કૉલમ: રન દાદી રન

29 May, 2019 01:02 PM IST  |  મુંબઈ | વડીલ વિશ્વ - રુચિતા શાહ

કૉલમ: રન દાદી રન

દાદી

આજે ૬૬મા વર્ષમાં પ્રવેશ કરી રહેલાં પાર્લામાં રહેતાં મેના દેસાઈ ત્રીસથી વધુ મૅરથૉન દોડી ચૂક્યાં છે. ૨૦૧૨માં મૅરથૉનમાં દોડવાનું શરૂ કર્યું એ પહેલાં અનેક અને અઢળક પ્રકારની શારીરિક તકલીફોમાંથી પસાર થઈ રહેલાં આ દાદીએ કઈ રીતે એ બીમારીઓને માત આપીને દોડવાની યાત્રા શરૂ એની રસપ્રદ ગાથા પ્રસ્તુત છે.

પાર્લામાં રહેતાં મેના દેસાઈનો આજે ૬૬મો જન્મદિવસ છે. આ બહેને જોકે છેલ્લાં પાંચ વર્ષમાં પોતાની ઉંમરને રિવર્સ ગિયરમાં મૂકી દીધી હોય એવો અનુભવ તેમને મળીને, તેમની એનર્જી જોઈને, તેમના ઉત્સાહને સ્પર્શીને થયા વિના નહીં રહે. આજથી લગભગ પંદરેક વર્ષ પહેલાં મેનાબહેને બીમારીઓથી ત્રાસીને શરીરને કંઈક આરામ મળે એ આશયથી યોગાભ્યાસ શરૂ કર્યો હતો. લગભગ ત્રણેક મહિનાની યોગની ટ્રેઇનિંગનું સારું પરિણામ આવ્યું એટલે ઘરની પાસે આવેલા મહિલાઓ માટેના વિશેષ જિમમાં જવાનું શરૂ કર્યું. ત્યાંથી મૅરથૉન વિશે ખબર પડી. એની ટ્રેઇનિંગ શરૂ કરી અને હવે જાણે મૅરથૉન ક્વીન હોય એમ જ્યાં દોડવાની સ્પર્ધા યોજાય ત્યાં પહોંચી જાય છે. કૅલિફૉર્નિયામાં દીકરાના ઘરે ગયાi અને ત્યાં મૅરથૉન હતી તો ત્યારેય તેમણે એમાં ભાગ લઈને ત્રીજો નંબર હાંસલ કર્યો હતો. ૨૦૧૮ના માર્ચ મહિનાથી લઈને ૨૦૧૯ના માર્ચ મહિનાના એક વર્ષના ગાળામાં તેમણે દસ કિલોમીટર અને ૨૧ કિલોમીટરની મળીને કુલ ૧૯ મૅરથૉનમાં ભાગ લઈ લીધો છે.

એક જમાનામાં દસ ડગલાં ચાલવામાં હાંફી જનારાં અને આખો-આખો દિવસ માઇગ્રેન, ઍસિડિટી અને લેગ ક્રૅમ્પ્સને કારણે પથારીમાં વિતાવનારાં આ બહેનના જીવનમાં તંદુરસ્તીની બાબતમાં પરિવર્તનનો આવો ક્રાન્તિકારી પવન કેવી રીતે ફુંકાયો એની જાણવા જેવી વાતો પ્રસ્તુત છે.

હાલત ખરાબ હતી

આ દુનિયામાં ઇચ્છાશક્તિથી વધુ કંઈ જ નથી. ઇચ્છાશક્તિ હોય તો ગમેતેવા જંગમાંથી પાર ઊતરી શકાય એમ જણાવીને મેના દેસાઈએ કહે છે, ‘ખૂબ નાની ઉંમરથી માઇગ્રેનની સમસ્યા હતી. દુખાવો ઊપડે એટલે આખો-આખો દિવસ માથું બાંધીને સૂઈ રહેતી. રાતે પગમાં એવા ક્રૅમ્પ્સ આવતા કે ચીસ પડી જતી. હસબન્ડ અને દીકરો પગ પકડીને રાખે, મસાજ દ્વારા થોડીક રાહત થાય એટલે સૂતી. આવી તો કેટલીયે રાતો દુખાવાવશ બગડી છે. ભયંકર ઍસિડિટી, પગમાં અને ઘૂંટણમાં સખત દુખાવો, સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓને લીધે એટલી હતાશ હતી કે એના કરતાં મોત આવી જાય તો સારું એમ થતું. મારે કારણે મારા હસબન્ડને ઘણું સફર કરવું પડતું. મને એકલી મૂકીને તેઓ ક્યાંય બહાર ન જાય, પણ એક વાર હિંમત કરીને મારા હસબન્ડે અમારું વૈષ્ણોદેવીનું બુકિંગ કરાવ્યું. પહેલેથી જ મારી ડોલીની વ્યવસ્થા પણ કરી લીધી હતી. હું ડોલીમાં હતી ત્યારે મારાથી યંગ અને મારાથી ઘરડા એમ દરેક એજના લોકોને હું પગપાળા દર્શન કરવા જતા જોઈ રહી હતી. મને અફસોસ પણ થઈ રહ્યો હતો કે મારાં કેવાં નસીબ છે કે હું કંઈ નથી કરી શકતી. એ યાત્રા પૂરી કરી પછી પણ મનમાં આ વાત રહી ગઈ. મારા હસબન્ડ ભરતને (નામ ભૂપેન્દ્ર છે, પરંતુ મેનાબહેન તેમને ભરત કહે છે) મેં કહ્યું કે હવે મારે આમ નથી જીવવું. હું મુંબઈ જઈને થોડીક કસરત કરીને સાજી થવાના છેલ્લા પ્રયાસો કરીશ. મુંબઈ આવ્યા પછી યોગના વગોર્ શરૂ કર્યા. એનાથી મારી તબિયત ઘણી સુધરી. પછી જિમમાં જતી થઈ. ત્યાં નિયતિ નામની એક છોકરીએ મને ખૂબ સરસ રીતે ટ્રેઇન કરી. એવામાં મુંબઈ મૅરથૉનનાં ફૉર્મ ભરવાની ચર્ચા ચાલી રહી હતી. મને પણ થયું કે હું પણ ભાગી શકું. મારી ટ્રેઇનરે મને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું પણ ખરું કે ૨૧ કિલોમીટર ન દોડાય તો અડધેથી છોડી દેજો, આપણે ક્યાં મેડલ જોઈએ છે? અનુભવ તો લેવાયને? મને વાત ગળે ઊતરી ગઈ અને ૨૦૧૧માં મેં પહેલી વાર મૅરથૉનમાં ભાગ લેવાનુ ફૉર્મ ભર્યું.’

મૅરથૉન યાત્રા

માત્ર ફૉર્મ ભર્યું એમ નહીં, તેમણે ટ્રેઇનિંગ પણ શરૂ કરી. રોજ યોગ, પ્રાણાયામ અને દોડવાની પ્રૅક્ટિસ કરતાં. સાથે હસબન્ડ પણ હોય જ કંપની આપવા. સવારે પાંચ વાગ્યે મિયાબીબી નજીકના જૉગર્સ પાર્ક ગાર્ડનમાં નીકળી જતા. ભૂપેન્દ્રભાઈ ગાર્ડનના બાંકડે બેસીને છાપાં વાંચે અથવા પ્રાણાયામ કરે અને મેનાબહેન દોડે. જોકે ઘરની કેટલીક જવાબદારીઓને કારણે પહેલાં બે વર્ષ ફૉર્મ ભર્યા પછી પણ મેનાબહેન મૅરથૉનમાં ભાગ ન લઈ શક્યાં. જોકે ત્રીજે વર્ષે તેમને દીકરાને ત્યાં અમેરિકાથી બુલાવો હોવા છતાં મૅરથૉન રન પૂરી કરીને તેમણે રાતની ફ્લાઇટમાં અમેરિકા પ્રયાણ કર્યું હતું. પહેલી હાફ મૅરથૉન તેમણે લગભગ ત્રણેક કલાકમાં પૂરી કરી હતી. એ પછી તો આ સિલસિલો એવો ચાલ્યો કે આજ દિવસ સુધી અટકવાનું નામ નથી લેતો. અત્યાર સુધીમાં તેમણે લગભગ ૩૧ મૅરથૉન દોડી લીધી છે. ઘણી વાર તેમની કૅટેગરીમાં તેમને મેડલો પણ મળ્યા છે અને તેમનાં અનેક સન્માનો પણ થયાં છે. તેમનાં પૌત્રો અને પૌત્રીઓ તેમને રન કરવા માટે ખૂબ પ્રોત્સાહન આપે છે. દરેકનો એક જ મેસેજ તેમને હોય છે, ‘રન દાદી રન. મેનાબહેને મૅરથૉન માટે પોતાના ચારેય ગ્રૅન્ડ ચિલ્ડ્રનના ફોટો સાથે ‘રન દાદી રન’ના સ્લોગનને પ્રિન્ટ કરાવીને ટી-શર્ટ બનાવ્યું છે જે તેઓ મૅરથૉનમાં અચૂક પહેરે.’

આ પણ વાંચો : મોબાઇલ અને ઇન્ટરનેટ : સ્વતંત્રતા આપનારી આ જણસે સંયુક્તપણાની ભાવના છીનવી લીધી

પરિવારનો સપોર્ટ

આ સફળ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ છે એવું ખૂબ ગૌરવભેર કહીને પોતાના હસબન્ડ અને સંતાનોના સપોર્ટની વાત કરતાં તે કહે છે, ‘મારા હસબન્ડે મારી આ ફિટનેસ જર્નીમાં દરેકે દરેક ક્ષણ સાથે રહીને મને પીઠબળ આપ્યું છે. મારી પ્રૅક્ટિસ રન અને મૅરથૉન બન્નેમાં તેઓ સાથે જ હોય. મારું બિબ લાવવાથી લઈને રન પહેલાં મને ડ્રૉપ કરવાની અને ત્યાંથી મને પિક કરવાની જવાબદારી તેમણે નિભાવી છે. હું જે કરવા કહું એમાં તેમના પ્રોત્સાહન અને સપોર્ટ હોય જ. અમારાં લવ મૅરેજ છે. એમ કહોને કે છેલ્લાં પચાસ વર્ષથી અમે સાથે જ છીએ. લગ્ન પછીનાં શરૂઆતનાં વષોર્માં પરિવારની જવાબદારીઓ નિભાવી. હવે પોતાની રીતે પોતાના માટે કંઈક કરવાની દિશામાં હસબન્ડ અને પરિવારે તમામ સપોર્ટ કર્યો છે.’

columnists