બે ઝવેરાત - (લાઇફ કા ફન્ડા)

04 October, 2019 03:24 PM IST  |  મુંબઈ | લાઇફ કા ફન્ડા - હેતા ભૂષણ

બે ઝવેરાત - (લાઇફ કા ફન્ડા)

પશુઓના એક મેળામાં ઊંટ વેચનાર વેપારી અને ઊંટ ખરીદવા આવનાર વેપારી વચ્ચે એકદમ સરસ ઊંચી નસલના એક ઊંટના ભાવતાલ માટે વાતચીત થતી હતી. અંતે બન્ને જણ એક ભાવ પર મંજૂર થયા. વેચનાર વેપારીને થયું મેં ઊંટનો સારામાં સારો ભાવ લીધો અને ખરીદનારને પણ સંતોષ હતો કે મેં બહુ સારી નસલના ઊંટને વાજબી ભાવે ખરીદ્યું. ઊંટ વેચનાર વેપારી પૈસા લઈને અને ખરીદનાર વેપારી ઊંટ લઈને પોતપોતાના ઘરે જવા નીકળ્યા.

ઊંટનો ખરીદદાર ઊંટ લઈને ઘરે પહોંચ્યો. પોતાના નોકરને બૂમ મારી કહ્યું કે ‘આ ઊંટને સંભાળ, એના પરથી કાઠી કાઢી એને બરાબર સાફ કર.’

નોકર માલિકની આજ્ઞા પ્રમાણે કરવા લાગ્યો. તેણે જ્યારે ઊંટની કાઠી કાઢી તો એ ખૂબ જ ભારી અને વધુ ગાદીવાળી હતી. વજનમાં ભારી કાઠીને કાઢતી વખતે નોકરને એની અંદર ગાદીની વચ્ચેથી એક મખમલનો મોટો બટવો મળ્યો. નોકરે એ બટવો ખોલીને જોયું તો એમાં અત્યંત મહામૂલાં હીરા-મોતી જડેલાં ઘરેણાં હતાં. નોકર તો એને જોતો જ રહી ગયો. તેણે તરત પોતાના માલિકને બોલાવ્યા અને ઘરેણાં બતાવતાં કહ્યું, ‘માલિક, તમે ઊંટ ખરીદીને લાવ્યા, પણ આ જુઓ; એની સાથે શું આવ્યું છે.’

ઊંટ ખરીદનાર વેપારી પોતાના નોકરના હાથમાં ચમકતાં કીમતી ઘરેણાં જોઈ રહ્યો. ઘરેણાં ખૂબ જ મૂલ્યવાન દેખાતાં હતાં. બે ઘડી તો તેને કઈ સમજાયું નહીં. થોડી પળો બાદ તે શાંતિથી બોલ્યો, ‘મેં ઊંટ વેચાતું લીધું છે, આ ઘરેણાં નહીં. મારે આ ઘરેણાં ઊંટ વેચનાર વેપારીને પાછાં આપી દેવા જોઈએ’ અને તે તરત જ પશુઓના મેળામાં પાછો ગયો. પેલા વેપારીને શોધ્યો અને તેના હાથમાં ઘરેણાં ભરેલો મખમલનો બટવો આપી દીધો. ઊંટ વેચનાર વેપારી આ ઘરેણાં તેણે ઊંટની ગાદીવાળી કાઠીમાં છુપાવ્યાં હતાં એ ભૂલી જ ગયો હતો. તે ખૂબ રાજી થયો અને ઊંટ ખરીદનાર વેપારીને કહેવા લાગ્યો, ‘આભાર તમારો, કોઈ આટલાં મૂલ્યવાન ઘરેણાં પાછાં આપવા આવે જ નહીં. તમે આમાંથી તમને જે ગમે એ બે ઘરેણાં ઇનામરૂપે લઈ લો.’

ઊંટ ખરીદનાર વેપારીએ કોઈ પણ ઇનામ લેવાની ના પાડી. વેચનાર વેપારીએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે ઊંટ ખરીદનાર વેપારી ધીમેથી બોલ્યો, ‘તમને આ બટવો આપતાં પહેલાં જ બે અતિકીમતી ઘરેણાં મેં મારી પાસે રાખી લીધાં છે.’

આ સાંભળી ઊંટ વેચનાર વેપારી બધાં ઘરેણાં જોવા લાગ્યો. એમાં એક પણ ઘરેણું ઓછું ન હતું. તેણે પૂછ્યું, ‘ભાઈ, આમાં તો બધાં ઘરેણાં છે તો તમે ક્યાં બે ઘરેણાંની વાત કરો છો?’

ઊંટ ખરીદનારે કહ્યું, ‘એ બે ઘરેણાં છે ‘ઇમાનદારી’ અને ‘આત્મસન્માન’ જે મેં આ ઘરેણાંની લાલચમાં આવ્યાં વિના જાળવી રાખ્યાં છે, જે અણમોલ છે.’

ઊંટ વેચનાર વેપારીએ તેને સલામ ભરી.

columnists