશન માટે ઘારીની બાજુમાં ચીઝને ફ્લાવરનો શેપ આપી વચ્ચે ગુલાબની પાંખડી મૂકી. સૉસ વડે દાંડી ડ્રૉ કરી તુલસીનાં પાન મૂક્યાં હતાં. જજિઝને મારો આઇડિયા અને પ્લેટની સજાવટ પસંદ પડતાં ટૉપ ટેનમાં આવી ગઈ. ઑનલાઇન સ્પર્ધા જીતેલા સ્પર્ધકોને આ મહિનાની ૧૨ તારીખે જજિઝને મળવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.’

જજિઝ સાથે મટરગસ્તી

મલાડમાં આવેલા વૃંદાવન સ્ટુડિયોમાં સવારે ૧૧ વાગ્યે પહોંચી ગઈ હતી એમ જણાવતાં તેઓ કહે છે, ‘મુંબઈ, દિલ્હી, પુણેથી જીતીને આવેલા સ્પર્ધકોને આવકાર સાથે ચા-નાસ્તો સર્વ કરવામાં આવ્યો. રણવીર બ્રાર અને ગરિમાએ કુકિંગ વિશે વાતો કરી. શેફ ગરિમા સમક્ષ માસ્ટર શેફ બનવાનું ડ્રીમ હોવાની વાત કરી ત્યારે તેમણે શુભેચ્છા આપી હતી. વિકાસ ખન્નાને વાતવાતમાં કહી દીધું કે મને કુકિંગમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે. માસ્ટર શેફની દરેક સીઝનમાં ઑડિશન આપ્યું છે, પણ નૉન-વેજ બનાવશો એવું પૂછે ત્યારે અટકી જાઉં છું. ક્રાઇટેરિયાથી પરિચિત હોવા છતાં મારાથી રહેવાતું નથી અને ઑડિશનમાં પહોંચી જાઉં છું. મારા જેવાં કેટલાંય પ્યૉર વેજિટેરિયન સ્પર્ધકો માટે પૉલિસીમાં બદલાવ લાવવાની વિનંતી કરી છે. તેઓ કહે છે, ‘મારાં મમ્મી પણ વેજિટેરિયન ડિશ જ બનાવે છે એથી તમારી ભાવના સમજી શકું છું. હવે પછીની સીઝનમાં વેજિટેરિયન સ્પર્ધકો ભાગ લઈ શકે એવો પ્રયાસ ચાલુ છે. અન્ય સ્પર્ધકો સાથે પણ મજાની વાતો કરી.’

જજના હાથની ડિશ ચાખી 

તરુલતાબહેનનો સેલિબ્રિટીઝ શેફ સાથે ગજબનો નાતો છે. અત્યાર સુધી તેઓ શેફ વિકાસ ખન્નાને ત્રણ વાર, શેફ રણવીર બ્રારને બે વખત, શેફ ગરિમા, શેફ ગૌતમ મેહિરશી અને શેફ સંજીવ કપૂરને એક વાર મળી ચૂક્યાં છે. વિકાસ ખન્નાએ બનાવેલી ડિશ પણ ચાખી છે એવું ગર્વ સાથે જણાવતાં તેઓ કહે છે, ‘૨૦૧૩ના વર્ષમાં વિકાસ ખન્ના, સંજીવ કપૂર અને શિપ્રા ખન્ના જજિઝ હતાં. માસ્ટર શેફની એ સીઝનમાં નવરાત્રિ સ્પેશ્યલ એપિસોડમાં ત્રણેય જજે ઉપવાસમાં ખાઈ શકાય એવી ડિશ બનાવી હતી. સંજીવ કપૂરે ફરાળી સિઝલર અને વિકાસ ખન્નાએ તીલવાલે આલુ બનાવ્યા હતા. ઑડિશન આપ્યાં હોય એવા હોમ શેફને લાઇવ કુકિંગ જોવાની તેમ જ જજિઝે બનાવેલી ડિશ ચાખવા આપી હતી. વિકાસ ખન્નાએ જાતે સર્વ કર્યું એ લાઇફટાઇમ મેમોરેબલ બની ગયું.’

ભૂતકાળમાં ડાબર હોમ મેડ હોમ સ્ટાર કૉન્ટેસ્ટમાં ૫૦૦૦ રેસિપીમાંથી પહેલાં ટૉપ-થર્ટીમાં અને પછી મુંબઈના ટૉપ-થ્રીમાં મારી રેસિપી સિલેક્ટ થતાં દિલ્હી રાઉન્ડ માટે બોલાવી હતી. બે જણની પ્લેનની ટિકિટ અને ફાઇવસ્ટાર હોટેલમાં રહેવાની સુવિધા આપવામાં આવી હતી એમ જણાવતાં તેઓ કહે છે, ‘દિલ્હીમાં ફરી એક વાર વિકાસ ખન્ના સાથે મુલાકાત થઈ. આ સ્પર્ધામાં ડાબરની જિંજર પેસ્ટનો ઉપયોગ કરી આદુંપાક બનાવ્યો હતો. નિયમિત વાનગી હરીફાઈઓમાં ભાગ લેવાથી સેલિબ્રિટીઝ શેફ સાથે મળવાની તક મળતી રહે છે. અખબારોમાં પણ ઘણી રેસિપી છપાય છે.’

આ પણ વાંચો: જોઈ લો આ બહેનનો પિછવાઈ પ્રેમ તેમને ક્યાં લઈ ગયો

બાને પણ મળ્યાં

માસ્ટર શેફના સેટ પર મારી મુલાકાત ઊર્મિલા આશર સાથે થઈ એ પણ વન ઑફ ધ બેસ્ટ મોમેન્ટ હતી એવી વાત કરતાં તેઓ કહે છે, ‘એ દિવસે ફાઇનલ એપિસોડનું શૂટિંગ હોવાથી તમામ કન્ટેસ્ટન્ટને સેટ પર હાજર રહેવાનું હતું. બા પણ આવ્યાં હતાં. મળતાવડા સ્વભાવનાં ઊર્મિલાબહન સાથે વાતો કરવાની મજા આવી. કુકિંગ અને અન્ય શોખ વિશે અવનવું જાણવા મળ્યું. તેમની સાથે ફોટો પડાવ્યો છે, પરંતુ ફાઇનલ એપિસોડ પ્રસારિત થતાં પહેલાં શૅર ન કરી શકાય. ભવિષ્યમાં મળવાનો વાયદો કરી છૂટાં પડ્યાં.’ 

ચીઝ ઘારી વિથ ચીઝ સૉસ

સામગ્રી : ૧ વાટકી મેંદો, ૧/૪ કપ પિસ્તાં પાઉડર, ૧/૪ કપ બદામ પાઉડર, ૧/૨ કપ મિલ્ક પાઉડર, ૭૦ ગ્રામ માવો અથવા ૧ કપ તાજી મલાઈ, ૨ ચમચી ચણાનો લોટ, ૧/૨ કપ દળેલી સાકર, ૧/૨ કપ છીણેલું અમૂલ ચીઝ, ૪ એલચીનો પાઉડર, તળવા માટે ઘી, ડીપ કરવા માટે ૧/૪ કપ ઘી અને ૧ ચમચી સાકર, ડેકોરેશન માટે ચીઝનાં ફૂલ અને પાંખડી, તુલસીનાં પાન, ગુલાબની પાંખડી, ચીઝ સૉસ.

રીત : મેંદાને ચાળીને બે ચમચી થીજેલું ઘી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી ૧૦ મિનિટ મૂકી રાખો. કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી ધીમા તાપે ચણાનો લોટ શેકી લો. ત્યાર બાદ બદામ-પિસ્તાનો પાઉડર, મિલ્ક પાઉડર અને માવો અથવા મલાઈ મિક્સ કરી મિશ્રણને ઠંડું પડવા દો. હવે એમાં એલચી અને સાકર ઉમેરો. છીણેલા ચીઝમાં બે ચમચી સાકર ઉમેરીને નાના-નાના બૉલ્સ બનાવી લેવા. હાથમાં ચીઝબૉલ લઈ એના પર બદામ-પિસ્તાવાળું મિશ્રણ લઈ ગોળ શેપ આપો (ચીઝબૉલ વચ્ચે રહેવું જોઈએ). મેંદાના લોટમાંથી નાના લૂઆ બનાવી પાતળી રોટલી વણો. વચ્ચે ગોળો મૂકી ચારે બાજુથી સીલ કરી દેવું. આ રીતે બધી ઘારી તૈયાર કર્યા બાદ મધ્યમ તાપે ઘીમાં તળી લો. થીજેલા ઘીમાં એક ચમચી સાકર નાખી ઘારીને ડીપ કરી ફ્રિજમાં રાખવી. એક કલાક પછી ડેકોરેટ કરી સર્વ કરો. 

columnists life and style chef