દાદાજી, તમે પણ?

19 June, 2019 10:48 AM IST  |  | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ

દાદાજી, તમે પણ?

પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

મુંબઈમાં રહેતી ૨૭ વર્ષની પુનિતા (નામ બદલ્યું છે) સિટી બસમાં તેના ૩ વરસના દીકરા સાથે મીરા રોડથી બોરીવલી જઈ રહી હતી. બપોરનો સમય હતો તેથી બસ થોડી ખાલી પણ હતી. ડ્રાઇવર પાછળની લેડીઝ માટેની બીજી સીટમાં પુનિતા દીકરા સાથે હળવી મસ્તી કરી રહી હતી. થોડી વારમાં તેને પોતાના બગલ આગળ કંઈ ટચ થતું લાગ્યું. તેણે સાઇડમાં જોયું તો કંઈ નહોતું તેથી પાછી દીકરા સાથે મસ્તી કરવા લાગી. થોડી વાર પછી પાછું તેને લાગ્યું કે કંઈ ટચ થાય છે. તેણે તરત પાછળ જોયું તો કોઈને હાથ પાછો ખેંચી લેતાં જોયો. તેણે પાછળ વાળીને જોયું તો પાછલી સીટમાં એક વડીલ પુરુષ બેઠો હતો. પાંચ મિનિટમાં પુનિતાએ ઊતરી જવાનું હતું અને આ વયસ્ક વ્યક્તિ માટે તે કંઈ કહેશે તો કોઈ માનશે નહીં, વળી તે એકલી પણ હતી તેથી આ વ્યક્તિ સામે છણકો કરીને ઊતરી ગઈ!

વાશીમાં રહેતા એક સિનિયર સિટીઝન હમણાંથી ઘરમાં કામવાળી હોય કે કોઈ પણ હોય તેને શારીરિક અડપલાં કર્યા કરે છે. તેમના પરિવારને અને દીકરાઓને તેમનું આ વર્તન બહુ બેહૂદું લાગે છે, એટલું જ નહીં તેમને એ વાતની પણ નવાઈ લાગે છે કે એક સમયે આ વ્યક્તિએ કોઈ સ્ત્રી સામે નજર ઉઠાવી બૂરી નજરથી જોયું પણ નથી અને આ ઉંમરે તેઓ આ શું કરી રહ્યા છે! પરિવાર એ વાતે મૂંઝાઈ રહ્યો છે કે એકદમ સંસ્કારી એવી આ વ્યક્તિને શું થઈ ગયું છે?

સિનિયર સિટિઝન પુરુષો દ્વારા સ્ત્રીઓ અને બાળકોનાં શારીરિક અડપલાં તથા યૌન શોષણ જ નહીં, બળાત્કારના પણ અનેક કિસ્સા અવારનવાર બનતા રહે છે. સામાન્ય રીતે બાળકો અને સ્ત્રીઓ માટે સમાજના લોકો જેને સૌથી વધુ સેફ ગણે છે એ સિનિયર સિટિઝનમાંના ૮ ટકા લોકો કોઈને કોઈ સેક્સ્યુઅલ અપરાધો સાથે સંકળાયેલા હોય છે એવું આ ફીલ્ડના એક્સપર્ટ્સનું કહેવું છે.

નૅશનલ ડેટાબેઝ ઑન સેક્સ્યુઅલ ઑફેન્ડર્સ (NDSO)ના આંકડા જણાવે છે કે સેક્સ્યુઅલ હુમલાના લગભગ ૩૭ હજાર અપરાધો ૬૦ વર્ષથી ઉપરના પુરુષોના નામે છે, જે આંકડો દેશમાં સેક્સ્યુઅલ ઑફેન્સના કુલ ૫ લાખ કેસ છે એના ૮.૫ ટકા ગણી શકાય. આ આંકડો જે લોકો રેપ, ગૅન્ગ રેપ, ઇવ ટીઝિંગ, પીછો કરવો, ચાઇલ્ડ ઍબ્યુઝ જેવા ગુનાઓમાં જેમને સજા થઈ છે અને જેમણે સજા પૂરી કરી છે એનો છે. આગળ એક કેસ જોયો એ મુજબ સમાજમાં આવા અનેક ગુનાની ફરિયાદો પણ નથી થતી.

આ હકીકતો વડીલો સામે કેટલાક સવાલો ઊભા કરે છે કે શું સિનિયર સિટિઝનો સેક્સ્યુઅલી ઍક્ટિવ હોય છે? શું તેઓ તેમના જાતીય આવેગોને કંટ્રોલ નથી કરી શકતા? મોકાનો સેક્સ્યુઅલી ફાયદો તેઓ કેમ લે છે? તેમની સેક્સ્યુઅલ હરકતો પાછળ કઈ સાઇકૉલૉજી કામ કરે છે?

એકલતા કારણ?

જાણીતા સેક્સોલૉજિસ્ટ અને મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલના સેક્સ્યુઅલ મેડિસિન ડિપાર્ટમેન્ટના હેડ પ્રકાશ કોઠારી વડીલોની જાતીયતા બાબતે સમાજના ભ્રમનું નિરસન કરતી હકીકત જણાવતાં કહે છે, ‘એવું ક્યારેય માની લેવાની જરૂર નથી કે સિનિયર સિટિઝનો સેક્સ નથી કરતા. સેક્સની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. મારી પાસે દર વર્ષે ૮૫થી ૯૦ની ઉંમરના ૮થી ૧૦ એવા વૃદ્ધો આવે છે, જેમને સેક્સ્યુઅલ કૅપેસિટી વધારવી હોય છે અને લગ્ન કરવાં હોય છે! તેમની સેક્સ્યુઅલ ડિઝાયર તો અકબંધ છે, પણ પાર્ટનર અવેલેબલ નથી હોતો. કેટલાક લોકોના પાર્ટનરની વિદાય થઈ ગઈ હોય છે અને જેને હોય છે એમાં પણ એવું હોય છે કે કેટલીક સ્ત્રીઓ ધર્મમાં પડી ગઈ હોય છે, કેટલીક સ્ત્રીઓ મેનોપૉઝને એન્ડ ઑફ સેક્સ્યુઅલ લાઇફ માનીને સેક્સ કરવાનું બંધ કરી દે છે. આવા પુરુષો એકલા પડી જાય છે.’

તક મળે

ડૉ. કોઠારીની વાતને સમર્થન આપતી વાત જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. અસિત શેઠે પણ કહી. તેઓ કહે છે, ‘૬૦થી ૭૦ ટકા કેસમાં સ્ત્રીઓનો આ ઉંમરે સેક્સમાંથી રસ ઊડી જાય છે. આ કારણે તેનો પુરુષ એકલતા અનુભવે છે, એટલું જ નહીં, આ કારણે જ તે ઘરમાં અને બહાર જે તક મળે એનો લાભ લઈ લે છે. સિનિયર સિટિઝનો બાળકોને શિકાર વધુ બનાવે છે, કારણ કે તેઓ ઇઝી અવેલેબલ હોય છે અને તેમને ચૉકલેટ વગેરેની લાલચ આપીને ફોસલાવી શકે છે. તેઓ બાળકોને સેક્સનો શિકાર રેર કેસમાં બનાવે છે, પણ તેના શરીરના પાર્ટ્સ સાથે અડપલાં કરી શારીરિક શોષણ કરે છે. બીજું બાળક આ બાબતે કંઈ કહે તો તેના પેરન્ટ માનવા પણ તૈયાર નથી થતા. આમ તેમના માટે આ કામ સરળ થઈ પડે છે!’

ડોપામાઇનનો સ્ત્રાવ ઘટે

પાકટ વયે કેટલાક લોકોનો જાતીય આવેગ કેમ વધી જાય છે? આ આવેગને તેઓ કેમ કંટ્રોલ નથી કરી શકતા? એ સવાલોનો જવાબ મળે છે ડૉ. અસિત શેઠ પાસેથી. તેઓ કહે છે, ‘સિનિયર સિટિઝનની ફિઝિકલ કન્ડિશન તેમને સેક્સ્યુઅલી ઍક્ટિવ બનાવે છે. માણસ ઘરડો થાય ત્યારે એનામાં ડોપામાઇનનો સ્ત્રાવ ઘટી જાય છે, જેને લઈને હાથ ધ્રૂજે વગેરે થાય છે. આ પાર્કિન્સન્સની તકલીફને કંટ્રોલ કરવાની જે દવા સીનડોપા (syndopa) છે જે સેક્સ્યુઅલ ડિઝાયર વધારે છે. એ જ રીતે ડિમેન્શિયાની દવા અને પ્રોસ્ટેટ હાઇપોટ્રોફી - પ્રોસ્ટેટ એન્લાર્જ થાય એનાં ડ્રગ સિનિયર સિટિજનોની સેક્સ્યઅલ ડિઝાયરને વધારે છે. આ સાથે તેમની આ ડિઝાયરને સંતોષવાનાં કોઈ આઉટલેટ નહીં હોવાથી ઘરમાં છોકરું હોય કે મેડ તેઓ તક ઝડપી લે છે.’

સ્મૃતિભ્રમ પણ કારણ

ડૉ. અસિત શેઠની વાતને ટેકો આપી એક વધુ હકીકત જણાવતાં વાશી, સેક્ટર-૧૭માં ક્લિનિક ધરાવતા સાઇકિયાટ્રિસ્ટ ડૉ. વિકાસ દેશમુખ કહે છે, ‘સામાન્ય રીતે ૭૦થી વધુની વયના લોકો ડિમેન્શિયાથી પીડાતા હોય છે. ડિમેન્શિયાને સ્મૃતિભ્રમ પણ કહે છે, જેમાં વ્યક્તિનું જજમેન્ટ લૉસ થાય છે. આમાં મગજનો એક પાર્ટ છે પ્રીફન્ડલ કૉર્ટેક્સ કે જેનું કામ જજમેન્ટનું છે તે કામ કરતો બંધ થઇ જાય છે. અલ્ઝાઇમર અને ડિમેન્શિયા બન્નેમાં આ તકલીફ થાય છે. તેથી બાળકને કે છોકરીઓને નહીં અડવાનું, શું કરવાનું અને શું નથી કરવાનું એ બાબત આવા લોકોમાં લૉસ થાય છે. દવાઓ અને કાઉન્સેલિંગથી તેમનું આ જજમેન્ટ પાછું લાવી શકાય છે.’

ડૉ. દેશમુખ વડીલોની સેક્સ લાઇફ અંગે સમાજમાં પ્રવર્તતી એક માન્યતા કે જે કોઈક અંશે વડીલોને આ અપરાધ તરફ દોરી જાય છે એની વાત કરતાં કહે છે, ‘સમાજમાં લોકો માને કે પાકટ વયે વળી જાતીયતા શું રાખવાની! આ વયે સેક્સ્યુઅલ ડિઝાયર ના હોવી જોઈએ. વ્યક્તિ ૬૦-૭૦ની થાય એટલે પત્ની તેને કહે કે આ ઉંમરે હવે શું સેક્સ કરવાનું! આમ તેની સેક્સ્યુઅલ ડિઝાયર સંતોષાતી નથી, તેથી તે ઑપ્શન્સ શોધતો રહે છે.’

પેરન્ટ્સે પણ બાળકો સાથે બનતા આવા અપરાધો સામે વધુ સજાગ બનવાની જરૂર છે. ડૉ. અસિત શેઠ બાળકોના પેરન્ટ્સને વધુ કૅરફુલ બનવાનું જણાવતાં કહે છે, ‘તમારું બાળક તમારા ઘરના વડીલ અંગે કોઈ ફરિયાદ કરતું હોય તો તેને ઇગ્નોર ના કરો. આવું ખોટું ના વિચાર એમ કહીને બાળકની વાતને કાને નહીં ધરવાની ભૂલ ના કરતા, કારણ કે આજે પણ મારી પાસે એવા ઘણા કેસ છે જેમાં પેરન્ટ્સ આમ જ કરે છે.’

ઉપાય શું?

તો શું સમાજમાં વડીલોના અપરાધો આમ જ ચાલતા રહેશે? એનો કોઈ ઉપાય નથી? ઉપાય ડૉ. પ્રકાશ કોઠારી સૂચવે છે... હસ્તમૈથુન. ડૉ કોઠારી આ હકીકતને સમજાવતાં કહે છે, ‘આપણે ત્યાં જાતીય આવેગ સંતોષવા લોકો હસ્તમૈથુન કરતા નથી, કારણકે તેમને ડર લાગે છે કે આમ કરવાથી હું ગાંડો થઈ જઈશ, ટી.બી. થઇ જશે અથવા સજાતીયતા પાંગરશે તો? આવું થવાનું કારણ છે સેક્સ એજ્યુકેશનનો અભાવ. બીજી બાજુ ટી.વી., મોબાઇલ અને સોશ્યલ મીડિયા અઢળક ઇરોટિક સાહિત્યને લોકો માટે હાથવગું બનાવી રહ્યું છે. ઇન્ટરનેટ માણસની ઉત્તેજના વધારે છે ત્યારે તે હાથવગું હોય તે અજમાવે છે. એક હકીકત છે કે જાતીય આવેગને કોઈ રોકી નથી શકતું, એમાં માણસ ના કરવાનું કરી બેસે છે, તેથી જ સેક્સ એજ્યુકેશનની જરૂર છે. સેક્સ એજ્યુકેશનનો મતલબ એવો નથી કે લોકોને એ શીખવાવમાં આવે કે તેઓ જે નથી જાણતા, પણ એ રીતે વર્તન કરવાનું શીખવાડાય કે જે તેઓ નથી કરતા.’

આ પણ વાંચો : સરકાર ક્યારે સમજશે વડીલોની તકલીફ?

વધુમાં તેઓ કહે છે ઇન્ટરનેટ લોકોની ઉત્તેજના વધારવાનું કામ કરે છે, પણ એની સામે એ નૉલેજ નથી આપવામાં આવતું કે હસ્તમૈથુન નૉર્મલ વસ્તુ છે. એનાથી કોઈ તકલીફ નથી થતી, એટલું જ નહીં, એનાથી એઇડ્સ જેવી બીમારીઓ તથા ઇન્ફેક્શનોથી બચી શકાય અને જો આવો પૉઝિટિવ એટિટ્યુડ તૈયાર થાય તો અપરાધો પણ ઘટે. અતિ જાતીય આવેગથી પીડાતા વૃદ્ધ પુરુષોને એટલું જ સમજાવવાની જરૂર છે કે મૈથુન વખતે જે ક્રિયા પુરુષની ઇન્દ્રિય સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટમાં કરે છે એ જ વસ્તુ હસ્તમૈથુન વખતે પુરુષની ઇન્દ્રિય સ્ત્રીના પ્રાઇવેટ પાર્ટની જેમ વાળેલી હથેળીમાં કરે છે. મૈથુનમાં હકીકત છે જ્યારે હસ્તમૈથુનમાં કલ્પના છે. ઘણી વાર હકીકત કરતાં કલ્પના વધુ રંગીન હોય છે!’

columnists