કેળાનું શાક તો આજે પણ ૯૫ વર્ષનાં આ દાદીએ બનાવેલું જ પરિવારને ભાવે

17 July, 2019 02:42 PM IST  |  મુંબઈ ડેસ્ક | પલ્લવી આચાર્ય - વડીલ વિશ્વ

કેળાનું શાક તો આજે પણ ૯૫ વર્ષનાં આ દાદીએ બનાવેલું જ પરિવારને ભાવે

સાકરબેન

વડીલ વિશ્વ

ઉંમર વધવા સાથે મુલુંડ (વેસ્ટ)માં રહેતાં ૯૫ વર્ષનાં સાકર હીરજી શાહ જરાય ચીડચીડિયાં નથી થયાં. હૅપી ગો લકી ટાઇપનાં આ દાદીની જિજીવિષા જબરદસ્ત પ્રબળ છે અને એ જ કદાચ તેમના આ લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય ગણી શકાય. 

સાકરબહેનને આ ઉંમરે પણ નથી ડાયાબિટીઝ, નથી કૉલેસ્ટરોલ કે નથી બ્લડ-પ્રેશર. કાંદા અને લસણ સિવાયની બધી જ વસ્તુઓ ખાય છે. ઢોસા, ઇડલી, ભેળ, સેવપૂરી સહિતની બધી જ આઇટમો ખાઈ શકે છે એટલું જ નહીં; ચટપટું ખાવાનાં તેઓ શોખીન છે. અને હા, બીજી ખાસ વાત એ કે દાદીને આઇસક્રીમ ૩૬૫ દિવસ જોઈએ એટલે જોઈએ જ. રોજ રાત્રે જમ્યા પછી જાતે જ ફ્રિજમાંથી કાઢીને આઇસક્રીમ ખાઈ લે. અમૂલનો વૅનિલા આઇસક્રીમ તેમનો ફેવરિટ છે. ફ્રિજમાં આઇસક્રીમ ખતમ થઈ ગયો હોય તો એને રીફિલ કરવા ઘરવાળાઓને તેઓ કહી દે.
પહેલેથી વર્કોહૉલિક સ્વભાવનાં સાકરબહેન આજે તેમની ચોથી પેઢી સાથે રહે છે તો પણ તેમને કામ કર્યા વિના ચેન નથી પડતું. રસોઈનો ટાઇમ હોય ત્યારે તેઓ રસોડામાં આવી જ જાય અને શાક સમારી આપે. અનાજ સાફ કરવું, કપડાંને ઘડી કરવાં જેવાં બેસીને કરી શકાય એવાં કામ કરવા ઘરના લોકો તેમને એટલા માટે આપે કે જેથી તેમનો થોડો સમય જાય અને તેમને લાગે કે તેમણે કંઈ મદદ કરી.
સાકરબહેનની હેલ્થ એટલી સારી છે કે તેઓ શાંતિથી સૂઈ શકે છે. હા, એ ખરું કે ઘરમાં બધા આવી જાય પછી જ તેમને શાંતિની ઊંઘ આવે. ઘરમાં જો કોઈ એક પણ ન આવ્યું હોય તો તેઓ જાગતાં પડ્યાં રહે. એટલે જ જો કોઈને આવવાનું મોડું થયું હોય તો તેણે તેમને કહેવું પડે કે ‘હું આવી ગયો છું, તમે સૂઈ જાઓ.’ સવારે વહેલા ઊઠી માળા ફેરવે, નિત્યક્રમ પતાવી સામાયિક વગેરે કરીને ૯ વાગ્યે તૈયાર થઈ જાય. ચા-નાસ્તો પતાવી પેપર વાંચે. પેપર અને કચ્છી પત્રિકા આવે અે વાંચવા તેમને રોજ જોઈએ. આમ રોજબરોજના સમાચાર અને સમાજની વાતોથી અપડેટ રહેવું તેમને ગમે છે.
ઉંમર જોઈને તેમને મદદ કરવા કોઈ તેમને પકડીને ચાલે એ ગમતું નથી. નિત્યક્રમ માટે કે બીજા પણ કોઈ કામમાં તેમને કોઈની મદદની જરૂર નથી હોતી. બીજા માળે રહેતાં સાકરબહેન રોજ સાંજે પોતાની જાતે જ સોસાયટીના કમ્પાઉન્ડમાં રાખેલા બાંકડે જઈને બેસે, બહેનપણીઓ મળે તો વાતો કરે અને બે કલાક પછી પાછાં પોતાની જાતે ઉપર આવતાં રહે. લોકસભાના ઇલેક્શન વખતે તેમને વોટ આપવા જવું હતું. પરિવારે તેમને કહ્યું કે આપણું બૂથ ફર્સ્ટ ફ્લોર પર છે તો તેમનો જવાબ હતો, હું ચડી જઈશ અને અફકોર્સ તેઓ વોટ આપી આવ્યાં. જોકે બૂથ પર એટલી સારી સગવડ હતી કે તેમને દાદરા ચડવા ન પડ્યા એ જુદી વાત છે, પણ પહેલા માળે લિફ્ટ વિના ચડવાનું હતું તો પણ તેઓ વોટ આપવા જવા તૈયાર થઈ ગયાં હતાં.
તેઓ રાત્રે લગભગ સાડાઆઠ વાગ્યે જમી લે છે. રાત્રે જમીને વૅનિલા આઇસક્રીમ તો ખાવાનો જ! દાદીની મેમરી આમ તો શાર્પ છે. જૂનું તેમને બધું જ યાદ છે. હા, હમણાં-હમણાં રીસન્ટ મેમરી લૉસ થઈ હોવાથી કોઈ વાર નવું ભૂલી જાય છે.
ભરતગૂંથણનો તેમને ભારે શોખ હતો. લગભગ ૫-૬ વર્ષથી જ તેમણે ભરતકામ કરવાનું બંધ કર્યું છે. ૮૮ વર્ષ સુધી તેઓ રૂમાલો, તોરણો અને ઝીણાં મોતીનું ભરતકામ કરતાં હતાં. સાકરબહેન હંમેશાં ખુશ રહેવામાં માને છે અને ક્યાંય દાદરા ચડવાના હોય અને કોઈ તેમને ખુરસીમાં બેસાડીને ચડાવવાનું કહે તો તેમને ડર લાગે છે કે તે પડી જશે. એટલે દાદરા ચડવાના હોય તો તેઓ કહે છે કે એ તો હું ધીરે-ધીરે ચડી જઈશ. તેમની જિજીવિષા ભારે પ્રબળ છે અને એટલે જ કદાચ તેઓ લાબું અને સ્વસ્થ જીવન મેળવી શક્યાં છે.
કેળાનું શાક બનાવવું હોય તો આજે પણ દાદીએ જ બનાવવાનું, કારણ કે તેમના જેવું કેળાનું શાક કોઈનું નથી થતું એમ જણાવતાં સાકરબહેનના પૌત્ર ૪૩ વર્ષના દર્શન શાંતિલાલ સાવલા કહે છે, ‘દાદી જેવું કેળાનું શાક મારાં મમ્મી કે મારાં વાઇફ કે ઘરમાં કોઈનું નથી થતું. કેળાનું શાક હજી અમને દાદીના હાથનું જ જોઈએ, તેથી આજે પણ કેળાનું શાક તો દાદીએ જ બનાવવાનું.’

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

સાકરબહેનને બે દીકરા છે જેમાંના એક શાંતિલાલભાઈના પરિવાર સાથે તેઓ રહે છે અને તેમનો એક દીકરો અશ્વિનભાઈનો પરિવાર અમદાવાદમાં રહે છે. શાંતિલાલભાઈનો એક દીકરો ઉત્કર્ષ તેની ફૅમિલી સાથે સિંગાપોર રહે છે. અઠવાડિયામાં એક વાર સાકરબહેને વિડિયો ચૅટથી સિંગાપોર ઉત્કર્ષ સાથે વાત કરવાની એટલે કરવાની જ. તેનું મોઢું અઠવાડિયે એક વાર તેમણે જોવાનું જ.
સાકરબહેન એટલાં પરિવારપ્રેમી છે કે પરિવારમાં બધા હોય ત્યારે તેઓ સૌથી વધુ ખુશખુશાલ હોય છે. સાકરબહેનના માતૃ પક્ષના અને સાસરી પક્ષના પરિવારમાં તેઓ સિનિયર મોસ્ટ છે અને આ બધામાં તેઓ એકમાત્ર હયાત વ્યક્તિ છે.
શતમ્ જીવો સાકરબા.

columnists