ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે કૉર્પોરેટ કંપનીઓના અનોખા ઇનિશ્યેટિવ્સ

08 April, 2020 06:03 PM IST  |  Mumbai | Ruchita Shah

ઘરેથી કામ કરતા કર્મચારીઓ માટે કૉર્પોરેટ કંપનીઓના અનોખા ઇનિશ્યેટિવ્સ

ફાઈલ ફોટો

ઘરેથી કામ કરવું લાગે છે એટલું સરળ નથી, કારણ કે એમાં તમારી ઘર માટેની જવાબદારીઓ ઉમેરાતી હોય છે અને વચ્ચે-વચ્ચે ઑફિસના કામમાં બ્રેક પડતા રહે છે. બીજી બાજુ સતત એ જ માહોલ અને અત્યારની અનિશ્ચિત પરિસ્થિતિઓને કારણે એક જુદા પ્રકારની માનસિક તાણ પેદા થતી હોય છે. જોકે આજના જમાનાની કૉર્પોરેટ કંપનીઓ પોતાના એમ્પ્લૉઈની સ્થિતિને લઈને સજાગ છે. આજે મુંબઈની કેટલીક કંપનીઓએ વર્ક ફ્રૉમ હોમ કરી રહેલા પોતાના કર્મચારીઓ માટે કેવી વ્યવસ્થાઓ કરી છે એના વિશે જાણીએ

#EumeStayHomeHero નામના કૅમ્પેન અંતર્ગત એક લાખનું ઇનામ આપશે આ કંપની

એવોન લાઇફસ્ટાઇલ નામની કંપનીના માલિક સંજય પારેખ પોતાના ૪૫ ઑફિસ એમ્પ્લૉઈ અને ૨૫૦ જૉબ વર્કરોને ધ્યાનમાં રાખીને કેટલીક પ્રવૃત્તિ કરી રહ્યા છે. સંજયભાઈ કહે છે, ‘અમે અમ્બ્રેલા, બૅગ્સ બનાવીએ છીએ. તાજેતરમાં અમે યુનિક એવી મસાજર બૅકપૅક લૉન્ચ કરી છે જેનું કામ જ વ્યક્તિને સ્ટ્રેસ-ફ્રી કરવાનું છે. એક વસ્તુ બધા જાણે છે કે આવનારો સમય ટફ છે અને એને ડીલ કરવા માટે હવે બધાએ ભેગા મળીને વિચારવું પડશે અને સાથે મળીને સોલ્યુશન પર કામ કરવું પડશે. આ બાબતમાં સતત અમારા કર્મચારીઓને ઇન્વૉલ્વ કરીએ છીએ. અમે લોકોને આઉટ ઑફ ધ બૉક્સ વિચારવા માટે કહી રહ્યા છીએ. એમ કહોને કે અત્યારે તેમની ઑન્ટ્રપ્રનર તરીકેની ટ્રેઇનિંગ ચાલી રહી છે. તમારી જ કંપની છે અને હવે આ સંજોગોમાં લૉકડાઉન ખૂલ્યા પછી કંપનીને કઈ રીતે પ્રોગ્રેસની દિશામાં લઈ જશો. તમે વ્યક્તિગત ધોરણે શું કરશો અને અગ્રેસિવલી કેવી રીતે કામ કરશો એ બાબતને લગતા ટાસ્ક આપીએ છીએ. ૨૫૦ જૉબ વર્કર માટે અમે ખાવાપીવાની વ્યવસ્થા કરી છે. બીજું, અમે ઘરે રહીને શું કરવું એ બાબતને લઈને લોકોની ગૂંચવણ ટાળવા માટે એક યુનિક કૉમ્પિટિશનનું આયોજન કર્યું છે. #EumeStayHomeHero #DoTheUndone હૅશટૅગ સાથે એક અનોખું કૅમ્પેન ઇન્સ્ટાગ્રામ પર શરૂ કર્યું છે જેમાં લોકોને ઘરે રહીને પોતાનામાં રહેલી અનોખી ટૅલન્ટને ઇન્સ્ટાગ્રામ પર @EUMEWORLDને ટૅગ કરીને શૅર કરો. જેના માટે અમે પહેલું ઇનામ પચાસ હજાર, બીજાં બે ઇનામ ૨૫ હજારનાં રાખ્યાં છે અને ૬૭૯૯ રૂપિયાની દસ જણને દસ બૅકપૅક પણ પ્રાઇઝમાં આપવામાં આવશે. અમારા એમ્પ્લૉઈ મન લગાવીને આમાં લાગી ગયા છે.’

અનેક ક્રીએટિવ આઇડિયા અપનાવ્યા છે આ ડિજિટલ કંપનીએ

માઇક્રોવેવ મેસેજ મોકલે છે કે હું તમારી મમ્મીના હાથનું ખાવાનું મિસ કરું છું, ઑફિસની ચૅર કહે છે કે બપોરના લંચ પછીનું તમારું એક્સ્ટ્રા વજન હું મિસ કરું છું. ઑફિસની જુદી-જુદી વસ્તુના ફોટો સાથેના આવા મેસેજિસ ગોઝુપર્સ નામની ડિજિટલ માર્કેટિંગ કંપનીના વૉટ્સઍપ ગ્રુપ પર શૅર થઈ રહ્યા છે. થોડાક સમય પહેલાં તેમણે બેસ્ટ મિમ કૉમ્પિટિશન કંપનીના એમ્પ્લૉઈ માટે રાખી હતી. ૧૮૦ જણનો સ્ટાફ ધરાવતી આ કંપનીના ઓનર રોહન ભાનુશાલી કહે છે, ‘મુંબઈ સિવાયના શહેરમાં પણ અમારા એમ્પ્લૉઈ  છે. કેટલાક સાવ એકલા રહે છે. આ લૉકડાઉનમાં તેઓ વધુ એકલું ફીલ ન કરે એના માટે અમે સતત લાઇવ પ્રયોગો કરતા રહીએ છીએ. ઑનલાઇન ગેમ્સ રમીએ છીએ, ઝૂમ પર મેડિટેશન, યોગ, ફિઝિકલ એક્સરસાઇઝ કરીએ છીએ, બર્થ-ડે સેલિબ્રેશન કરીએ છીએ. બીજું એક મહત્ત્વનું સ્ટેપ લીધું છે કે અમે કંપનીનું કોવિડ ૧૯ માટેનું ગ્રુપ ઇન્શ્યૉરન્સ લઈ લીધું છે એટલે એ બાબતમાં દરેક વ્યક્તિ સિક્યૉર ફીલ કરી શકે. વધુ એક મહત્ત્વની બાબત છે જેને દરેક એમ્પ્લૉયરે ધ્યાનમાં રાખવાની છે આ ટફ ટાઇમે. એ છે ટ્રાન્સપરન્ટ કમ્યુનિકેશન. અત્યારે ન્યુઝ આવી રહ્યા છે કે લોકો જૉબલેસ થઈ રહ્યા છે. માર્કેટ ડાઉન છે. આ બાબતને લઈને એક ભરોસો અમે કર્મચારીઓમાં ડેવલપ કરી રહ્યા છીએ. આ બાબતોને લઈને એક પારદર્શિતા રાખી છે. એ સિવાય સિનિયર દ્વારા જુનિયર્સને ટ્રેઇનિંગ અપાઈ રહી છે. અમારી કંપનીના અંતર્ગત જ વન સ્મૉલ સ્ટેપ નામનો સોશ્યલ ઇનિશ્યેટિવ છે જેમાં હજારથી વધુ સ્લમ એરિયામાં સંકળાયેલા લોકો જોડાયેલા છે. અત્યારે અમે લોકોને એ કામમાં પણ ઑક્યુપાય રાખ્યા છે. કોઈ આઇડિયેશનનું કામ કરે છે, કોઈ માર્કેટિંગનું, કોઈ ફન્ડ રેઇઝિંગનું. આ બધાને કારણે પણ સ્ટાફમાં એક પૉઝિટિવિટી આવી રહી છે કે જો સોસાયટીનું ધ્યાન રાખી રહ્યા છીએ તો સ્ટાફનું તો રાખીશું જ.’

હવે તો એમ્પ્લૉઈ પાર્ટ ઓફ ધ ફૅમિલી છે, ધ્યાન તો રાખવું જ પડે

ડેલોઇટ નામની મલ્ટિનેશનલ કંપનીમાં ઓડિટ પાર્ટનર તરીકે સક્રિય સમીર શાહે પણ પોતાના અંતર્ગત આવતા એમ્પ્લૉઈ માટે ટ્રેઇનિંગ પ્રોગ્રામ શરૂ કર્યા છે. તેઓ કહે છે, ‘અત્યારે આપણે જે વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છીએ એ સ્થિતિ કદાચ હજી લંબાય એવી સંભાવના જણાઈ રહી છે. એ વધે તો એમાં ઉચાટ લાવવાનો કોઈ અર્થ નથી, કારણ કે વિશ્વમાં દાવાનળની જેમ ફેલાઈ રહેલા વાઇરસને કાબૂમાં રાખવાનો આ એકમાત્ર ઉપાય છે. હવે પ્રશ્ન છે કે આ સ્થિતિમાં કેવી રીતે આપણે સ્વસ્થ અને એનર્જેટિક રહેવું? બસ, આનો જ ઇલાજ અમે શોધી રહ્યા છીએ. આમ તો અમારી કંપનીમાં ઘણા વિભાગો છે પરંતુ માત્ર ઑડિટમાં જ લગભગ ૯૦૦ જેટલા એમ્પ્લૉઈ છે. ઑડિટમાં હું પાર્ટનર હોવાને નાતે કેટલાક ઇનિશ્યેટિવ અમે શરૂ કર્યા છે. જેમ કે આ નવસો જણ માટે અમે ઑનલાઇન યોગ સેશન શરૂ કર્યા છે. કેટલાક મોટિવેશનલ સેમિનાર્સ લઈ રહ્યા છીએ. ઘરે કામ કરી રહેલા કર્મચારીના ઉત્સાહમાં કમી ન આવવી જોઈએ. તેના કામમાં કચાશ પણ ન રહેવી જોઈએ. ટેક્નૉલૉજીને કારણે અમે અમારું કામ ખૂબ જ સરળતાથી ઘરેથી કરી શકીએ છીએ. લૉકડાઉન પિરિયડ લંબાઈ જાય તો એના માટે પણ અમે તૈયાર છીએ. એક બાબત આપણે સૌએ ધ્યાનમાં લેવા જેવી છે કે અત્યારે આપણે ત્યાં લગભગ ૮૦ હજાર લોકોની આસપાસના લોકોનું ટેસ્ટિંગ થયું છે. સવાસો કરોડ જનતામાંથી માત્ર ૮૦ હજાર. અત્યારે જે આંકડા મળી રહ્યા છે એના કરતાં વાઇરસથી ગ્રસ્ત લોકોની સંખ્યા ડેફિનેટલી વધારે હોઈ શકે છે એવા સમયે પ્રિકૉશન્સની આપણી જવાબદારી વધી જાય છે. એમ્પ્લૉઈ માટેના અમારા પ્રોગ્રામમાં તેમના સંબંધીઓ પણ જોડાઈ રહ્યા છે. યોગ, મેડિટેશન, પૉઝિટિવ થિન્કિંગ, સ્ટ્રેસ મૅનેજમેન્ટના સેમિનાર્સ લઈને અમે કર્મચારીઓને હેલ્ધી બૉડી અને હેલ્ધી માઇન્ડની દિશામાં વાળવાના પ્રયાસો કરી રહ્યા છીએ.’

પોતાની કંપનીના મેમ્બર્સ અને બીજાને પણ ટ્રેઇન કરી રહ્યાા છે આ ભાઈ

હાર્ટ પેશન્ટને રનિંગ માટે ટ્રેઇન કરતા પી. વેંકટરામને જ્યારથી લૉકડાઉન શરૂ થયું છે ત્યારથી યુટ્યુબ પર YouToo CanRun નામની પોતાની ચૅનલ પર સવારે સાત વાગ્યે લાઇવ સેશન શરૂ કર્યા છે જેમાં બિગિનર પણ કરી શકે એવી કસરતો, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, મેડિટેશન અને રોજ એક ફિઝિકલ આસ્પેક્ટની માહિતી તેઓ લગભગ પચાસ મિનિટ માટે શૅર કરે છે. જે લોકો સાત વાગ્યે ન જોઈ શકે એ લોકો પોતાની અનુકૂળતાએ જોઈ શકે છે. પી. વેંકટરામન કહે છે, ‘યુ ટૂ કૅન રનમાં પણ લગભગ ૨૫ જેટલા લોકો કામ કરી રહ્યા છે. મારી સાથે કેટલીક મોટી અને જાણીતી કંપનીઓ જોડાયેલી છે. તેમને ધ્યાનમાં રાખીને એક કલાકના ફિટનેસ સેશન શરૂ કર્યા છે. પહેલાં પૉશ્ચર કરેક્શન થાય, પછી વૉર્મઅપ, પછી સ્ટ્રેચિંગ અને પછી સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ હોય. રોજ એક મેડિકલ ફૅક્ટ શૅર કરું જેથી લોકોને થોડુંક નૉલેજ પણ મળે. છેલ્લે કૂલડાઉનમાં મેડિટેશન, શવાસન પણ કરાવું છું.’

columnists ruchita shah