બે સવાલ...

26 September, 2020 06:00 PM IST  |  Mumbai | Deepak Mehta

બે સવાલ...

સાચા મુંબઈગરાએ ભલે એકાદ વાર, પણ ફ્લોરા ફાઉન્ટનનો ફુવારો ન જોયો હોય એવું ન બને. સહેલાણીઓ અને મુલાકાતીઓ પણ અહીંથી પસાર થયા વગર ન રહ્યા હોય, પણ એ ફુવારાના નીચેના ભાગમાં એક આરસની તક્તી લગાડેલી છે એ ભાગ્યે જ કોઈએ વાંચવાની તસ્દી લીધી હશે. એ વાંચીએ તો આ ફુવારા વિશેની કેટલીક પાયાની વાતો જાણવા મળે. પહેલી વાત એ કે આ ફુવારો સરકારે નહીં, પણ ધ એસ્પ્લેનેડ ફી ફન્ડ કમિટીએ ૪૭,૦૦૦ રૂપિયાના ખર્ચે બંધાવ્યો હતો. બીજી વાત એ કે એમાંની ૨૦,૫૦૦ રૂપિયાની રકમ શેઠ ખરશેદજી ફરદુનજી પારખે આપી હતી. ત્રીજી વાત એ કે આ ફુવારાનું ઉદ્ઘાટન ૧૮૬૯ની ૧૮ નવેમ્બરે થયું હતું, પણ એ કોના હાથે થયેલું એ લખ્યું નથી, અને ચોથી મહત્ત્વની વાત એ કે એમાં આ ફુવારાનું નામ જ લખ્યું નથી.

પહેલો સવાલ એ થાય કે આ ખરશેદજી ફરદુનજી પારખ હતા કોણ? પારસીઓ વિશેના આકર ગ્રંથ ‘પારસી પ્રકાશ’ના બીજા અને ત્રીજા દફ્તર (ભાગ)નાં ૨૦૦૦ જેટલાં પાનાં ખૂબ જ વ્યવસ્થિત સૂચિની મદદથી ઊથલાવો ત્યારે જાણવા મળે કે ખરશેદજીનો જન્મ ૧૮૧૨માં થયો અને બેહસ્તનશીન થયા ૮૫ વર્ષની જૈફ ઉંમરે, ૧૮૯૬ની ૮ ઑગસ્ટે. તેઓ એ જમાનાના મુંબઈના એક મોટા વેપારી અને વહાણવટી હતા. પોતાના અલાયદા વેપાર ઉપરાંત સર જમશેદજી જીજીભાઈની કંપનીમાં ભાગીદાર હતા. આજે તાતા કે બિરલાની કંપનીમાં કોઈ ભાગીદાર હોય અને તેનો જેવો વટ પડે એવો વટ એ જમાનામાં સરસાહેબના ભાગીદારનો પડે. ખરશેદજીએ વેપાર માટે ચીનની મુસાફરી કરેલી અને ચીન ઉપરાંત ગ્રેટ બ્રિટન અને યુરોપના કેટલાક દેશો સાથે વેપાર કરેલો. તેમની માલિકીનાં કેટલાંક જહાજોનાં નામ સર જમશેદજી ફૅમિલી, આલ્બર્ટ વિક્ટર અને એક વહાણનું તો નામ જ ખરશેદજી ફરદુનજી હતું. બૉમ્બે ગ્રીન્સની જે પહેલી આઠ અર્ધગોળાકાર ઇમારતો બંધાઈ એમાંની એક ખરશેદજીની માલિકીની હતી, જે ૧૮૬૪માં બંધાઈ હતી. પોતાની હયાતી દરમ્યાન તેમણે ૧૧,૧૯,૯૭૦ રૂપિયાની સખાવત કરી હતી. એ વખતે આ રકમ ઘણી મોટી ગણાય. તેમની સખાવતથી કોલાબામાં ધર્માદા દવાખાનું, માહિમમાં એન્ગ્લો-વર્નાક્યુલર સ્કૂલ, ચોપાટી પર પારસીઓ માટેની ધર્મશાળા, દહિસર અને સાયન સ્ટેશનોની સામે ધર્મશાળા વગેરે બંધાયાં હતાં. તેમનું મૂળ વતન હતું સુરત, એટલે ત્યાં પણ ઘણી સખાવત કરેલી. ૫૦,૦૦૦ રૂપિયાના ખર્ચે ફરદુનજી સોરાબજી પારખ સ્કૂલ ઑફ આર્ટ ઍન્ડ ઇન્ડસ્ટ્રી શરૂ કરી તથા પારખ ચૅરિટેબલ ડિસ્પેન્સરી સ્થાપી હતી. સુરત રેલવે-સ્ટેશન સામે ૨૫,૦૦૦ રૂપિયાના ખર્ચે મોટી ધર્મશાળા બાંધી.

ફ્લોરા ફાઉન્ટનના ફુવારા વિશે પણ કેટલીક વાત ‘પારસી પ્રકાશ’માંથી જાણવા મળે છે. ખરશેદજીએ ૨૦,૫૦૦ રૂપિયાનું જે દાન આપેલું એ ત્યારના વિક્ટોરિયા ગાર્ડનમાં લંડનથી મગાવીને ફુવારો મૂકવા માટે આપેલું અને એ ફુવારા સાથે નામ જોડવાનું હતું મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરેનું. ખરશેદજીના દાનમાંથી ૬૮૦ પાઉન્ડ ફુવારો બનાવવા માટે સોસાયટીએ લંડન મોકલ્યા હતા, પણ ફુવારાનું કામ ધાર્યા પ્રમાણે થયું નહીં એટલે સોસાયટીએ પૈસા પાછા માગ્યા, પણ પાછા મળ્યા માત્ર ૧૯૨ પાઉન્ડ અને બાકીના ૪૮૮ પાઉન્ડ પાણીમાં ગયા. બીજો ફુવારો બનાવતાં ૯૦૬ પાઉન્ડનું દેવું થયું એટલે એ ફુવારો સોસાયટીને સોંપી દીધો. સોસાયટીએ એટલી રકમ ખર્ચીને ફુવારો તો તૈયાર કરાવ્યો, પણ બે મોટા ફેરફાર કર્યા. એક તો વિક્ટોરિયા ગાર્ડનને બદલે ફુવારાને હાલની જગ્યાએ ગોઠવ્યો અને બીજું, એની સાથે સર બાર્ટલ ફ્રેરેનું નામ ન જોડતાં નામ રાખ્યું ‘ફ્લોરા ફાઉન્ટન.’ જોકે ૧૮૬૯માં આ ફુવારાનું ઉદ્ઘાટન થયું ત્યારે એનું નામ ‘ફ્રેરે ફાઉન્ટન’ હશે અને પછીથી નામ બદલાયું હશે એમ લાગે છે, કારણ, ૧૮૭૧માં આ ફુવારાનું વુડ એન્ગ્રેવિંગ પદ્ધતિથી છપાયેલું ચિત્ર પ્રગટ થયું છે એની નીચે ‘ધ ફ્રેરે ફાઉન્ટન, બૉમ્બે, ઇન્ડિયા’ લખેલું છે.

સર હેન્રી બાર્ટલ ફ્રેરેનો જન્મ ૧૮૧૫ની ૨૯ માર્ચે અને અવસાન ૬૯ વર્ષની વયે ૧૮૮૪ની ૨૯ મેએ. ૧૮૬૨થી ૧૮૬૭ સુધી તેઓ મુંબઈના ગવર્નર હતા. ૧૮૬૭ની છઠ્ઠી માર્ચે તેમણે મુંબઈ છોડ્યું. એટલે કે ૧૮૬૯માં ફુવારાનું ઉદ્ઘાટન થયું ત્યારે તેઓ મુંબઈના ગવર્નર નહોતા. તેમની જગ્યાએ વિલિયમ વેસી ફિટ્ઝરાલ્ડ બિરાજમાન થયા હતા. સર બાર્ટલ ફ્રેરેએ મુંબઈ શહેરને સાફસૂથરું અને એના વહીવટને અસરકારક બનાવવા અનેક પગલાં લીધાં હતાં. ૧૮૬૫માં તેમણે પહેલી વાર મુંબઈને મ્યુનિસિપાલિટી આપી હતી. ૧૮૬૫માં પસાર થયેલો બૉમ્બે મ્યુનિસિપલઍક્ટ હિન્દુસ્તાનમાં એ પ્રકારનો સૌથી પહેલો કાયદો હતો. તેઓએ જોયું કે શહેરના રક્ષણની દૃષ્ટિએ કિલ્લો ઉપયોગનો રહ્યો નથી, કારણ, હવે જમીનમાર્ગે મુંબઈ પર કોઈ ચડાઈ કરે એવો સંભવ નથી અને દરિયાઈ રસ્તે કોઈ દુશ્મન ચડી આવે તો તેની સામે કિલ્લો ખાસ કામ આવે એમ નથી. તેઓ નિયમિત રીતે કોટ વિસ્તારમાં તેમ જ કોટ બહારના ‘દેશી’ વિસ્તારોમાં નિયમિત ફરવા નીકળતા. તેમણે જોયું કે કિલ્લાની અંદરનાં જમીન અને મકાનો હવે અંગ્રેજો માટે પૂરતાં નથી. તો કોટની બહારના ‘દેશી’ રહેણાકના વિસ્તારોમાં જે ગંદકી, રોગચાળો, અરાજકતા ફેલાયેલાં હતાં એ પણ તેમણે જોયાં હતાં. એક કિસ્સા પરથી આ વાતનો ખ્યાલ આવશે. ‘દેશી’ વિસ્તારોની મુલાકાતો દરમ્યાન એક મકાન તેમના ધ્યાનમાં આવ્યું. થોડે-થોડે વખતે એના પર એક નવો માળ ચણાતો હતો. જ્યારે સાતમા માળનું બાંધકામ શરૂ થયું ત્યારે તેઓ મકાનમાલિક પાસે ગયા અને પૂછ્યું, ‘તમારું કુટુંબ એવડું તે કેવડું મોટું છે કે તમારે થોડે-થોડે વખતે નવો માળ ચણાવવો પડે છે?’ પેલાએ જવાબ આપ્યો, ‘હવે તો બસ, એક જ દીકરો બચ્યો છે.’ ‘એટલે?’ ‘અહીંનાં ગંદકી, રોગચાળો, ગંદું પાણી વગેરેને કારણે અગાઉ મારાં પાંચ સંતાનો મરી ગયાં. દરેકના મોત પછી હું મકાનમાં એક માળ ઉમેરતો, એવી આશાએ કે આ બધાથી થોડા ઉપર રહીને જીવવાથી મારાં બાળકો બચી જશે. હવે આ સાતમો માળ ચણાવું છું અને ભગવાનને પ્રાર્થના કરું છુ કે મારો આ દીકરો હવે બચી જાય.’

મુંબઈનો વિકાસ કરવો હોય, એને સાફસૂથરું બનાવવું હોય તો કિલ્લો તોડી પાડ્યા વગર છૂટકો નહોતો.,પણ સાધારણ રીતે અંગ્રેજ અમલદારો વિગતોની ચકાસણી કર્યા પછી જ આવાં કામ કરતા એટલે સર બાર્ટલ ફ્રેરેએ મુંબઈમાં વસ્તીગણતરી કરાવવાની દરખાસ્ત વાઇસરૉયને મોકલી. તેમણે એ લંડન મોકલી. ત્યાં એ નામંજૂર થઈ એટલે ના પાડ્યા સિવાય વાઇસરૉય માટે બીજો કોઈ રસ્તો નહોતો, પણ ફ્રેરે વાર્યા વરે એવા નહોતા. તેમણે વસ્તીગણતરીને ‘બિન-સરકારી’ અને ‘સ્વૈચ્છિક’ બનાવી દીધી! ૧૮૬૪ના બીજી ફેબ્રુઆરીએ મુંબઈમાં પહેલી વાર વસ્તીગણતરીએ થઈ. એના આધારે તેમણે નક્કી કર્યું કે મુંબઈના વિકાસ માટે કેટલી જમીન જોઈએ. છેવટે કિલ્લો ગયો. એના ત્રણ દરવાજા ગયા, દીવાલની બહારની ખાઈ ગઈ, ખાઈમાંનું ગંધાતું, ગંદું પાણી ગયું. નવા રસ્તા અને મકાનો બંધાયાં, લોકોને મોકળાશભરી ખુલ્લી જગ્યા મળી.

આ બધું થતું હતું ત્યારે મુંબઈમાં રૂપિયાની રેલમછેલ હતી – અમેરિકન સિવિલ વૉરના પ્રતાપે. એ વિશે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે, પણ ‘દેશી’ શેઠિયાઓ પાસે જે પૈસો ઊભરાતો હતો એનો સદુપયોગ કરવા તરફ ફ્રેરેએ તેમને વાળ્યા. નવાં સ્કૂલ-કૉલેજ, પુસ્તકાલયો વગેરે ઊભાં કરવા તેમને સમજાવ્યા. એ વખતે જે સંખ્યાબંધ ‘રેક્લમેશન સ્કીમ’ ફૂટી નીકળી હતી એને પણ તેમણે ટેકો આપ્યો, કારણ, નવી જમીન મેળવ્યા વગર મુંબઈનો વિકાસ ઝાઝો થઈ શકે એમ નથી એની તેમને ખાતરી થઈ ચૂકી હતી. ફ્રેરે મરાઠીમાં ભાષણ પણ કરી શકતા. પુણેમાં ડેક્કન કૉલેજની સ્થાપનામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનના જમાનાથી મુંબઈ ઇલાકામાં શિક્ષણ અને ધર્મપ્રચારને અલગ રાખવાની નીતિ અમલમાં હતી, પણ ખ્રિસ્તી પાદરીઓનું એક પ્રતિનિધિમંડળ ફ્રેરેને મળવા ગયું અને જણાવ્યું કે નિશાળ પૂરી થાય એ પછીના સમયમાં ખ્રિસ્તી ધર્મનું શિક્ષણ આપવાની પાદરી-શિક્ષકોને છૂટ આપવી જોઈએ અને એ માટેનો ખર્ચ પણ ચર્ચ ઉપાડી લેશે, પણ ફ્રેરેએ ઘસીને ના પાડી દીધી. પાદરીઓએ કલકત્તામાં ધા નાખી. ત્યાંથી થોડી ઉદાર નીતિ અપનાવવાની સૂચના મળી છતાં ફ્રેરે એકના બે ન જ થયા. હા, બૅન્ક ઑફ બૉમ્બે ફડચામાં ગઈ અને ઘણીખરી રેક્લમેશન કંપનીઓ પાણીમાં બેસી ગઈ, એમાં સર બાર્ટલ ફ્રેરેના નામને થોડી ઝાંખપ લાગેલી ખરી છતાં જે ફુવારો બાંધવાની યોજના તેમણે કરી હતી, જે ફુવારા સાથે તેમનું નામ જોડવાનું નક્કી થયું હતું એ ફુવારા સાથે પછીથી તેમનું નામ કેમ ન જોડાયું એ એક કોયડો છે.

ફ્લોરા ફાઉન્ટનની બાંધણીમાં નિયો ક્લાસિકલ અને ગોથિક સ્થાપત્ય શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આખો ફુવારો વિદેશી પથ્થરનો બનેલો છે. એની ડિઝાઇનમાં પથ્થર અને પાણીનો સુમેળ સાધવાનો પ્રયત્ન જોવા મળે છે. એના મથાળે રોમન દેવી ફ્લોરાની મોટી મૂર્તિ મૂકેલી છે જેના પરથી આ ફુવારાનું નામ પડ્યું છે. આ ફ્લોરાને ફળફૂલ, વસંત, પ્રેમ અને ફળદ્રુપતાની દેવી માનવામાં આવે છે. એક જમાનામાં વિક્ટોરિયા ટર્મિનસથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી બ્રિટિશ સ્થાપત્યની આણ પ્રવર્તતી હતી. સરકારી ઑફિસો ઉપરાંત દેશની અને વિદેશની અનેક મોટી કંપનીઓની ઑફિસો અહીં આવી હતી. વાઇટ-વે લેડલો અને ઇવાન્સ ફ્રેઝર જેવા જ્યાં મોટા ભાગે અંગ્રેજો જ ખરીદી કરવા જાય એવા સ્ટોર આવેલા હતા. વીટી અને ચર્ચગેટ બન્ને સ્ટેશનો નજીક હોવાથી આખો વિસ્તાર રાત-દિવસ ધમધમતો રહેતો હતો અને આ વિકાસરેખાના લગભગ મધ્યબિંદુએ આવેલો હતો ફ્લોરા ફાઉન્ટનનો ફુવારો. જાણે કિલ્લો તોડી પડાયા પછી વિકસેલા મુંબઈના ઊભરાતા ઉત્સાહ, વિકાસ, સમૃદ્ધિનું પ્રતીક ન હોય! ૧૯૬૦ પછી આ વિસ્તારનું સત્તાવાર નામ બદલાઈને હુતાત્મા ચોક બન્યું. ફુવારાથી થોડે દૂર સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળમાં શહીદ થયેલાઓના સ્મારકરૂપે નવું સ્થાપત્ય ઊભું થયું, પણ જેમ કિલ્લો તોડી પડાયા પછી એલ્ફિન્સ્ટન સર્કલ ઝાંખું પડ્યું એમ નરીમાન પૉઇન્ટનો વિસ્તાર વિકસ્યા પછી ફાઉન્ટન અને એની આસપાસનો વિસ્તાર પણ થોડો ઝંખવાયો. કેટલાંક વર્ષો ફુવારા માટે પણ દુર્દશાનાં વીત્યાં. આડેધડ સમારકામ થયું, સફેદ રંગના લપેડા લગાવાયા. એને ‘સુશોભિત’ કરવા માટે કેટલાક વાહિયાત નુસખા અજમાવાયા, પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં શહેરની ‘હેરિટેજ’ ઇમારતોની જાળવણી અને એના સમારકામ વિશેની દૃષ્ટિ બદલાઈ છે એનો લાભ ફ્લોરા ફાઉન્ટનને પણ મળ્યો છે. ઊછળતું, કૂદતું, વહેતું પાણી એ જીવનનું પ્રતીક છે અને આવું પાણી જ્યાં સતત જોવા મળે છે તે ફ્લોરા ફાઉન્ટન પણ મુંબઈ જેવા સતત ઊછળતા, કૂદતા, વહેતા શહેરનું જાણે પ્રતીક છે.

columnists deepak mehta mumbai