મૂળભૂત સામાજિક અધિકારો માટે વડીલોએ ક્યાં સુધી ઝૂરવું પડશે?

20 February, 2019 12:16 PM IST  |  | પલ્લવી આચાર્ય

મૂળભૂત સામાજિક અધિકારો માટે વડીલોએ ક્યાં સુધી ઝૂરવું પડશે?

પ્રતીકાત્મક તસવીર

વડીલ વિશ્વ

એક બુઝુર્ગ મહિલા સાઇકિયાટ્રસ્ટ તરીકે સેવા આપતાં ડૉ. જલ્પા ભુતા પાસે આવ્યાં. આ મહિલાની તકલીફ એ હતી કે તેમને વારંવાર એવું લાગ્યા કરતું હતું કે દસ્ત માટે જવું છે. આવી ફીલિંગ થવાથી તે ટૉઇલેટમાં જતી, પણ દસ્ત થતું નહીં. તેની આ તકલીફના કારણે તે વારંવાર ટૉઇલેટ જતી અને પછી તો એવું થયું કે તે દિવસમાં ત્રણથી ચાર વાર ત્યાં જતી અને જ્યારે પણ જાય બેથી ત્રણ કલાક ત્યાં જ બેસી રહેતી. તેની આ બીમારી ફિઝિકલ જરા પણ નથી, સાઇકોલૉજિકલ છે એમ જણાવતાં ડૉ. જલ્પા કહે છે, ‘પહેલાં તો તેઓ ખૂલીને કોઈ વાત કરવા જ તૈયાર નહોતાં, પણ ચારેક સેશન પછી તેમની વાતો પરથી જાણી શકાયું કે તેઓ તેમના દીકરા ને વહુ સાથે વન રૂમ-કિચનના ફ્લૅટમાં રહે છે અને વહુ તેમની સાથે સતત ઝઘડા કરતી રહે છે. તેમને બીજો દીકરો છે, પણ તેની ફાઇનૅન્શિયલ પોઝિશન નથી કે તે તેમને રાખી શકે. તેથી જે દીકરો રાખે છે તેની વહુને એમ લાગે છે કે તેઓ તેમના પર બોજરૂપ છે. આ વાતનો અહેસાસ તેમને કરાવી વહુ સતત તેમની સાથે કોઈ ને કોઈ વાતે ઝઘડતી રહેતી હોવાથી પેલી મહિલાને આ તકલીફ થઈ આવી છે.’

સમાજમાં ઇન્જસ્ટિસ એટલે કે અન્યાય બધા સાથે થાય છે. પછી એ બાળકો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય કે ઘરડાઓ હોય. આજે વર્લ્ડ સોશ્યલ જસ્ટિસ ડે છે. સોશ્યલ જસ્ટિસ એટલે શું? અહીં કોઈ ચોક્કસ વ્યક્તિ કે કોઈ ચોક્કસ સમાજ કે કોઈ ચોક્કસ વયજૂથને ક્યાં ન્યાય કે અન્યાય થાય છે એની વાત નથી. સ્વતંત્ર ભારતમાં દરેક વ્યક્તિને જીવવાનો અધિકાર છે. માનવતા અને સમાનતાની રૂએ સમાજમાં વ્યક્તિએ જે અયોગ્ય બાબતો સહેવી પડે છે એ છે સોશ્યલ ઇન્જસ્ટિસ. સમાજમાં સમાન લોકો હોય તો પણ તેમને અસમાન રીતે ટ્રીટ કરવામાં આવે અથવા તો અસમાન લોકો હોય તો પણ તેમને સમાન ટ્રીટ કરવામાં આવે તો એ સોશ્યલ ઇન્જસ્ટિસ એટલે કે અન્યાય છે. આ અન્યાય ખાસ કરીને ત્રણ રીતે થઈ શકે છે. પહેલામાં કલ્ચર, પૉલિટિક્સ, ધર્મ અને એથિક્સ વગેરેમાં જો માણસને ભેદભાવ થઈ રહ્યો હોય તો એ સોશ્યલ જસ્ટિસ નથી, ઇન્જસ્ટિસ છે. એવી જ રીતે હોમોફોબિયા એટલે કે સેક્સ્યુઅલ માઇનૉરિટીને સમાજમાં જીવવાનાં ધોરણો છે. એ જો ન પળાય તો તેમને અન્યાય થયો કહેવાય. અને ત્રીજું છે એજિઝમ એટલે કે વય વધે અને તમે ન કમાઈ શકો તો પણ તમને તમારી રીતે જીવવાનો હક છે. એમાં જો તકલીફ ઊભી થતી હોય તો એ સોશ્યલ ઇન્જસ્ટિસ છે.

સોશ્યલ જસ્ટિસને જાળવી રાખવા માટે ભારત સરકારનો ચોક્કસ વિભાગ કામ કરે છે જે વડીલોના જીવનધોરણને જાળવી રાખવા માટે પ્રયત્નો કરે છે. આજે આપણે વાત કરીશું સિનિયર સિટિઝનો સાથે કેવો ઇન્જસ્ટિસ થઈ રહ્યો છે એની. લેખની શરૂઆતમાં જે કિસ્સો વર્ણવ્યો છે એ પણ વડીલો પ્રત્યે અન્યાય જ કહી શકાય. આ વાત કરતાં પહેલાં આપણે આજે દેશમાં સિનિયર સિટિઝનોના પૉપ્યુલેશનનો સિનારિયો કેવો છે એ જોઈશું. ભારતમાં આજે ૬૦ અને તેથી વધુ વયના લોકોની સંખ્યા સાડાઅગિયાર કરોડની છે અને આમાંથી ૯૦ ટકા લોકોને પેન્શન નથી મતલબ કે તેમની કોઈ રેગ્યુલર ઇન્કમ નથી. આ સાડાઅગિયાર કરોડમાંથી ૪૦ ટકા લોકો એકલા જ રહે છે અને એમાંય ૫૩ ટકા તો સ્ત્રીઓ જ છે. અહીં એક હકીકત યાદ રહે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ જીવે છે.

વડીલો માટે કામ કરતી સંસ્થા હેલ્પેજ ઇન્ડિયાના ડિરેક્ટર પ્રકાશ બોરેગાંવકરે આ વિશે બહુ સરસ માહિતી આપતા કહે છે, ‘ભારતમાં જૉઇન્ટ ફેમિલી તૂટી રહી છે અને એનું ખરાબ પરિણામ વડીલો પર આવી ગયું છે. સંતાનો હોવા છતાં આજે ઘરડાં માબાપને કોઈ જોવાવાળું નથી. પોતાનાં સંતાનો જ જ્યાં તેમને જોતાં નથી ત્યાં બીજા કોઈ તેમને જુએ એવી આશા પણ ન રાખી શકાય. આ સિચુએશનમાં ઘડપણમાં તેમને હેલ્થ, ફાઇનૅન્સ જેવી તકલીફોમાં એકલા જ ઝઝૂમવું પડે છે અને આ સૌથી મોટો અન્યાય તેમની સાથે છે. ઉંમર વધવાની સાથે તેમની હેલ્થને લગતા ઇશ્યુમાં અનેકગણો વધારો થાય છે. કોઈ ને કોઈ બીમારી ઘેરી વળી હોય છે. ચલાય નહીં, બરાબર દેખાય નહીં, બરાબર સંભળાય નહીં ત્યારે તમારાં સંતાનોએ તમને સાચવવાં પડે. પણ આજે હાલત એવી છે કે તેમને સંભાળવા માટે તેમનાં સંતાનો તેમની સાથે નથી હોતાં, વિદેશ હોય છે અથવા તેમનાથી અલગ રહેતાં હોય છે અથવા તો સાથે રહીને પણ સંભાળ નથી લેતાં.’

૯૦ ટકા સિનિયર સિટિઝનોને ભારતમાં પેન્શન નથી. આમ આ રેગ્યુલર ઇન્કમ નહીં હોવાથી તેઓ સંતાનો પર ડિપેન્ડન્ટ થઈ જાય છે. અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ ‘બાગબાન’માં જણાવાયું છે એમ વડીલોએ અત્યાર સુધીની પોતાની મૂડી બાળકો પાછળ ખર્ચી નાખી છે એટલે તેમની પાસે હવે કોઈ ખાસ બચત પણ નથી. અને જે કોઈ થોડીઘણી બચત બૅન્કમાં છે એમાં વ્યાજના દર ઘટી જવાથી જીવનનિર્વાહ કરી શકાય એટલી આવક નથી થઈ શકતી. આની સામે મોંઘવારી વધતી જાય છે એટલે ખર્ચ વધ્યો છે. આ પણ વડીલો પ્રત્યે ઇન્જસ્ટિસ છે એવું પ્રકાશ બોરેગાંવકરનું કહેવું છે.

પોતાની કોઈ રેગ્યુલર ઇન્કમ નથી અને સંતાનો તેમને જોતાં નથી કે જીવનનિર્વાહ માટે પણ પૈસા આપતાં નથી એમાં હેલ્થને લગતા તેમના ખર્ચમાં ભારે વધારો થયો હોય છે. વડીલોના કુલ ખર્ચમાં ૬૫ ટકા ખર્ચ દવાઓ, હેલ્થ ચેકઅપ, હૉસ્પિટલાઇઝેશન વગેરેનો હોય છે. આ જરૂરી ખર્ચ હોય છે એ તેમને મળવો જ જોઈએ અને જો એ ન મળે તો સોશ્યલ ઇન્જસ્ટિસ છે. ફાઇનૅન્સને લઈને થતી તકલીફના કારણે તેઓ ઇમોશનલી પણ ડિસ્ટર્બ થઈ જાય છે.

વડીલો તરફ સમાજના લોકો પૂરતું ધ્યાન નથી આપતા હોતા. લોકો વાતે-વાતે તેમને ઉતારી પડે છે, તેમની હાંસી ઉડાવે છે, સાઠે બુદ્ધિ નાઠી જેવાં તુચ્છકારભર્યા વેણ બોલે છે. ઘર અને પરિવારમાં લોકો તમને ખબર ન પડે એમ કહી અપમાન કરે છે. સમાજમાં વડીલો જો આ રીતે અપમાનિત થતા હોય તો એ સોશ્યલ ઇન્જસ્ટિસ છે.

વડીલો આજકાલ એકલા રહેતા હોવાથી તેમને પ્રોટેક્શન મળી રહે એ જરૂરી છે. પોલીસ અને સરકારનો પણ આ બાબતે પૂરતો સહકાર તેમને નથી મળતો. આ માટે કાયદા છે, સરકારની પૉલિસીઓ છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી. એકલા રહેતા વડીલોનું લિસ્ટ નજીકના પોલીસ-સ્ટેશને તૈયાર કરવું જોઈએ. દરેક પોલીસ-સ્ટેશનને પોતાના એરિયાના એકલા રહેતા વડીલોની રજેરજ માહિતી હોવી જોઈએ. ઉપરાંત વીકમાં એક વાર પોલીસે પોતાના એરિયાના વડીલોની વિઝિટ કરવી જોઈએ, પણ આવું કંઈ થતું નથી એમ જણાવતાં પ્રકાશ બોરેગાંવકર કહે છે, ‘મહારાષ્ટ્ર સરકારે સ્ટેટ પૉલિસી ફૉર ઓલ્ડર પર્સન ૨૦૧૦માં બનાવી, ૨૦૧૩માં ડિક્લેર કરી ૨૦૧૮માં એનો ગવર્મેન્ટ રેઝોલ્યુશન કાઢ્યો પણ બજેટમાં હજી એને પ્રોવિઝન આપવામાં નથી આવ્યું. હવે તમે કહો જો બજેટમાં જ કોઈ પ્રોવિઝન ન હોય તો પૉલિસી ઇãમ્પ્લમેન્ટ કેવી રીતે થઈ શકે? આ બધો સોશ્યલ ઇન્જસ્ટિસ નથી તો શું છે?’

આવી જ રીતે ૨૦૦૭માં પેરન્ટના મેઇન્ટેનન્સ માટેનો કાયદો મેઇન્ટેનન્સ ઍન્ડ વેલ્ફેર ઑફ પેરન્ટ્સ ઍન્ડ સિનિયર સિટિઝન ઍક્ટ ૨૦૦૭ બન્યો છે, પણ એ આજ સુધી એટલે કે કાયદો બન્યાનાં ૧૨ વર્ષ પછી પણ ઇãમ્પ્લમેન્ટની રાહ જોઈ રહ્યો છે. સંતાનો અથવા તો રિલેટિવ્સ માબાપની કે કોઈ પણ વડીલની પ્રૉપર્ટી પડાવી લે અને પછી તેમની સંભાળ ન લે તો આ કાયદો વડીલોને તેમની પ્રૉપર્ટી પાછી અપાવી શકે છે, પણ એનું ઇãમ્પ્લમેન્ટેશન નથી થયું અને એ પણ સોશ્યલ ઇન્જસ્ટિસ છે.

એલ્ડર અબ્યુઝ પછી એ શારીરિક હોય, ફાઇનૅન્શિયલ હોય કે માનસિક હોય; એ ઇન્જસ્ટિસ છે. સાઇકિયાટ્રસ્ટ ડૉ. જલ્પા ભુતા વડીલોની હાલતને વધુ સ્પક્ટ કરતાં કહે છે, ‘કેટલાક લોકો વડીલોને પોતાની સાથે રાખે છે, પણ તેમની સાથે વાતચીત પણ નથી કરતા. તેમને દવાના પૂરા પૈસા નથી આપતા કે એ માટે ટટળાવે છે, તેમની કોઈ જ આર્થિક જવાબદારીઓ પૂરી નથી કરતા. તેમનું અપમાન કરે છે અને તેમને રાખે તો એવું રોજ બતાવે કે તેઓ તેમના પર બોજ છે. ક્યારેક માર મારીને તેમને ઘરની બહાર કાઢી મૂકે છે. પ્રૉપર્ટી પડાવી લે છે. આ બધા સામે વડીલો બોલી પણ નથી શકતા એવું સમજીને કે જો બોલશે તો આ જે થોડીઘણી વસ્તુઓ મળે છે એ પણ બંધ થઈ જશે. તેથી તેઓ પૂછવા છતાં પણ બધું સારું છે એમ કહી બોલતા નથી અને મનમાં જ ઘૂંટાયે રાખે છે. આ બધાની અસર તેમની માનસિક હેલ્થ પર થાય છે. તેમની ખરાબ માનસિક હાલતની અસર તેમના શરીર પર થાય છે અને અનેક રોગો અને પીડાઓનો ભોગ બની રિબાય છે.’

આ પણ વાંચો : રેડિયો એટલે રેડિયો જ

જલ્પા ભુતાને ત્યાં એક વડીલ આવ્યા હતા જેમના કાનમાં સતત અવાજ સંભળાતો હતો. કાન અને માથામાં સખત બળતરા થતી હતી. અનેક દવાઓ કરી લીધા છતાં કોઈ ફરક ન પડ્યો પછી કોઈ શુભેચ્છક તેમને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ આવ્યો ત્યારે વાતોથી ખબર પડી કે ઘરમાં સતત તેમની અવગણના થઈ રહી હતી. તેમને હંમેશાં ક્રિટિસાઇઝ કરવામાં આવતા હતા. આ કારણે તકલીફ થઈ આવી હતી.

તો આ છે આપડા ઘરડા માતા પિતાની હાલત!

કેટલાક લોકો વડીલોને પોતાની સાથે રાખે છે, પણ તેમની સાથે વાતચીત પણ નથી કરતા. તેમને દવાના પૂરા પૈસા નથી આપતા કે એ માટે ટટળાવે છે. તેમની કોઈ જ આર્થિક જવાબદારીઓ પૂરી નથી કરતા. તેમનું અપમાન કરે છે અને તેમને રાખે તો એવું રોજ બતાવે કે તેઓ તેમના પર બોજ છે. ક્યારેક માર મારીને ઘરની બહાર કાઢી મૂકે છે - ડૉ. જલ્પા ભુતા, સાઇકિયાટ્રિસ્ટ

મહારાષ્ટ્ર સરકારે સ્ટેટ પૉલિસી ફૉર ઓલ્ડર પર્સન ૨૦૧૦માં બનાવી ૨૦૧૩માં ડિક્લેર કરી ૨૦૧૮માં એનો GR (ગવનર્મેન્ટ રેઝોલ્યુશન) કાઢ્યો, પણ બજેટમાં હજી એને પ્રોવિઝન આપવામાં નથી આવ્યું. હવે તમે કહો, જો બજેટમાં જ કોઈ પ્રોવિઝન ન હોય તો પૉલિસી ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થઈ શકે? આ બધું સોશ્યલ ઇન્જસ્ટિસ નથી તો શું છે? - પ્રકાશ બોરેગાંવકર, ડિરેક્ટર ઑફ હેલ્પેજ ઇન્ડિયા

columnists