ભારતના એક કાયદા પ્રમાણે જો સંતાનો માબાપને ન સંભાળે તો તેમને જેલ થઈ શકે

27 February, 2019 01:52 PM IST  |  | પલ્લવી આચાર્ય

ભારતના એક કાયદા પ્રમાણે જો સંતાનો માબાપને ન સંભાળે તો તેમને જેલ થઈ શકે

પ્રતીતકાત્મક તસવીર

વડીલ વિશ્વ

સંતાનોએ પોતાની ઇન્કમમાંથી પાંચથી દસ ટકા રકમ માબાપની સંભાળ માટે તેમના બૅન્ક-અકાઉન્ટમાં કમ્પલ્સરી જમા કરાવવાનો કાયદો નેપાળમાં બનવામાં છે ત્યારે ભારતમાં પેરન્ટ્સના મેઇન્ટેનન્સ બાબતે કાયદા છે કે નહીં? જો છે તો એનો અમલ થાય છે કે નહીં? નથી થતો તો કેમ? આ ફીલ્ડ સાથે સંકળાયેલા લોકોને મળીને હકીકત જાણીએ

ભારત કે જ્યાં માતા અને પિતાને દેવ ગણવામાં આવે છે એ દેશમાં પણ હવે માતા-પિતા પ્રત્યેનો સંતાનોનો અભિગમ તદ્દન બદલાયો છે. જોકે આ સમયનો તકાજો જ ગણી શકાય. સમય અને સંજોગો બદલાવાથી અને મોંઘવારી વધવાના કારણે આજે પતિ-પત્ની બન્નેએ કામ કરવું પડે છે. હવે જ્યારે પતિ-પત્ની બન્ને કામ કરતાં હોય ત્યારે સ્વાભાવિક છે કે ઘરમાં ઘરડાં માબાપ હોય તો તેમને સાચવે કોણ? કેટલીક જગ્યાએ તો પતિ અને પત્ની જ અલગ-અલગ રહેતાં હોવાથી અઠવાડિયે કે મહિને એક વાર મળે છે. હવે દુનિયા મટીરિયલિસ્ટિક થઈ ગઈ છે, સંયુક્ત પરિવારો તૂટી રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ માટે માબાપ સંતાનોને વિદેશ મોકલે ત્યારે સાથે ન રહેવાના કારણે સંતાનોનું પેરન્ટ્સ સાથેનું અટૅચમેન્ટ કડડડભૂસ થઈ જાય છે જે માનવ સ્વભાવ છે. કેટલીક વાર માબાપ પણ એકથી વધુ સંતાન હોય ત્યારે ભેદભાવભર્યું વલણ અપનાવે છે જે બાબતને પછીથી સંતાન મનમાં રાખે ને માબાપને સાચવવાનું આવે ત્યારે આ વસ્તુ સપાટી પર લાવી પાછી પાની કરે છે. સામાન્ય લાગતાં આવાં કારણોસર હવે ભારતમાં એલ્ડર અબ્યુઝ અને મેઇન્ટેનન્સ સહિતના પ્રૉબ્લેમ્સ વધી રહ્યા છે.

તાજેતરમાં નેપાળમાં એક કાયદો બનાવવામાં આવી રહ્યો છે કે સંતાનોએ પોતાનાં માતા-પિતાના બૅન્ક-અકાઉન્ટમાં પોતાની આવકના પાંચથી દસ ટકા રકમ ફરજિયાત જમા કરાવવી પડશે. માતાપિતાના મેઇન્ટેનન્સને લઈને આવતી સમસ્યાઓના કારણે સરકાર આ કાયદો બનાવવા ચાહે છે. નેપાળમાં હાલ ૬૦ અને તેથી ઉપરની ઉંમરના લોકોની વસ્તી વધીને કુલ વસ્તીના ૧૦ ટકા થવામાં છે. ભારતમાં પણ આસામ રાજ્યમાં કંઈક આવો કાયદો છે એવું વડીલો માટે કામ કરતી સંસ્થા હેલ્પેજ ઇન્ડિયાનું કહેવું છે. આસામમાં (પેરન્ટ્સ રિસ્પૉન્સિબિલિટી ઍન્ડ નૉર્મ્સ ફૉર અકાઉન્ટેબિલિટી ઍન્ડ મૉનિટરિંગ ઍક્ટ છે. એ મુજબ માબાપના મેઇન્ટેનન્સ માટે સંતાનોની સૅલરીમાંથી ફરજિયાત ૧૫ ટકા સુધીની રકમ દર મહિને કટ થાય છે. પરંતુ આ રૂલ સ્ટેટ ગવર્નમેન્ટના એમ્પ્લૉઈ પૂરતો છે. જો પેરન્ટ્સને જરૂર ન હોય તો એ રકમ એમ્પ્લૉઈને પરત મળે છે.

જીવ છે ત્યાં સુધી સુખ અને શાંતિથી જીવવાનો દરેક વડીલને અધિકાર છે, પણ હવે વડીલો સામે અનેક સમસ્યાઓ દુનિયાભરમાં ઊભી થઈ રહી છે જેમાં ભારત પણ બાકાત નથી ત્યારે આ ફીલ્ડ સાથે સંકળાયેલા લોકોને મળીને જાણવાનો પ્રયત્ન કરીએ કે અહીં વડીલોનું ઘડપણ સુધરે એવી કોઈ સુવિધાઓ છે કે નહીં?

કાયદો છે, પણ અવેરનેસ નથી

ભારતમાં ઘરડાં માબાપના મેઇન્ટેન્સ માટે મેઇન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ ૨૦૦૭ છે જ. કેન્દ્ર સરકારે આ કાયદો બનાવ્યો છે અને એના અમલ માટે દરેક રાજ્યમાં ટ્રિબ્યુનલ છે. જો સંતાનો તેનાં માબાપને ન સાચવે, તેમની પ્રૉપર્ટી પડાવી લઈને તેમને કાઢી મૂકે તો પેરન્ટ્સ ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી શકે છે. અને એ રીતે પ્રૉપર્ટી તેમને પાછી મળી શકે એટલું જ નહીં, સંતાને મેઇન્ટેન્સ પેટે ૧૦ હજાર રૂપિયા આપવા પડે. જો સંતાનની કમાણી સારી હોય તો મોંઘવારીના હિસાબે આ રકમ વધારવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.

આપણે ત્યાં આ કાયદો છે; પણ એની જાણકારી નથી સિનિયર સિટિઝનોને, નથી પોલીસને કે નથી કાયદાના માણસોને. આ કાયદા બાબતે અવેરનેસ નહીં હોવાથી વડીલોને એનો પૂરતો લાભ નથી મળી શકતો. કાયદા બાબતે અવેરનેસ લાવવા માટે અમે જુદી-જુદી જગ્યાએ વર્કશૉપ કરી રહ્યા છીએ. મેઇન્ટેનન્સને લગતી ફરિયાદોમાં ટ્રિબ્યુનલ ૬૦ દિવસમાં નિર્ણય લે છે અને ટ્રિબ્યુનલમાં પણ જો નિર્ણય ન આવે તો હાઈ કોર્ટમાં જઈ શકાય અને હાઈ કોર્ટે આવી ફરિયાદોના નિકાલ જલદી લાવવા પડે છે.

- નિર્મલા સામંત પ્રભાવળકર (એક્સ મેયર અને ચીફ ફંક્શનરી (રીજનલ રર્સિોસ ઍન્ડ ટ્રેઇનિંગ સેન્ટર), (સેન્ટર ફૉર સ્ટડી ઑફ સોશ્યલ ચેન્જ)

૩ મહિનાની જેલની સજા થઈ શકે

ભારતમાં પાર્લમેન્ટે ૨૦૦૭માં મેઇન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ ૨૦૦૭ બનાવ્યો છે જેમાં દીકરો, દીકરાઓ કે દીકરી કે દીકરીઓ, દીકરા-દીકરી ન હોય તો વડીલ જેને પોતાની પ્રૉપર્ટી આપીને જવાના છે તે વ્યક્તિ કે સંબંધીએ તેમની સંભાળ રાખવાની હોય છે. એ પછી ૨૦૧૮માં આ કાયદામાં એક સુધારો સૂચવવામાં આવ્યો છે કે પોતાનાં સંતાનો ન હોય તો તેમને સાચવવાની જવાબદારી જો તેમણે દત્તક સંતાન લીધું હોય તો તેની અને જો વ્યક્તિએ લગ્ન જ ન કયાર઼્ હોય તો તેઓ જેને પોતાની પ્રૉપર્ટી આપીને જવાના છે તેની છે. જો તે આ ફરજ ન નિભાવે તો કાયદા મુજબ વડીલ ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી શકે. સંતાન મેઇન્ટેનન્સ આપવાની ના કહે તો તેને ૩ મહિનાની જેલની સજા થઈ શકે છે. આ કાયદા મુજબ વડીલ તેના સંતાનને પ્રૉપર્ટી આપી દે અને પછી જો દીકરો તેમને ન રાખે તો એની ફરિયાદ તેઓ ટ્રિબ્યુનલમાં કરે તો પ્રૉપર્ટી પાછી મેળવી શકે અને મેઇન્ટેન્સ પણ મેળવી શકે. દીકરો જો માબાપને ન રાખતો હોય તો તેઓ ટ્રિબ્યુનલમાં તહસીલદાર, મેઇન્ટેનન્સ ઑફિસર કે સોશ્યલ ઑફિસર પાસે જઈને ફરિયાદ કરી શકે. ફરિયાદના ૯૦ દિવસમાં તેમની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને જો સંતાન મહિને ૧૦ હજાર રૂપિયા મેઇન્ટેનન્સ આપવા રાજી ન હોય તો તેને ૩ મહિનાની જેલની સજા અથવા ૫૦૦૦ રૂપિયા દંડ થઈ શકે. ૯૦ દિવસમાં ઉકેલ ન આવે તો તેઓ હાઈ કોર્ટમાં રિટ પિટિશન ફાઇલ કરી શકે.

ટ્રિબ્યુનલમાં ફરિયાદ વ્યક્તિએ પોતે જ કરવા જવું પડે એવું નથી. ત્રીજી વ્યક્તિ એટલે કે તમારા પાડોશી, કોઈ સામાજિક સંસ્થા કે કોઈ પણ તમારા બિહાફમાં ફરિયાદ કરી શકે એવું એમાં પ્રોવિઝન છે. કાયદામાં જે સુધારા સૂચવાય છે એમાં માબાપને મેઇન્ટેનન્સ ન આપનારા સંતાનને ૩ મહિનાને બદલે ૬ મહિનાની જેલ અથવા તો દંડની રકમ ૨૫ હજાર રૂપિયા કરવા માટે સૂચવાયું છે.

મેઇન્ટેનન્સ બાબતનો આ કાયદો બન્યા પછી દરેક રાજ્યએ એના નિયમો બનાવવાના હોય છે. આ રીતે ભારતમાં ૨૧ રાજ્યોમાં આ કાયદો અમલી છે, પરંતુ આ અંતર્ગત કુલ મળીને લગભગ ૩ હજાર જેટલી જ ફરિયાદો ટ્રિબ્યુનલો પાસે આવી છે. દેશમાં સંખ્યાની રીતે જોઈએ તો અઢી કરોડ વડીલોનું જુદી-જુદી રીતે શોષણ થાય છે. પણ ફરિયાદ માત્ર ૩ હજાર જ મળી છે. એ બતાવે છે કે આ કાયદો કેટલો અસરકારક છે. આમ થવાનાં કારણો છે. સરકાર તરફથી પણ આ કાયદાની પૂરી જાહેરાત નથી થતી. લોકો આ વિશે અવેર જ નથી. પોલીસોને પણ આ કાયદાની જાણ નથી. લોકો વકીલો પાસે જાય તો ઊલટું જ થાય છે. માબાપ પણ સંતાનો માટે ફરિયાદ કરવા શરમનાં માર્યા તૈયાર નથી. કાયદામાં જણાવ્યા મુજાબ દરેક પોલીસ-સ્ટેશનમાં વડીલો માટે એક અધિકારી હોવો જોઈએ. દરેક સિટીમાં વડીલો માટેની એક હેલ્પલાઇન હોવી જોઈએ. કમિશનર ઑફ પોલીસને અધિકાર છે કે કોઈ વડીલની ફરિયાદ આવે તો સુમોટો ઍક્શન લઈ શકે. દરેક રાજ્યમાં રાજ્ય સરકારો એક ઓલ્ડ એજ હોમ બનાવે, કારણ કે જે વડીલનું કોઈ નથી તેની જવાબદારી રાજ્ય સરકારે લેવાની હોય છે. પણ આ માટે રાજ્ય સરકારો એમ કહે છે કે તેમની પાસે આ માટે પૈસા નથી. આ કાયદા બાબતે પોલીસ-અધિકારીઓને પણ અવેર કરીને ટ્રેઇન કરવાના છે. કેટલાક જજ અને વકીલોને પણ આ કાયદાની ખબર નથી તો તેમને પણ અવેર કરવાના છે.

આ કાયદામાં મેઇન્ટેનન્સ પર જોર છે; પણ ૨૦૧૮માં એમાં જે સુધારા સૂચવાય છે એમાં રોટી, કપડાં, મકાન ઉપરાંત હેલ્થકૅર, ઇમોશનલ સપોર્ટ વગેરેનો પણ સમાવેશ કરવા કહેવાયું છે.

આ ઉપરાંત મહિલાઓના રક્ષણ માટે જે ડોમેસ્ટિક વાયલન્સ ઍક્ટ બન્યો છે એમાં સિનિયર સિટિઝનોનો પણ સમાવેશ કરાયો છે. એથી આ કાયદા મુજબ તેઓ પોલીસ-સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી શકે છે.

કાયદો છે, પણ છે કાગનો વાઘ

મેઇન્ટેનન્સ માટેના ૨૦૦૭ના કાયદા પ્રમાણે આપણે ત્યાં દરેક સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટમાં ટ્રિબ્યુનલ બની છે. સિનિયર સિટિઝન મેઇન્ટેનન્સ માટે જો ત્યાં જઈને ફરિયાદ કરે અને ટ્રિબ્યુનલ ઑર્ડર પાસ કરે તો તેઓ સંતાનો પાસેથી મેઇન્ટેનન્સ મેળવી શકે છે. ટ્રિબ્યુનલ પાસે એ પાવર છે, પણ આ કાયદો માત્ર પેપર પરનો જ સાબિત થાય છે. આ કાયદો પેપર ટાઇગર-કાગનો વાઘ છે, કારણ કે એની પ્રોસેસ વડીલો માટે અસુવિધાજનક છે. આ ટ્રિબ્યુનલ મુંબઈમાં બે છે. એક બાંદરામાં છે અને એક પ્રૉપર મુંબઈમાં. હવે બોરીવલી કે દહિસરમાં રહેતી વ્યક્તિએ અહીં જવા માટે બહુ ટ્રાવેલ કરવું પડે. વળી અહીંની પ્રોસીજર માટે તેને કલાકો સુધી ત્યાં બેસવું પડે. ટ્રિબ્યુનલના ઑફિસરો ઍડ્મિનિસ્ટ્રેટિવ સ્ટાફ હોય છે, લીગલ સ્ટાફ નથી હોતા. તેથી આ લીગલ બાબતોમાં આગળ વધતાં તેમને ટાઇમ લાગે અને તેમની પાસે બીજાં ૧૦ કામ હોય. તેથી જ આ ફરિયાદોના નિકાલ માટે ફાસ્ટ ટ્રૅક કોર્ટ જેવી એક કોર્ટ બનાવવી જોઈએ. એવી એક ડેડિકેટેડ કોર્ટ બનાવવી જોઈએ જેમાં વડીલોના જ કેસનો નિકાલ થાય.

૨૦૦૭ના મેઇન્ટેનન્સના કાયદાને લઈને મહારાષ્ટ્રમાં એક રૂલ છે કે દરેક પોલીસ-સ્ટેશને પોતાના એરિયામાં આવતા સિનિયર સિટિઝનોનું એક રજિસ્ટર બનવાનું હોય છે અને દર વીકમાં તેમની મુલાકાત લઈ એ રજિસ્ટર મેઇન્ટેન કરવાનું હોય છે અને સિનિયર અધિકારીને એ સબમિટ કરવાનું હોય છે. પરંતુ મહારાષ્ટ્રમાં કે મુંબઈમાં પણ આ રૂલ ફૉલો નથી થતો. સિનિયર સિટિઝનો માટેનો આ રૂલ ફૉલો કરવાની પોલીસે જરૂર છે. જો એ ફૉલો થાય તો પોલીસ વડીલો પર થતા અત્યાચારથી વાકેફ રહી શકે.

પુત્ર કપૂત જો થાય તો માતા કુમાતા ન થાય એ ન્યાયે આપણે ત્યાં માબાપ સંતાનોની અવહેલના સહે છે, પણ તેની સામે ફરિયાદ કરવા આગળ નથી આવતાં અને બીજું, તેમને એક એ પણ ડર હોય છે કે પોતાનાં સંતાનો સામે ફરિયાદ કરવાથી પોતાના પરિવારની આબરૂ જશે. આમ તેઓ ટ્રિબ્યુનલને ફરિયાદ કરતાં અટકે છે. કેટલીક વાર તેમને ખબર નથી હોતી કે ફરિયાદ ક્યાં કરવી અને એને લઈને પોલીસ પાસે જાય તો ફૅમિલી મૅટર છે કહીને મદદ નથી મળતી. કોર્ટમાં જાય તો વકીલો લાંબી પ્રોસીજરમાં ઘસડી જાય છે. બધી સેવાભાવી સંસ્થાઓ પણ મદદ કરે એવું નથી થતું. આમ વડીલોને આ કાયદો અને ટ્રિબ્યુનલ બાબતે જાણકારી નહીં હોવાથી ફરિયાદ કરવા ચાહે ત્યારે હેરાન થઈ જાય છે.

આ પણ વાંચો : મૂળભૂત સામાજિક અધિકારો માટે વડીલોએ ક્યાં સુધી ઝૂરવું પડશે?

મેઇન્ટેનન્સનો જે કાયદો છે એમાં દીકરા અને દીકરીની સમાન ફરજ બતાવામાં આવી છે. હમણાં જ મેં ૮૦ વર્ષનાં એક મહિલાને મેઇન્ટેનન્સ માટે મદદ કરીને એ ચાલુ કરાવ્યું છે. સેવા માટે મેં તેમની મદદ કરી છે. - બેઝાદ ફિરદૌસ ઈરાની (ઍડ્વોકેટ મુંબઈ હાઈ કોર્ટ)

columnists