વૃદ્ધાશ્રમ વેલકમ

05 June, 2019 11:32 AM IST  |  | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ

વૃદ્ધાશ્રમ વેલકમ

પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

રિટાયર્ડ થયા પછી પુરુષો કામમાંથી રિટાયર્ડ થાય છે, પણ સ્ત્રીઓનું શું? સ્ત્રીઓ કામથી ક્યારેય રિટાયર્ડ થતી જ નથી. હવે એવી પોઝિશન છે કે દીકરો અને વહુ બન્ને કામ કરતાં હોવાથી ઘરમાં સાસુએ વધુ કામ કરવું પડે છે, તેમનાં બાળકોને પણ સાંભળવાં પડે છે. આ જદ્દોજહદમાં સ્ત્રીઓને ક્યારેય ફુરસદ નથી આવતી. સાથે સાથે એવું બને છે કે પહેલાંની જેમ હવે શરીર સાથ નથી આપતું. તેથી સિચુએશન તેમને માટે અસહ્ય બની જાય છે.

ખટપટ નથી જોઈતી

અગાઉ લોકોમાં એવી માન્યતા હતી કે ઘરના લોકો કે સંતાનો ના રાખે ત્યારે જ વડીલોને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવે છે. આ સ્ટિગ્મા હજુ પણ પ્રવર્તે છે જ. તેથી જ ઘણા વડીલો વૃદ્ધાશ્રમમાં જવું પડે ત્યારે ગિલ્ટ ફીલ કરે છે, પરંતુ આ બાબતે વડીલોની વિચારસરણીમાં હવે થોડોક બદલાવ જરૂર આવ્યો છે એમ જણાવતાં વડીલો માટે કામ કરતી સંસ્થા સિલ્વર ઇનિંગ્સનું કહેવું છે કે કેટલાક વડીલોને આ ઉંમરે સ્વતંત્રતા જોઈતી હોય છે, પોતાની રીતે જીવવું હોય છે. ઘરના લોકો કે બાળકોની કોઈ ખિટપિટ નથી જોઈતી ત્યારે એ લોકો ઓલ્ડએજ હોમમાં જવા વિચારે છે. કેટલીક વાર વ્યક્તિ એવી પોઝિશનમાં હોય કે એને ૨૪ કલાક સારવાર જોઈએ. ઘરે રહીને આવી વ્યક્તિની સંભાળ લેવાનું બહુ અઘરું હોય છે અને કૉસ્ટલી પણ પડે છે. આવા વડીલો વૃદ્ધાશ્રમમાં આવી જાય તો પૂરતી સંભાળ મળે, ખાવાપીવાની ઝંઝટ ના કરવી પડે અને સરખી ઉંમરના લોકોનો સાથ મળે એ છોગામાં.

સંખ્યા હવે વધી

પોતાની મરજીથી અથવા પરિવારના સભ્યોની સલાહ લઈને વૃદ્ધાશ્રમમાં આવવાવાળા વડીલોની સંખ્યા હવે વધી છે એવું મુંબઈ નજીક ઉત્તાનમાં શ્રી મનસુખરામ મેવાડા રાજાશ્રમ નામે વૃદ્ધાશ્રમ ચલાવી રહેલા જય મેવાડાનું કહેવું છે. તેઓ કહે છે, ‘સંતાનો સાથે નહિ હોવાથી આજકાલ વડીલો ઘરમાં એકલા પડી જાય છે. જે લોકોને સિરિયસલી વધુ જીવવું છે એવા લોકો માને છે કે ઘરે એકલા હોઈએ ત્યારે રાતવરત કંઈ થાય તો જોવાવાળું કોઈ નથી હોતું. એકલા હોય ત્યારે સિક્યૉરિટીની પણ સમસ્યા થાય. જ્યારે વૃદ્ધાશ્રમમાં ૨૪ કલાક સર્વિસ મળે, ભોજન બનાવવાની કે બીજા કોઈ કામની ઝંઝટ ના રહે, ફિઝિકલ કોઈ તકલીફ હોય તો સારવારનો ખર્ચ વધુ થાય એના બદલે ઓછા ખર્ચમાં અહીં સારી રીતે રહેવા મળે, સર્વિસ સાથે સિક્યૉરિટી પણ મળે, હમઉંમ્ર લોકો મળે તેથી મિત્રતા થાય. ઘર છોડીને આવેલાઓને અહીં મોટી ફૅમિલી મળે તેથી હવે વડીલો ખુદ વૃદ્ધાશ્રમમાં આવવાનું પ્રીફર કરે છે.

ઉત્તાનના વૃદ્ધાશ્રમમાં બોરીવલીનું ૮૭ વર્ષનું એક કપલ રહેવા આવ્યું છે. આ લોકો પાસે પોતાનો ફ્લૅટ છે. એક દીકરી છે એ અમેરિકામાં રહે છે. તેઓ હાલતાં-ચાલતાં છે, છતાં પણ અહીં એટલા માટે રહેવા આવ્યા છે કે તેમને હમઉંમ્ર લોકો મળે, ઘરે રહીને જે જવાબદારીઓ નિભાવવી પડે એ ના કરવું પડે. અહીં આરામથી રહેવા અને ખાવા-પીવા મળે. શાંતિની જિંદગી જીવી શકે.

મુંબઈના એક દંપતીને હૉસ્પિટલાઇઝ કરવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને તેઓ સીધા જ વૃદ્ધાશ્રમમાં આવ્યાં, કારણ કે ઘરે તેમની સંભાળ રાખવાવાળું કોઈ નહોતું. આ દાદી પથારીવશ છે. તેમને રોજ ડાયપર બદલાવવું પડે, દવાઓ આપવી પડે, બરડામાં ચાઠાં પડી ગયાં હોવાથી રોજ ડ્રેસિંગ કરવું પડે વગેરે જેવી મેડિકલ સારવાર કરવાવાળું ઘરે કોઈ નથી અને માણસ રાખીને આ બધું કરવાનો ખર્ચ વધુ થાય છે તેથી તેઓ ઉત્તાનમાં રહે છે. અહીં એમની સરસ સારસંભાળ લેવાય છે. આવી જ રીતે ડિમેન્શિયાથી પીડાતા, એકલા, જાતે હાલીચાલી ના શકતા લોકો પણ અહીં રહે છે એવું જય મેવાડાનું કહેવું છે.

ભાયંદરમાં રહેતાં એક અપરિણીત મહિલાને તેના પરિવારના લોકોએ વૃદ્ધશ્રમમાં મોકલ્યાં હતાં, કારણ કે તેઓ ડિપ્રેશનમાં સરી જવાના કારણે એક-એક વીક સુધી પથારીમાંથી ઊભાં જ નહોતાં થતાં, ના કપડાં ચેન્જ કરે, પોતાની કે ઘરની ના સાફસફાઈ કરે, કોઈ બોલાવે તો તેની સાથે ઝઘડે, છેવટે તેમની બહેને વૃદ્ધશ્રમમાં મોકલ્યાં પછી હવે તેમની સ્થિતિ થોડી સારી છે.

અંધેરી વેસ્ટમાં રહેતા કપડાંના વેપારી ૭૪ વર્ષના શશિકાંત મલકાણ ત્રણ મહિનાથી વાઇફ સાથે ઉદવાડામાં આવેલા આધાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૃદ્ધાશ્રમમાં રહે છે. તેમનો ધંધો દીકરો સંભાળે છે અને તેમણે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી છે. શશિકાંતભાઈનું કહેવું છે, ‘અહીં રહેવાની અને ખાવા-પીવાની તથા બધી જ વ્યવસ્થા ખૂબ સરસ છે. મેં તો હવે પર્મનન્ટ અહીં જ રહેવાનું નક્કી કરી લીધું છે. અગાઉ પણ હું થોડા થોડા દિવસ આવતો હતો.’

વૃદ્ધાશ્રમ બાબતે બદલાયેલી વિચારસરણીની વાત કરતાં શશિકાંતભાઈ કહે છે, ‘સામાન્ય રીતે એકલા રહેતા લોકો તો અહીં આવવાનું જ વધુ પ્રીફર કરે છે, કારણ કે ઘરે રહીએ તો તેલ-મરચું લાવવાની ચિંતા, રસોઈ, સફાઈ વગેરે માટે માણસો રાખવા પડે, બીમાર થઈએ તો કોઈ જોવાવાળું ના હોય એના કરતાં અહીં ના ખાવાની ચિંતા, ના હેલ્થને કંઈ થાય તો ચિંતા ને ઉપરથી સરખા લોકોનો સાથ મળે. બીજું હવે એવું થયું છે કે મુંબઈમાં પોતાના ફ્લૅટમાં એકલાં રહીને બધી જ ચિંતાઓ કરવી એના કરતાં પોતાનો ફ્લૅટ ભાડે આપીએ તો ૩૦-૩૫ હજાર ભાડું મળે અને અહીં પોતે કશું કરવાનું ના હોવાથી આરામની જિંદગી મળે. અહીંનો સ્ટાફ અને વ્યવસ્થા એટલાં સારાં હોય છે કે જેને સંતાનો ના રાખતાં હોય એમને પોતાનાં સંતાનોથી પણ વધુ સાર-સંભાળ મળે છે.’

વૃદ્ધાશ્રમ કોઈ પણ રીતે આવકાર્ય ચીજ તો નથી જ. ભલે વડીલો ત્યાં સુખેથી રહેતા હોય, પરંતુ હકીકતમાં એ બધી મન મનાવવાની વાતો છે. સંતાનો પોતાને સંભાળતાં નથી એ બાબત દિલને ઊંડો ઘા પાડે છે જે કદી ભરી નથી શકતો. ભલે વૃદ્ધાશ્રમમોમાં સારી સગવડો મળતી હોય, પણ ક્યાંક એ બાબત ખૂંચે છે. બીજું બધા વૃદ્ધશ્રમોની હાલત સારી નથી હોતી, કેટલાક ગંદકીથી ખદબદે છે, વડીલોની પૂરતી સંભાળ નથી લેવાતી હોતી એવું પણ છે. જે વડીલો પાસે પૈસા નથી એવા લોકોની જિંદગી બહુ બદતર હોય છે.

આ પણ વાંચો : કૉલમ : આજા મેરી ગાડી મેં બૈઠ જા

વડીલોની હૉસ્ટેલ : રિટાયર્ડમેન્ટ હોમ્સ

આજકાલ વડીલો પાછલી જિંદગી માટે સેવિંગ કરી રાખતા હોય છે. રિટાયર્ડમેન્ટ હોમ્સ જેની પાસે પૈસા છે એવા લોકો માટે છે. ભારતમાં આ ટ્રેન્ડ આવી ગયો છે. મુંબઈ નજીક નેરળ અને પુણેમાં રિટાયર્ડ હોમ્સ બન્યાં છે. ભારતમાં સૌથી વધુ આવાં હોમ્સ કોઇમ્બતુરમાં છે. આ ઘર ૬૦ પ્લસ માટે બનાવવામાં આવે છે, જેને તેઓ ખરીદે અથવા રેન્ટ પર લઈ શકે. અહીં તેમને જીવન જીવવાની અફલાતૂન સુવિધાઓ આપવામાં આવે છે, પરંતુ એ માટે તેમણે પે કરવું પડે છે. અફર્કોસ, આ બધાના ચાર્જ હાઈ નથી હોતા. રિટાયર્ડમેન્ટ હોમમાં લોકો પોતાની મરજીથી જાય છે, કારણ કે આ એવી ટાઉનશિપ છે જ્યાં વડીલોને બે ટાઇમ ચા-નાસ્તો, જમવાનું ઉપરાંત રોજ ડૉક્ટર, દરેક રૂમમાં પૅનિક બટન એટલે કે તમને કોઈ પણ તકલીફ હોય તો બટન દબાવો તો મેડિકલ સ્ટાફ હાજર થઈ જાય. સેનિટેશન, ટ્રાન્સપોર્ટ, કૉમ્યુનિટી સર્વિસ સહિતની બધી જ ફૅસિલિટી અહીં તમને મળી શકે છે. વડીલો માટે કામ કરતી સંસ્થાનાં સુચેતા દલાલે ભારતનાં રિટાયર્ડમેન્ટ હોમ્સ પર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એ ઉપરથી ભારત સરકારે આ હોમ્સ કેવાં હોવાં જોઈએ એની એક ગાઇડલાઇન તૈયાર કરી છે. આ ગાઇડલાઇનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ૬ એપ્રિલે એક પૉલિસી બનાવી છે, જેથી વડીલોને ભોજન, ભજન, સ્વતંત્રતા, મિત્રો, મેડિકલ સારવાર એને હૂંફ બધું જ મળી રહે. આ બાબતે સુચેતા દલાલ કહે છે, ‘રિટાયરમેન્ટ હોમ્સ લાઇફસ્ટાઇલ ડિસિઝન છે. આ એક પ્રકારનું હૉસ્ટેલ જેવું જ છે, પણ વડીલો માટે બહુ ઉપકારક સાબિત થઈ રહ્યું છે.’

જોકે જે વડીલો પાસે પૈસા નથી એવા વડીલોની હાલત ઘરમાં અને બહાર બધે ખરાબ છે એ એક નગ્ન સત્ય છે.

columnists