૨૦૧૯ના બજેટમાં વડીલોને મળ્યો ઠેંગો

10 July, 2019 11:12 AM IST  |  મુંબઈ ડેસ્ક | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ

૨૦૧૯ના બજેટમાં વડીલોને મળ્યો ઠેંગો

પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

આજે ભારતમાં યુવાનોની સંખ્યા ભલે વધુ હોય, પણ માણસની આવરદા-લાઇફ ઍક્સ્પેટન્સી વધવાના કારણે સિનિયર સિટિઝનોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ભારતમાં સિનિયર સિટિઝનોની સંખ્યા આજે સાડાઅગિયાર કરોડને પહોંચી ગઈ છે એટલું જ નહીં, આ સંખ્યા એટલી હદે વધી રહી છે કે ૨૦૫૦માં સિનિયર સિટિઝનોની સંખ્યા લગભગ ૩૮ કરોડની આસપાસ થઈ જશે.

૨૦૧૯ના બજેટમાં સિનિયર સિટિઝનોને કશું જ આપવામાં નથી આવ્યું એમ જણાવતાં ભારતભરમાં સિનિયર સિટિઝનો માટે કામ કરતી સામાજિક સંસ્થા હેલ્પેજ ઇન્ડિયાના ડિરેક્ટર પ્રકાશ બોરગાંવકર કહે છે, ‘બજેટ વિશે મારે ઘણા સિનિયર સિટિઝનો સાથે વાત થઈ અને એ પરથી મને લાગ્યું છે કે આ બજેટ વડીલો માટે સંપૂર્ણ નિરાશાજનક છે; કારણ કે નથી પેન્શનમાં કોઈ વધારો, નથી હેલ્થ ઇન્શ્યૉરન્સ માટેની કોઈ બાબત. ઉપરથી તેમની બચત પર જે વ્યાજ મળતું હતું એ પણ ઘટી ગયું છે. ઇન્કમ ટૅક્સમાં રિબેટની વધુ કોઈ જોગવાઈ નથી અને તેમને ઉપયોગમાં આવતી ચીજો પર પણ GST લગાવવામાં આવ્યો છે એ છોગામાં.’

ભારતમાં વડીલોને પેન્શન કેટલું મળે છે?

સિનિયર સિટિઝનોને કેન્દ્ર સરકાર ઇન્દિરા ગાંધી નૅશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ અંતર્ગત દર મહિને બસો રૂપિયા પેન્શન આપે છે અને એ પણ ગરીબી રેખાની નીચે આવતા વડીલોને જ! ગરીબી રેખા નીચે કોણ આવે એ અલગ વિષય છે, પણ જે લોકોની આવક વાર્ષિક (શહેરમાં અને ગામમાં અલગ-અલગ છે) ૨૧૦૦ રૂપિયાથી ૨૪૦૦ રૂપિયા હોય એ લોકો આવે. આમાં આવી બીજી પણ ઘણી શરતો છે. હવે ગરીબી રેખાની નીચે ન આવતા હોય અને છતાં જેમની કોઈ ઇન્કમ ન હોય એવા લોકોનું શું? તેમને પેન્શન મળતું જ નથી! કેન્દ્ર સરકારની પેન્શનની આ સ્કીમ ૨૦૦૭માં નક્કી થઈ હતી, જે અંતર્ગત દર મહિને બસો રૂપિયા સિનિયર સિટિઝનોને આપવાનું નક્કી થયું હતું. એ રકમ આજ સુધી એ જ રહી છે. એની સામે મોંઘવારી કેટલીબધી વધી છે એ સૌ જાણે છે.

પેન્શન પેટે કેન્દ્ર સરકાર બસો રૂપિયા આપે પ્લસ રાજ્ય સરકાર પણ પેન્શન આપે. કેન્દ્ર સરકારનું પેન્શન ફિક્સ બસો રૂપિયા છે, પણ રાજ્ય સરકારો પોતાના બજેટ પ્રમાણે પેન્શન આપે છે, પરંતુ આ બધી જ સવલત ગરીબી રેખાની નીચે આવતા લોકો માટે જ છે. મહારાષ્ટ્ર સરકાર પેન્શન પેટે વડીલોને ૪૦૦ રૂપિયા આપે છે. કેન્દ્ર સરકારના ૨૦૦ વત્તા રાજ્ય સરકારના ૪૦૦ રૂપિયા મળીને વડીલને મહિને ૬૦૦ રૂપિયા પેન્શન પેટે મહારાષ્ટ્રમાં મળે. કોઈ રાજ્ય ૪૦૦, કોઈ ૮૦૦, કોઈ ૧૦૦૦ તો કોઈ ૨૦૦૦ રૂપિયા પણ પેન્શન વડીલોને આપે છે. સૌથી વધુ પેન્શન ૩૦૦૦ રૂપિયા તેલંગણા રાજ્ય આપે છે. દિલ્હી, ગોવા, કેરળ ને પુડુચેરી ૨૦૦૦ રૂપિયા આપે છે તો સૌથી ઓછું પેન્શન મણિપુર ૨૦૦ રૂપિયા આપે છે.

રાજ્ય સરકારો વડીલોને પેન્શન આપે છે, પણ તેમની આ યોજનાઓને કોઈ બજેટરી પ્રોવિઝન નથી હોતું. મતલબ રાજ્ય સરકારો પેન્શન ઓછું પણ કરી શકે અને બંધ પણ કરી શકે. દિલ્હીમાં ૩ મ્યુનિસિપલ કૉર્પોરેશનો કામ કરતી હતી અને સિનિયર સિટિઝનોને મહિને ૧૦૦૦ રૂપિયા પેન્શન આપતી હતી. ૨૦૧૩માં આ ત્રણ કૉર્પોરેશનો પાંચ કૉર્પોરેશનોમાં વહેંચાઈ ગઈ; જેમાંની ત્રણ નૉર્થ, ઈસ્ટ અને સાઉથ દિલ્હી કૉર્પોરેશનોએ પેન્શન આપવાનું ૨૦૧૩થી બંધ કરી દીધું છે. એનું કારણ તેઓ બજેટરી પ્રોવિઝન નહીં હોવાનું આપે છે. આ કૉર્પોરેશનોનું એમ પણ કહેવું છે કે દિલ્હી સરકારે બજેટરી ગ્રાન્ટ પણ કટ કરી દીધી છે.

પેન્શન પેટે વડીલને ૪૦૦ કે ૬૦૦ રૂપિયા કે ૩૦૦૦ રૂપિયા મળે તો પણ એમાં આજની મોંઘવારીમાં તેનો ગુજારો થઈ શકે એમ છે? અને છતાં વડીલોના પેન્શનને રિવાઇઝ કરવાની કોઈ જોગવાઈ સરકારે નથી કરી.

આતો થઈ પેન્શન મેળવનારાઓની વાત, પણ ભારતમાં ૯૦ ટકા લોકોને પેન્શન જ નથી મળતું તો જે લોકો કામ ન કરી શકે તેમ હોય, સાવ એકલા હોય, અશક્ત થઈ ગયા હોય તેમનું શું? વડીલોની કુલ સંખ્યાના ૪૦ ટકા લોકો એકલા હોય છે, જેમાં સંતાનો ન રાખતાં હોય એ પણ આવી ગયા. બીજું, ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટિઝનોની સંખ્યા પણ હવે વધી રહી છે. મહારાષ્ટ્રમાં શ્રવણ બાલ યોજના છે, પણ અગેઇન આ બધી જ યોજનાઓ ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે છે. એની ડેફિનેશન ઘણી ગહન છે.

વડીલો આખી જિંદગી કમાઈને જે પુંજી જમા કરી હોય એના વ્યાજમાંથી જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. અત્યારે બૅન્કમાં અને ફિક્સ ડિપોઝિટના વ્યાજના દર ઓછા થઈ ગયા છે એનો માર સૌથી વધુ વડીલોને પડે છે, કારણ કે મોટા ભાગના વડીલોનું ગુજરાન જ એના પર હોવાથી તેમની ઇન્કમ ઓછી થઈ ગઈ અને મોંઘવારી વધવાથી ખર્ચો વધ્યો. સાથે દવાઓ અને મેડિકલના ખર્ચ વધ્યા એ છોગામાં. વડીલોના કુલ ખર્ચમાંથી ૬૫ ટકા ખર્ચ હેલ્થને લગતા હોય છે. હવે આ બજેટમાં કમસે કમ વડીલો માટે તો વ્યાજના દર ઓછા ન થાય એવી જોગવાઈ કરવાની જરૂર હતી, જે નથી થયું.

વડીલોને જેની જરૂર પડે એ વૉકિંગ સ્ટિક, વ્હીલ-ચૅર, હિયરિંગ એઇડ, વૉકર, ડાઇપર વગેરે જેવી ચીજો પર પણ GST લગાવવામાં આવે છે. આવી વસ્તુઓ GST થી બાકાત હોવી જોઈએ.

ઇન્કમ ટૅક્સમાં રિબેટમાં પણ આ બજેટમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

વડીલો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ બહુ મોટી વાત છે. ૮૦ વર્ષથી ઉપરના લોકોને વીમા કંપનીઓ હેલ્થ ઇન્શ્યૉન્સ આપતી જ નથી. સરકારી હેલ્થ ઇન્શ્યૉરન્સ ગરીબી રેખા નીચેના લોકો માટે જ છે તો એ સિવાયના લોકો માટે શું? રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અને આયુષ્યમાન ભારત યોજના જેવી સરકારી સ્વાસ્થ્ય વીમા યોજનાઓ બે લાખ રૂપિયાનું કવર આપે છે, પણ એ ૧૮ વર્ષથી ૭૦ વર્ષના લોકો માટે જ છે તો ૭૦ વર્ષથી ઉપરના લોકો માટે શું? મહારાષ્ટ્રમાં મહાત્મા ફુલે જન આરોગ્ય સેવા યોજના છે જે સવાબે લાખ રૂપિયાનું કવર આપે છે અને બીજી એક રાજીવ ગાંધી જીવનદાયી યોજના પણ છે જેમાં બે લાખનું કન્સેશન મળે, પણ આ યોજનામાં ફૅમિલીના ચાર મેમ્બર્સનાં નામ રાખી શકાય એવી જોગવાઈ હોવાથી સંતાનો પોતાના પરિવાર એટલે કે પતિપત્ની અને તેમનાં સંતાનોનાં નામ રાખી દેતાં હોવાથી જેને ફાયદો મળવો જોઈએ એ પેરન્ટ સાઇડમાં જ જતા રહે છે.

આ પણ વાંચો : વડીલો ખાસ ધ્યાન રાખો, તમારો ફોન જ તમારું બૅન્ક-અકાઉન્ટ સાફ ન કરી નાખે

વડીલોને શું જોઈએ છે?

ઇન્કમ ટૅક્સમાં ફુલ રિબેટ. સિનિયર સિટિઝનને ૮ લાખ પર અને ૮૦ વર્ષથી વધુ વયનાઓને ૧૦ લાખ પર.

બચત યોજનાઓમાં વ્યાજના દરનો વધારો.

ઇન્દિરા ગાંધી નૅશનલ ઓલ્ડ એજ પેન્શન સ્કીમ હાલ જે ૨૦૦ રૂપિયા છે એ વધારીને ૩૦૦૦ રૂપિયા થવી જોઈએ.

પેન્શન પૂરા દેશમાં યુનિવર્સલ હોવું જોઈએ

કોઈ એવી યોજના હોવી જોઈએ જેના અંતર્ગત વ્યક્તિ કમાતી હોય ત્યારે ભલે તેની ઇન્કમમાંથી રકમ ડિડક્ટ થાય, પણ તે કામ ન કરી શકે ત્યારે તેને દર મહિને એમાંથી ચોક્કસ રકમ મળતી રહે, જેથી તે ઘડપણને માનભેર જીવી શકે.

ભારતમાં વડીલોને આર્થિક સપોર્ટની બહુ જરૂર છે અને એ નહીં હોવાથી તેમની હાલત ખરાબ થઈ જાય છે.

columnists