દીકરો તમારી પાછલી જિંદગી માટે બચાવેલી મૂડીમાંથી રકમ ઉધાર માગે તો?

06 March, 2019 12:13 PM IST  |  | પ્રતિમા પંડ્યા

દીકરો તમારી પાછલી જિંદગી માટે બચાવેલી મૂડીમાંથી રકમ ઉધાર માગે તો?

પ્રવિણા અને હેમંત કારિયા

વડીલ વિશ્વ

સિત્તેર કે એંસી વર્ષે પહોંચેલા મુંબઈના ગુજરાતીઓનો મોટો વર્ગ એવો છે કે જે ગુજરાતના ગામમાંથી મુંબઈમાં આવ્યા હોય કે તેમના પિતાશ્રી મુંબઈ આવી સ્થાયી થયા હોય. આ મોટા ભાગના વર્ગે નાનપણથી લઈ પ્રૌઢાવસ્થા સુધી જીવનના સંઘર્ષને જોયો છે. આમાંના કેટલાક આર્થિક રીતે ઘણા સધ્ધર થઈ ગયા છે તો કેટલાકનો સંઘર્ષ ચાલુ રહ્યો છે. આ આગળની પેઢી, આજની પેઢી કરતાં પૈસાનું મહત્વ સારી રીતે સમજે છે. પૈસા ખર્ચવાની ક્ષમતા હોય તો ખર્ચી પણ જાણે છે, પણ એમના મગજમાં કેટલા વીસે સો થાય એનું પાકું ગણિત હોય છે!

નવી પેઢી પાસે ભણતર સારું છે એટલે જો બધુ સમુંસૂતરું હોય તો કરીઅરની શરૂઆતનાં બે-ત્રણ વર્ષમાં જ સારી રીતે પગભર થઈ ગયા હોય છે. જોકે કોઈક કારણસર ભણતર ઓછું હોય, પગાર બે છેડા ભેગા થાય એવો ન હોય કે બિઝનેસનું મોટું સાહસ કરવું હોય ત્યારે એ દીકરો પિતા તરફ નજર લંબાવે છે. પિતા સધ્ધર હોય તો પ્રશ્ન નથી આવતો, પણ પિતાએ સંઘર્ષ કરીને બચાવેલી ટૂંકી મૂડીની વાત હોય તો ...? બાત સોચને જૈસી હૈ!

અમારી મિલકત સંતાનોની જ છે, પણ અમારા ગયા બાદ

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને ફાઇનૅન્શિયલ ઍડવાઇઝર હરેશ કોઠારી આ વિશે કહે છે, ‘હું આનો અંગત સ્તરે અને ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર તરીકે બંને દૃષ્ટિકોણથી જવાબ આપીશ. સિનિયર સિટિઝન માટે આ મૂંઝવણભરી પરિસ્થિતિ છે, એક તરફ દીકરાની અપેક્ષા અને બીજી તરફ વધતી વયની અંગત આર્થિક જરૂરિયાત! મેં મારા દીકરાઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે તમારા અભ્યાસની અને સારામાં સારી કૉલેજની જવાબદારી અમારી છે, એના માટે અમે ક્યાંય પાછા નહિ પડીએ, પણ એક વાર ભણતર પૂરું થાય અને તમે પગભર થાવ પછી તમારી તમામ આર્થિક જવાબદારી તમારે ઉપાડવાની છે. જે પણ કંઈ સ્થાવર મિલકત છે એ તમારી જ છે, પણ અમારા ગયા બાદ. બહુ સરળ શબ્દોમાં પ્રેમથી મેં તેમને સમજાવ્યું હતું કે અમારી જે કંઈ બચત છે એનો ઉપયોગ હું, અમારા પોતાના માટે અથવા તમારી માતા માટે કરીશ. આખી જિંદગી અમે કોઈના પર આધાર રાખ્યો નથી તો એ સ્વતંત્રતા અમે છેક સુધી માણવા માગીએ છીએ. મારા દીકરાઓએ અમારી લાગણીને સમજીને ખૂબ આદરપૂર્વક એનો અમલ પણ કર્યો છે. ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર તરીકે હું દરેક માતા-પિતાને ઉપર મુજબ વર્તવા જ કહું અને પોતાની બચત નૅશનલાઇઝ્ડ બૅન્કની એફડીમાં રોકવા જણાવું.’ વાતનો સાર એ છે કે દીકરાને પોતાના પગરખામાં પગ મુકાવી હવે પછીના જીવનની એંધાણી સિનિયર સિટિઝને આપવી જોઈએ, જેથી દીકરાઓ ખોટી માગણી ન કરે!

મિલકત વેચીને દીકરાને આર્થિક મદદ ન કરાય

માટુંગાના ટેક્સટાઇલ એન્જિનિયર અને ગર્લ્સ ફૅશન ફ્રૉક્સના નિર્માતા નરેન્દ્ર નિસર પોતાના વિચારોમાં એકદમ સ્પષ્ટ છે. તેઓ કહે છે, ‘મધ્યમ વર્ગીય માતા-પિતા હોય તો તેમણે સ્થાવર મિલકત વેચીને દીકરાને આર્થિક મદદ ન કરાય. હા, તેમની પાસે રોકડમાં બચત કે બૅન્કમાં મોટી ફિક્સ્ડ ડિપોઝિટ હોય તો ભવિષ્યના પોતાના જીવનનિર્વાહને ધ્યાનમાં રાખી એમાંથી સંતાનને તેનાં સ્વપ્ન પૂરાં કરવા થોડું ફાળવી શકે. સિનિયર સિટિઝને પોતાનું વિલ પણ એ પ્રમાણે બનાવી રાખવું જોઈએ. સિનિયર સિટિઝને પોતાના ભવિષ્યનું આર્થિક આયોજન એ રીતે કરવું જોઈએ કે દીકરાઓ આગળ ઉપર માતા-પિતા તરફ ધ્યાન ન આપી શકે તો પણ માતા-પિતાની ગાડી વ્યવસ્થિત ચાલતી રહે.’

નરેન્દ્રભાઈનાં જીવનસંગિની અને ધંધાની તેમની રોજબરોજની જવાબદારીમાં સાથે રહેનાર દક્ષા નિસરના વિચારો સ્ત્રીસહજ ભાવુક છે. દક્ષાબહેન કહે છે, ‘મા-બાપના સંસ્કાર યોગ્ય રીતે અપાયા હોય તો સંતાન મા-બાપની પૂર્ણ બચતમૂડીની અપેક્ષા ન રાખે. જોકે આજકાલ સંતાન પર માતા-પિતા કરતાં મિત્રોની અસર વધુ હોય છે, એટલે દરેક કેસને અલગ રીતે જોવો પડે. આજના સમયમાં પૈસાનું મહત્વ બધે જ છે. કેટલીક વાર તો માતા-પિતા પાસે પૈસા ન હોય તો દીકરો-વહુ ધ્યાન પણ નથી આપતાં. તબિયત સારી હોય ત્યાં સુધી તો સિનિયર સિટિઝન ઘરમાં સચવાઈ જાય, પણ પથારી પર પડ્યા પછી તેમને સાચવે એવા ઘણા ઓછા બચ્યા છે. જોકે આપણે માતા-પિતાની સેવા કરી હોય, તેમને સાચવ્યાં હોય તો નવી પેઢીએ એ જોયું હોય છે એથી તેઓ માતા-પિતાને પણ એ રીતે સાચવે છે. છતાં પણ કોઈક યુવાન સાથે એવું બને કે કોઈક કારણસર તેની પાસે નોકરી ન હોય, ધંધો ન ચાલતો હોય, પણ કાબેલિયત હોય તો માતા-પિતાની એ જવાબદારી છે કે તે પગભર થાય એ માટે પોતાની મૂડીમાંથી તેને સહાય કરે.’

દીકરાના હાથ જો મજબૂત કરી શકાતા હોય તો કરવા જોઈએ

આમ જોવા જઈએ તો વૃદ્ધાવસ્થા એ શારીરિક રીતે નબળાઈની અવસ્થા છે એમ જણાવીને જાણીતા ગઝલકાર હેમંત કારિયા કહે છે, ‘એ અવસ્થામાં માણસ વધારે મહેનત નથી કરી શકતો એટલે તેને કાં તો દીકરાઓનો આધાર જોઈએ અથવા બેઠી આવક જોઈએ. જૂના સમયમાં મા-બાપને કોઈ તરછોડતું નહોતું એટલે એ સમસ્યા નહોતી, પણ હવે કેટલાંક ઠેકાણે એ સમસ્યા જોવા મળે છે. દીકરાઓ, કોઈ પણ કારણસર અથવા તો મજબૂરીથી, મા-બાપને તરછોડતા હોય છે એટલે વૃદ્ધાવસ્થા માટે મા-બાપે પોતાની વ્યવસ્થા રાખવી જોઈએ. અંગત રીતે મારું માનવું છે કે દીકરાને જો જરૂર હોય તો મા-બાપ જો તેની મદદે નહીં આવે તો બીજું કોણ આવશે? અહીં ત્યાગની વાત છે, જે મા-બાપે દીકરા માટે કરવાનો છે. એક બાજુ દીકરાનું ભવિષ્ય છે, જ્યારે બીજી બાજુ મા-બાપનું પોતાનું ભવિષ્ય છે. દીકરાના ભવિષ્ય માટે મા-બાપે પોતાના ભવિષ્યને કુરબાન કરવાની વાત છે. વૃદ્ધાવસ્થામાં પણ કમાઈ શકવા માટે જો મા-બાપ સક્ષમ હોય તો વૃદ્ધાવસ્થાની ચિંતા કર્યા વગર દીકરાને જેટલી મદદ કરી શકાય, કરવી જોઈએ. વાત આજના સમયથી વિપરીત છે, પણ દીકરાના હાથ જો મજબૂત કરી શકાતા હોય તો કરવા જોઈએ, કારણ કે એ જ એક બાબત દીકરાનું હૃદયપરિવર્તન પણ કરી શકે છે ને શક્ય છે કે દીકરો મા-બાપને રાજીખુશીથી સાચવે પણ ખરો. પોતાના માટે જોગવાઈ રાખવી એ આજના વાતાવરણની માગ હોઈ શકે, પણ એ સાથે એક વાત એ પણ ન ભૂલવી જોઈએ કે આવી જોગવાઈ આપણને સ્વાર્થી પણ બનાવે છે અને વડીલો જ આવી રીતે સ્વાર્થી બની જાય તો દીકરાઓ પાસે આશા પણ શું રાખવાની?’

આ ચર્ચામાં પોતાનો સૂર પુરાવતાં હેમંતભાઈનાં પત્ની પ્રવીણાબહેન કારિયા કહે છે, ‘દીકરાને બધું ન આપી દેવાય, થોડું ઘણું આપણા ઘડપણ માટે પણ રાખવું જોઈએ, કારણ કે જરૂર પડે તો દીકરા પાસે કે કોઈ પાસે હાથ ન લંબાવવો પડે. તેને તકલીફ હોય તો આપણે તેના પર ભારરૂપ ન બનીએ. જો દીકરાથી અલગ રહેવાનો વારો આવે તો આપણી પાસે આપણી પૂંજી તો હોવી જોઈએ, એટલે વધુ લાગણીશીલ થઈ જવાને બદલે અત્યારના સમયમાં થોડા પ્રૅક્ટિકલ બનવું મને વધુ યોગ્ય લાગે છે.’

નિર્ણય લેતાં પહેલાં ક્રિટિકલ થિન્કિંગ અને રૅશનલ થિન્કિંગ બન્ને થવાં જોઈએ 

યુવાન સંતાનનાં માતા-પિતાને સલાહ આપતાં પ્રોફેસર પીટર અકબર ટાંકે છે કે આ પ્રકારના નિર્ણય લેતાં પહેલાં ક્રિટિકલ થિન્કિંગ અને રૅશનલ થિન્કિંગ બંને થવા જોઈએ. ક્રિટિકલ થિન્કિંગમાં અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારીને વ્યક્તિ નિર્ણય લે છે, કારણ કે વિષય કૉમ્પ્લેક્સ છે, સંકુલ છે. રૅશનલ થિન્કિંગમાં વ્યક્તિ બીજાના અનુભવ, અભિપ્રાય, અગાઉ બનેલી ઘટનાઓના સંદર્ભ પણ ધ્યાનમાં લે છે. દીકરો મા-બાપ પાસેથી આર્થિક સહકારની અપેક્ષા રાખતો હોય તો પ્રથમ જરૂરી એ છે કે મા-બાપે શાંતિથી, દીકરો સારા મૂડમાં હોય ત્યારે, તેની સાથે બેસી તેની જરૂરિયાત સમજવી જોઈએ. તેની પૈસાની જરૂરિયાત ખરેખર કેટલી જરૂરી છે એનો ક્યાસ કાઢવો જોઈએ. જે રકમની તે અપેક્ષા રાખે છે એ તેના ડ્રીમ પ્રોજેક્ટ માટે પૂરતી છે કે એ શરૂ કરવા થોડી રકમના રોકાણથી કામ થઈ શકે એમ છે એ પણ જોવું જોઈએ. બાકીની રકમ બૅન્ક કે ફાઇનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂટ પાસેથી તે લઈ શકે. બૅન્કમાં તમે જમા કરેલી વધારાની મૂડી તમારા જીવનનાં લોહી-પસીનાથી ભેગી કરેલી રકમ છે. પહેલી વાત, એ નક્કી કરો કે તમારે એ મૂડીમાંથી કેટલી રકમ તમારા બાકીના જીવન માટે પૂરતી છે! બીજી વાત, જો તમારી પાસે વધારાની મૂડી હોય તો લૉજિકલી અને સહાનુભૂતિપૂર્ણ રીતે બેય રીતે વિચારી દીકરાને આપી શકાય. તમારો દીકરો ઇમોશનલ હોય તો તેને ઇમોશનલી ટેકલ કરો, જો લૉજિકલ હોય તો લૉજિકલી તેની સાથે સંવાદ કરો. ચોથી વાત, જો તમે તમારી વધારાની મૂડી દીકરાને તેનાં સપનાં પૂરાં કરવા આપો છો તો તેના પ્રોજેક્ટમાં રિસ્ક કેટલું છે એ સમજો. તમને સમજ ન પડે તો કોઈ એક્સપર્ટની મદદ લો. તમે જો લૉજિકલી તેના ડ્રીમ પ્રોજેક્ટમાં રોકાણ કર્યું હોય તો એક-બે કલાક ફાળવી તેના પ્રોજેક્ટની ગતિવિધિ પર, એના વિકાસ પર ધ્યાન આપો. તમારા દીકરાને પણ માનસિક રીતે તૈયાર કરો કે આના પછી બીજી વધારે કોઈ મૂડી રોકી શકાશે નહીં. આ પ્રકારના અપ્રોચથી તમે તમારા અને ઉંમરલાયક સંતાન વચ્ચેના વિકટ પ્રશ્નનો સારી રીતે નિવેડો લાવી શકશો. - હેમંત મહેતા, ફાઇનૅન્શિયલ ઍડ્વાઇઝર

આ પણ વાંચો : ભારતના એક કાયદા પ્રમાણે જો સંતાનો માબાપને ન સંભાળે તો તેમને જેલ થઈ શકે

સંબંધ અને મૂડી બન્ને સચવાય એ માટે વડીલોએ શું કરવું?

1. પોતાની બચત-મૂડીને નૅશનલાઇઝ્ડ બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકવી.
2. સંતાનને પગભર કર્યા પછી તેની રીતે રહેવાની તાકીદ કરવી.
3. પોતાના ભવિષ્યની સુરક્ષિતતાના વિચાર સાથે સંતાનોને થોડેઘણે અંશે મદદ કરવી.
4. શક્ય હોય ત્યાં સુધી સંતાનો મા-બાપની બચત-મૂડીની અપેક્ષા ન રાખે તેવા સંસ્કાર પહેલેથી આપવા.
5. સંતાનની માગણીનાં કારણ, પરિસ્થિતિ અને પરિણામને સંપૂર્ણપણે સમજવાનો પ્રયત્ન કરવો.
6. સંતાનની માગણી બાબત લાગણીશીલ બનવાને બદલે પ્રૅક્ટિકલી વિચારવું.

columnists