ઉમ્ર પચપન કી દિલ પંદ્રહ કા

06 May, 2021 12:11 PM IST  |  Mumbai | Alpa Nirmal

આંટો મારીને આવું છું એમ કહીને પરેશ મહેતા બાઇક પર ક્યારેક સાપુતારા પહોંચી જાય છે તો ક્યારેક માલશેજ ઘાટ, ૪૫ વર્ષની વયે સ્કૂલ લવને રીઍક્ટિવેટ કરનારા આ બાઇકરે કેવી-કેવી સફરો કરી છે એ રોમાંચક છે

પરેશ મેહતા

૧૮ વર્ષના એન્થુઝિઍસ્ટિક છોકરાને તેના બર્થ-ડે પર પેરન્ટ્સ તરફથી શું ગિફ્ટ મળવાની ઝંખના હોય? લેટેસ્ટ ફીચર્સ ધરાવતું સ્માર્ટ ઍન્ડ સુપર બાઇક, રાઇટ? હાથમાં પાકો પરવાનો આવે ને સાથે જ સેક્સી બાઇક મળે ત્યારે તેને ટૉપ ધ વર્લ્ડ હોવાની જ અનુભૂતિ થાય અને ડિટ્ટો એવી જ લાગણી થઈ ગોરેગામ (વેસ્ટ)માં રહેતા પરેશ મહેતાને જ્યારે ગયા મહિને તેમણે તેમના પંચાવનમા બર્થ-ડેના દિવસે ડ્રીમ બાઇકની ડિલિવરી લીધી. યસ, ઉંમરના એ પડાવે જ્યારે વ્યક્તિ શોખ કરતાં સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપે, કિક કરતાં કન્ફર્ટને વધુ ઇમ્પોર્ટન્સ આપે ત્યારે પરેશભાઈએ ફરી બાઇકિંગ શરૂ કર્યું છે અને મહારાષ્ટ્રના ઑલમોસ્ટ ઑલ બીચ, ઘાટ, કિલ્લા, ચંડીગઢથી કારગિલ, લેહ થઈ મનાલી, રણ ઑફ કચ્છ, ગોવા, ભાવનગર, ગુજરાત - મહારાષ્ટ્રના અનેક સિટી સુધીનું બાઇકિંગ કર્યું છે.
ઇલેક્ટ્રિક મોટર પાર્ટ્સનું કામકાજ કરતા પરેશભાઈ પોતાને વળગેલા બાઇકિંગના કીડાની શરૂઆત ક્યારથી થઈ એ વિશે વાત કરતાં કહે છે, ‘સ્કૂલમાં ચોથા-પાંચમા ધોરણથી ધમાધમ સાઇકલ ચલાવતો. આજથી ૪૦-૪૨ વર્ષ પહેલાં બહુ દૂર-દૂર જવાની સ્વતંત્રતા નહોતી, પણ ઘર અને સ્કૂલની આજુબાજુ ખૂબ સાઇક્લિંગ કરતો. ટેન્થમાં આવ્યો ત્યારે મુંબઈથી માથેરાન સુધીનું સાઇક્લિંગ કર્યું પણ સાઇક્લિંગનો ક્રેઝ આગળ ન વધ્યો, કારણ કે પછી ફોકસ હતું કાકાના લ્યુના પર. મારા મોટા ભાઈ પણ લ્યુના ચલાવે અને હું પણ. જોકે એ વખતે અમે ચોરીછૂપીથી મોપેડ ચલાવતા, કારણ કે હજી ઉંમર નહોતી થઈ. ૧૫ જ વર્ષનો હતો હું. પણ કાકા બપોરે જમવા આવે ને સાંજે ઑફિસથી ઘરે આવે ત્યારે બંદા મોપેડની સામે ગોઠવાઈ જાય. મોપેડને જોયા કરું, મેકૅનિઝમ સમજું અને ચાન્સ મળે એટલે રફુચક્કર. મને એમ કે છુપાઈને ચલાવું છું, ઘરમાં કોઈને ખબર નથી. પણ ઍક્ચ્યુઅલી મમ્મી, પપ્પા, કાકા, ભાઈ બધાને ખબર હતી કે પરેશ ક્યાં છે.’
વેલ, પરેશભાઈના ફર્સ્ટ લવ વિશે પરિવારજનોને ખબર હતી એટલે કૉલેજમાં હતા ત્યારે ૧૯ વર્ષે પપ્પાએ બાઇક લઈ આપી. અને ચાર બાઇકપ્રેમી ફ્રેન્ડ્સ સાથે દોસ્તી થઈ પછી તો એ ચારની ચોકડી અને મોટાભાઈ, એવું સંયોજન થયું કે એ સમયે માર્કેટમાં મળતી બધી જ બાઇક આ મંડળી ટ્રાય કરતી. એક દીકરી અને એક દીકરાના પિતા પરેશભાઈ કહે છે, ‘પી.એચડી. કરી નાખ્યું હતું અમે બાઇકોલૉજી ઉપર. કોનાં કયાં ફીચર્સ સારાં છે તો કઈ બાઇકનાં શું લિમિટેશન છે. એ બધું નૉલેજ અમને મોઢે હતું અને એક સમય એવો આવ્યો કે મારા અને ભાઈ વચ્ચે ત્રણ બાઇક હતી અમારી પાસે. બાઇક હોવા છતાં એ સમયે અમે બહુ લૉન્ગ ટૂર નહોતા કરતા, કારણ કે આનાં કોઈ ગ્રુપ નહોતાં અથવા મને એના વિશે ખબર નહોતી. બસ, મુંબઈની આસપાસ, લોનાવલા, નાશિક, બોરડી સુધી જતા. કૉલેજ છૂટી પછી તો ફોકસ કરીઅર અને બિઝનેસમાં ડાઇવર્ટ થઈ ગયું.’’
બ્રેક કે બાદ...
૨૦૧૦ના વન ફાઇન ડે ફરી બાઇકિંગનો કીડો સળવળ્યો અને થઈ ગઈ બાઇકની સ્ટડી ચાલુ. પરેશભાઈ કહે છે, ‘સી, બાઇકનો ક્રેઝ ઓછો નહોતો થયો પણ સાઇડમાં ધકેલાઈ ગયો હતો. એનું એક કારણ એ પણ હતું કે મારો દીકરો ત્યારે ૧૫-૧૬ વર્ષનો હતો. હું બાઇક લઉં અને તેને પણ મારી જેમ એનો ચસકો લાગે તો? એ બાબતે અમે થોડા ઇનસિક્યૉર હતા. એટલે બે વર્ષ તો મેં બાઇક ન ખરીદી પણ દીકરાને રાઇડિંગમાં બહુ રસ નહોતો એટલે ૭ વર્ષ પછી મેં ફરી મોટરસાઇકલ ખરીદી.’ 
પછી તો ઇન્ટરનેટના વ્યાપે તેમને બાઇકરાઇડર્સના વિવિધ ગ્રુપનો પરિચય થયો અને મિડ એજમાં રીઍક્ટિવેટ થયો એ સ્કૂલ લવ. પરેશ ભાઈ કહે છે, ‘ગ્રુપમાં જૉઇન થાઓને એટલે તમારામાં એક ડિસિપ્લિન આવે. સેલ્ફ સેફ્ટી ગિયર્સનું મહત્ત્વ સમજાય. એક સમયે હેલ્મેટથી કંટાળીને મેં રાઇડિંગ છોડી દીધું હતું એ ગ્રુપના અન્વયે ફક્ત હેલ્મેટ નહીં, ખાસ શૂઝ, ની-પૅડ, એલ્બો-પૅડ જૅકેટ પહેરીને મોટરસાઇકલ ચલાવતો થઈ ગયો.’
... ને શરૂ થઈ બાઇકિંગ ચૅલેન્જ 
૨૦૧૩-૨૦૧૪માં તો પરેશભાઈએ એટલું બાઇકિંગ કર્યું જાણે છૂટી ગયેલાં વર્ષોનું સાટુ વાળવું હોય. દર પંદર દિવસે કોંકણના ઘાટ, બીચ, કિલ્લાએ પહોંચી જાય. અને એ જ વર્ષે મુંબઈ ટુ ગોવા પણ ગયા. પરેશભાઈ કહે છે, ‘બાઇકિંગની પ્રૅક્ટિસ થઈ રહી હતી. ગોવાની સોલો ટ્રિપ પણ કરી એટલે કૉન્ફિડન્સ પરત આવી ગયો ને દરેક બાઇકરની જેમ મારું પણ લેહ-લદાખના બાઇકિંગનું સપનું સળવળ્યું અને નેક્સ્ટ યર જ ઊપડી ગયો એ રૂટ પર. અમારા ૧૫ જણના ગ્રુપમાં હું એલ્ડેસ્ટ. ૧૦ જણ તો એવા હતા જેના કરતાં મારા લાઇસન્સની એજ વધારે હતી. બટ, આ યંગ બ્રિગેડે મને બહુ સપોર્ટ કર્યો. તેઓ કહેતા કે તમારું પૅશન જોઈ અમે એન્કરેજ થઈએ છીએ. આ શબ્દો મારો પણ પાવર વધારતા.’
ચંડીગઢ-શ્રીનગર-કારગિલ-લેહ-ખારડુંગલા-મનાલીની એ ટૂર બહુ ચૅલેન્જિંગ હતી. સ્નોફૉલ, લાઇવ નદી, પથરાળ રસ્તા, ખુલ્લાં મેદાનો, ડેડલી ડુંગરાઓના ખતરનાક ઘાટ, અચાનક બદલાતા વેધર સાથેનું બાઇકિંગ પરેશભાઈને લાઇફ ટાઇમ મેમરી આપી ગયું. પરેશભાઈ કહે છે, ‘દરરોજ નવા પડકારો હતા, પણ અમે ક્યાંય અટક્યા નહીં એ પ્રકૃતિનો પાડ. શ્રીનગરમાં સ્થાનિકોના વરવા અનુભવો થયા, ખારડુંગલામાં કન્ટિન્યુ હિમ પ્રપાત, પૅન્ગૉન્ગ લેક જતાં રસ્તામાં આવતા પાગલ નાળામાં ધસમસતા પાણીમાં સામે પ્રવાહે જવું, સરચુમાં લૅન્ડ સ્લાઇડિંગ એવી અનેક કસોટીઓ થઈ. બટ, અમારું મિશન કમ્પ્લીટ થયું. ઑલ વૉઝ વેલ બિકોઝ ઇટ એન્ડેડ વેલ. ઘરે આવ્યા પછી આ અનુભવો વિશે કોઈને વાત કરીએ કે હું પણ યાદ કરું તો એમ થાય કે ક્યાંથી આવી શક્તિ આવી હશે એ સમયે?’’
એના પછીના વર્ષે રણ ઑફ કચ્છની બાઇક ટૂર વિશે વાત કરતાં પરેશભાઈ કહે છે, ‘કચ્છ પહોંચવા અમે દ્વારકા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સનસેટના ફોટોઝ લેવામાં હું ગ્રુપથી પાછળ રહી ગયો. અંધારું થઈ ગયુ અને બાઇકની હેડલાઇટ ચાલુ કરું તો થાય જ નહીં. ટેઇલ લાઇટ કે સિગ્નલ લાઇટ પણ નહીં. કદાચ કાંઈ ઇલેક્ટ્રિક સર્કિટમાં પ્રૉબ્લેમ થઈ ગયો હશે. લોન્લી રસ્તો હતો. કોઈ માનવ વસાહતો તો નહી જ સાથે  કોઈ વાહનોની અવરજવર પણ નહીં. ત્યારે મોબાઇલની ટૉર્ચથી એ રસ્તો કાપ્યો.’
મૌકે કી તલાશ જારી...
૨૦૧૯ના એપ્રિલમાં પરેશભાઈની ડૉટરનાં મૅરેજ નક્કી થયાં એટલે એની તૈયારીમાં તેમણે બાઇકિંગ ઓછું કરી દીધું. વીક-એન્ડનો સમય ખરીદી કે અન્ય તૈયારી માટે ફાળવવો પડતો એટલે રેગ્યુલરલી લૉન્ગ બાઇકિંગ નહોતું થતું પણ બૉડીનો એન્ડ્યૉરન્સ રહે એ માટે ડેઇલી થોડો સમય ચોક્કસ ફાળવતાં અને આ દરમિયાન તેમને સર્વાઇકલ સ્પૉન્ડિલાઇટિસનો ઇશ્યુ થયો. પછી વર્ટિગોએ દસ્તક દીધી. એનું મેડિકેશન, એક્સરસાઇઝ ચાલુ કર્યાં અને ધીમે-ધીમે રિકવર થતું હતું ત્યાં તો ગયા માર્ચમાં આવ્યું લૉકડાઉન. અને દેશ સાથે પરેશભાઈની બાઇકનાં પૈડાં પણ થંભી ગયાં. ખેર, આ વર્ષની શરૂઆતમાં હી વૉઝ બૅક ઇન પાવર અને ફરીથી થોડું-થોડું બાઇકિંગ શરૂ કર્યું. ફુલ ફ્લેજ્ડમાં આવવા માટે એપ્રિલની પાંચ તારીખે નવી લેટેસ્ટ બાઇક ખરીદી બટ, અગેઇન કોરોનાની સેકન્ડ વેવને કારણે સમરનું ઍડ્વેન્ચર મોકૂફ રાખવું પડ્યું. વેલ, અંતે અમે પૂછ્યું, પંચાવન વર્ષની ઉંમરે હજી ટીનેજર જેવો શોખ હોવો અનયુઝ્અલ નથી? એના જવાબમાં પરેશભાઈ કહે છે, ‘યુ શુડ નૉટ સ્ટૉપ રાઇડિંગ વેન યુ ગેટ ઓલ્ડ. ઇન ફૅક્ટ, યુ ગેટ ઓલ્ડ વેન યુ સ્ટૉપ રાઇડિંગ.’

 દ્વારકા પાસે સનસેટના ફોટોઝ લેવામાં હું ગ્રુપથી પાછળ રહી ગયો. અંધારું થઈ ગયું અને બાઇકની હેડલાઇટ ચાલુ કરું તો થાય જ નહીં. લોન્લી રસ્તો હતો. કોઈ માનવ વસાહતો તો નહી જ સાથે કોઈ વાહનોની અવરજવર પણ નહીં. ત્યારે મોબાઇલની ટૉર્ચથી એ રસ્તો કાપ્યો. - પરેશ મહેતા`

પરિવાર બહુ જ સપોર્ટિવ

જોખમી રાઇડ્સ કર્યા પછી તો પરેશભાઈનો આત્મવિશ્વાસ એવો બુલંદ થયો કે આંટો મારીને આવું છું કહી સાપુતારા પહોંચી જતાં કે લોનાવલા, બોરડી કે માલશેજ ઘાટ. 

કોઈ પૂર્વતૈયારી ન હોય, બસ, મન પડે એટલે રાઇડ ઑન બાઇક એમ કહેતા પરેશ ભાઈ ઉમેરે છે, ‘અહીં હું એક વાત ચોક્કસ કહેવા માગું છું કે મારી આ પૅશનપંતી પાછળ જો પૂરો સપોર્ટ હોય તો મારાં વાઇફ હેમાનો. તેણે ક્યારેય કોની સાથે જાઓ છો, કેમ જવું છે, કેટલા દિવસ થશે એવા પ્રશ્નો પૂછ્યા નથી. એ જ રીતે મારા પેરન્ટ્સ પણ બહુ સર્પોટિવ. કોઈ નેગેટિવ થિન્કિંગ નથી કર્યું તેમણે. હું તેમને કહું કે હું અહીં જાઉં છું કે ત્યાં જાઉં છું ત્યારે તેમનો પ્રશ્ન એક જ હોય કે ટ્રેનમાં જાય છે કે બાઇક પર?’

 બાઇકિંગની પ્રૅક્ટિસ  અને ગોવાની સોલો ટ્રિપ પણ કરી એટલે કૉન્ફિડન્સ પરત આવી ગયો ને દરેક બાઇકરની જેમ મારું પણ લેહ-લદાખના બાઇકિંગનું સપનું સળવળ્યું અને નેક્સ્ટ યર જ ઊપડી ગયો એ રૂટ પર

columnists alpa nirmal