એજન્ટ

26 February, 2023 03:28 PM IST  |  Mumbai | Umesh Deshpande

‘રમેશભાઈ, સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં જ છું. અડધો કલાકમાં તમને મળું.’ આટલું બોલીને એજન્ટે તરત જ ફોન કાપી નાખ્યો. 

પ્રતીકાત્મક તસવીર

‘રમેશભાઈ, સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં જ છું. અડધો કલાકમાં તમને મળું.’ આટલું બોલીને એજન્ટે તરત જ ફોન કાપી નાખ્યો. 
રમેશ માટે હવે તેની રાહ જોવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ૫૦ રૂપિયાના ડૉમિસાઇલ સર્ટિફિકેટ માટે ૫૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો. એક પત્રકાર હોવા છતાં આવા ક્ષુલ્લક કામ માટે લાંચ આપવી પડે છે એ વાત તેને ખૂંચી રહી હતી, પરંતુ બીજો કોઈ વિકલ્પ નહોતો. દીકરીનું નામ રૅશનકાર્ડમાં ઉમેરવા માટે પણ આ જ રીતે ૨૦૦ રૂપિયા આપવા પડ્યા હતા એ વાત તેને યાદ આવી ગઈ
એવું નહોતું કે તેણે પ્રયાસ નહોતો કર્યો. ગયા સપ્તાહે પોતાની રજા બગાડીને આ જ ઑફિસમાં આવ્યો હતો, પણ ડૉમિસાઇલ સર્ટિફિકેટ માટે એલઆઇસીની રિસીટ નહીં ચાલે એમ કહીને ક્લર્કે ફૉર્મ પાછું આપ્યું હતું. વધારામાં ટ્રાફિક પોલીસવાળા નો પાર્કિંગમાં મૂકેલી તેની બાઇક ઉપાડી ગયા એટલે બાઇકને છોડાવવા માટે સામાન્ય લોકોએ ૪૦૦ રૂપિયા ભરવા પડે તો તેણે ૨૦૦ રૂપિયા તો ભરવા જ પડ્યા. ઉપરથી બે કલાકનો સમય પણ બગડ્યો. આજે પણ તેને પાર્કિંગ કરવા માટેની જગ્યા મળી નહોતી તેથી આમ પણ ઉચાટમાં હતો જ. ત્યાં એજન્ટે અડધો કલાક રાહ જોવા કહ્યું. આ સરકારી બિલ્ડિંગની કોઈ એક રૂમમાં એજન્ટ મળી જશે એમ વિચારીને તે બોરીવલી સ્ટેશનની નજીક આવેલી આ સરકારી ઑફિસોની વિવિધ રૂમોને ફંફોસવા માંડ્યો. દરેક રૂમમાં કંઈકેટલીયે ફાઇલોના ઢગલાઓ હતા. એજન્ટને રૂપિયા આપવામાં ન આવે ત્યાં સુધી કોઈ ફાઇલ હલતી નહોતી. ગજબની બૅટરી આ ફાઇલમાં મૂકી હતી જે ગાંધીના ચહેરાવાળી નોટ સિવાય હલતી નહોતી. કોઈકને કાસ્ટનું તો કોઈકને લો ઇન્કમનું સર્ટિફિકેટ જોઈતું હતું. આધાર કાર્ડ કઢાવવા માટેની લાઇન તો સૌથી મોટી હતી. દરમ્યાન એક રૂમમાંથી ભારે કોલાહલ સંભળાતાં રમેશ એ દિશામાં આગળ વધ્યો
‘ચુનીલાલજી, મેરી બાત સમજીએ. આપ સિર્ફ ગવાહ બનને આયે હૈં, હમે આપકા તબેલા નહીં ચાહિએ.’ એક યુવક સફેદ ધોતી અને ઝભ્ભો પહેરેલા સિનિયર સિટિઝનને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. 
‘કુછ ભી હો હમ સાઇન નહીં કરેંગે.’ સિનિયર સિટિઝન પોતાની વાત પર મક્કમ હતો.
દરમિયાન આધેડ વયની એક મહિલા વચમાં પડી, ‘કાકા સાઇન નહીં કરના ચાહતે હૈ તો આપ વિટનેસ કે તૌર પે ઔર કિસી કો લે આઇએ. આધે ઘંટે સે હમ યહાં ખડે હૈં. જરા દૂસરોં કા ભી સોચિયે.’ 
કાકાને સમજાવતા યુવક સાથે દલીલ કરનાર તે મહિલાને રમેશ ઓળખી ગયો. તે હતાં નીલાબહેન. તેઓ એક બ્રોકર હતાં જેમણે રમેશને ઘરે અપાવ્યું હતું. 
‘દેખિયે મૅડમ, આપ હમારે મામલે મત પડિયે.’ ચુનીલાલને સમજાવનાર યુવક નીલાબહેનની સામે જોઈને જોરથી બોલ્યો. 
નીલાબહેન પણ કંઈ હાર માને એમ નહોતાં, ‘મુઝે આપકે મામલે પડને કા શોખ નહીં હૈ ઔર ટાઇમ ભી નહીં હૈ. લેકિન આધે ઘંટે સે આપ હમારા ટાઇમ વેસ્ટ કર રહે હો. કાકા કો ઘર સે હીં સમઝાકે લાના થા.’ 
રમેશને રૂમમાં પ્રવેશતાં જોતાં જ નીલાબહેનની હિંમત વધી ગઈ. ‘યે લો મીડિયાવાલે ભી આ ગયે. રમેશભાઈ ફોટો નિકાલિયે. દેખો કિસ તરહ સે યહાં પે કામ હો રહા હૈ. સુબહ સે અભી તક એક ભી રજિસ્ટ્રેશન કા કામ નહીં હુઆ હૈ.’ 
મીડિયાનું નામ સાંભળતાં નીલાબહેન સામે બરાડા પાડનાર યુવક અચાનક ઠંડો પડી ગયો. તે ચુનીલાલને બાજુમાં લઈ ગયો અને તેમની ગુસપુસ શરૂ થઈ. તેમના બાદ જેમનો ટોકન નંબર હતો તેમને અંદર બોલાવવામાં આવ્યા.
‘મારી પાર્ટીને લઈને આવી છું, પણ લાઇન વધતી જ નહોતી. મીડિયાનું નામ લીધું તો જ લાઇન શરૂ થઈ.’ નીલાબહેને રમેશ સમક્ષ ખુલાસો કર્યો. 
‘પણ મૅટર શું છે? આટલો બધો અવાજ કેમ આવતો હતો.’ રમેશે કંઈ ન્યુઝ મળે એ માટે પૂછપરછ શરૂ કરી. 
‘તમારા પેપરમાં છાપવા જેવું ખાસ કંઈ નથી. આ કાકાનો કોઈ પાડોશી પોતાનો ભેંસનો તબેલો વેચી રહ્યો છે. માત્ર સાક્ષી તરીકે કાકાને અહીં લાવવામાં આવ્યા છે. બધા મળીને તેમને સમજાવે છે, પણ આ કાકા છે કે સાક્ષી બનવા કે પછી કોઈ પણ જગ્યાએ સાઇન કરવા તૈયાર જ નથી થતા. રમેશભાઈ સૉરી, તમારા નામનો ઉપયોગ કરીને તેમને જરા ડરાવી દીધા.’
‘ચાલો કંઈ વાંધો નહીં. અમે પણ તમારા કંઈક કામ તો આવ્યા. બાકી આ મુંબઈ શહેરમાં તો તમે અમારી હેલ્પલાઇન સમાન છો.’ 
રમેશ માટે માન ન માન મૈં તેરા મેહમાન જેવો ઘાટ હતો. દરમિયાન તેના એજન્ટનો ફોન આવ્યો જેને રમેશે સ્ટૅમ્પ-ડ્યુટી ઑફિસની બહાર જ બોલાવ્યો. રમેશના હાથમાં એક ફૉર્મ આપતાં એજન્ટે કહ્યું, ‘આ ફૉર્મ ભરીને ઇલેક્શનની ઑફિસમાં આપી જાવ. તે જે સર્ટિફિકેટ આપશે એને જમા કરાવશો તો જ તમારા નામનું ડૉમિસાઇલ સર્ટિફિકેટ નીકળશે.’ 
એજન્ટે આપેલા ફૉર્મને સરખી રીતે પોતાની બૅગમાં મૂકીને રમેશ ફરી લીનાબહેનને મળવા જતો હતો ત્યાં તો ચુનીલાલને સમજાવતો યુવક અને તેના બે સાથી ઝડપથી નીચે જતા હતા. રૂમમાં ચુનીલાલ સાથે તેના જેવો જ પહેરવેશ અને ઉંમર ધરાવતી વ્યક્તિ એમ બે જણ જ એક ફાઇલ લઈને ઊભા હતા. રમેશ નીલાબહેન પાસે ગયો અને કહ્યું, ‘હું ઇલેક્શનની ઑફિસમાં જાઉં છું. વધુ કંઈ ગરબડ થાય તો મને કહેજો.’ 
નીલાબહેન બોલ્યાં, ‘લાગતું તો નથી, પરંતુ પહેલી વાર મારી લાઇફમાં આ સ્ટૅમ્પ-ડ્યુટીની ઑફિસમાં આટલી બધી બૂમાબૂમ થઈ હતી.’ 
રજિસ્ટ્રેશનની લાઇન ચાલુ થઈ જતાં નીલાબહેન ખુશ હતાં. ‘રમેશભાઈ, તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો મારી પાસે એક ફ્લૅટ છે. બે-પાંચ વર્ષમાં સો ટકા રીડેવલપમેન્ટમાં જશે.’ નીલાબહેને તરત જ ફાયદાનો પ્રસ્તાવ મૂક્યો. 
‘હવે તમે અપાવેલા ફ્લૅટના ઈએમઆઇ ભરતાં-ભરતાં જ લાંબો થઈ ગયો છું. બીજો ફ્લૅટ લેવાની વાત પણ સપનામાં વિચારી શકતો નથી. ભવિષ્યમાં સગવડ થશે તો તમે છો જને.’ આટલું કહીને રમેશ ઑફિસની બહાર લૉબીમાં આવી ગયો. 
લીનાબહેનના ચક્કરમાં આજે પણ પોતાની બાઇક નો પાર્કિંગમાં મૂકી હતી એ વાત રમેશ ભૂલી જ ગયો હતો. ઝડપથી નીચે આવ્યો. પોતાની બાઇકને સહીસલામત જોઈને તેણે હાશકારો અનુભવ્યો. ત્યાં બાજુમાં એક આલીશાન કાર ઊભી હતી. એમાં ચુનીલાલને સમજાવતો યુવક એકદમ સફેદ શર્ટ, પૅન્ટ અને બૂટ પહેરેલી વ્યક્તિને કંઈક કહી રહ્યો હતો. તેઓ પોતાની વાતમાં એટલા તલ્લીન હતા કે રમેશ તરફ તેમનું ધ્યાન જ નહોતું. રમેશને પણ ઇલેક્શન ઑફિસમાં જવાની ઉતાવળ હતી.
૨૫ દિવસ બાદ રમેશ ફરી પાછો બોરીવલીની સબ-રજિસ્ટ્રારની ઑફિસમાં હતો. એજન્ટે તેનું કામ પતાવ્યું હતું. ડૉમિસાઇલ સર્ટિફિકેટ હાથમાં આવતાં રમેશ જાણે કોઈ મોટો જંગ જીત્યો હોય એવા ઉત્સાહમાં હતો. એવામાં તેની નજર લીનાબહેન પર પડી. તેમનાથી છટકવા માટે કોઈ ગલી નહોતી તેથી પરાણે હસતું મોઢું રાખીને કહ્યું, ‘એ દિવસે તમારો ફોન ન આવ્યો. બધું શાંતિથી પતિ ગયું હતુંને?’ 
લીનાબહેનને પાસે દરેક સવાલનો જવાબ હોય જ. ‘અરે, તમને ફોન કરવાની જ હતી, પણ કામ જ એટલું બધું હતુંને કે ભુલાઈ જ ગયું. આખા સૂર્યનગરના રીડેવલપમેન્ટ માટે મારી બિલ્ડર સાથે વાત ચાલી જ રહી છે. જોકે એ દિવસે તો ખરેખર ગજબ થઈ ગયો. તમે નીચે ગયા પછી ચુનીલાલકાકાએ તેમની સાથે રહેલી વ્યક્તિને ખૈની લઈ આવ એમ કહીને નીચે મોકલી આપી. પછી ઇશારો કરીને મને બોલાવીને તેમની ફાઇલ બતાવી. ફાઇલમાં નામ હતું ચુનીલાલ યાદવ.’ 
મેં કાકાને પૂછ્યું, ‘ચુનીલાલ યાદવ કૌન હે?’ 
‘વો તો મૈં હી હૂં.’ 
‘કાકા, યે તો આપકા તબેલા હી બેચ રહે હૈ.’ 
કાકા બોલ્યા, ‘મુઝે ઉનકી નીયત પે પહલે સે શક થા. ઇસલિયે સાઇન નહીં કર રહા થા. યે આપકા નંબર મેરે મોબાઇલ મેં ડાયલ કર દીજિયે.’ 
કાકા પણ હોશિયાર હતા. હું મારું સ્ટૅમ્પ-ડ્યુટીનું કામ કરીને ઘરે આવી ગઈ. સાંજે ચુનીલાલકાકાનો ફોન આવ્યો, ‘બેટા, તેરી વજહ સે આજ મેરા તબેલા બચ ગયા.’
‘લીનાબહેન, પણ બિલ્ડર આટલું મોટું રિસ્ક કેમ લે?’ રમેશના મનમાં સવાલ આવ્યો.
‘એફએસઆઇ, પાંચની એફએસઆઇ. ૨૦૦૫માં મુંબઈમાં પૂર આવ્યું એમાં ઘણી બધી ભેંસો મરી ગઈ હતી. એને કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ હતી. ત્યાર બાદ સુધરાઈએ નક્કી કર્યું કે આ તમામ તબેલાઓને મુંબઈ શહેરથી બહાર લઈ જવા અને તેથી તબેલાની જમીન પર બિલ્ડિંગ બનાવનારને ઘણી બધી સવલતો આપે છે. તેથી જ આ બિલ્ડરો યેનકેન પ્રકારે તબેલાના માલિકોને ફસાવવાનો પ્રયત્ન કરે છે.’ 
લીનાબહેનનો જવાબ સાંભળતાં રમેશના મનમાં તરત જ બીજો પ્રશ્ન પણ ઉદભવ્યો, ‘લીનાબહેન, એટલે એ દિવસે તેમની સાથે આવેલા તેમના પાડોશી પણ બિલ્ડરની સાથે જ મળી ગયા હતા.’
લીનાબહેન નિસાસો નાખતાં બોલ્યાં, ‘હા, આજકાલ કોના પર વિશ્વાસ રાખવો? ઘણું સંભાળવું પડે. એ દિવસે તો ચુનીલાલનો તબેલો બચી ગયો, પણ ખબર નહીં ક્યાં સુધી બચાવી શકીશ? તેમના કોઈ છોકરાઓને પણ તબેલો ચલાવવામાં રસ નથી. બાકી રમેશભાઈ, તમારે ચોખ્ખું ઘી જોઈતું હોય તો કહેજો.’ 
લીનાબહેનની હેલ્પલાઇનમાં વધુ એક કામનો નંબર આવી ગયો હતો. આ સ્ટોરી તો સાચી હતી, પરંતુ એને છાપામાં છાપી શકાશે નહીં એના રંજ સાથે રમેશે પોતાની બાઇકને રેલવે-સ્ટેશનની દિશામાં હંકારી મૂકી.

columnists gujarati mid-day