‘રુક જા ઓ દિલ દીવાને, પૂછું તો મૈં ઝરા’

15 October, 2021 06:29 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના સૉન્ગનું રેકૉર્ડિંગ આ સૉન્ગથી થયું અને આ જ સૉન્ગના રેકૉર્ડિંગમાં ઉદિત નારાયણ એક-બે કલાક નહીં, પાંચ કલાક મોડા આવ્યા. યશ ચોપડાથી માંડીને શાહરુખ ખાન, જતીન-લલિત બધા રાહ જોઈને બેઠા હતા

પ્રતીકાત્મક તસવીર

આપણી વાત ચાલી રહી છે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની. આ ફિલ્મથી યશરાજ ફિલ્મ્સ અને જતીન-લલિત સાથે જોડાયા અને દેશની બહુ ઓછી પૈકીની એક એવી સુપરહિટ સૉન્ગ્સની એક અદ્ભુત ફિલ્મ આપણને મળી. આપણે ગયા વીકમાં વાત કરી હતી કે જતીન-લલિતને આ ફિલ્મ આશા ભોસલેને કારણે મળી અને જતીન-લલિતે આશાજીને એક સૉન્ગ ‘જરા સા ઝૂમ લૂં મૈં...’ માટે લીધાં. કહેવાનો ભાવાર્થ એ કે ફિલ્મમાં બીજું કોઈ સૉન્ગ એવું નહોતું જેને માટે આશાજીને આ મ્યુઝિક-પૅર બોલાવી શકે કે પછી એ સૉન્ગ તેમની પાસે ગવડાવી શકે. એક ગીત આશાજીએ ગાયું તો મૅક્સિમમ સૉન્ગ લતા મંગેશકર પાસે ગવડાવવામાં આવ્યાં. બીજા નંબર પર મૅક્સિમમ સૉન્ગ ઉદિત નારાયણે ગાયાં ત્રણ સૉન્ગ અને કુમાર શાનુ-અભિજિતે એકેક ગીત ગાયું, પણ આપણે ગયા વીકમાં અટક્યા હતા ઉદિત નારાયણની વાત પર. એક તબક્કો એવો આવ્યો હતો કે જતીન-લલિત ઉદિત નારાયણને ડ્રૉપ કરવાનું વિચારવા માંડ્યા હતા.

ઉદિત નારાયણનો એ કિસ્સો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બન્યું એમાં એવું કે સૉન્ગ રેકૉર્ડિંગની શરૂઆત ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ના ‘રુક જા ઓ દિલ દીવાને...’ સૉન્ગથી થઈ. પહેલું એ સૉન્ગ હતું જે ફાઇનલ થયું અને એના રેકૉર્ડિંગની ડેટ નક્કી થઈ. સિંગર માટેની ચર્ચા થઈ અને ઉદિત નારાયણ ફાઇનલ થયા. નક્કી થયેલી તારીખ માટે પણ ઉદિત નારાયણે હા પાડી એટલે રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં બધી અરેન્જમેન્ટ કરવામાં આવી, પણ કરમની કઠણાઈ ગણો કે પછી ઉદિત નારાયણની, એ એક જ દિવસમાં ઉદિત નારાયણ માટે ૩ સૉન્ગનું રેકૉર્ડિંગ આવી ગયું. આ એક સૉન્ગ જતીન-લલિત માટે રેકૉર્ડ કરવાનું હતું, પણ બીજાં બે સૉન્ગમાં જુદા-જુદા કમ્પોઝર હતા. ઉદિતને ખબર હતી કે એ જગ્યાએ કામ ફટાફટ પૂરું થઈ જશે એટલે એ ભાઈ સીધા પહોંચ્યા એ બધા રેકૉર્ડિંગમાં અને કમનસીબે ત્યાં થઈ ગયું મોડું. ટેક પર ટેક ચાલે ત્યાં અને અહીં જતીન-લલિતથી માંડીને યશ ચોપડા, શાહરુખ ખાન અને આદિત્ય ચોપડા ઉદિત નારાયણની રાહ જુએ.

ફોન પર ફોન જાય, પણ ઉદિત ફોન પર પણ ન આવે, કારણ, ત્યાં રેકૉર્ડિંગ ચાલુ હતું. ઉદિત નારાયણને એક, બે કે ત્રણ નહીં, પણ થઈ ગયું પાંચ કલાક મોડું અને અહીં યશ ચોપડા રાહ જુએ છે, શાહરુખ ખાન રાહ જુએ છે. કંટાળી ગયા એ લોકો રાહ જોઈ-જોઈને. જતીન-લલિતને આવ્યો તો બહુ ગુસ્સે પણ થાય શું. હજી તો કામ શરૂ કર્યું ત્યાં જ આવાં વિઘ્ન. બધા ચૂપ રહીને અંદરથી અકળાયા કરે. ઉદિતને ફોન તો ચાલુ જ. કોઈ-કોઈ ફોન પર ઉદિત નારાયણ કે પછી તેનો ડ્રાઇવર કે સેક્રેટરી આવી જાય એટલે જવાબ મળી જાય, પણ હવે બધાને લાગતું હતું કે ઉદિત બહાનાં કાઢે છે.

હકીકત એ પણ એટલી જ સાચી કે ઉદિત નારાયણ પણ અંદરથી ડરી ગયા હતા. યશ ચોપડાને રાહ જોવડાવવી, શાહરુખ ખાન અને જતીન-લલિતને રાહ જોવડાવવી એટલે દિગ્ગજોને બેસાડી રાખવા જેવું થયું. કરીઅર પર અસર થાય. ઉદિતજી જેમ-તેમ કરીને રેકૉર્ડિંગ માટે પહોંચ્યા. પહોંચીને બિચારાએ જાતજાતનાં કારણ પણ આપ્યાં, પણ કોઈને એ વાતમાં રસ નહોતો. જતીન-લલિતે રિહર્સલની શરૂઆત કરી અને ઉદિતજીએ રિહર્સલ કર્યું.

રિહર્સલ કર્યું, પણ રિહર્સલમાં એટલું ખરાબ ગાયું કે જતીન-લલિતે કહ્યું કે હવે રેકૉર્ડિંગ નથી કરવું, પછી ક્યારેક કરીશું. યશ ચોપડા અને શાહરુખે પણ એવું જ કહી દીધું. વાત પૂરી. બધાએ પોતપોતાનું પૅકઅપ શરૂ કર્યું અને આદિત્ય ચોપડાએ પણ ટોપિક બદલીને શાહરુખ સાથે ફિલ્મની વાત શરૂ કરી દીધી. બાય ધ વે, એવું કહેવાય છે કે શાહરુખ ખાન આદિત્ય ચોપડાની પહેલી પસંદગી નહોતા. હા, જ્યારે ફિલ્મ લખાઈ ત્યારે આદિત્ય ચોપડા એવું ઇચ્છતો હતો કે આ ફિલ્મમાં રિયલ અંગ્રેજને લઈએ, જે હૉલીવુડનો એસ્ટૅબ્લિશ ચહેરો હોય અને ઇન્ડિયામાં પણ પૉપ્યુલર હોય. આદિત્યને મનમાં હતું કે તે ફિલ્મમાં ટૉમ ક્રુઝને લે. જોકે યશ ચોપડાએ સીધી ના પાડી દીધી અને એની ના પાછળનું કારણ બૉક્સ-ઑફિસ હતું. બૉલીવુડની રોમૅન્ટિક ફિલ્મમાં અંગ્રેજી હીરો ઑડિયન્સ ન સ્વીકારે એવું યશજીને લાગતું હતું અને તેમની વાતમાં તથ્ય પણ હતું. ઍક્શન કરતો હૉલીવુડનો હીરો આપણને ગમે, પણ અંગ્રેજ આવીને રોમૅન્સ કરે તો એ રોમૅન્સની જે કેમિસ્ટ્રી હોય એ આપણા ઑડિયન્સ સુધી ન પહોંચે.

ઠીક છે, ફરી આવીએ આપણે રેકૉર્ડિંગ સ્ટુડિયોમાં.

રિહર્સલ સુપરફ્લૉપ અને પૅકઅપ સાથે બધાએ નીકળવાની તૈયારી શરૂ કરી દીધી તો આદિત્ય ચોપડા અને શાહરુખ ખાન પણ ફિલ્મનું ડિસ્કશન કરતા સાઇડ પણ નીકળી ગયા. આ આખી ઘટનાએ ઉદિત નારાયણને એવા તો ડરાવી દીધા કે કલ્પના પણ ન કરી શકાય. એક તો મોડું થવું અને ઉપરથી બેસ્ટ પર્ફોર્મ ન થવું. આ બે વાતને લીધે ઉદિત નારાયણ સીધા કરીઅરના મુદ્દા પર આવી ગયા અને મનોમન એવું માનવા માંડ્યા કે આમાં તો આખી કરીઅરને અસર થઈ શકે. બને કે હવે રેકૉર્ડિંગમાં મને બોલાવે જ નહીં.

ઉદિતજીએ જતીન-લલિતને રિક્વેસ્ટ કરી કે ‘હું મોઢું ધોઈને આવું. આપણે એક વાર રિહર્સલ જોઈ લઈએ.’ જતીને ના પાડી, પણ ઉદિતજીએ બહુ રિક્વેસ્ટ કરી કે વધારે નહીં, એક ચાન્સ તો લો એટલે લલિત પંડિતે એક ટ્રાય માટે તૈયારી દેખાડી. ઉદિતજી વૉશરૂમમાં ગયા. આંખમાં આંસુ સાથે તેમણે મોઢું ધોવાનું શરૂ કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી કે ‘ભગવાન, આજે મને બચાવી લેજે. યશ ચોપડાની ફિલ્મ હાથમાંથી જશે એ તો નક્કી, પણ કરીઅર પણ હાથમાંથી જશે.’

ઉદિતજી વૉશરૂમની બહાર આવ્યા અને બહાર આવીને તેમણે લલિત પંડિતને જ કહ્યું કે ‘જરા માઇક પર રિહર્સલ લઉં, તમને ટોન સાંભળવાની મજા આવશે.’ હા પાડી એટલે ઉદિતજી ગયા સીધા માઇક પર અને પછી જે બન્યું એને માટે જતીન પંડિતે કહ્યું કે એ વખતે ઉદિતનો જે અવાજ હતો, અવાજમાં જે એનર્જી હતી એ એવી હતી કે ત્યાં બેઠેલી દરેકેદરેક વ્યક્તિએ પોતાનાં કામ પડતાં મૂકી દીધાં અને ગીત સાંભળવા આવી ગયા.

જતીનના ફેસ પર આવી ગયેલા એક્સપ્રેશન પરથી લલિત પંડિત સમજી ગયા અને તેણે તરત જ રેકૉર્ડિસ્ટ દમન સૂદ સામે જોયું,

‘દમનજી રેકૉર્ડિંગ શુરૂ કરો... ગાના રેકૉર્ડ કરતે હૈં...’

એ પછી લલિત પંડિત ઉદિત નારાયણ તરફ ફર્યા અને કહ્યું, ‘ઉદિતજી, પહલે સે, પહેલે સે... મુખડે સે, ફિર સે ગાના શુરૂ કરો.’

પહેલાં મુખડું અને પછી બે અંતરા.

વન ટેકમાં ઓકે અને બધાનો ગુસ્સો ફુર્‍ર્‍ર્...

રિહર્સલ ટેકમાં જ સૉન્ગ ઓકે થઈ ગયું. સૉન્ગની એનર્જી તમે જોશો તો તમને પણ લાગશે કે ઉદિત નારાયણે એકસાથે પાંચ ગ્લુકોઝનાં સિલિન્ડર ચડાવીને આ સૉન્ગ ગાયું છે. સાંભળો એક વાર...

‘રુક જા ઓ દિલ દીવાને

પૂછું તો મૈં ઝરા

લડકી હૈ યા હૈ જાદુ

ખુશ્બૂ હૈ યા નશા

પાસ વો આયે તો

છૂ કે મૈં દેખૂં ઝરા...’

ઉદિત નારાયણે જતીન-લલિતને રિક્વેસ્ટ કરી, પણ જતીને ના પાડી. બહુ રિક્વેસ્ટ કરી એટલે લલિત પંડિતે એક ટ્રાય માટે તૈયારી દેખાડી અને ઉદિતજી વૉશરૂમમાં ગયા. આંખમાં આંસુ સાથે તેમણે ભગવાનને પ્રાર્થના કરી કે ‘હે ભગવાન, આજે મને બચાવી લેજે. યશ ચોપડાની ફિલ્મ હાથમાંથી જશે એ તો નક્કી જ છે, કરીઅર પણ હાથમાંથી જશે.’

columnists